એક મરા ભી નહીં, ઔર દૂસરા મરને કે લીયે પૈદા હો ગયા- આનંદ
- જ્યારે એક નવા સુપરસ્ટારે જન્મ લીધો અને એક સુપરસ્ટાર મૃત્યુ પામ્યાં
ઝંઝીર નહીં આ ફિલ્મથી થયો હતો Angry Young Manનો જન્મ
હું
જ્યારે દસમા - અગ્યારમા ધોરણમાં ભણતો હતો, ત્યારની આ વાત છે. હવામાં
સમાચાર ઘૂમરાતા હતા: ઋષિકેશ મુખરજી એક ફિલ્મ બનાવી રહ્યાં છે. આવી જબરદસ્ત
વાર્તાવાળી ફિલ્મ આજ સુધીમાં બની નથી અને ભવિષ્યમાં બનશે નહીં. ખબર છે એની
સ્ટોરીમાં શું છે? અને એમાં હીરો કોણ છે?
1970ની આ વાત. હું ત્યારે
જૂનાગઢમાં રહેતો હતો. અન્ય તમામ દ્રષ્ટિએ એક અલ્પજાગૃત શહેર હતું. નવાબી
રાજ્ય આથમી ગયું હતું, પણ જનતાના સ્વભાવમાંથી હજુ નવાબીયત નષ્ટ થઇ ન હતી.
મોડેથી ઊઠવું, લહેરી જીવન જીવવું, હરવું - ફરવું અને મૌજ કરવી, જગતમાં આપણે
જ શ્રેષ્ઠ છીએ એવી માન્યતામાં રચ્યા - પચ્યા રહેવું, નાની - નાની વાતમાં
મોટી - મોટી મજાકો કરવી અને મોડી રાતે પથારી ભેગા થવું; આ બધાં અપલક્ષણો
લાગે છે, પણ ત્યારે અમારા માટે આ બધાં સુલક્ષણો ગણાતા હતા. (આ માંથી થોડાંક
અત્યારે પણ મારા જીવન સાથે જોડાયેલા છે.)
આવા જૂના, રજવાડી,
સ્વકેન્દ્રી, નાનકડાં શહેરમાં પણ જો આ વાત આગની જેમ ફેલાઇ જતી હોય છે અને
રાજેશ ખન્ના એમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, ત્યારે દેશના અન્ય શહેરોમાં કેવી
પરિસ્થિતિ હશે?!
- આનંદ રજુ થતાં પહેલા જ સફળ...
'આનંદ'ની
અભૂતપૂર્વ સફળતા હું તો એ વાતને આપીશ કે આ કદાચ પ્રથમ એવી ફિલ્મ હતી જે
રજૂ થતાં પહેલાં જ સફળ થવાની છે એની પ્રેક્ષકોના મનમાં ખાતરી હતી. વળી એની
વાર્તા ઘર - ઘરમાં જાણીતી બની ચૂકી હતી. રાજેશ ખન્ના આ ફિલ્મમાં જીવલેણ
કેન્સરનો શિકાર બને છે એ પછી પણ હપ્તે - હપ્તે મરતાં રહેવાને બદલે એ જ
મસ્તીથી ને ઝિંદાદિલીથી બાકી બચેલી જિંદગી જીવી બતાવે છે - આટલી પાતળી
'સ્ટોરી લાઇન' ઉપર 'આનંદ' બનાવવામાં આવી હતી. આવી ફિલ્મને જો યોગ્ય માવજત,
ચોટદાર અભિનય અને ચૂસ્ત પટકથાનો આધાર ન સાંપડે તો તે બહુ ઝડપથી કંટાળાજનક
'મેલોડ્રામા'માં ફેરવાઇ જાય તેવી પૂરી શક્યતા હોય છે.
'આનંદ' આ
ભયમાંથી બચી ગઇ એનું સૌથી મોટું કારણ ઋષિદાની સૂઝ - બૂઝ હતી. પછી તરતનું
બીજું કારણ રાજેશ ખન્નાનો જાનદાર અભિનય હતો. આખી ફિલ્મમાં ખન્નો સુપરસ્ટાર
તરીકે દેખાયો જ નથી, એ માત્ર 'આનંદ' બનીને આવ્યો ને આનંદ સ્વરૂપે ચાલ્યો
ગયો.
મારા મતે શ્રેષ્ઠ ફિલ્મ એ છે જેનું નાનામાં નાનું પાત્ર પણ
પોતાની મુદ્રા છોડી જતું હોય. 'આનંદ'માં એવું જ બન્યું છે. ચીફ નર્સના
પાત્રમાં લલીતા પવાર હોય કે ઘર નોકરનું પાત્ર હોય, બે મિનિટ માટે આવતા
દારાસિંહ હોય કે મુરારિલાલ બનતા આસિત સેન હોય; કોઇ કરતાં કોઇ ભૂલાયા નથી.
'આનંદ'માં તો જ્હોની વોકર પણ બે મિસાલ હતા. આ હાસ્ય કલાકાર આપણને રડાવી ગયા
હતા.
જો મુખ્ય પાત્રની આસપાસ ગૂંથાયેલા અન્ય મહત્ત્વના પાત્રોની
વાત કરીએ તો રમેશ દેવ અને સીમા દેવ(અસલી જિંદગીમાં પણ પતિ - પત્ની) એ હદે
પૂરક સાબિત થયાં કે એમના વગર રાજેશ ખન્ના અપૂર્ણ સાબિત થયો હોત. બાબુ
મોશાયની શાંત પ્રેમિકાની ભૂમિકામાં સુમિત્રા સન્યાલ સંયત અભિનય કરી ગઇ, પણ એ
પાત્રમાં કોઇ પણ હોત તોયે ચાલ્યું જાત.
ખરું પડકારજનક કામ તો
ડો.ભાસ્કરના ભાગે આવ્યું હતું. જરા પણ ગ્લેમર વગરનું પાત્ર, ઓછામાં ઓછા
સંવાદો બોલવાની પૂરી ફિલ્મમાં માંડ એકાદવાર હસવાનું મળે, બાકી ચહેરા ઉપર
દિવેલ ચોપડીને ફરતાં રહેવાનું અને રાત પડે એટલે પોતાના બેડરૂમમાં લેંઘો અને
ગંજી પહેરીને ખુરશી - ટેબલમાં ગોઠવાઇને ટેબલ - લેમ્પના અજવાળામાં ડાયરી
લખતાં રહેવાનું.
- સફેદ ચાદર પરનું એ કાજળનું ટપકું
સોમાંથી
નવ્વાણું અભિનેતાઓ આ ભૂમિકામાં નિષ્ફળ જાય એવું પડકારજનક કામ હતું. અને એક
સાવ નવા કલાકારે એ પાત્રમાં જાન રેડી દીધો. 'સાવ નવો' એટલા માટે કે
મોટાભાગના પ્રક્ષકો અમિતાભને પ્રથમ વાર 'આનંદ'માં જોતા હતા. એની 'સાત
હિંદુસ્તાની' લગભગ કોઇએ જોઇ ન હતી.
ઋષિદાએ આ ફિલ્મમાં વિરોધાભાસના
નિયમનો ગજબનાક ઉપયોગ કર્યો. આપણી પથારી ઉપર ફૂલ - પત્તાની ઘેરા રંગની
ડિઝાઇનવાળી ચાદર પાથરેલી હોય અને એના પર એક માખી બેઠેલી હોય તો આપણું ધ્યાન
એની ઉપર પડશે ખરું? ના.
પણ એને બદલે જો પથારી પર સફેદ દૂધ જેવી
સ્વચ્છ ચાદર બિછાવેલી હોય અને એની ઉપર કાજળનું એક સાવ નાનું ટપકું કરવામાં
આવે તો શું થશે? બધાંનું ધ્યાન સફેદ બેકગ્રાઉન્ડ પરના કાળા ટપકાં ઉપર જ
જશે. આવું જ 'આનંદ'માં બન્યું હતું. રાજેશ ખન્ના પૂરી ફિલ્મમાં હસતો રહે
છે, હસાવતો રહે છે, નાચતો ને ગાતો રહે છે, લોકોને મૂરખ બનાવે છે, તંગ કરે
છે અને થીયેટરમાં હળવું કૂલ વાતાવરણ ઊભું કરી દે છે. પ્રેક્ષકો જાણે છે કે આ
મરવાનો છે, છતાં હકીકતને ભૂલીને સૌ હસતાં રહે છે.
અને રાત્રે
જ્યારે બાબુ મોશાય 'ડોક્ટરની ડાયરી' લખવા બેસે છે, ત્યારે એનો ઘેરો, ગંભીર
અવાજ ગૂંજી ઊઠે છે: "આજ આનંદ બાત કરતે - કરતે હાંફને લગા. મૌતકી પહલી
નિશાની સામને આ ગઇ..."
અને પ્રેક્ષકો સ્તબ્ધ બની જાય છે. પેલી વિશાળ સફેદ ચાદર ભૂલાઇ જાય છે અને સાવ નાનું કાળુ ટપકું ભયાનક ઓથાર બનીને સામને આવી જાય છે.
- આનંદની આ વાતની કોઈને ખબર નથી
આનંદ
વિષે બધાંને બધી જ વાતની જાણકારી હોવા છતાં એ સફળ ગઈ. ફિલ્મ રજૂ થતાં
પહેલાં એના સંવાદો જાણીતા થઈ ચૂક્યા હતાં. સલીલદાનું મ્યુઝિક અને ચારમાંથી
ત્રણ ગીતો લોકજીભે ચડી ચૂક્યા હતાં. ફિલ્મના અંતમાં રાજેશ ખન્ના મૃત્યુ
પામે છે એ વાતનીયે બધાંને ખબર હતી. અને તેમ છતાં ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ એ
ઘટનાને હું અભૂતપૂર્વ ગણું છું.
પણ એક વાતની કોઈનેય ખબર નહતી.
ફિલ્મ રીલિઝ થઈ એ પહેલાં દેશભરમાં એક પણ આમ આદમીને એ વાતની ખબર ન હતી કે
આનંદમાં બાબુ મોશાયની ભૂમિકામાં એક ઢાંસુ અભિનેતા પેશ થવાનો છે.
હું
પોતે આ વાથી અજાણ હતો. મને યાદ છે કે જ્યારે 1971માં જૂનાગઢની જયશ્રી
ટોકીઝમાં મારા માતા-પિતાની સાથે હું આનંદ જોવા માટે ગયો હતો ત્યારે શું
બન્યું હતું!
હજુ તો માંડ ખુરશીમાં ગોઠવાયો હોઈશ, અમિતાભને
સાહિત્યીક સંસ્થા તરફથી એવોર્ડ આપવામાં આવે છે. બદલામાં અમિતાભ પોતાનો
પ્રતિભાવ આપવા માટે ઊભા થાય છે. શ્વેત ઝભ્ભો-લેંઘો, શરીર પર આડી નાખેલી શોલ
અને ઘેરા ખરજના અવાજમાં નિવેદનની શરૂઆત: "મૈં...માફ કરના મૂઝે બોલના નહીં
આતા..."આની સાથે જ હું ખુરશીમાં ટકાર થઈ ગયો હતો. પછી ચોગ્ગા અને છગ્ગાઓ
આવતાં રહ્યાં: "આનંદ કોઈ ઉપન્યાસ નહીં હૈ, વાસ્તવમેં મેરી હી જીવનકથા કે વે
કુછ પન્ને હૈ..."મૂઝે આજ ભી વો દિન યાદ હૈ જબ આનંદ પહલીબાર મેરે પાસ આયા
થા..."
એ પછી ખન્નાનો ધમાકેદાર પ્રવેશ થાય છે. પણ સાચું કહું છું
મારું મન તો અમિતાભના ઘેરા અવાજે અને એની સમુદ્ર જેટલું ઊંડાણ ધરાવતી ઉદાસ
આંખોએ મોહી લીધું હતું. ગંદી, ગરીબ વસ્તીમાં દરદીને તપાસતો એક આદર્શવાદી
યુવાન ડોક્ટર જ્યારે આ સંવાદ બોલે છે: "એક મરા ભી નહીં, ઔર દૂસરા મરને કે
લિયે પૈદા હો ગયા."ત્યારે તો બદનમાં વીજળી ફરી વળી હતી. મને છેક બચપણથી
શબ્દો, અવાજ અને અભિનયની વિશેષ સૂઝ-બૂઝ રહ્યા કરી છે. મારી એ યથાશક્તિ સમજે
મને કહી આપ્યું હતું કે ખન્ના હવે મરવાનો થયો છે. આવનારા દિવસો આ લંબુજીના
હશે.
પણ પ્રમાણિકતાપૂર્વક કહું છું કે મારા મનમાં આવનારા દિવસો હતાં, આવનારા વર્ષો કે દાયકાઓ ન હતાં.
- એ વખતના સુપરસ્ટારનો હતો સ્ટારડમ
આનંદમાં
કામ કરવાનો અવસર મળ્યો એ વાતનો રોમાંચ અમિતાભને ખુદને પણ હતો. ઋષિદાની
સાથે કામ કરવા મળશે એ વાત તો પછી આવે છે, સૌથી પહેલાં તો રાજેશ ખન્નાને
રૂબરૂમાં જોવાની તક મળશે એ વાત આવતી હતી.
સુપરસ્ટાર ખરેખર કેવો હોઈ
શકે એ સમજવા માટે તમારે 1969થી 1974 સુધીના વર્ષોમાં હિંદી ફિલ્મોના મુગ્ધ
પ્રેક્ષક હોવું પડે. આજની યુવાન પેઢી જે શાહરૂખના વાનરવેડા કે સલમાનની
અશ્લિલતાને જ સ્ટારડમ સમજી રહી છે. એને આ વાત ક્યારેય નહીં સમજાય. ફિલ્મ
આરાધના કે દો રાસ્તોમાં ખન્નાનું ગીત આવે ત્યારે થિયેટરની બાલ્કનીમાં
બેઠેલી સંસ્કારીને સંભ્રાંત યુવતીઓની ચીસોથી વાતાવરણ ગાજી ઊઠે અને પાછળથી
ખુરશીઓમાંથી ફેંકાતા રૂપીયાના સિક્કાઓ જમીન ઉપર પડીને ખણખાણટથી થીયેટરમાં
ઉત્સાહ ભરી દે એ ઘટનાઓ મેં (અને મારી વયના તમામ પ્રેક્ષકોએ) અનેકવાર જોયેલી
છે.
ખુદ બચ્ચન સાહેબ આજે કબુલ કરે છે: "કોઈ પણ અભિનેતા તરફની આવી
ઘેલછા કાકાને બાદ કરતાં બીજા કોઈના માટે મેં જોઈ કે જાણી નથી. રાજેશ ખન્ના
સાચા અર્થમાં હિંદી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર હતાં."
અમિતજી પોતે
એમના સંઘર્ષના સમયમાં રાજોશ ખન્નાની માત્ર એક ઝલક પામવા માટે એક સ્ટુડિયોથી
બીજા સ્ટુડિયોના ચક્કર કાપતાં રહેતા હતાં. જ્યારે એમણે જાહેર કર્યું કે
હવે પછીની એક ફિલ્મમાં હું રાજેશ ખન્નાની સાથે કામ કરવાનો છું, ત્યારે
મિત્રો દંગ રહી ગયાં.
'આનંદ'ની સફળતાએ બે કામ કરી આપ્યાં, એમાં
અમિતજીનું કામ વખાણાયું એ પહેલું કામ. અને બીજું કામ એ થયું કે રાજેશ
ખન્નાના કારણે લગભગ પૂરા દેશે એ ફિલ્મ જોઈ લીધી, જેના લીધે અમિતજી પણ
ઘરે-ઘરે જાણીતા બની ગયા. રાજેશ ખન્નાના આ એક અહેસાસ સામે એના બીજા હજાર
ગુનાઓ માફ હતાં.
રાજેશ ખન્નાએ અમિતાભ જેવા નવોદિત કલાકાર સાથે બહુ
સારું વર્તન કર્યું નહતું. અમિતાભે તો એ વિષે કદિયે મોં ખોલ્યું નથી, પણ
ફિલ્મી પત્રકારો અંદરની હકીકત સારી રીતે જાણે છે. એકવાર અમિત રાજેશ ખન્નાના
મેકઅપ રૂમમાં દાખલ થઈ ગયો હતો, ત્યારે કાકાએ હડધૂત કરીને એને બહાર કાઢી
મૂક્યો હતો. સેટ ઉપર કાકા ભાગ્યે જ અમિત સાથે વાત કરતાં હતાં.
એ પછી
માત્ર એક જ ફિલ્મમાં આ બંન્નેએ સાથે કામ કર્યું. 'નમકહરામ' ફિલ્મમાં પણ
અમિતાભ કાકા ઉપર છવાઈ ગયા, એટલે કાકાનો અહમ્ ઘવાઈ ગયો. એમણે અમિતજી સાથે
કામ કરવાનું બંધ કરી દીધું.
અમિતજી ક્યારેય આ ઘટનાઓ વિષે એક પણ શબ્દ
બોલતાં નથી. આ બધી વાતો પત્રકારોએ ઉપજાવી કાઢેલી છે "આવું કહીને તેઓ વાતને
ટાળી દે છે. જ્યારે એમને પૂછવામાં આવે છે - "તો પછી શા માટે 1973 પછી તમે
અને કાકાએ એક પણ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું?"જવાબમાં અમિતજી હોઠ સીવી લે
છે. કોઈ એને ખામોશી કહે છે હું અમિતજીની ખાનદાની કહું છું.
- આ રીતે થયો હતો "Angry Young Man"નો જન્મ
'આનંદ'ના
અંતિમ દ્રશ્ય વખતે અમિતાભ ખૂબ ચિંતામાં હતાં. ઋષિદાએ છે ક છેલ્લાં દિવસ
સુધી એના હાથમાં સંવાદો મૂક્યા ન હતાં. પછી છેલ્લી ક્ષણે કહી દીધું, "તારે
હવે આનંદના મૃત્યુ પછીની પ્રતિક્રિયા આપવાની છે.
સ્ટાર્ટ...કેમેરા...સાઉન્ડ...એક્શન..."
અમિતે પરંપરા મુજબ આનંદની
લાશને જોઈને રડવાનું શરૂ કર્યું. ઋષિદાએ કહી દીધું: કટ ઈટ! તું તો એવી રીતે
રડે છે જાણે કોઈ સગું મરી ગયું હોય! આવી રીતે તો ભારતના કરોડો લોકો રડે
છે. અરે, તું તો એક ડોક્ટર છે. અને આંનદ તારો દરદી હતો. સ્વજન જેવો દરદી પણ
જે તને સતત તંગ કરતો રહેતો હતો. ત્યારે અવિરત બોલતો રહેતો હતો, તારી મનાઈ
છતાં એ તને હસાવતો રહેલો હતો. તારે ખાલી રડવાનું નથી, તારે એને ઠપકો આપવાનો
છે, એની સાથે ઝગડવાનું છે, તારી ભીતરે ઘૂમરાતો રોષ ઠાલવવાનો છે.
સ્ટાર્ટ...એક્શન..."
અને એ સાથે જ આ ઢાંસુ કલાકારના બાણું લાખ
રૂંવાડામાંથી જાનદાર અભિનય છલકાયો: "બોલ! તું બોલતા ક્યો નહીં? યાદ
હૈ...તૂં બક-બક કરતા રહતા થા... આજ ખામોશ ક્યું હો ગયા તૂં?..."લાંબો સવાદ
છે જેને એક લાંબા અભિનેતાએ આગવી અદાથી રજૂ કરીને લંબાઈને બદલે ઊંચાઈ બક્ષી
દીધી છે.
કોઈ જ્યારે પૂછે છે (રેડિયો અને ટી.વી. ઉપર તાજેતરમાં અનેક
વાર મને આ સવાલ પૂછવામાં આવ્યો કે) અમિતાભમાં રહેલા 'એન્ગ્રી યંગ મેનનો
જન્મ' ક્યારે થયો? ત્યારે હું જવાબ આપું છું - બીજા બધાં ભલે એવું માનતા
હોય કે ઝંઝીરમાં ખુરશીને લાત મારવાના દ્રશ્યથી 'એંગ્રી યંગ મેન' બહાર
આવ્યો, પરંતુ હુ દ્રઢપણે માનું છું કે સાચા 'એંગ્રી યંગ મેન'ની સૌપ્રથમ ઝલક
આનંદના છેલ્લા દ્રશ્યમાં જોવા મળી ગઈ હતી.
એ માત્ર યોગાનુયોગ હશે કે 'આનંદ'માં જે ક્ષણે એક નવા સુપસ્ટારનો જન્મ થઈ રહ્યો હતો, ત્યારે પહેલો સુપરસ્ટાર મૃત્યુ પામ્યો હતો?
આ બધી વાતો ઉપર તો વર્ષોના થર બાઝી ગયા છે. પણ તાજેતરમાં એક ઘટના એવી બની ગઈ જે બિગ બીના વિશાળ વિસ્તાર આપણને બતાવી આપે છે.
બચ્ચન
સાહેબ જેના બ્રાન્ડ એમ્બેસેડર છે (બે વર્ષ પહેલાંના સમય સુધી) એ 'આઈફા
એવોર્ડ'ના એક સમારંભમાં એક સવાલ ઉભો થયો - આ વરસનો 'લાઈફ ટાઈમ એચીવમેન્ટ
એવોર્ડ' કયા પીઠ કલાકારને આપવો જોઈએ?
એ વાત તો જગજાહેર છે કે
અમિતાભનો શબ્દ એટલે આઈફા માટે આજ્ઞા સમાન ગણાય. એમણે સૂચન કર્યું કે આ
સન્માન વીતેલાં વરસોના સુપરસ્ટાર રાજેશ ખન્નાને અપાવું જોઈએ. અને એ પ્રમાણે
થયું પણ ખરું.
'આંનદ' અને 'નમકહરામ'ના દિવસોમાં રાજેશ ખન્નાનું
ઘંમડી વર્તન જો ધ્યાનમાં લેવામાં આવે તો અમિતજી સિવાય ભાગ્યે જ બીજો કોઈ
કલાકાર આવું ઉમદા કામ કરે. પણ અમિતાભે કર્યું:
પ્રતિભાવ આપવા માટે
મંચ ઉપર આવેલા કાકાએ પોતાની અસલિયત બતાવી જ દીધી. એણે અમિતાભનો આભાર
માનવાને બદલે એનો જન્મજાત અહંકાર બતાવીને આ ઘસાયેલો-પીરાયેલો શેર ફટકારી
દીધો: "મેરે દોસ્ત, આજ જહાં તૂ હૈ, કલ કોઈ ઔર હોંગા!"
શાળામાં ભણતા
હતા ત્યારે આપણે બધાંએ એક સાધુ અને વીંછીની વાર્તા વાંતી હતી, આઈફા એવોર્ડ
ફંક્શનનું ઉપરનું દ્રશ્ય જોઈને અનાયાસ મને એ વાર્તા યાદ આવી ગઈ. સાધુ
પોતાનો સ્વભાવ નથી છોડી શક્તો અને વીંછી પોતાનો.
Comments
Post a Comment