''યે લંબી રેસ કા ઘોડા હૈ ! ''- દીવાર
મર્સિડીઝમાં આવતાં યુવાનો 'એ' બાંકડા પર સૂવા ઝઘડે છે
મારી
અંગત જિંદગીમાં સિધ્ધીઓ નાન-નાની રહી છે, પણ એનો રોમાંચ મોટો રહ્યો છે.
મને યાદ છે એ દિવસ જ્યારે મારી કોલમ 'ડૉ.ની ડાયરી'નો પ્રથમ એપિસોડ અખબારી
પૂર્તિમાં પ્રગટ થયો હતો. મને એ તારીખ પણ યાદ છે. ચૌદમી જુલાઈ, ઓગણીસ સો
ત્રાણું. આજે અઢાર વર્ષ પછી ઘણી વાર હું બુધવારનું છાપું વાંચવાનુંયે ભૂલી
જઊં છું. પ્રથમ વિજાતીય સ્પર્શ, પ્રથમ ચુંબન, પ્રથમ પ્રેમ-આ બધાંનો એક ખાસ
રોમાંચ હોય છે; જે 'પ્રથમ વાર' વખતે જ અનુભવી શકાય છે.
મારી પાસે
મારા પોતાનાં હજારો (સેંકડો નહીં, પણ હજારો) ફોટોગ્રાફ્સ હશે. મને કેમેરા
સાથે રાખવાનું વળગણ છે. જ્યાં પણ હું ગયો હોઉં ત્યાંની તસવીરો મારે ખેંચવી જ
પડે અને બીજાંને કહીને ખેંચાવવી જ પડે. પણ મારો એક પણ ફોટોગ્રાફ મને એટલો
રોમાંચિત નથી કરી શકતો, જેટલો એક ખાસ ફોટોગ્રાફ કરે છે. એ ફોટો મેં ખેંચેલો
છે; એમાં જોઇ શકાય છે કે મારા પિતાજી અખબારની બુધવારીય પૂર્તિના પાનાં
ઊઘાડીને મારી કોલમ વાંચી રહ્યા છે. મારી કોલમનું મહત્વ ગુજરાતી વાંચકોને મન
કદાચ ચપટીભાર જેટલુંયે ન હોય, પણ મારા પિતાજીને મન મબલખ છે. અને એ વાતનો
રોમાંચ મારા માટે જ્ઞાનપીઠ એવોર્ડ કરતાંયે વધારે છે.
અમિતાભ બિગ-બી
તો પછી થયા. તેઓ મહાન તો બહુ વર્ષો પછી બન્યા, 'સાત હિંદુસ્તાની' વખતે એ
માત્ર લાંબા હતા. 'સાત હિંદુસ્તાની'એ કંઈ નોંધપાત્ર ફિલ્મ ન હતી. પણ એ તો
આપણાં માટે. અમિતાભ બચ્ચન માટે તો એ કારકિર્દીની પહેલી ફિલ્મ હતી. અને એ
1969ના વર્ષમાં રિલીઝ થઇ રહી હતી. અમિતાભ પોતાના બાબુજી અને મમ્મીજીને લઇને
દિલ્હીની શીલા ટોકીઝમાં આ ફિલ્મ જોવા માટે ગયા હતા. એમનો રોમાંચ સમજી શકાય
તેવો છે.
દીકરા કરતાંયે અધિક રોમાંચિત એના મા-બાપ હતા. એનું કારણ
અતીતની કેટલીક ઘટનાઓમાં રહેલું હતું. દાયકાઓ પહેલાં કવિ હરિવંશરાય બચ્ચનને
હિંદી ફિલ્મોમાં ગીતકાર બનવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ સમય
બચ્ચનજી માટે આર્થિક સંકડામણનો સમય હતો. એમના કેટલાંક કવિમિત્રો હિંદી
સિનેમામાં ગોઠવાઇ પણ ગયા હતા. અને તગડી કમાણી કરી રહ્યા હતા. કવિ બચ્ચનજીને
પણ મોટી ને લલચામણી 'ઓફર' આપવામાં આવી હતી. પણ બચ્ચનજીનું મન માન્યું
નહીં. એમણે ધરાર ના પાડી દીધી. એમનો જવાબ હતો : ''હું સાહિત્યિક સ્તરના
ઊંચા ધોરણોને જાળવીને મારી કવિતા લખું છું. મારી કવિતા જીવનની સચ્ચાઇમાંથી
આવે છે; એમાં મારું જીવનદર્શન પ્રતિબિંબિત થાય છે. જગતની કડવી-મીઠી હકીકતો,
અનુભવો અને એમાંથી લાધેલી ફિલસૂફીના પેટમાંથી મારી કવિતા જન્મ લે છે.
સિનેમાની ઉટપટાંગ ઘટનાઓને અનુકૂળ આવે તેવી તાલમેલીયા કવિતાઓ હું લખવા માગતો
નથી. મારી ગરીબી સ્વૈચ્છિક છે અને એને દૂર કરવા માટે હું મારા સ્તરથી નીચો
પડવા તૈયાર નથી"
અમિતાભના માતા તેજીજીને પણ ફિલ્મોમાં અભિનેત્રી
બનવા માટેની એક કરતાં વધુ વાર 'ઓફર્સ' આવી હતી. તેજી નાટકોમાં તો કામ કરી જ
ચૂક્યાં હતાં. ફિલ્મોમાં જવાની એમની ઇચ્છા પણ હતી અને તૈયારી પણ. બાબુજીએ
એમને મનાઇ ફરમાવી દીઘી. કવિ નહોતા ઇચ્છતા કે તેજીની ફિલ્મી કારકિર્દીના
કારણે એમના બંને દીકરાઓના ઊછેરમાં ખામી રહી જાય.
પતિ-પત્ની બંનેએ
સિનેમાની ચમક-દમક સામે ચાલીને જતી કરી દીધી હતી, પણ એ વાતનો વસવસો, અફસોસ
અને ચચરાટ દાયકાઓ પછીયે ચાલુ જ હતો. એ બધું એમના દીકરાએ આજે ભૂલાવી દીધું.
દિલ્હીના સિનેમાઘરમાં અમિતાભની પહેલી ફિલ્મ જોવા માટે ત્રણેય જણાં
નીકળ્યાં, ત્યારે ખુદ અમિતજી કરતાં એમના માતા-પિતાનો રોમાંચ અનેક ગણો વધારે
હતો.
ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'ને પ્રેક્ષકો તરફથી નબળો પ્રતિસાદ
સાંપડ્યો. એ માટેના અનેક કારણો હતા. સૌથી મોટું કારણ ફિલ્મકાર
કે.એ.અબ્બાસનું નામ કમર્શિઅલ ફિલ્મ પ્રોડ્યુસર તરીકે જાણીતું ન હતું. તેઓ
માત્ર ઉદ્રેશ્યપૂર્ણ ફિલ્મો જ બનાવતા હતા. વધુમાં 'સાત હિન્દુસ્તાની'નું
કથા વસ્તુ જેના પરથી લેવામાં આવ્યું હતું એ ગોવાની લડાઇને સાત-આઠ વર્ષ વીતી
ચૂક્યા હતા. વચ્ચેના સમયગાળામાં ભારત-ચીન તથા ભારત- પાકિસ્તાનના યુધ્ધો
ખેલાઇ ચૂક્યા હતા. એટલે દેશની જનતાની સ્મૃતિમાંથી ગોવાનું યુધ્ધ પાછળ
ધકેલાઇ ગયું હતું. ઉપરાંત એ કોઇ બિગ-બજેટવાળી ફિલ્મ તો હતી નહીં; કલાકારો
પણ ઉત્પલ દત્તને બાદ કરતાં બધાં જ નવા અને અજાણ્યા હતા. એટલે ટિકીટબારી ઉપર
આ ફિલ્મ પીટાઇ ગઇ એમાં કોઇને નવાઇ ન લાગી.
ફિલ્મ દસ અઠવાડિયા ચાલી
કે દસ દિવસ એ બાબત મહત્વની ન હતી; અમિતાભ નામનાં યુવાન, નવોદિત અભિનેતા
માટે એ વાત અત્યંત મહત્વની હતી કે પૂરી ફિલ્મમાં માત્ર એનું જ કામ
વખાણવામાં આવ્યું હતું. વર્ષના અંતે જ્યારે ભારત સરકાર તરફથી સિનેમાને
અપાતા રાષ્ટ્રિય પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા,ત્યારે 'સાત
હિન્દુસ્તાની'માં અમિતાભના સુંદર અભિનયનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો.
અમિત માટે સૌથી યાદગાર ક્ષણ એ હતી જ્યારે હિંદી ફિલ્મ જગતની જાજરમાન અભિનેત્રી, ટ્રેજેડી ક્વીન મીનાકુમારીએ એને કહ્યું કે......!
મીનાકુમારીએ શું કહ્યું એ વિષે પછી વાત કરીશું.
..............
'સાત
હિન્દુસ્તાની' રીલીઝ થઇ તે પહેલાં જ અમિતાભને બીજી ફિલ્મ મળી ગઇ. એ હતી
'રેશમા ઔર શેરા'. એ સુનિલ દત્ત સાહેબનાં હોમ પ્રોડક્શનની ફિલ્મ હતી.
દેખીતું છે કે એ ફિલ્મમાં અમિતને કામ મળ્યું. એ માટે એની અભિનય-ક્ષમતા
જવાબદાર ન હતી. સુનિલ દત્તને એક પત્નીજી હતાં, જેમનું નામ નરગિસ હતું.
નરગિસજીને એક ગાઢ સહેલી હતી, જેનું નામ તેજી બચ્ચન હતું. તેજીજીના બે
દીકરાઓમાં એક મોટો (પાટવી) કુંવર હતો, એનું નામ અમિતાભ હતું. આ વર્તુળની
છેલ્લી કડી એ હકીકત હતી કે તેજી બચ્ચને અગાઉ એકવાર નરગિસને વિનંતી કરી હતી
કે તેઓ અમિતને હિંદી ફિલ્મમાં નાનું-મોટું કામ અપાવે.
નરગિસની
ભલામણના કારણે દત્ત સાહેબે અમિતાભને 'રેશ્મા ઔર શેરા'માં એક નાનકડો રોલ આપી
દીધો. સૌથી મોટું આશ્ચર્ય એ વાતનું હતું કે આખીયે ફિલ્મમાં અમિતાભના ભાગે
એક પણ સંવાદ આવતો નહતો! કારણ કે ફિલ્મમાં એ જે પાત્ર ભજવવાનો હતો તે ભોલા
નામનો યુવાન તદ્દન મૂંગો હતો.
આને અમિતાભની સૌથી મોટી કરમકઠણાઈ ગણી
શકાય. એ સમયે એની પાસે જમા પાસા જેવી એક જ ચીજ હતી: એનો અવાજ. અને આ
ફિલ્મમાં એનો અવાજ દબાવી દેવામાં આવનાર હતો.
વર્ષો પહેલાં દિલ્હીના
ઓલ ઇન્ડિયા 'રેડીયો'ના સરકારી બાબુઓએ અમિતાભનો અવાજ 'રીજેક્ટ' કરી દીધો
હતો; શા માટે ? કેમ કે અવાજ એમને પસંદ પડ્યો ન હતો.
હવે દત્ત સાહેબે
આ જ અવાજે મારી નાખ્યો; શા માટે? તો કે એમને આ અવાજ ખૂબ જ પ્રભાવશાળી
લાગ્યો હતો. પણ ફિલ્મમાં અમિત જે પાત્ર ભજવવાનો હતો એ ભોલો સાવ જ ઢીલોઢફ્ફ
માણસ હતો. એની આસપાસના બધાં માણસો એની ઉપર હાવી થઈ જતાં હતાં. જો 'ભોલો'
માત્ર એક જ વાક્ય બોલી બેસે, તો એ ખુદ બધાંની ઉપર હાવી થઈ જાય! એટલે દત્ત
સાહેબે આ ઘેરા અવાજના માલીકને 'મ્યુટ' કરી દીધો.
આ તો એવું લાગે છે
કે જાણે કે ટીમ ઈન્ડિયામાં સચિનનો સમાવેશ કરવામાં આવે, પણ બેટ્સમેન તરીકે
નહીં! કારણ એટલું જ કે એ ખૂબ સારું બેટિંગ કરી જાણે છે પણ આ મેચમાં એણે
શૂન્ય રનમાં જ આઉટ થઈ જવાનું છે!
અમિતાભની જિંદગીમાં બે વસ્તુઓ કાયમ
બદલાતી રહી છે: સ્ત્રી-મિત્રો એને સરનામાં. એક ચીજ બદલાતી રહેવાનું કારણ
એની રોમેન્ટિક પ્રકૃતિ છે અને બીજી વસ્તુ બદલાતી રહી એનું કારણ મજબૂરી છે.
મુંબઈમાં
પણ એમ જ બન્યું. જ્યાં સુધી નાનો ભાઈ બંટી શો-વોલેસ કંપનીની મુંબઈ ખાતેની
ઓફિસમાં નોકરી કરતો હતો ત્યાં સુધી અમિતને રહેઠાણની સમસ્યા નડતી ન હતી. પણ
એક દિવસ કંપનીએ બંટીની બદલી મદ્રાસ ખાતે કરી દીધી. અમિત હવે બેઘર થઈ ગયો.
એણે
દિલ્હી ફોન કરીને પિતાને વાત કરી, "બાબુજી, હું ભારે તકલીફમાં મૂકાઈ ગયો
છું. મારી પાસે પૈસા છે નહીં. ભાડાનું મકાન મને પરવડે તેમ નથી. તમારી
પાસેથી પૈસા ન મંગાવવાનું મેં વ્રત લીધું છે. 'સાત હિન્દુસ્તાની'માં કામ
કરવા બદલ અબ્બાસ સાહેબે મને પાંચ હજાર રૂપિયા આપ્યાં હતાં તે પણ ખર્ચાઈ ગયા
છે. દત્ત સાહેબે પછી પૈસા આપવાનો વાયદા કર્યો છે. મને સમજાતું નથી કે હું
શું કરું ?
"તું ખાવા-પીવાનું શું કરે છે?"
"મારા મિત્રો છે;
અનવર, જલાલ આગા અને ટીનું આનંદ. સવારે ઉઠીને અમે કામની તલાશમાં નીકળી પડીએ
છીએ. એક પછી એક સ્ટુડીયોના ચક્કર કાપતાં રહીએ છીએ. પાણી ખાઈએ છીએ અને પાણી
પી લઈએ છીએ. રાત્રે કોઇ સસ્તી રેસ્ટોરાંમાં એગ્ઝ કરી અને ટોસ્ટ જમી લઈએ
છીએ. પણ મોટો સવાલ માથું ઢાંકવાનો છે. રાતે સૂવા માટે છત્ત નથી."
બાબુજીએ
છતની વ્યવસ્થા કરી આપવાની બાંહેધરી આપી. એમના એક જૂના પરિચિત મિસિસ
ખેતાનને વાત કરી. મિસિસ ખેતાને કહ્યું, "અમિતને બે દિવસ પછી મોકલી આપો. હું
એને મારા ઘરમાં રાખીશ."
આ બે દિવસ અમિતજીની જિંદગીના સૌથી ખરાબ
દિવસો હતાં. ખિસ્સું તદ્દન ખાલી થઈ ગયું. હાથ પર એવું કોઈ ખાસ કામ ન હતું.
બે જોડી કપડાં હતાં. 'રોટી, કપડાં ઔર મકાન' એ કોઈ ચૂનાવી નારો ન હતો પણ
ભવિષ્યમાં હિંદી ફિલ્મોનો શહેનશાહ બની જનારા આ ઉત્તમ અભિનેતાના સંઘર્ષમય
સમયની ઝમીની હકીકત હતી.
અમિતાભ વરલીની સિટી બેકરીની સામેની ફૂટપાથ
ઉપર બેસી રહેતો; રાતના બાર વાગવાનો એને ઈંતેઝાર રહેતો હતો. પેટમાં ગલૂડીયાં
બોલતા હોય પણ ખિસ્સામાં ચંદ સિક્કાઓનું પરચુરણ માત્ર ખખડતું હોય. સિટી
બેકરીના માલિકનો રોજનો નિયમ હતો કે રાત્રે બાર વાગ્યો બેકરી બંધ કરવાના
સમયે જે માલ વધ્યો હોય તે અડધાં ભાવે કાઢી નાખવો. ચાર આનામાં જેટલાં
બિસ્કિટ્સ મળી શકે એટલાં બે આનામાં મળી જતા હતા. અમિતાભ સિટી બેકરીના અડધા
ભાવના બિસ્કિટ્સ ખાઈને હોજરીની બાકીની ખાલી જગ્યા પાણી વડે ભરી લેતો હતો.
પછી ઊંઘી જતો હતો.
અહીં આપણને બધાંને એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
જો રહેવા માટે અમિતાભ પાસે ઘર ન હતું તો એ ક્યાં ઊંઘી જતો હતો? સાંભળીને
આપણાં મોંમાંથી હાયકારો નીકળી જશે: અમિતાભે બે રાત્રિઓ મરીનડ્રાઈવના
દરિયાકાંઠા પરના બાંકડા ઉપર ઊંઘીને વિતાવેલી છે.
ત્રીજા દિવસે એ મિસિસ ખેતાનનાં મકાનમાં રહેવા માટે ચાલ્યો ગયો.
આ
જગત વહેમી અને અંધશ્રદ્ધાળુ લોકોથી ખદબદે છે. હિંદી ફિલ્મોમાં કામ કરવાની
મહત્વાકાંક્ષા લઈને આજે પણ કેટલાંય નવયુવાનો દેશના દૂર-દૂરના ગામડાંને
શહેરોમાંથી મુંબઈમાં ઠલવાતા રહે છે. કેટલાંય તો ઘરેથી ભાગીને આવેલા હોય છે.
એ દરેક યુવાનની એક માત્ર મહેચ્છા ભવિષ્યમાં અમિતાભ બચ્ચન બનવાની હોય છે. એ
લોકો પ્રેરણા મળે એ હેતુથી અમિતાભાના સંઘર્ષકાળની વાતો જ્યાંથી મળે
ત્યાંથી જાણી લેતા હોય છે. એમાં જ્યારે આ ઘટના સાંભળવા મળે કે યુવાન
અમિતાભે ભૂતકાળમાં બે રાતો મરીનડ્રાઈવના બાંકડા ઉપર વિતાવી હતી, ત્યારે આ
જુવાનિયાઓને સુપરસ્ટાર બનવા માટેની એક વિશ્વાસપાત્ર દિશા હાથ લાગી જાય છે.
આ
મહત્વાકાંક્ષી યુવાનો આજે પણ વરલીની સિટી બેકરીની સામી બેસી રહે છે. રાતના
બાર વાગ્યા પછી અડધા ભાવે મળતાં બિસ્કિટ્સ ખરીદીને પેટમાં ઠાલવે છે. પછી
પાણી પીને મરીનડ્રાઈવના એ જ બાંકડા ઉપર લંબાવી દે છે.
આ બધાં કંઈ
ગરીબ નથી હોતા ! ઘણાં યુવાનો તો બાપની કમાણીની મર્સિડીઝમાં બેસીને આવે છે.
તાજ હોટલમાં ડીનર લીધા પછી બેકરીના બિસ્કિટ્સ ખાય છે. ગાડીમાં મિનરલ વોટરની
બોટલ પડી હોવાં છતાં બેકરી બાજુના નળમાંથી આવતું પાણી પીવે છે. પછી પૂછપરછ
શરૂ કરે છે: ''બિગ -બી જ્યાં સૂતા હતા, એ બાંકડો આ છે કે પેલો?'' પછી
મુંબઈમાં જ પોતાની માલિકીનો બંગલો મૌજુદ હોવા છતાં એક ધાર્મિક વિધિની જેમ
બે રાત એ બાંકડા ઉપર પસાર કરી નાખે છે.
ઘણી વાર તો દસ-પંદર ઉમેદવારો
એક સાથે ભેગા થઈ જાય છે અને બાંકડા પર સૂવા માટે ઝઘડી પડે છે. આજુબાજુના
ભીખારીઓને નવાઈ લાગે છે કે આ બાંકડામાં એવું તે શું છે કે આટલાં બધાં સુખી
અને સોહામણા જુવાનિયાઓ એના માટે હોડ લગાવી રહ્યા છે !
દેખીતું છે કે
આવા લાખો યુવાનોમાંથી બીજો અમિતાભ બહાર આવ્યો નથી. એમને કોણ સમજાવે કે એ
બાંકડો કંઈ વીર વિક્રમરાજાનું સિંહાસન નથી, જેની ઉપર બેસવા માત્રથી કોઈ
ભરવાડનો છોકરો પણ ન્યાય તોળવા જેટલો બુધ્ધિશાળી બની જાય !
મહત્વ
બાંકડાનું નથી, પણ સંઘર્ષનું છે. માત્ર સંઘર્ષનુંયે મહત્વ નથી, પણ સાચું
મહત્વ સંઘર્ષ ચાલુ રાખવાનું છે અને શારીરિક સંઘર્ષ કરતાં-કરતાં માનસિક રીતે
તૂટી ન જવાનું છે.
ફિલ્મ 'સાત હિંદુસ્તાની' ટિકીટબારી ઉપર બુરી
રીતે પીટાઈ ચૂકી હતી, એનો એક હીરો બાંકડા ઉપર આવી ગયો હતો. સામા પક્ષે
સિનેમાની સૌથી વધુ સફળ અને ટ્રેજેડી ક્વીન તરીકે જાણીતી બની ગયેલી હીરોઈન
મીનાકુમારી અમિતાભના કામને બિરદાવી રહી હતી. મીનાકુમારી સ્વયં પોતાનાં અવાજ
અને આંખો પાસેથી બહેતરીન કામ લઈ શક્તાં હતાં. ટ્રાયલ શોમાં ફિલ્મ જોયા પછી
એમણે અમિતાભની પીઠ થાબડીને એક જ શબ્દ ઉચ્ચાર્યો હતો : ''બહેતરીન !''
ફિલ્મ
'દીવારમાં' ઈફ્તેખાર એના સાગરીતને કહે છે: ''યે લડકા એક દિન જરૂર બડા આદમી
બનેગા. યે લંબી રેસકા ઘોડા હૈ જો રેસ શરૂ હોતી હૈ'' તબ સબસે પીછે હોતા હૈ,
લૈકીન રેસ ખત્મ હોને તક સબસે આગે નીકલ જાતા હૈ.''
Comments
Post a Comment