“યે પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપકા ઘર નહીં”
અમિતાભને બોલિવૂડમાં લાવવા કોણ બન્યું હતું નિમિત?
હું જ્યારે કોઇ ફિલ્મ જોઊં
છું, ત્યારે એક કરતાં વધારે હેતુઓથી જોઊં છું. શમ્મી કપૂરની ફિલ્મો મેં
માત્ર એની ઊછળકૂદ અને સાવ અલગ પ્રકારની ડાન્સિંગ સ્ટાઇલ માણવા માટે જોયેલી
છે. એક કરતાં વધારે વાર જોયેલી છે. દેવ સાહેબની ફિલ્મો હું આજે પણ એટલા
માટે પસંદ કરું છું કે આ સોહામણો પુરુષ જ્યારે કામદેવનો અવતાર ધરીને રજતપટ
ઊપર રોમાન્સ કરતો હોય છે ત્યારે એની બાજુમાં સિનેજગતની સર્વોત્તમ, સુંદરતમ
હિરોઇન હાજર હોય તો પણ એ મારી નજરને પોતાની ખેંચી શકતી નથી. દેવઆનંદની
પ્રત્યેક અદા, એની ઝૂકેલી કમર, વળેલા પગ, સતત લબડતા રહેતા હાથ, ઢીલાં
કપડાં, ગળાનુ મફલર કે સ્કાર્ફ, માથા પરની હેટ, બોખું સ્મિત અને કારણ વગર
હલ્યા કરતું માથું; આ બધું જ મને ગમે છે. આટલી બધી વાહિયાત ફિલ્મોમાં, સાવ
સિમિત અભિનય ક્ષમતા ધરાવતો કોઇ પુરુષ પડદા પર આપણને આટલો 'ચાર્મિંગ' લાગતો
હોય તો એને સોમાંથી એકસો દસ માર્કસ આપવા જ પડે.
રાજકપૂરની ફિલ્મો
મેં માણી છે તે એના નરગીસ સાથેના ઉત્કટ પ્રણયર્દશ્યો માટે અને સુમધુર
ગીત-સંગીત માટે. જ્યારે જામકંડોરણાના શુધ્ધ દેશી ધી જેવો અણીશુધ્ધ અભિનય
માણવાની ઇચ્છા જાગી છે ત્યારે મેં દિલીપસાહેબની ફિલ્મો જોવાનું પસંદ કર્યું
છે.
છેલ્લાં બે દાયકાઓમાં મેં નવી ફિલ્મો માત્ર આંગળીના વેઢે ગણાય
એટલી જોઇ હશે. અત્યારે પણ સમય મળે ત્યારે હું જૂની ફિલ્મો જોવાનું જ પસંદ
કરું છું. આમિરખાનની 'થ્રી ઇડીયટ્સ' મને ગમી હતી. ખૂબ ગંભીર વિષયને અત્યંત
હળવાશ સાથે એમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. 'ક્યા બનના ચાહતે થે ઔર ક્યા
બન ગયે?' આ દરેક માનવીના મનમાં ધૂમરાતો પ્રશ્ન છે. એમાંથી હું પણ બાકાત
નથી. તો પછી અમિતાભ જેવા અમિતાભનું શું થયું હશે?! ચાલો, મેળવીએ આ સવાલનો
જવાબ.
----- ----- ----- -----
છેલ્લાં પાંચ-પાંચ દાયકાઓથી દેશની સૌથી સફળ વ્યક્તિ તરીકે ગણાતા રહેલા અમિતાભ બચ્ચનને ખરેખર શું બનવું હતું?
અમિતાભની
એક ઇચ્છા સારા સંગીતકાર બનવાની હતી. એમણે ગીટાર વગાડવાનું શિખવાનો પ્રયત્ન
પણ કર્યો, સફળતા ન મળી. ઢોલક અને હાર્મોનિયમ ઉપર હાથ બેસી શક્યો.
સંગીતપ્રેમ આજે એમની પાસેની અસંખ્ય ગીતોની રેકોર્ડઝ, સી.ડીઝ અને
ડી.વી.ડીઝમાં સમાયેલો ખજાનો બની રહ્યો છે.
એમની તીવ્ર ઇચ્છા
ઇન્ડિયન આર્મીમાં જોડાઇને સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની એટલે કે આર્મી જનરલ
બનવાની હતી. કવિ બચ્ચનજીની પણ એવી જ મહેચ્છા હતી. અમિત જ્યારે નાનો હતો
ત્યારે બાબુજી એના માટે મિલિટરીનો ડ્રેસ ખરીદી લાવ્યા હતા. ઇંગ્લેન્ડથી
જ્યારે પાછા આવ્યા ત્યારે કવિ પોતાના મોટા પુત્ર માટે એરગન લેતા આવ્યા હતા.
પણ અફસોસ, વિધાતાએ આ સપનું પણ રોળી નાખ્યું! અમિતજી જનરલને બદલે માત્ર
મેજર બની શક્યા; એ પણ હિંદી ફિલ્મમાં. (ફિલ્મ 'મેજર સા'બ).
યુવાન
અમિતનું ત્રીજું સપનું એરફોર્સમાં પાયલટ બનવાનુ હતું. આ માટે એમણે બાકાયદા
વિમાન ઊડાડવાનું શિખવાની તાલીમ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. એમનો મિત્ર
સંજય ગાંધી એને દિલ્હીની ફ્લાઇંગ ક્લબનો સભ્ય બનાવવા લઇ ગયો હતો. પણ તેજી
બચ્ચનને મોતનો ભય લાગ્યો, એટલે એમણે મુન્નાને વિમાનની કોકપીટમાંથી બહાર
બોલાવી લીધો. કાશ, આવો જ ભય સંજયના માતા ઇંદિરાજીને પણ લાગ્યો હોત!
અમિતાભની
મહેચ્છા એક મોટા ગજાના વૈજ્ઞાનિક બનવાની હતી. આ માટે જ એણે કિરોડીમલ
કોલેજમાં વિજ્ઞાનશાખામાં પ્રવેશ લીધો હતો. પણ એને ખબર ન હતી કે
બી.એસ.સી.માં થર્ડ ક્લાસ અને સેકન્ડ ક્લાસમાં પાસ થતાં રખડું વિધાર્થીઓ
ક્યારેય હોમી ભાભા કે વિક્રમ સારાભાઇ બની શકતાં નથી. આજે પણ બિગ- બી
સ્વીકારે છે કે સાયન્સ કોલેજમાં એમણે ગાળેલા ત્રણ વર્ષ સાવ જ બેકાર ગયા છે.
અમિતજીની
ઇચ્છા ટેનિસ પ્લેયર બનવાની હતી. પણ હાથમાં રેકેટ પકડતાંની સાથે જ એમને ખબર
પડી ગઇ કે આ એમના માટેની રમત ન હતી. દેશને જ્હોન મેકેનરો કે આન્દ્રે
અગાસીની ભારતીય આવૃત્તિ મળતાં-મળતાં રહી ગઇ!
અમિતાભે સ્કવોશ,
બેડમિટન અને સ્વીમિંગ જેવી રમતોમાં પણ હાથ (અને પગ પણ) અજમાવી જોયો. આ
ત્રણેયને માટે કોલકાત્તામાં એમણે કલબ્ઝ જોઇન કરી હતી. માણસ હતો શક્તિશાળી,
એટલે જે ક્ષેત્રમાં હાથ નાખે તેમાં સારું પ્રદર્શન તો કરે જ. પણ ક્ષેષ્ઠ
દેખાવ ન થાય ત્યારે અમિતજી પોતાનું મન પાછું ખેંચી લે.
કોલેજમાં હતા
ત્યારથી લઇને કોલકાત્તાકાળ સુધી અમિતાભે નાટકમાં મન પરોવવાનો સંનિષ્ઠ
પ્રયાસ કર્યો. અભિનયમાં એ પ્રમાણિક અને મહેનતુ સાબિત થયા, પણ શ્રેષ્ઠ ન બની
શક્યા.(નાટકની વાત ચાલે છે, ફિલ્મોની બાબતે જો આવું લખું તો એકસો એકવીસ
કરોડ હિંદુસ્તાનીઓ મારી ઊપર તૂટી પડે!)
ટૂંકમાં, અમિતાભ હરિવંશરાય
બચ્ચન નામનાં આ જાતકે ડઝનેક ક્ષેત્રોમાં નસીબ અજમાવી જોયું, પણ નસીબે એને
અજમાવવાનું પસંદ ન કર્યું. છેવટે એમણે હીંદી ફિલ્મોની દિશામાં નજર કરી. આ
એક જ એવું ક્ષેત્ર હતું જે એમનું મન ગમતું સરનામું ન હતું. એ અનેકવાર હિંદી
ફિલ્મો વિષે એમના મિત્રો સમક્ષ મશ્કરી અને મજાક કરી ચૂક્યા હતા. ફિલ્મના
અભિનેતાઓને ઊતારી પાડતી 'કમેન્ટસ' કરતા રહ્યા હતા. કદાચ એમની જન્મકુંડળીમાં
ઊચ્ચ સ્થાનમાં પડેલો કોઇ ગ્રહ એ સમયે મૂછમાં મલકી પડતો હશે.
વિધાતા પોતે તો કોઇ જાતકની આંગળી પકડીને એની નિયતી તરફ દોરી જઇ શકતો નથી; એ બીજા કોઇને નિમિત બનાવતો હોય છે.
અમિતજીને બોલીવૂડ તરફ દોરી જવા માટે વિધાતાએ જેને નિમિત બનાવવાનું પસંદ કર્યું તે હતો બંટી. અમિતાભનો નાનો ભાઇ અજિતાભ.
----- ----- ----- -----
અજિતાભ
મોટાભાઈ કરતાં સાડા ચાર વરસ નાનો હતો. અમિત સમજુ છોકરો. અજિત આક્રમક અને
તોફાની.નાની-નાની વાતમાં કાગારોળ કરી મૂકે. જીદ્દી પણ ભારે. સ્વભાવે બીકણ.
પણ તોડફોડ કરવામાં શૂરો પૂરો.
અમિતને બંટી બહુ વ્હાલો. બચપણમાં કરન્ટ લાગ્યો, ત્યારે અમિતે દોડીને પ્લગ કાઢી નાખ્યો અને ભાઈનો જીવ બચાવી લીધો હતો.
શેરવુડ
કોલેજમાં બંને ભાઈઓ આગળ-પાછળનાં ધોરણોમાં ભણતા હતાં, ત્યારે પણ બંટીનું
ધ્યાન અમિત જ રાખતો હતો. કબીર બેદી અને દિલિપ તાહિલ બંટીનાં ક્લાસમાં સાથે
હતાં. એ બંને જણાં પણ નાટકોમાં પાત્ર ભજવતાં હતાં. બંટી કાયમ છાતી ઠોકીને
એમની સામે એલાન કરતો કે- ‘આ વરસ બેસ્ટ એક્ટરનો ખિતાબ મારો ભાઈ જ જીતી જવાનો
છે.’
ભણવામાં બંટી અમિત કરતાં થોડોક સારો હતો. અમિતનાં માર્ક્સ તો
‘એવરેજ’ કરતાંયે ઓછા આવતા હતાં. ભણી લીધા પછી અમિતે કોલકાતામાં નોકરી શોધી
લીધી, તો પછીથી બંટી પણ પૂંછડાની જેમ એની પાછળ-પાછળ કોલકાતામાં આવી ગયો.
એણે પ્રખ્યાત કંપની ‘શો વોલેસ’માં નોકરી સ્વીકારી લીધી.
જિંદગીમાં
મબલખ પૈસા કમાવાનું સપનું બંટીએ જોયું હતું, જે પછીથી એણે મોટાભાઈને બતાવી
દીધું: બાબુજી વિદેશયાત્રા કરીને પાછા ફર્યા ત્યારે એક કેમેરો લઈ આવ્યા
હતાં. પ્રખ્યાત જેનેટ કંપનીનો એ કેમેરો બંટી આખો દિવસ પોતાની સાથે જ રાખતો
હતો. બંટીએ એક દિવસ મોટાભાઈને વિક્ટોરીયા બિલ્ડીંગ પાસે ઊભો રાખીને એની
તસવીરો ખેંચી લીધી. પછી એ તસવીરો એણે અમિતને પૂછ્યા વગર ફિલ્મફેર સામયિકને
મોકલી આપી.
બંટીએ જ અમિતને કહ્યું હતું- “તારી અંદર અભિનયનો જબરદસ્ત
અજગર ગૂંચળું વાળીને સૂતેલો છે. એને તું જગાડ. પછી જો કે એ અજગર કેવો
બધાંને ગળી જાય છે!”
બરાબર એ સમયે શો વોલેસ કંપનીએ અજિતાભની મુંબઈ
ખાતે બદલી કરી નાંખી. બંટીએ મુંબઈની વાટ પકડી લીધી. જીવનમાં પ્રથમવાર એવું
બનતું હતું કે બંટી આગળ રહ્યો હોય અને મોટો મુન્નો પૂંછડું બનીને એની પાછળ
ખેંચાતો હોય. અમિતાભને મુંબઈ લઈ જનાર અજિતાભ હતાં.
----- ----- ----- -----
અમિતાભ
નોકરી છોડી રહ્યો છે એ સમાચાર પછી ‘બ્લેર્ક્સ’ કંપનીમાં હાહાકાર મચી ગયો.
બોસ શ્રીકાંતથી માંડીને કંપનીનાં પટાવાળા સુધીનાં તમામને અમિત પ્રિય હતો.
હાહાકાર મચી જવાનું મુખ્ય કારણ એ પણ ખરું કે કંપનીના તમામ કર્મચારીઓ એક
વાતમાં સહમત હતાં કે – ‘આ માણસ હિંદી ફિલ્મોમાં નહીં ચાલે.’
કંપનીની બહારનાં એના મિત્રો પણ એવું જ માનતા હતાં. એમેચ્યોર્સના નાટકોના સાથી કલાકારો પણ આ નિર્ણયથી આઘાત અનુભવતા હતાં.
એક મિત્ર રાજનની ભવિષ્યવાણી હતી, “અમિત ફિલ્મોમાં તદ્દન નિષ્ફળ સાબિત થશે. બહુ-બહુ તો એ ચરિત્ર અભિનેતા બની રહેશે”
બીજા
એક મિત્ર વિજયકૃષ્ણન કહે છે: “એનો આ નિર્ણય જાણીને હું સ્તબ્ધ થઈ ગયો હતો.
આટલા સારા પગારની નોકરી અને ઉજળું ભવિષ્ય છોડીને એ મુંબઈની ફિલ્મ
ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવા જશે? સાચુ કહું તો એક મિત્ર તરીકે મને એનો
નિર્ણય ઉતાવળિયો લાગ્યો હતો મને લાગતુ હતું કે અમિત ખૂબ મોટું જોખમ ખેડવા
જઈ રહ્યો છે.”
કમલ ભગત હસીને કહે છે, “અમિતના હાથ બહુ લાંબા છે. એ
આજાનબાહુ છે. ‘એમેચ્યોર્સ’નાં નાટકોમાં એને સમજ પડતી ન હતી કે આટલા લાંબા
હાથનું શું કરવું જોઈએ! એ વખતે મેં જ એને સૂચન કર્યું હતું કે એના બંને હાથ
એણે ખિસ્સામાં રાખવા.”
આજે પણ કોલકાતાની બ્લેર્ક્સ કંપનીની ઓફિસમાં
વર્ષો જૂની ફાઈલ સચવાયેલી પડી છે. એમાં અમિતજીનો છેલ્લો પગાર નોંધાયેલો છે
: 1640/- રૂપિયા પ્રતિ માસ અને એની નોકરીની છેલ્લી તારીખ પણ સચવાયેલી છે :
ત્રીસમી નવેમ્બર, 1968.
તમામ મિત્રો, સહકર્મચારીઓ અને કલાકારો કહી
રહ્યા હતા : “તુ મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પીટાઈ જઈશ.” એક માત્ર બંટી
કહેતો હતો, “ભાઈ, તુ છવાઈ જઈશ.”
મેનેજર બોની શ્રીકાંત કહેતો હતો,
“અમિત, તને અહીં 1640/- રૂપિયા પગાર પેટે મળે છે. મુંબઈમાં તને એટલા પણ
નહીં મળે. તારી ખુરશી અમે ખાલી રાખીશું તને જ્યારે પણ પાછા આવવાની ઈચ્છા
થાય, ત્યારે ચાલ્યો આવજે. ‘બ્લેર્ક્સ’માં તારા માટે દ્વારો ખૂલ્લાં રહેશે.”
અને ક્યાંક છાના ખૂણામાં કોઈક અમિતને કહી રહ્યું હતું, “તારી હેસિયત શી છે
હું માત્ર એવા પુરૂષની સાથે લગ્ન કરવા માંગું છું જે જીવનમાં આગળ આવી
શકે.”
અમિત વિધાતાની સાથે કરાર કરી રહ્યો હતો, “ જ્યાં સુધી હું
કશુંક બનીને મારી જાતને પૂરવાર નહીં કરી બતાવું, ત્યાં સુધી કોલકાતાની ઘરતી
પર પાછો નહીં આવું.”
----- ----- ----- -----
બરાબર પાંચ
વર્ષનાં તનતોડ સંધર્ષ પછી અમિતે પાછા કોલકાતાની ઘરતી પર પગ મૂક્યો. સતત એક
ડઝન (ગણીને બાર) જેટલી ફ્લોપ ફિલ્મોમાં પીટાઈ જવા જેવો અભિનય કરીને એ
કોલકાતામાં પાછો ફર્યો. સીધો જઈ ચડ્યો ‘બ્લેર્ક્સ’ની ઓફિસમાં. પટાવાળો
ખુશીથી નાચી ઊઠ્યો, “ આ ગયે વાપિસ, સર? ”
બોસ બોની એને ભેટી પડ્યા,“
મને હતું જ કે તુ ત્યાં નહીં ચાલે. કંઈ વાંધો નહીં. આવી ગયોને પાછો?
જો,પેલી ખુરશી તારી જ રાહ જુએ છે. પગારમાં 1640/- રૂપિયા પૂરા મળશે.
ત્રણ-ચાર ઈજાફા વધારામાં આપીશ.”
અમિતાભે એક નજર પેલી ખુરશી તરફ
ફેંકી લીધી. પછી ત્યાં બેઠા-બેઠા જ આટલે દૂરથી એક કાલ્પનિક લાત એ ખુરશીને
મારી દીધી,જેવી ખૂન્નસભરી લાત એની હવે રીલીઝ થનારી તેરમી ફિલ્મના એક
દૃશ્યમાં એ મારી ચૂક્યો હતો. અને સાથે જ એની તકદીર પલટાવી નાખનારો સંવાદ
પ્રાણ સાહેબ જેવા ધૂરંધર અભિનેતાને સંભળાવી દેવાનો હતો: “યે પુલિસ સ્ટેશન
હૈ, તુમ્હારે બાપકા ઘર નહીં. જબ તક બૈઠને કો ન કહાં જાયે, ચૂપચાપ શરાફતસે
ખડે રહો!”
હા, અમિતની તેરમી ફિલ્મ ‘જંઝીર’ રીલીઝ થવાની હતી. એણે
ખિસ્સામાંથી ટિકીટો કાઢીને બોસના ટેબલ ઉપર મૂકી દીધી, “આવતીકાલે ‘જંઝીર’નો
પ્રિમિયર શો છે. ઓફિસના તમામ કર્મચારીઓએ ફિલ્મ જોવા માટે ચોક્કસ આવવાનું
છે”
અમિત એક ધમાકા સાથે પાછો આવ્યો હતો. કંઈક બનીને આવ્યો હતો.
ગળામાં ગર્જના અને આંખોમાં આગ ભરીને આવ્યો હતો. મિત્રોની કોહવાયેલી
ભવિષ્યવાણીમાં બારૂદનો વિસ્ફોટ કરવા માટે આવ્યો હતો. હિંદી પડદાના પ્રથમ
સુપરસ્ટાર રાજેશ ખન્નાની ઝૂકેલી પાંપણોમાં પાંગરેલા સપનાઓને ખાક કરવા માટે
આવ્યો હતો. કોઈનાં નજાકતભર્યો લહેજાએ સંભળાવેલા કટુ મહેણાંનો જવાબ લઈને
આવ્યો હતો.
એ પ્રિમિયર શો જોયા પછી કોઈએ ફરીવાર એને કદિયે કહ્યું નહીં, “ તને ઈચ્છા થાય ત્યારે નોકરીમાં પાછો આવી જજે; ખુરશી ખાલી છે.”
Comments
Post a Comment