
>26/11 મામલે આતંકી કસાબને ફાંસીની સજા યથાવત
>બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતાં નીચલી અદાલતનો ચુકાદો યથાવત રાખ્યો
>9 માસ પહેલા મુંબઈની નીચલી અદાલતે કસાબને ફાંસી આપી હતી
>આતંકીઓને મદદના કેસમાં ફહીમ અંસારી અને સબાઉદ્દીનને મુક્ત કરાયા
>ફહીમ અંસારી અને સબાઉદ્દીન પર મુંબઈ હુમલામાં મદદ કરવાનો આરોપ હતો
>નીચલી અદાલતે પણ બંનેને મુંબઈ હુમલાની મદદના આરોપમાંથી મુક્ત કર્યા હતા
>મહારાષ્ટ્ર સરકારે તેમના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી
બોમ્બે
હાઈકોર્ટે 26/11ના મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબની
ફાંસીની સજા યથાવત રાખી છે. 9 માસ પહેલા તેને મુંબઈની વિશેષ ફાસ્ટ ટ્રેક
કોર્ટે મુંબઈ હુમલાનો દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી.
ન્યાયમૂર્તિ
રંજના દેસાઈ અને ન્યાયમૂર્તિ આર. વી. મોરેની ખંડપીઠે સોમવારે કસાબની
ફાંસીની સજાને પુષ્ટિ આપી છે. તેની સાથે મુંબઈ હુમલામાં મદદના આરોપી બે
ભારતીયોને મુક્ત કરવાના નીચલી અદાલતના ચુકાદાને પણ બોમ્બે હાઈકોર્ટે યથાવત
રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ હુમલામાં મદદના આરોપમાં સબાઉદ્દીન અને
ફહીમ અંસારી નામના બે ભારતીયોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમને પુરાવાના
અભાવમાં નીચલી અદાલતે મુક્ત કર્યા હતા. આ ચુકાદા વિરુદ્ધ મહારાષ્ટ્ર
સરકારે બોમ્બે હાઈકોર્ટ સામે અરજી કરી હતી.
મહત્વપૂર્ણ છે કે નીચલી
અદાલતે ફહીમ અંસારી અને સબાઉદ્દીન અહમદને 6 મેના રોજ મુક્ત કર્યા હતા. તે
દિવસે જ કોર્ટે કસાબને દોષિત ઠેરવ્યો હતો. કસાબે ખુદને દોષિત ઠેરવતા નીચલી
અદાલતના ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કસાબ બોમ્બે
હાઈકોર્ટમાં તેના કેસની સુનાવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગથી હાજર થયો
હતો. એક વખત તે કેમેરા પર થૂંક્યો પણ હતો અને ન્યાયાધીશોને કહ્યું હતું કે
તેનો કેસ તે અમેરિકાની કોર્ટમાં ચલાવવા માંગે છે.
સરકારી વકીલ
ઉજ્જવલ નિકમે કસાબને આપવામાં આવેલી ફાંસીની સજાને ન્યાયસંગત ઠેરવતાં કહ્યું
હતું કે આ હુમલો લશ્કરે તોઈબાની સાજિશનું પરિણામ છે. પોતાની દલીલમાં કસાબે
તર્ક આપ્યો હતો કે પોલીસે તેને આ અપરાધના ષડયંત્રમાં ફસાવવા માટે ગિરગાંવ
ચોપાટી પર નકલી એન્કાઉન્ટર કર્યું હતું. તેણે હુમલા દરમિયાન મહારાષ્ટ્ર
એટીએસના પ્રમુખ હેમંત કરકરે, પોલીસ અધિકારી અશોક કાપ્ટે અને એન્કાઉન્ટર
સ્પેશ્યાલિસ્ટ વિજય સાલસ્કરની હત્યાના આરોપોને નકારી દીધા છે.
કસાબ
કેટલાંક પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગથી હાઈકોર્ટ સમક્ષ રજૂ થયો હતો. એક
વખત તે કેમેરા પર થૂંક્યો હતો અને તેણે ન્યાયાધીશોને કહ્યું હતું કે તે
પોતાનો કેસ અમેરિકાની કોર્ટમાં ચલાવવા ઈચ્છે છે. કોર્ટે કસાબ અને તેના
સાથીદારોના આતંકવાદી હુમલામાં સામેલ થવાને પ્રદર્શિત કરનારા ફૂટેજ બે વખત
જોયા છે. કસાબના વકીલ અમીન સોલકરે આરોપ લગાવ્યો છે કે પોલીસે કસાબને ફસાવવા
માટે સીસીટીવીના કેટલાંક ફૂટેજ દબાવી દીધા છે.
Comments
Post a Comment