આંતરરાષ્ટ્રીય
સ્તરે નોકિયા કંપનીનું નામ ૧૯૯૦ના દાયકા બાદ વિખ્યાત થયું છે, કારણ કે
મોબાઇલ ક્રાંતિનો જન્મ આ સમયગાળા દરમિયાન થયો હતો, પરંતુ આ કંપનીની કથા તો
દોઢસો વર્ષ જેટલી જુની છે.
મોબાઇલના વેપારમાં નોકિયા કંપની નેવુંના દાયકામાં બજારમાં આવી હતી, પરંતુ
ફેડરિક ઇડેસ્ટમે આ કંપનીનો પાયો ૧૮૬૪માં કાગળની મિલ શરૂ કરીને નાખી દીધો
હતો. હવે ૧૮૬૪માં મોબાઇલની શોધ તો થઈ નહોતી એટલે ઇડેસ્ટમની કંપની કાગળો
બનાવતી હતી. લગભગ ત્રણ વર્ષ બદ ઇડેસ્ટમે વધુ એક કાગળની મિલની સ્થાપના
ફિનલેન્ડના નોકિયા શહેરમાં કરી હતી.
આ શહેરનું નામ નોકિયા એટલે રાખવામાં આવ્યું હતું કે તે નોકિયનવિટૉ નદીના
કિનારે આવેલું હતું અને ઇડેસ્ટમની કંપનીનું નામ નોકિયા એટલે રાખવામાં
આવ્યું કે તે નોકિયા શહેરમાં આવેલી હતી. ટૂંકમાં કહીએ તો ઇડેસ્ટમનો મૂળ
ધંધો કાગળો બનાવવાનો હતો પરંતુ થોડા સમય બાદ તેમણે રબર બનાવવાનું કામ પણ
શરૂ કર્યું, આ દરમિયાન ઇડેસ્ટમ નિવૃત્ત થઈ ગયા પણ કંપનીએ એક પગલું આગળ
વધીને કેબલ બનાવવાનું કામ પણ શરૂ કર્યું. વેપારમાં નવીસવી હોવાને કારણે
કંપની ગોથું ખાઈ ગઈ અને પ્રથમ વિશ્વયુદ્ધ પૂરૂં થતાંની સાથે જ નોકિયાનું
દેવાળું ફૂંકાઈ ગયું.
કંપનીના બીજા દોરની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે ફિનલેન્ડને ઓલિમ્પિક
રમતોમાં પ્રથમ ગોલ્ડમેડલ અપાવનાર દોડવીર વર્નર વેકમેને વર્ષ ૧૯૩૭માં
ડિરેક્ટર તરીકે કંપનીનું સુકાન સંભાળ્યું.વર્ષ ૧૯૬૭માં નોકિયા કંપનીનું
નામ બદલીને નોકિયા કોર્પોરેશન કરી દેવામાં આવ્યું. આ કંપની ઘણાં ઉત્પાદનો
બનાવવા માંડી જેમાં કાર અને સાઇકલનાં ટાયર, રબરનાં બૂટ, કેબલ, ટેલિવિઝન,
ઇલેક્ટ્રિકનો સામાન વગેરેનો સમાવેશ થતો હતો.
આ સમયગાળા દરમિયાન કંપનીનું સુકાન બિજોર્ન વેસ્ટરલેન્ડનાં હાથમાં આવ્યું,
તેમણે નોકિયા કોર્પોરેશનમાં ઇલેક્ટ્રોનિક્સ વિભાગ શરૂ કર્યો. લોકિયાના
મોબાઇલને પ્રથમ વખત લોકપ્રિયતા ૧૯૮૭ના સમયમાં મળી કે જ્યારે રશિયાના
પ્રમુખ મિખાઇલ ગોર્બોચોવે પોતાના સંચારપ્રધાન સાથે નોકિયા મોબાઇલ ઉપરથી
વાતચીત કરી હતી, જોકે આ સમયગાળા દરમિયાન કંપનીને ટેલિવિઝનનાં ઉત્પાદનમાં
ભારે નુકસાન થવા પામ્યું હતું અને કંપનીની ઝડપ એકદમ ધીમી પડી ગઈ હતી.
નોકિયા કંપનીના ઈતિહાસમાં સૌથી મોટું પરિવર્તન અને નિર્ણય વર્ષ ૧૯૯૨માં
લેવામાં આવ્યો હતો. મોબાઇલસેવાની સેકન્ડ જનરેશન તકનિક જીએસએમમાં નોકિયાએ
સૌથી પ્રથમ વિશ્વાસ બતાવ્યો અને તેમાં રોકાણ પણ કર્યું, આના કારણે જ તેને
મોબાઇલ ફોનની અગ્રગણ્ય કંપનીઓમાં ગણવામાં આવે છે. હાલ દુનિયાના ૧૨૦
દેશોમાં નોકિયાના કર્મચારીઓ કામ કરે છે.
કંપની ૧૪૦ દેશોમાં પોતાનાં ફોનનું વેચાણ કરે છે. ગત વર્ષ સુધી કંપનીનો વૈશ્વિક વાર્ષિક વેપાર ૪.૨ કરોડ યુરો (અંદાજે R ૨.૫૯ અબજ કરતાં પણ વધારે) સુધી પહોંચી જવા પામ્યો છે. દુનિયાના મોબાઇલ બજારમાં નોકિયાનો હિસ્સો ૩૩ ટકાનો છે.
Comments
Post a Comment