ઈક રહે ઈર, ઈક રહે બીર, ઈક રહે ફ્તે ઔર ઈક રહે હમ- ‘અદાલત’
અમિતાભ સાથે પોતાની પ્રથમ ફિલ્મના શૂટિંગ વખતે શું થયું હતું?
અખબારોમાં
અવાર-નવાર સમાચારો છપાતાં રહે છે. ટી.વી.ની ન્યુઝ ચેનલ પર ર્દશ્યો જોવાતાં
રહે છે. આજે અમિતાભ બચ્ચન માત્ર એક દિવસ માટે ફલાણા કાર્યક્રમમાં હાજરી
આપવા માટે વિદેશમાં ચાલતું શૂટીંગ છોડીને ખાસ વિમાનમાં બેસીને મુંબઇ આવ્યા
અને બે કલાક હાજરી આપીને પાછા વિમાનમાં બેસીને ચાલ્યા ગયા.
ક્યારેક
આઇફાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દેશ-પરદેશમાં ઊંડાઊડ કરતાં અને લાલ
જાજમનું સ્વાગત પામતા અમિતજી અભિષેક અને ઐશ્વર્યાની ‘વર્લ્ડ ટુર’ના સમાચારો
ચમકતા રહે છે. ચારે બાજુ ચમક-દમક અને પ્રસિધ્ધિનો ઝળહળાટ હોય છે.
ક્યારેક
જોઉં છું કે અમિતજી એમના પૂરા પરીવારની સાથે હેલિકોપ્ટરમાં બેસીને થોડાં જ
કલાકોની અંદર મુંબઇથી બદ્રિનાથ અને કેદારનાથ પહોંચી જાય છે. એમની સાથે
અનિલ અંબાણી અને ટીના અંબાણી હોય છે. ભક્તોની ભીડ બાજુ પર હટી જાય છે અથવા
હટાવી દેવાય છે. દેશના આ સૌથી વી.વી.આઇ.પી. એવા શ્રીમાન બિગ-બી માટે
ભગવાનના ધામમાં ફાઇવ સ્ટાર વ્યવસ્થા ઊભી થઇ જાય છે. દિવસો અને મહિનાઓથી પગે
ચાલીને કે બસમાં બેસીને કે ટટ્ટુ ઉપર કે કંડીમાં બેસીને આવતા સેંકડો,
હજારો શ્રધ્ધાળુઓ મોં ફાડીને જોઇ રહે છે અને બોલિવૂડનો આ બેતાજ બાદશાહ પાછો
હેલિકોપ્ટરમાં બેસીને આસમાની મારગડે રવાના થઇ જાય છે.
એક વાર
ટચૂકડા પડદે અમિતજીની તિરૂપતિ બાલાજીની યાત્રાના ર્દશ્યો પણ જોવા મળ્યા
હતા. એ જ સુવિધા. એ જ પંચતારક વ્યવસ્થા. એ જ ચમક-દમક. ભાવિક ભક્તો જેમની
હેસિયત ભગવાન બાલાજીના ચરણોમાં દસ-વીસ કે સો-બસો રૂપિયા ભેટ ધરવા જેટલી છે
તે બધાંને દૂર હડસેલી દેવામાં આવે છે. ત્રણ-ચાર કલાક માટે બાલાજીનું
ગર્ભગૃહ આ ધનવાનોના હવાલે કરી દેવામાં આવે છે. પછી જાણવા મળે છે કે અમિતાભ
બચ્ચને ભગવાનના ચરણોમાં એક કરોડ રૂપિયા (ફક્ત) ભેટરૂપે મૂક્યા અને એમના
રસાલા સાથે એ રવાના થઇ ગયા.
મારું સમાજવાદી (વધુ સાચું કહું તો
ગરીબવાદી) મન મને ખુદને કાંટાળો સવાલ પૂછી બેસે છે : “આ અમીર-ઉમરાવ જેવી
જિંદગી જીવતાં મિ.બચ્ચનને ભારતના કરોડો ગરીબો વિષે કશી જાણકારી હશે ખરી?
‘પ્રતીક્ષા’ અને ‘જલસા’ની જહોજહાલીમાં કેદ આ મહાશયને ઝૂંપડાવાસીઓની લાચારી
વિષે લેશમાત્ર માહિતી હશે ખરી? ભારતીય રેલની ટ્રેનોમાં ખીચોખીચ પૂરાયેલા
ઢોરની જેમ મુસાફરી કરતાં કરોડો દેશવાસીઓની તકલીફો આ માણસે ક્યારેય વેઠી હશે
ખરી? ફાઇવ સ્ટાર કે સેવન સ્ટાર હોટલોમાં જ ઉતરવાનું પસંદ કરતાં આ જનાબને
એવી ખબર હશે ખરી કે આ દેશના કરોડો કમનસીબ લોકો ઘરતી બહાર પગ મૂકે છે એ પછી
મોંઘી હોટલને બદલે ધર્મશાળા, મંદિરનો ઓટલો કે જૂના ડાકબંગલો શોધતા રહે છે?”
જવાબ
મારી અંદરથી જ પ્રગટે છે : “અમિતજીને આવી બધી જાણકારી ક્યાંથી હોય? ન જ
હોય! એમને ક્યાં આવા પ્રવાસો કરવા પડ્યા છે? એમણે ક્યાં કદિયે ભૂખ્યા પેટે
સૂઈ જવું પડ્યું છે? એમને તો એ ખબર પણ નહીં હોય કે ડાક બંગલો કોને કહેવાય?
ભોંય પથારી એટલે શું એની વ્યાખ્યા એમને કોણ આપવાનું હતું; રાજીવ ગાંધી?
અમરસિંહ અનિલ? અંબાણી? હંહ, કહતા ભી દીવાના, સૂનતા ભી દીવાના!”
1969નું
વર્ષ. ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’ના શૂટીંગ માટે ખ્વાજા અહેમદ અબ્બાસ સાહેબ
એમના પૂરા યુનિટને લઈને ગોવાના અંદરના વિસ્તારોમાં ફરતા હતા. ગાઢ જંગલો,
ઝૂંપડાઓથી વસેલાં ગામડાંઓ, પહાડો, ટેકરીઓ, દરિયો, નદીઓ અને ઝરણાંઓ.
ઊતારા
માટે અબ્બાસ સાહેબે સરકારને વિનંતી કરી. સરકારે કહ્યું,“અહીં માત્ર એક જ
ડાકબંગલો છે. એમાં તમામ માણસોનો સમાવેશ કરી શકતાં હો, તો કરી લો!”
ડાકબંગલામાં
ત્રણ નાનાં ઓરડાઓ હતા અને એક વિશાળ કોમન-રૂમ હતો. એમાંથી એક ઓરડો ઉત્પલ
દત્તને ફાળવી દેવામાં આવ્યો. ઉત્પલ દત્ત સૌથી વરીષ્ઠ કલાકાર હતા એ ઉપરાંત
એમની સાથે એમના પત્ની શોભાજી પણ આવેલાં હતાં. ફિલ્મની એક માત્ર નાયિકા
શહનાઝને પણ એમની સાથે મૂકી દેવામાં આવી. બીજો રૂમ સાઉન્ડ ટ્રેકના માણસોને
આપવામાં આવ્યો. એમના માટે આ વાત બહુ રાજી થઇ જવા જેવી ન હતી, કેમ કે સાઉન્ડ
ટ્રેકનો તમામ સમાન પણ એ જ રૂમમાં ખડકી દેવામાં આવ્યો. ત્રીજો રૂમ
સ્વાભાવિક પણે જ જહાજના કેપ્ટન એવા અબ્બાસ સાહેબ માટે ‘રીઝર્વ્ડ’ જ હોય; પણ
એમને બદલે એ ઓરડો બે ખાસ માણસોને ફાળવી દેવામાં આવ્યો. એની પાછળનું કારણ
પણ ખાસ હતું.
સાત હિંદુસ્તાનીઓમાંનો એક હિંદુસ્તાની બનતો અભિનેતા
મધુ હતો. એને ઊંઘતી વખતે નસકોરાં બોલાવવાની ટેવ હતી. ફિલ્મના કેમેરામેન
રામચંદ્રનને પણ આવી જ આદત હતી. એ બંનેની સાથે એક ઓરડોમાં ઊંઘવા માટે
યુનિટનો કોઇ સભ્ય તૈયાર ન હતો. આથી આ બે નગારાંઓને ત્રીજા રૂમમાં બંધ કરી
દેવામાં આવ્યા.
હવે બાકી રહેતો હતો એક વિશાળ કોમન રૂમ, જેમાં
ફર્નિચરના નામે સમ ખાવા પૂરતી એક સળી પણ ન હતી. સોફા, લાકડાંનું પાટીયું કે
ખાટલાની તો વાત જ ક્યાં કરવી?!
અબ્બાસ સાહેબ અને પૂરી યુનિટ આ રૂમમાં જ સૂઈ જતું હતું. નજીકના જગંલમાં શૂટિંગ કરવાનું હતું.
ફર્શ
ઉપર જ પથારી પાથરી દેવામાં આવતી હતી. દરેક જણ પાસે ટ્રંક અથવા સૂટકેસ અને
બિસ્તર હતો. સૂટકેસ દિવાલને અડીને રહેતી, બિસ્તર એની બાજુમાં પાથરેલો
રહેતો. આ બાબતમાં એકમાત્ર અપવાદ અમિતાભ બચ્ચન હતાં. અમિતાભ પોતાની સાથે
સૂટકેસને બદલે એક મોટી ટ્રંક લાવ્યા હતાં. એમનું પાગરણ પણ એ ટ્રંકમાં સમાઈ
જતું હતું.
નૈનિતાલની શેરવૂડ કોલેજની તાલીમ અને શિસ્ત અમિતજીને અહીં
ખૂબ કામમાં આવ્યાં. બાકીના સભ્યોની પથારીઓ દિવસ-રાત પાથરેલી હાલતમાં પડી
રહેતી હતી. એમની ચાદરો ચોળાઈ જતી, ધૂળના કારણે મેલી થઈ જતી, પણ અમિતજીની
પથારી રોજ ચોખ્ખી ચણાક જોવા મળતી હતી. રોજ રાતે અમિતાભ પોતાની ટ્રંકમાંથી
શેતરંજી, ગાદલું અને ચાદર બહાર કાઢતાં. વાળી ઝૂડીને સાફ કરેલી જગ્યામાં
બિસ્તર બિછાવી દેતાં અને રોજ સવારે એ બધું વાળીને પાછું ટ્રંકમાં મૂકી
દેતાં.
ભોજન અતિશય સાદું મળતું હતું. દાલ-રોટી અથવા શાક-ચપાટી જેવી
લઘુત્તમ વાનગીઓથી પેટ ભરી લેવું પડતું હતું. આ ચાલુ ઘરેડમાં ક્યારેક
આશ્ચર્યજનક, સુખદ અપવાદ જેવી ઘટના પણ ઝબકી જતી હતી
એક દિવસ જગંલમાં
શૂટિંગ પતાવીને યુનિટ ડાકબંગલામાં પાછું ફર્યું. બધાંની હોજરીમાં આગ લાગી
હતી. થાળી-વાટકો લઈને સૌ પંગતમાં ગોઠવાઈ ગયા. પોતાનાં બે પત્રો લખવાનું કામ
પતાવીને લંબુજી પણ આવી પહોંચ્યાં. જ્યારે ભોજન પીરસાયું ત્યારે બધાંની
આંખોમાં આશ્ચર્ય છલકાતું હતું. જમવામાં એ રાતે રોટલીની સાથે સામાન્ય
શાકાહારી સબ્જીને બદલે ચિકન હતું. (યુનિટના તમામ સભ્યો માંસાહાર કરતાં
હતાં.)
ભોજન પર તૂટી પડતાં પહેલાં બધાંએ પૂછ્યું, "આજે કોઈ તહેવાર છે કે શું?"
જવાબમાં અબ્બાસ સાહેબે દિવાલ તરફ આંગળી ચીંધી. ત્યાં પોસ્ટર ચોટાડ્યું હતું: હેપ્પી બર્થ ડે ટુ જલાલ.
પછીથી
કોમેડિયન તરીકે મશહૂર થયેલા જલાલ આગાનો એ દિવસે જન્મદિવસ હતો. જલાલ આગાને
આપણે ફિલ્મોમાં તો જોયેલો જ છે, પણ એ વધુ પ્રખ્યાત થયો પાન પરાગની
જાહેરખબરથી. એ દિવસોમાં જલાલ અનવર અને અમિતાભની દોસ્તી સારી એવી જામી હતી. એ
'ડિનર' ઉત્પલ દત્તના પત્ની શોભાની દેખરેખમાં તૈયાર કરાયું હતું. જલાલને
ભેટ આપવા જેટલી હેસિયત તો ત્યારે કોની પાસે હતી? બસ, ભેટવું એ જ સૌથી મોટી
ભેટ હતી.
પેટ ભરીને જમી લીધાં પછી પણ કોઈ સૂવાના મૂડમાં ન હતું.
મોડી રાત સુધી બધાં એ હોલમાં જ બેસી રહ્યાં. નાચ-ગાનની મહેફિલ જમાવી દીધી.
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકગીતોની રમઝટ જામી. બે
સ્ત્રીઓની હાજરીને ભૂલીને બધાં પુરુષો વેજ-નોનવેજ જોક્સ ઉપર ઊતરી પડ્યાં.
અબ્બાસ સાહેબે પૂછ્યું, "અમિત તું કેમ ચૂપ બેસી રહ્યો છે? એકાદું ગીત થવા દે ને! અનવર કહેતો હતો કે તું બહું સારુ ગાઈ શકે છે."
અનવરે ઉમેર્યું, "અને બહુ સારું નાચી પણ શકે છે પછી તો આખું યુનિટ મચી પડ્યું, માત્ર ગાવાથી નહીં ચાલે સાથે નાચવાનું પણ જોઈશે જ."
અમિત
શરમાઈ ગયો. પછી જ્યારે એને ખાતરી થઈ ગઈ કે એની આનાકાની આજે નહીં ચાલે,
ત્યારે એ ઉભો થયો. ટ્રંકમાંથી ઢોલક કાઢીને પાછો આવ્યો અને તદ્દન નક્કર
અંદાજમાં ઉત્તર પ્રદેશના અણઘડ ગામડી માણસની અદામાં હોઠો પર શ્લિલ-અશ્લિલ
હાવભાવોનું મિશ્રણ ઉપજાવીને તાલબદ્ધ કદમો સાથે નાચતાં પોતાની ઘેરાં ગંભીર
અવાજમાં એણે ગીત ગાવાનું શરૂ કર્યું.
એ એનું માનીતું ગીત હતું. એ
ગીત હવે તો આખા દેશનું સૌથી જાણીતું ગીત છે. એ ગીત એણે કોલકત્તાના મિત્રો
સાથે અને સખીઓની સામે પણ ગાયું હતું. ભવિષ્યમાં એ ગીત એ 'રેશ્મા ઔર
સેહરા'ના શૂટિંગ વખતે દત્ત સાહેબ અને વહીદા રહેમાનની હાજરીમાં પણ ગાવાનો
હતો. બહુ વર્ષો પછી એ જ ગીત એ પોતાના જ અવાજમાં ફિલ્મ 'લાવારીસ'માં પણ
ગાવાનો હતો. અને એ જ ગીત વધુ દૂરના ભવિષ્યમાં એ કલ્યાણજી-આણંદજી દ્વારા
આયોજિત વિશ્વના અનેક દેશોમાં લાઈવ સ્ટેજ કાર્યક્રમોમાં ગાવાનો હતો.
ગોવાના
અરણ્યોની વચ્ચેની મોલે ગામમાં ડાકબંગલામાં જલાલ આગાના જન્મદિનની એ મોડી
રાત્રે અમિતે આ ગીત ગાઈને સૌને ડોલાવી દીધાં, "મેરે અંગને મેં તુમ્હારા
ક્યા કામ હૈ...?"
લાઈવ સ્ટેજ શોમાં જ્યારે-જ્યારે આ ગીત રજુ થયું છે
ત્યારે "જિસ કી બિવી છોટી" એ પંક્તિ ગાતી વખતે અમિતજી પોતાની પત્નીને અચૂક
મંચ ઉપર બોલાવે છે. જયાજીએ આવવું જ પડે છે. અમિતજી જયાને પોતાની ગોદમાં
ઉઠાવી લે છે.
બસ, ડાકબંગલામાં એ રાતે એકમાત્ર ખોટ જયાજીની હતી. પણ
હ્રદયના ધબકારાને થામીને પ્રતીક્ષા કરી, મિત્રો! લંબુજીની જિદંગીમાં
ગુડ્ડીનાં આગમનને હવે બહુ ઝાઝી વાર નથી રહી.
'સાત હિંદુસ્તાની'
ફિલ્મનું નિર્માણ સમાપ્ત થઈ ગયું. પણ અમિતાભના મનમાં ઉચાટ હતો. એમને ખબર
હતી કે બોલિવૂડમાં દર વરસે હજાર જેટલી નવી ફિલ્મો તૈયાર થતી રહે છે.
જેમાંથી અડધા ઉપરાંતની ફિલ્મો રીલિઝ થવા જેટલી ભાગ્યશાળી સાબિત નથી થતી.
કોઈ ફિલ્મ અધૂરી રહી જાય છે, કોઈનું નિર્માણકાર્ય પૈસાના અભાવે અટકી જાય છે
તો કોઈ-કોઈ ફિલ્મ હીરો-હીરોઈનની ડેટ્સના અભાવથી કે પછી અહમના ટકરાવના
કારણથી અભેરાઈ પર ચડાવી દેવામાં આવે છે. પોતાની પ્રથમ ફિલ્મ પણ આવી હાલત
નહીં થાય ને આ વાતથી અમિતજી ચિંતિત હતાં. પણ એમને એક વાતથી હૈયે ધરપત હતી
કે આ ફિલ્મના સર્જક અબ્બાસ સાહેબ એક મોટા ગજાની વ્યક્તિ હતાં. આથી એમની
ફિલ્મ રીલિઝ થયા વગર તો નહીં જ રહે.
આખરે એ દિવસ આવી જ ગયો. અમિતાભ
બચ્ચન સુનિલ દત્ત સાહેબની ફિલ્મ 'રેશ્મા ઔર સહેરા'ના શૂટિંગમાં રણપ્રદેશમાં
વ્યસ્ત હતાં. ત્યારે એમને સમાચાર મળ્યાં દિલ્હી ખાતે શીલા ટોકીઝમાં એમની
પ્રથમ ફિલ્મનો પ્રથમ શો યોજાનાર હતો.
જ્યારે ફિલ્મ બની રહી હતી
ત્યારે તો પ્રિવ્યૂ થીયેટરમાં રોજે-રોજનું શૂટિંગ જોવાની અમિતજીને અનેક વાર
તક મળી હતી. એ ફિલ્મનો પ્રિમિયર શો પણ યોજાઈ ચૂક્યો હતો. પણ સામાન્ય જનતા
માટેનો નિયમિત શો હવે યોજાઈ રહ્યો હતો.
રણપ્રદેશની આંધીઓ વચ્ચેથી
પોચીના-દિલ્હીનો બે દિવસનો ટ્રેન પ્રવાસ પૂરો કરીને અમિતજી ઘરે આવી
પહોંચ્યા. બાબુજી અને તેજીજી પણ ઉત્તેજીત હતાં. શુક્રવારની સાંજ એમના લાડકા
મુન્ના માટે નિર્ણાયક ઘડી લઈને આવી રહી હતી.
અમિતાભ પોતાના અડધાં
કપડાં મુંબઈમાં અને બાકીના અડધાં કપડાં 'રેશ્મા ઔર સેહરા'ના લોકેશન ઉપર
મૂકીને આવ્યાં હતાં. ફિલ્મ જોવા જતી વખતે શું પહેરવું એ વાતની ચિંતા એમને
સતાવી રહી હતી.
કવિ બચ્ચનજીએ પોતાનો ઝભ્ભો અને લેંઘો દીકરાને
આપ્યાં. અમિતે એ પહેરી લીધાં. બાબુજીનો ઝભ્ભો લંબાઈમાં દીકરા માટે સહેજ
ટૂંકો પડતો હતો, એના નિવારણ માટે અમિતે દેહ ઉપર શોલ લપેટી લીધી.
સાંજનો શો શરૂ થવાના સમયે માતા-પિતા અને અમિતાભ 'શીલા ટોકીઝ'માં જઈ પહોંચ્યાં.
1969નું વર્ષ એના આખરી ચરણમાં હતું, અમિતાભ બચ્ચન નામનો એક કલાકાર એની કારકિર્દીના પ્રથમ ચરણમાં હતો.
Comments
Post a Comment