પ્રેમમાં વફાદારી ઘટી રહી છે? પ્રેમમાં ઉત્કટતા ટકી શકે ખરી? પ્રેમલગ્ન કરતાં ગોઠવણથી થયેલાં લગ્ન શું વધુ ટકે છે?
બુદ્ધિમાન સ્ત્રીઓ કહે છે કે લગ્નમાં આ વફાદારી કે પ્રેમમાં બેવફાઈ એ
શબ્દો એકવીસમી સદીમાં તદ્દન નકામા છે. એક સ્ત્રી બે પુરુષને પ્રેમ કરે કે
એક પુરુષ બે કે વધુ સ્ત્રીને પ્રેમ કરે તે આજે જગતભરમાં સામાન્ય છે. તેમાં આ
‘વફાદારી’ - ‘બેવફાઈ’ના જુનવાણી શબ્દો નક્કામા છે. દરેક વ્યક્તિ પોતાને
અને પ્રેમને (હા, પ્રેમને) વફાદાર રહે છે.
પ્રેમમાં પડવું સાવ ઈન્સ્ટંટ છે પણ પ્રેમ નિભાવવો મુશ્કેલ છે. પ્રેમમાં
પ્રેમીઓ શરૂમાં એકબીજાંને શરણે થાય છે.પછી અધકચરાં હોય તો અધવચ્ચે અટવાઈ
જાય છે, માત્ર મરણિયા જ મંજિલે પહોંચે છે.- ડો. પ્રકાશ કોઠારી
પાંચ વર્ષ પહેલાં જગવિખ્યાત મેગેઝિન ‘નેશનલ જ્યોગ્રાફિક’ના તંત્રીએ અમેરિકન
પત્રકાર લોરેન સ્લેટરને પ્રેમ વિષે લખવાનું કામ સોંપ્યું ત્યારે ટીપ આપી
કે પ્રેમ અને પેશન વચ્ચે શું સંબંધ છે, તેમ જ પ્રેમલગ્ન ટકે છે કે ગોઠવેલાં
લગ્ન ટકે છે તે જાણવા સૌથી પહેલાં હિન્દુસ્તાન જાય. લોરેન સ્લેટર
બેંગલોરમાં રેણુ દિનાકરનને મળ્યો. ૪૫ વર્ષની રેણુએ તેના અરેન્જડ મેરેજવાળા
પતિની વાત કરી. બન્નેને બે સંતાનો થયાં અને પછી છૂટાછેડા લઈ લીધાં. આ
લગ્નમાં તેણે પતિને પ્રેમ કરવા ઘણી કોશિશ કરી પણ તેને કોઈ જ કિક મળતી
નહોતી. પેશનનો અનુભવ થતો નહોતો. સાસુને ખુશ રાખવા સાડી પહેરવી પડતી. આખરે
રેણુએ હિંમત કરી.
બાળકોને લઈને બેંગલોર છોડતાં પહેલાં જીન્સ અને ટીશર્ટ પહેર્યા. મુંબઈમાં
તેને અનિલ મળી ગયો. અનિલને જોતાંવેંત જ તેનાં બધાં જ અરમાનો જાગી ઊઠ્યાં,
પેશન જાગી ઊઠયું અને તેની સાથે જીવન જોડયું. ‘નેશનલ જ્યોગ્રાફિક’ના લેખકે
પછી અન્ય એશિયન દેશો અને અમેરિકાનાં ‘પ્રેમી પાત્રોને’ મળીને તારણ કાઢ્યું
કે ‘પેશન યુઝઅલી એન્ડઝ’. સ્ત્રીનાં સૌંદર્ય અને તેના સેકસી દેખાવ પ્રત્યે
પુરુષમાં જે અદમ્ય વાસના જાગે છે તે મહ્દ અંશે સમાપ્ત થાય છે.
મહુવામાં ૧૯૪૨ની સ્વાતંત્ર્ય લડતમાં મારી સાથે ભણેલો મિત્ર એડ્વોકેટ વસંત
પારેખ આજે ૮૦ની ઉંમરે માત્ર અને માત્ર છૂટાછેડાના કેસ હાથ ધરે છે. મેં
પૂછ્યું: તારી પાસે છૂટાછેડાના કેસ આવે છે તેમાં પ્રેમલગ્નવાળા કેસ વધુ
હોય છે કે ટ્રેડિશનથી ગોઠવેલાં લગ્નવાળાના? વસંત પારેખે કહ્યું કે
પ્રેમલગ્નવાળાના છૂટાછેડાના કેસની સંખ્યા ત્રણગણી હોય છે! તેણે ‘નેશનલ
જ્યોગ્રાફિક’નું વાક્ય વાપર્યું - કાળક્રમે પેશન પર પૂર્ણવિરામ મુકાઈ જતું
હોય છે.
જીવનની કઠોર વાસ્તવિકતા સામે આવે ત્યારે પેશન ટકતું નથી. વસંત પારેખે
એડ્વોકેટ તરીકે વિખ્યાત ઉદ્યોગપતિ અને પશ્વિમ બંગાળના પૂર્વ ગવર્નર વીરેન
શાહ, કવિ હરીન્દ્ર દવે અને બીજી ઘણી સેલિબ્રિટીના કેસ હાથ ધર્યા છે. વીરેન
શાહને અંજનાબેન સાથે પ્રેમ થયો તે પેશન નહોતું. હરીન્દ્રભાઈને એક
સાહિત્યપ્રેમી મહિલા ડોક્ટર સાથે પ્રેમ થયો તે માત્ર પેશન નહોતું. સૌથી
ઉમદા દાખલો યુગાન્ડાથી હિજરત કરીને આવેલા મનુભાઈ માધવાણીનો છે. આ ત્રણમાંથી
કોઈએ પેશનને વશ થઈને નહીં પણ અંતરની સાચી લાગણીથી પ્રેમ કર્યોઅને એ પ્રેમ
નિભાવ્યો પણ ખરો. ‘નિભાવ્યો’ શબ્દ પણ આકરો છે, એટલે એમ કહીએ કે આ ત્રણેએ
પ્રેમનું નામ સાર્થક કર્યું છે.
પચીસેક વર્ષ પહેલાં હું ઉરૂલીકાંચન હતો ત્યારે મહારાષ્ટ્રના એક ગુજરાતી
કુટુંબના ઘરે ઊતર્યો. તેની પુત્રી ખૂબ જ માયાળુ, સંવેદનશીલ અને
અતિસંયમવાળી હતી. તેણે માત્ર સ્કૂલનું ભણતર કરેલું. એના ઘરે તેના ભાઈનો
મિત્ર ધંધાર્થે ઊતર્યો. એ માણસ રોમાન્સ કે પ્રેમ કે એવી બધી ‘ફાલતુ’ વાતમાં
માનતો નહોતો. તે ધંધાનું કામ ચલાવીને મુંબઈ પાછો આવી જતો. પેલી યુવતીએ
તેને પહેલી નજરમાં દિલ દઈ દીધું.
‘મેરી કલેર’ મેગેઝિનમાં એક હકીકતપ્રધાન લેખ આવેલો- ‘લવ એકચ્યુઅલી - લવ એટ
ફર્સ્ટ સાઈટ’. તેમાં પાંચ ઈન્ટલેકચ્યુઅલ્સના પ્રથમ નજરે થયેલા પ્રેમની વાત
હતી.
અર્જિતા ચૌહાણ ૨૯ વર્ષની ઈન્ફોટેકની પ્રોફેશનલ હતી. પ્રતાપ ત્રિખા ૩૩ નો
આર્કિટેકટ હતો. પ્રતાપની માસીની પુત્રીના લગ્નપ્રસંગે અર્જિતાએ પ્રતાપને
જોયો અને પ્રથમ નજરે પ્રેમ થયો. અર્જિતા રાજસ્થાનની રૂઢિચુસ્ત રજપૂત
ફેમિલીની હતી. જયારે પ્રતાપ પંજાબી બ્રાહ્મણ હતો. આ બન્ને કોમ ખૂબ જ
રૂઢિચુસ્ત હોય છે, પણ બન્નેએ પ્રેમલગ્ન કર્યા જે સફળ પણ થયાં.
રાજસ્થાની કુટુંબની કન્યા થવું, ઘણું ભણવું અને સાથે લાગણી કે ઉમળકાને
કાબૂમાં રાખવાં બહુ મુશ્કેલ હોય છે. એક રાજસ્થાની કુટુંબની કન્યાને મારું
આકર્ષણ થયું હતું. લગ્નના સાહસની વાત તો તેને માટે સ્વપ્નવત્ હતી.
ઉરૂલીકાંચનના આશ્રમમાં મારી રૂમમાં તે ચોક્કસ સમયે નિયમિત આવે. બે કલાક
બેસે. સાહિત્યની વાતો કરે. થોડું મોડું થાય એટલે તેના ઘરે એની બહેનપણીઓ
તેની માતાને પૂછે કે ‘સુશી ક્યાં છે?’ તો માતા કહે, ‘બીજે ક્યાં હોય?
કાન્તિભાઈ પાસે બેઠી હશે.’ આ ૪૫ વર્ષ પહેલાંની વાત છે.
રાજસ્થાની માતાને પણ પુત્રી પર કેટલો બધો વિશ્વાસ હોય છે તે આ દાખલા ઉપરથી
જણાય છે. તે છોકરી તેનાં લગ્નની કંકોત્રી સૌથી પહેલાં મને આપવા આવી હતી!
શું અમે પ્રેમમાં હતાં? એ તો તમે જ નક્કી કરો કે ત્રણ-ત્રણ મહિના સુધી કુલ
૧૮૦ કલાક ભકિતપૂર્વક નિયમિત મળવાની ચેષ્ટામાં પ્રેમ હોય કે નહી? પણ અહીં
પ્રેમ હતો. પેશન નહીં, સૌંદર્યભૂખ પણ નહીં, હૃદયની પરખ હતી.
પ્રથમ નજરના પ્રેમની વાતને વિદેશનાં મેગેઝિનો ખૂબ જ વાસ્તવિક ઠરાવે છે.
વિદ્વાન અને કવિપ્રેમી સેકસોલોજિસ્ટ ડો. પ્રકાશ કોઠારી કહે છે: ‘પ્રેમ શું
છે? પ્રેમ શબ્દ બોલતા પણ હોઠનું મિલન થઈ જાય છે. પ્રેમ એટલે મિલન... પણ
પ્રેમ કરવો સહેલો છે. પ્રેમમાં પડવું સાવ ઈન્સ્ટંટ છે પણ પ્રેમ નિભાવવો
મુશ્કેલ છે. પ્રેમ કરવો સહજ છે, પચાવવો કઠિન છે. પ્રેમમાં પ્રેમીઓ શરૂમાં
એકબીજાંને શરણે થાય છે. પછી અધકચરાં હોય તો અધવચ્ચે અટવાઈ જાય છે. માત્ર
મરણિયા જ મંજિલે પહોંચે છે. પ્રેમની પરખ થાય નહીં.
શૂન્ય પાલનપુરીએ કહ્યું છે કે-
પ્રેમ એ તો ત્યાગ કેરું નામ છે,
એ સમજવું એ ક્યાં બધાનું કામ છે!’
ડો. પ્રકાશભાઈને મેં પૂછ્યું કે તમે સેકસોલોજિસ્ટ છો, હજારો દર્દીએ તમને
કન્સલ્ટ કર્યા છે... પણ તમે છૂટાછેડાનું મુખ્ય કારણ શું છે તે કહેશો? ડો.
પ્રકાશ કોઠારી કહે છે, ‘છૂટાછેડાનું મુખ્ય કારણ ઈનકમ્પેટિબિલિટી હોય છે.
એકબીજાંની સાથે સ્વભાવ તેમ જ બીજી નક્કર વાતોમાં જામે નહી એટલે પતિ-પત્ની
છૂટાં પડી જાય. તેમાં મુખ્ય અને ગુપ્ત કારણમાં કામેરછાના મામલામાં બન્ને
વચ્ચે અસમતુલા હોય છે. સ્ત્રીઓની છૂટાછેડાની અરજીમાં પતિ ઈમ્પોન્ટન્ટ છે કે
લગ્નનો ભોગવટો બરાબર કરતો નથી એવાં કારણો અપાય છે.’
પ્રેમલગ્નમાં જ વધુ છૂટાછેડા થાય છે તેવા એડ્વોકેટ વસંત પારેખના વિધાન સાથે
ડો. કોઠારી સંમત થાય છે.ડો. કોઠારી ખુદનાં લગ્ન વિશે કહે છે, ‘મારા અને
વેણુનાં લગ્ન પ્રેમલગ્ન છે. હું જૈન છું. મારી માતા ઈરછતાં હતાં કે હું
જૈનમાં અને ખાસ તો પાલનપુરી જૈનમાં લગ્ન કરું. હું મુંબઈમાં (ચોપાટી પાસે)
સુખસાગર બિલ્ડિંગમાં પ્રેક્ટિસ કરતો હતો, ત્યાં બાજુમાં વેણુ એક
ફિઝિયોથેરપિસ્ટ સાથે કામ કરતી. એક વખત અમે બન્ને અચાનક મળી ગયાં... અને ધેટ
વોઝ ધ લવ એટ ફર્સ્ટ સાઈટ!’ અગાઉ આપણે માધવાણીની વાત કરી.
તેઓ લોહાણા કુટુંબના હતા. માધવાણીને કુમળી વયે એક કન્યા સાથે પ્રેમ થયો.
બન્ને પરણી શક્યાં નહીં. માબાપની ગોઠવણ પ્રમાણે જુદીજુદી જગ્યાએ પરણી ગયાં.
પછી જીવનના સંઘર્ષમાં પડી ગયાં. કાળક્રમે માધવાણી વિધુર થયા અને તેમની
પ્રેમિકા પણ વિધવા થયાં. અને? ...અને બન્નેનો પ્રેમ જાગી ઊઠયો. તેઓ પાછાં
સહચારી બની ગયાં.
તારક મહેતાને કોણ જાણતું નથી? તારકભાઈ અને (પ્રથમ પત્ની))ઈલાબહેન છૂટાં
પડ્યાં. ઈલાબહેનની બહેનપણી ઈન્દુબેનને પછી તારકભાઈ પરણ્યા. કમાલ એ થઈ કે
ઈલાબહેનને પછી તારકભાઈ વગર ચાલ્યું નહીં. તારકભાઈ મુંબઈથી અમદાવાદ ગયા
ત્યારે તેમના પાડોશમાં ઈલાબહેને ફ્લેટ લીધો. સાહચર્યમાં નહીં પણ પાડોશમાં
રહીને ઈલાબહેને જિંદગીથી વિદાય લીધી!
આજે ૨૧મી સદીમાં ભણતર સાથે ગણતર વઘ્યું છે. પશ્વિમમાં સ્ત્રીઓ વધુ ને વધુ
સ્વતંત્ર રહેવા ઈચ્છે છે. તેનો પવન હવે ભારતનાં શહેરોમાં લાગ્યો છે. સામ
રોબર્ટ્સ નામના પત્રકાર ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’માં લખે છે કે અમેરિકામાં
લગ્નની વય વટાવી ચૂકી હોય તેવી ૫૧ ટકા સ્ત્રીઓ લગ્ન વગર એકલી રહે છે. આને
ફ્રી-લાન્સ લવ કહે છે. ૨૦૦૭થી મેરિડ કપલની સંખ્યા સતત ઘટતી ગઈ છે.
બ્રુકિંગ્ઝ ઈન્સ્ટિટયુશન(વસતિના રંગરૂપ)ના ડેમોગ્રાફર ડો. વિલિયમ ફ્રે કહે
છે કે સ્ત્રીઓ હવે પોતાની લાઈફસ્ટાઈલને વળગી રહે છે. આજે અમેરિકામાં
નોન-મેરિડ પાર્ટનરો સાથે સ્ત્રીઓ રહે છે. દિલ્હીમાં પણ આ પવન આવ્યો છે.
હિન્દુસ્તાન તો જબ્બર દેશ છે. ગુજરાતીઓમાં કપોળ, બ્રાહ્મણો, રજપૂતો, સોરઠના
આહિરો, સોરઠિયા, લોહાણા, ભાટિયા વગેરે કુટુંબોમાં મોટે ભાગે ગોઠવેલાં
લગ્નો જ થાય છે. મેજોરિટી યુવતીઓએ પુરવાર કર્યું છે કે પતિ સાથે
કમ્પેટિબિલિટી હોય તો જે પ્રેમ કેળવાય છે તે જ સાચો અને દીઘર્જીવી નીવડે
છે.
પ્રેમનું તત્વ તો અજરઅમર છે. લંડનના ‘ઓબ્ઝર્વર’ નામના સાપ્તાહિકમાં
૭-૩-૧૦ના અંકમાં એક લેખ હતો- ‘યોર્સ અનફેઈથફુલી’! તેમાં જેના ઈન્ટરવ્યુ
લીધેલા તે બુદ્ધિમાન સ્ત્રીઓ કહે છે કે લગ્નમાં આ વફાદારી કે પ્રેમમાં
બેવફાઈ એ શબ્દો એકવીસમી સદીમાં તદ્દન નકામા છે. એક સ્ત્રી બે પુરુષને પ્રેમ
કરે કે એક પુરુષ બે કે વધુ સ્ત્રીને પ્રેમ કરે તે આજે જગતભરમાં સામાન્ય
છે. તેમાં આ ‘વફાદારી’ - ‘બેવફાઈ’ના જુનવાણી શબ્દો નક્કામા છે. દરેક
વ્યક્તિ પોતાને અને પ્રેમને (હા, પ્રેમને) વફાદાર રહે છે.
મને એક શેર ઝાંખો ઝાંખો યાદ છે -
ભટકા હુઆ મુસાફીર
દેર સે જબ ઘર લૌટતા હૈ
તો ઉસકો ભટકા હુઆ નહી કહતે.
ભટકો પણ લગ્નને અને મૂળ પ્રેમને યથાશક્તિ-યથાભક્તિ તો નિભાવો.
Comments
Post a Comment