જબ તક બેઠને કો ના કહા જાયે, શરાફત સે ખડે રહો - ઝંઝીર
જ્યારે અમિતાભે પ્રાણને બાપ સમાણી ગાળ સંભાળાવી દીધી.
1973માં
હું જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં ફર્સ્ટ એમ.બી.બી.એસ.માં ભણતો
હતો. એ સમયે 'જંઝીર' પ્રદર્શિત થઇ હતી. એ સમય હિંદી ફિલ્મો માટે
સંક્રાંતિકાળ હતો. જૂના જમાનાના જામેલા અભિનેતાઓ હજુ પણ મેદાન છોડવાના
મૂડમાં ન હતા. ( રાજ - દિલીજ - દેનની ત્રિપુટી હજી પણ મુખ્ય ભુમિકા ભજવવાના
મોહમાંથી બહાર આવી ન હતી.) શમ્મી કપૂર એની સ્થૂળતાના એકમાત્ર કારણથી આથમી
ગયા હતા. મનોજકુમાર વર્ષે દહાડે એકાદ ફિલ્મો બનાવીને ટિકીટબારી છલકાવી આપતા
હતા. રાજેશ ખન્ના સળંગ નવ સુપર ફિલ્મો આપીને કારકિર્દીના શિખર પરથી અવરોહણ
કરવાની તૈયારીમાં હતા. એ સમયે માત્ર બે જ અભિનેતા તેજીમાં દોડી રહ્યાં
હતા. એક, ધર્મેન્દ્ર અને બીજા, શશી કપૂર. જો કે શશીકપૂરનો શ્રેષ્ઠ સમય હજુ
એક-દોઢ વર્ષ પછી આવવાનો હતો.
આ વચગાળાના સમયમાં નવોદિત નાયકોનો ખૂબ
મોટો ધસારો આવી ગયો. અનિલ ધવન, મહેન્દ્ર સંધુ, વિજય અરોરા, અમોલ પાલેકર અને
બીજા અગણિત અભિનેતાઓ એ સમય દરમ્યાન ફિલ્મોમાં પ્રવેશ્યા. મને યાદ છે કે
અમે મિત્રો ભગાં મળીને દર અઠવાડિયે ચારથી પાંચ ફિલ્મો જોવા જતા હતા અને
મોટા ભાગે નવા અભિનેતાની કચરો ફિલ્મ જોઇને નિરાશા સાથે હોસ્ટેલમાં પાછા
ફરતા હતા.
આવા સમયે એક સાંજે અમે ત્રણ મિત્રો 'જંઝીર' જોવા ગયા હતા.
અમિતાભની પહેલાં એક ડઝન ફિલ્મો રિલીઝ થઇ ચૂકી હતી જેમાંથી 'આનંદ' સિવાયની
લગભગ બધી જ 'ફ્લોપ' સાબિત થઇ હતી. એટલે અમિતાભનું નામ ભલે જાણીતું હતું, પણ
અમારા મન એની છાપ હજુય નવોદિત તરીકેની જ હતી. આજે સમજાય છે કે એ નવોદિત
નહીં, પણ સંધર્ષરત કલાકાર હતો. પોતાની જાતને પ્રક્ષકોના હ્રદયમાં પ્રથાપિત
કરવાની જબરદસ્ત કોશિશ કરતો અભિનેતા.
થીયેટરમાં અંધારું થયું.
ટાઇટલ્સ પડ્યા. અમે એને 'નંબરીયા પડ્યા' એમ કહેતા હતા. પછી ફિલ્મ શરૂ થઇ.
બધુ રાબેતા મુજબ આગળ વધી રહ્યું હતું. અમિતાભ પાસેથી અમને કશી જ ઊંચી
અપેક્ષા ન હતી. અમને રસ હતો પ્રાણ સાહેબની અફલાતૂન અદાકારી જોવામાં. પ્રાણ
સાહેબ દેશભરના સિનેરસિકોના પ્રાણપ્યારા કલાકાર હતા. ફિલ્મ ભલે નિષ્ફળ સાબિત
થઇ હોય, પણ પ્રાણ હંમેશાં સફળ જ રહેતા હતા. એ ઉપરાંત અમારા માટે વધારાનું
આકર્ષણ ખલનાયક અજિત હતા. દરેક ફિલ્મમાં એકના એક કપડાં ( સફેદ પેન્ટ - શર્ટ -
બૂટ અને મોજાં ઉપરાંત હાથમાં પણ વિના કારમ મોજાં પહેરી રાખવાની એમની આદત),
મોઢામાં પાઇપ, સિગાર અથવા ચિરૂટ, એ સળગાવી આપવા માટે ખાસ નોકરીમાં રાખી
હોય એવી અલ્પવસ્ત્રધારી બિંદુ અને આજુબાજુમાં આંટા ફેરા કરતાં ચાર-પાંચ
ફોલ્ડરીયાઓ! ચીપી-ચીપીને સંવાદો બોલવાની શૈલી અમને અજીત ગમતો હતો.
અમે
જોવા ગયા હતા આ બધું અને એમાં ભયંકર ઉલટફેર સર્જાય ગઇ. અમિતાભ જેવા સાધારણ
'વજન' ધરાવતા કલાકારે પ્રાણસાહેબ જેવા 'વજનદાર' કલાકારને બાપ સમાણી ગાળ
સંભાળાવી દીધી. એને ખુરશી ઉપર બેસવા ન દીધા અને વધુમાં ખુરશીને લાત મારી
દીધી!
મને બરાબર યાદ છે કે થીયેટરમાં બેઠેલા તમામ પ્રેક્ષકોના હ્રદય
થોડીક ક્ષણો પૂરતા ધબકતાં બંધ થઇ ગયા હતા. પ્રાણ જેવા પ્રાણનું આવું
અપમાન? અમારા માટે આ વાત પચાવી ન શકાય તેવી હતી. એ પછી તરત જ પ્રાણ સશક્ત
સંવાદ બોલીને પોતાનું સ્વમાન પાછું મેળવી લે છે અને પછી પોલિસ સ્ટેશનની
બહાર શેરખાનના વિસ્તારમાં જઇને વર્દી વિનાનો ઇન્સ્પેક્ટર એમની સાથે
મારામારી કરે છે. ન કોઇ જીતા, ન કોઇ હારા! પછી બંને હાથ મિલાવે છે, મિત્રો
બની જાય છે. ત્યારે અમારા દિલને 'હાશ' થઇ. પ્રાણનો મિત્ર બન્યો એટલે હવે
અમિતાભને વાંધો નહીં આવે. આવી અમારી લાગણી હતી.
ફિલ્મ ચાલી. જોરદાર
રીતે ચાલી. મેં એક જ અઠવાડીયામાં બે વાર જોઇ લીધી. બંનેવાર પેલા ખુરશીને
લાત મારવાના દ્રશ્ય માટે જ ખાસ જોઇ હતી. એ વખતે અમિતાભની આંખોમાં પ્રગટતો
ગુસ્સો, પગ વડે લાત મારવામાં વ્યક્ત થતું ઝનૂન અને અવાજમાં પો. ઇન્સ્પેકટર
માટે સાહજીક ગણાતી દ્રષ્ટતા; આ બધું ફિલ્મના પડદા માટે કદાચ વારનું હતું.
આજે
આટલાં વર્ષો પછી હું માનું છું કે અમિતાભે 'જંઝીર'માં ખુરશીને લાત નહોતી
મારી; એ લાત તો એણે એક ડઝન ફિલ્મો કર્યા પછી પણ એનો પીછો ન છોડતી બદનસીબીને
અને નિષ્ફળતાને લાત મારી હતી.
'જંઝીર' માત્ર મને ગમી હતી માટે જ
સફળ થશે એવી ભ્રામક માન્યતામાંથી બહાર આવતાં મને ખાસ્સી વાર લાગી હતી. ધીમે
- ધીમે મને સમજાતું ગયું કે જામનગર એ ભલે મારે મન વિશ્વની રાજધાનીનું શહેર
હતું, પણ કોઇ પણ હિંદી ફિલ્મ સૌરાષ્ટ્રના કોઇપણ શહેરમાં 'રીલીઝ' થાય તે
પહેલાં બે - ત્રણ મહિના અગાઉ મુંબઇ, કોલકાત્તા અને અમદાવાદ જેવા મુખ્ય
શહેરોમાં પ્રદર્શિત થઇ જતી હતી.
'જંઝીર' પણ મેં જોઇ એના કરતાં ચારેક
મહિના પહેલાં મુંબઇમાં પડી ગઇ હતી અને 'ઉપડી' ચૂકી હતી. એ તારીખ હીંદી
ફિલ્મોના ઇતિહાસમાં કોઇ ભૂલી શકે તેમ નથી. એ તારીખ હતી: 11મી મે,1973.
મુંબઇમાં
‘સ્ટ્રેન્ડ’ સિનેમાઘરમાં આ ફિલ્મ જોવા માટે અમિતાભ ગયા હતા. સાથે કેટલાંક
મિત્રો પણ હતા. અમિતજીએ દરેક મિત્રને એક – એક નાનું ટેપરેકર્ડર આપીને સૂચના
આપી રાખી હતી: "તમારે પ્રેક્ષકોના વચ્ચે જઇને બેસી જવાનું છે. ફિલ્મ ચાલી
રહી હોય ત્યારે તમારી આજુ – બાજુમાં બેઠેલા પ્રેક્ષકો કેવો પ્રતિભાવ આપે
છે, ક્યારે ને કેટલી તાળીઓ પાડે છે, ગાળો કાઢે છે, ટીકા કરે છે કે વખાણ કરે
છે – આ બધું એમની જાણ બહાર રેકોર્ડ કરી લેવાનું છે. મારે જાણવું છે કે આ
ફિલ્મ અંગે જનસામાન્યનો સાચો અભિપ્રાય કેવો છે! "
રાત્રે ઘરે જઇને
અમિતાભ તમામ ટેપરેકર્ડરોમાં માત્ર અને માત્ર તાળીઓનો ગડગડાટ સાંભળવા મળ્યો.
મુંબઇના પ્રેક્ષકોએ ‘જંઝીર’ કોલકત્તામાં પ્રદર્શિત થવાની હતી. તારીખ હતી
તેમની જુલાઇ, 1993. ત્યાં સુધીમાં ‘જંઝીર’નું ભાવિ નક્કી થઇ ચૂક્યું હતું.
પ્રકાશ મહેરા પોતાની ટીમ સાથે કોલકત્તા પહોંચી ગયા હતા. અમિત – જયા પણ એમાં
સામેલ હતા. સૌથી કફોડી હાલત એ વખત અમિતની હતી.
એક તરફ એના દિલમાં
સફળતા વિષે વિશ્વાસ હતો (મુંબઇમાં મળેલા પ્રતિસાદને કારણે). બીજી જેમ –
જેમ ‘શો’ નો સમય પાસે આવતો જતો હતો, તેમ – તેમ એનો આત્મવિશ્વાસ રેશમી
લૂંગીની જેમ સરકી રહ્યો હતો. અમિતજી જાણતા હતા કે કોલકત્તાના પ્રેજ્ઞકોનો
મિજાજ બાકીના હિંદુસ્તાન કરતાં અલગ હતો. જે ફિલ્મ આખા દેશ ચાલે તે
કોલકત્તામાં નિષ્ફળ પણ જઇ શકે.
ફિલ્મ રિલીજ થવાના દિવસે પ્રકાશ
મહેરાએ એમના હીરોને કહ્યુ હતું : "તારે કોઇ મિત્રોને ફિલ્મ જોવા માટે
આમંત્રિત કરવા હોય તો તું કરી શકે છે."
અમિતાભ માટે કોલકત્તામાં
મિત્રોની ક્યાં કમી હતી? એણે પોતાના જૂના સાથી કલાકારો 'એમેચ્યોર થીયેટર
ગ્રુપ'ના મિત્રોને આમંત્રિત કર્યા. પછી એમને પોતે જ્યાં નોકરી કરતા હતા તે
કંપની યાદ આવી ગઇ.
અમિતાભ બચ્ચન એક નમતી બપોરે 'બ્લેકર્સ' કંપનીની
ઓફિસમાં જઇ પહોંચ્યા. આ એ ઓફિસ હતી જ્યાંથી ત્રીસમી નવેમ્બર, અડસઠના દિવસે
એમણે ત્યાગપત્ર આપીને મુંબઇની વાટ પકડી હતી. આ એ ઓફિસ હતી જ્યાંના બોસ
શ્રીકાંત બોનીએ એમને મિત્રભાવે આવું દુ:સાહસ ન કરવાની સલાહ આપી હતી. અને
પ્રેમથી આવું પણ કહ્યું હતું - "મુંબઇમાં તારી દાળ ન ગળે તો પાછો આવી જજે;"
તારી બેસવાની ખુરશી હું ખાલી રાખવાનો શું." આ એ ઓફિસ હતી જેના પટાવાળાએ
આંસુભરી આંખે આ 'મૂર્ખ' કર્મચારીને વિનંતી કરી હતી- "સાહેબ, ન જાવ! તમને
અહીં 1640 R જેટલો માતબર પગાર મળે છે; મુંબઇમાં તમે આટલું ક્યારેય નહીં કમાઇ શકો."
અમિતાભને
જોઇને શ્રીકાંત બોની રાજી થઇ ગયા. પૂછવા લાગ્યા,"આવી ગયો ને, ભાઇ? મને
ખાતરી હતી કે તું ત્યાં નહીં ચાલે. જો, તારી ખુરશી હજુ ખાલી જ પડી છે."
ઓફિસ
પહેલા માળે આવેલી હતી. અમિતાભ હજુ બોસની વાતનો જવાબ આપે એ પહેલાં તો
નીચેથી કોલાહલ મચવાનો અવાજ સંભળાયો. બોની શ્રીકાંત ઊભા થઇને બારી પાસે ગયા.
એમને એમ કે અકસ્માત જેવું કશુંક થયું હશે, ઉન્માદમાં આવીને ચીલ્લાતા હતા:
"જંઝીર! જંઝીર! અમિતાભ! અમિતાભ!"
બેકાબૂ ભીડને કાબુમાં રાખવાની કોશિશમાં ટ્રાફિકના પોલિસ કર્મચારીઓને પરસેવાના રેલા ઊતરી રહ્યા હતા.
બોની પાછા ફર્યા. અમિત સાથે હસ્તધૂનન કર્યું. પૂછ્યું, "દોસ્ત! મને કહેતો પણ નથી કે તુ હવે...?"
"એ
કહેવા માટે તો અહીં આવ્યો છું. આ રહ્યા કોમ્પ્લીમેંટરી પાસ! તમારાથી લઇને
પ્યૂન સુધીના તમામ કર્મચારીઓએ આજનો પ્રિમિયર શો જોવા માટે પધારવાનું છે."
'બ્લેકર્સ'ની
ઓફિસમાં બધાંની આંખો ભીની હતી. સૌથી વધુ આંસુ પટાવાળો ખેરવી રહ્યો હતો.
એના મનગમતાં 'સા'બ' આજે હિંદુસ્તાનભરના 'સાહેબ' બની ગયા હતા. એ પટાવાળાએ
જતન કરીને સાચવી રાખેલું પગારપત્રક આજે પણ ત્યાં વિદ્યમાન છે, જેમાં
અમિતાભે 'ડ્રો' કરેલો છેલ્લો પગાર (રૂ.1640 પૂરા) આજે પણ વાંચી શકાય છે.
અમિતાભના
ઉચાટ પાછળનું એક કારણ આપણ હતું. એમના મિત્રો તથા 'બ્લેકર્સ'ના જૂના
કર્મચારીઓને 'જંઝીર' પસંદ આવશે કે નહીં? આ પ્રશ્ર એમને સતાવતો હતો.
અને
સૌથી મોટી ચિંતા આ વાતની હતી: એક ખાસ વ્યક્તિ જેનાં ઉપહાસ માત્રથી
ઊશ્કેરાઇને અમિતે કોલકત્તાને કાયમને માટે 'અલવિદા' કહ્યું હતું એ 'જંઝીર'
જોઇને શું કહેશે? એકસાંજે અમિતને કહેવામાં આવ્યું હતું કે એની હેસિયત શી
છે! અમિતે વિધાતા સાથે કરાર કર્યો હતો કે જ્યાં સુધી હું ફિલ્મોમાં સફળ
નહીં થઉં, ત્યાં સુધી કોલકત્તાની ધરતી પર પગ નહીં મૂકું.
આજે પાંચ
વર્ષ પહેલાંનો ગૂમનામ અમિત 'જંઝીર' જેવી સુપર - ડુપર હિટ ફિલ્મનો સફળ
અભિનેતા બનીને કોલકત્તા પરત ફર્યો હતો. આખો દેશ હવે એને જાણતો હતો. જો
સફળતાને નામ જેવું કશું હોઇ શકે તો એ નામ હતું અમિતાભ બચ્ચન.
હોટલમાંથી
ગાડીમાં બેસીને કાફલો સિનેમાઘર તરફ જવા રવાના થયો. પત્રકારો અને
સિનેચાહકોને 'જંઝીર' વિષેની ખબર મળી ચૂકી હતી. ઠેર-ઠેર લોકો ગાડીને અટકાવી
રહ્યા હતા. અમિત નર્વસ થતો જતો હતો. એનું કારણ એ હતું કે કોલકત્તાની જનતા
એક જ નામ દઇને ચીસો પાડી રહી હતી: ''પ્રાણ સાહેબ ક્યાં છે? વી વોન્ટ પ્રાણ!
વી વોન્ટ પ્રાણ!''
એવું પણ નહોતું કે ફિલ્મ 'જંઝીર'માં પ્રાણ
સાહેબે ભજવેલી શેરખાનની ભૂમિકાની શાનદાર વાતો કોલકત્તાવાસીઓના કાન સુધી
પહોંચી ગઈ હતી; ખરી વાત એ હતી કે પ્રાણ સાહેબ આમ પણ એ સમયે દેશવાસીઓના
અત્યંત ચાહનાપ્રાપ્ત કલાકાર બની ગયા હતા. 1965 સુધીમાં ખૂંખાર વિલન તરીકે
સેંકડો ફિલ્મોમાં ધાક જમાવી ચૂકેલા પ્રાણ સાહેબે મનોજકુમારની સુપરહિટ ફિલ્મ
'ઉપકાર'થી ચરીત્ર અભિનેતા તરીકેની બીજી ઇનિંગ્ઝ શરૂ કરી હતી. અને એ પારી
પ્રથમ પારી કરતાં પણ વધુ સફળને યશસ્વી સાબિત થઇ હતી. સિનેમાના ચાહકોમાં
પ્રાણ સાહેબનું સ્થાન કોઇ પણ હીરો કરતાં તસુભાર જેટલુંય નીચું ન હતું.
અમિતજી
આ વાતથી અજાણ હતા. એટલે એમની નર્વસનેસ વધી રહી હતી. એમણે ચાલુ વાહનમાં
પ્રકાશ મહેરાનો હાથ પકડી લીધો,'' પ્રકાશજી, આ બધાં તો પ્રાણ સાહેબની જ જોવા
આવ્યા છે.''
''વી વોન્ટ અમિતાભ! વી વોન્ટ અમિતાભ!
''હા, પણ એ બધા માત્ર તને જ જોઇને પાછા જવાના છે. તું ધીરજ રાખ!'' પ્રકાશ મહેરાએ હિંમત બંધાવી.
એમની
ભવિષ્યવાણી સાચી પડી. એ રાત્રે જ્યારે 'જંઝીર'નો ત્રીજો 'શો' પૂરો થયો અને
ભીડ બહાર આવી, ત્યારે હવામાં એક જ ફરમાઇશ ગૂંજી રહી હતી: ''વી વોન્ટ
અમિતાભ! વી વોન્ટ અમિતાભ!''
અમિતાભે વિધાતા સાથે કરેલો વાયદો પૂરો
કર્યો હતો. 1968ના વર્ષમાં કરેલો સંકલ્પ 1973માં સિદ્ધ થયો હતો. પાંચ જ
વર્ષમાં એમેની દુનિયા બદલાઇ ચૂકી હતી.
અમિતાભ ખુશ હતા
'જંઝીર'ની
સફળતાથી બીજાં પાંચ જણાં પણ બેહદ ખુશ હતા. નિર્માતા-નિર્દેશક પ્રકાશ મહેરા
એ વાતથી ખુશ હતા કે એમના નિર્માણમાં બનેલી પ્રથમ જ ફિલ્મ આટલી હદે સફળ
સાબિત થઇ હતી. ચરીત્ર અભિનેતા ઓમ પ્રકાશ એ વાતે ખુશ હતા કે એમણે જે
કલાકારની પ્રતિભા માટે અકલ્પનીય આગાહી ઉચ્ચારી હતી એ છોકરો સાચ્ચે જ બીજો
પાલમુનિ સાબિત થઇ રહ્યો હતો. લેખક બેલડી સલીમ-જાવેદને એ વાતની ખુશી હતી કે
નિર્માતાને અમિત માટે એમણે કરેલી ભલામણ યોગ્ય પુરવાર થઇ હતી. પ્રાણ સાહેબને
એ વાતની અપાર ખુશી હતી કે ભવિષ્યની ભીંત ઉપર લેખાયેલું અદ્રશ્ય લખાણ જે
એમને વંચાયું હતું તે શત-પ્રતિશત સાચું પડ્યું હતું. એ સુપરસ્ટાર હેડ એટ
લાસ્ટ એરાઇવ્ડ!
અને એક નાનકડો જીવ પણ ખુશીનો માર્યો ફૂલ્યો સમાતો ન
હતો. એનું નામ હતું જ્યા ભાદુરી. જ્યારે હિંદી ફિલ્મોની એક પણ પ્રસ્થાપિત
હિરોઇન અમિત જેવા અપશુકનિયાળ અને વધુ પડતાં ઊંચા હીરોની સાથે કામ કરવા માટે
તૈયાર ન હતી, તે સમયે આ બટકી પણ પ્રતિભાવાન અભિનેત્રીએ 'જંઝીર'માં અભિનય
કરવાની હા પાડી હતી.
જયાની આ તૈયારી અનેક અર્થોમાં મહત્ત્પૂર્ણ હતી.
'જંઝીર' પહેલાં અમિતાભ કશું જ ન હતા, પણ જયાએ પોતાનું સ્થાન મજબૂતાઇથી
ઊંભું કરી લીધું હતું. એની 'ગુડ્ડી' 'ઉપહાર' અને 'બાવર્ચી' દેશભરમાં ધૂમ
મચાવી ગઇ હતી. એની સાથે ફિલ્મો બનાવવા માટે મોટા-મોટા નિર્માતાઓ લાઇનમાં
ઊભા હતા. ઊંચાઇનું બહાનું બતાવીને બીજી હિરોઇનો આ લંબુજીની સાથે કામ કરવાની
ના પાડી દેતી હતી એ અમિતાભ જયા ભાદુરીનાં માટે તો વધારે 'લંબુજી' સાબિત
થવાનો હતો. સૌથી મોટી વાત એ હતી કે જયાને ખબર હતી કે 'જંઝીર' એ માત્ર
અમિતજી અને પ્રાણ સાહેબની જ ફિલ્મ બની રહેવાની હતી. એનું પોતાનું પાત્ર સાવ
ગૌણ બની રહેવાનું હતું.
અમિતાભ ઉપર આટલો મોટો ઉપકાર કરવા પાછળનું
કારણ કદાચ તો એ તો ન હતું કે ગુડ્ડીને લંબુજી ગમી ગયો હતો?! અને કોલકત્તાના
પ્રેક્ષકોને ગમ્યો એ પહેલાં ગમી ગયો હતો.
આ સવાલ એ સમયે દેશભરમાં
ચર્ચાતો હતો. એક દિવસ ખુદ બાબુજીએ દીકરાને પૂછી લીધું,'' બેટા, તારે એ
છોકરીને સાથે માત્ર મિત્રતા છે કે એનાથી કંઇક વિશેષ? ''
વાત આમ બની
હતી. જયાએ શૂટીંગ વખતે વાત-વાતમાં પોતે વિદેશ પ્રવાસે જવાની છે એવી વાત કરી
હતી. અમિતજી અંજાઇ ગયા હતા. ત્રીસ વર્ષના થયા ત્યાં સુધીમાં અમિતજીએ એક પણ
વાર વિદેશનો પ્રવાસ કર્યો ન હતો.
નો મેરેજ, નો ફોરેન ટુર!
જયાજીએ પૂછ્યું,''તમે પણ ચાલોને મારી સાથે! આપણે યુ.કે. અથવા યુ.એસ.એ. જઇશું.''
અમિતાભને
મન તો ઘણું હતું, પણ મજબૂરીઓયે કંઇ કમ ન હતી. પાસે પૈસાયે ન હતા અને
કારકિર્દીયે ડામાડોળ હતી. એમણે કહી દીધું,''જો 'જંઝીર' સફળ જશે તો આપણે
બંને સાથે વિદેશનો પ્રવાસ ખેડીશું.''
'જંઝીર' ફિલ્મે એક જ મહિનામાં
સફળતાના શિખરો સર કરી લીધાં. ટિકીટબારી ઉપર ટંકશાળ પડી. જયાજીએ વાયદો યાદ
કરાવી આપ્યો. અમિતાભ તો આજ્ઞાપાલક પુત્ર હતા. બાબુજીની રજા લીધા વગર ત્રીસ
વર્ષનો મુન્નો લઘુશંકા કરવા પણ જતો ન હતો!
અમિતજીએ પૂછ્યું,'' બાબુજી, મારી ફિલ્મ 'જંઝીર' સુપરહિટ થઇ છે.''
''એ તો બહુ સારી વાત કહેવાય.'' બાબુજીએ સંતોષ પ્રગય કર્યો.
''હું એની ખુશીમાં વિદેશપ્રવાસે જવાનું વિચારી રહ્યો છું.''
''એમાં પણ કશું ખોટું નથી. તારી સાથે કોણ આવવાનું છે?''
''જયા ભાદુરી. મારી ફિલ્મની હિરોઇન...''
''માત્ર હિરોઇન છે કે પછી...?''
''ના, જયા મારી દોસ્ત પણ છે.''
હવે બાબુજી ખોંખારીને પૂછવા લાગ્યા,'' બેટા, જયા માત્ર તારી સારી દોસ્ત જ છે કે એનાથી કંઇક વિશેષ?''
અમિત શરમાઇ ગયો,'' અમે બંને એકબીજાંને માટે કંઇક વિશેષ છીએ, બાબુજી!''
''તો પછી એક કામ કર, મુન્ના. તુ જયાની સાથે લગ્ન કરી લે! એ પછી જ હું તમને વિદેશ ફરવા જવાની રજા આપીશ.''
''બાબુજી, અમારે તો ચાર-પાંચ દિવસમાં જ ઉપડી જવાનું છે. એટલી ઝડપથી લગ્ન શી રીતે....?
''લગ્ન
તો કરવાં જ પડશે. મેં દુનિયા જોયેલી છે, બેટા! એક પવિત્ર, કાચી કુંવારી
છોકરીની સાથે લગ્ન કર્યા વગર ક્યાંય પણ રખડવું એ કોઇ પણ સંસ્કારી માણસનું
કર્તવ્ય નથી. આપણાં ઘરમાં ભગવાને દીકરી નથી દીધી, પણ એ ન ભૂલવું જોઇએ કે
બીજાંની દીકરીની આપણે ઇજ્જત જાળવીએ. નો મેરેજ, નો ફોરેન ટુર!''
માત્ર
બે જ દિવસ જેટલાં સમયગાળામાં અમિતાભ અને જયાનાં લગ્ન થઇ ગયા. 'જંઝીર'
મુંબઇમાં રિલીઝ થઇ મે મહિનો હતો, કોલકત્તામાં પ્રદર્શિત થઇ તે જુલાઇ માસ
હતો; વચ્ચેના જુન મહિનામાં જયા અને અમિતજીના લગ્ન થઇ ગયા.
Comments
Post a Comment