સુપ્રીમ કોર્ટે છથી ચૌદ વર્ષની વયજુથનાં ગરીબ બાળકો માટે ખાનગી શાળાઓમાં પચ્ચીસ ટકા સીટો અનામત રાખવાનો અને તેમને નિ:શુલ્ક ભણાવવાનો આદેશ કર્યો છે. તેની પાછળની ભાવના સારી છે, પરંતુ તેનો વાસ્તવિક અમલ ધારીએ તેટલો સરળ નથી. ગરીબોને ઊંચું શિક્ષણ મળશે, પરંતુ સાથોસાથ એજ્યુકેશન માફિયાઓ તેમાં છીંડાં પણ શોધી કાઢશે.
- ગરીબ બાળકોને ખાનગી શાળામાં નિ:શુલ્ક પ્રવેશ મળશે, પણ પ્રોજેક્ટ્સ, પિકનિકસ વગેરે ખર્ચાનું શું?
- આ ફાયદો માત્ર છથી ચૌદ વર્ષના બાળકોને જ આપવા પાછળનો તર્ક શો છે?
- આ કાયદામાંથી છટકવા ખાનગી શાળાઓ પોતાના વર્તમાન વિદ્યાર્થીઓમાંથી જ ૨૫ ટકાને ગરીબ બતાવી દે તો?
- ગરીબ બાળકના પરિવારને અમુક નિશ્વિત રકમનાં એજ્યુકેશનલ કૂપન આપી શકાય.
ઘસાઇને ચટપટ થઇ ગયેલો એક જોક છે: જાપાન, ચીન અને ભારતના શાસકોએ ટેક્નોલોજીમાં કોણ આગળ એ જાણવા હોડ લગાવી. ચીનાઓએ વાળથી પણ દસ ગણો બારીક એક તાર બનાવ્યો અને કહ્યું કે આનાથી બારીક તાર કોઇ ન બનાવી શકે. જાપાને એ તારની સોંસરવું કાણું પાડી આપીને તેને સૌથી પાતળી પાઇપ બનાવી આપી. હવે વારો ભારતનો આવ્યો. આપણાવાળાઓએ એ તાર પર લખી નાખ્યું, મેઇડ ઇન ઇન્ડિયા.
આ જોક યાદ આવવાનું કારણ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત શાળાઓને ૨૫ ટકા બાળકોને મફત ભણાવવાના આદેશને કારણે આવ્યો. સરકારે આઝાદીના ૬૫ વર્ષે સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહી એટલે તૈયાર માલ પર હાથ અજમાવ્યો છે. છથી ચૌદ વર્ષનાં ગરીબ બાળકોને નજીકની ખાનગી કે સરકારી શાળામાં મફત ભણવાનો અધિકાર અપાયો. આ વિચાર પોતે બહુ સુંદર લાગે, સમાનતાના સિદ્ધાંતને મૂર્તિમંત કરનાર લાગે, પણ દરેક આદર્શ અને સારો વિચાર જ્યારે અમલમાં લાવવાનો હોય ત્યારે અઘરો પડી જાય છે.
ગરીબ બાળકોને લાખોની ફી વસૂલતી હાઇફાઇ સ્કૂલોમાં મફતમાં ભણવા મળે એનાથી વધુ બીજું શું હોઇ શકે? હવે, ગરીબ બાળકો પણ પેલા કોટ-ટાઇ પહેરેલાં બાળકોની સાથે, તેમના જ કમ્પ્યુટરાઇÍડ કલાસરૂમ્સમાં ભણી શકશે. પોતાનાં બાળકને સારામાં સારી શાળામાં મોકલવાનાં ગરીબ મા-બાપનાં સપનાં સાકાર થશે. તેમનાં સંતાનો પણ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવીને પોતાની કારકિર્દી ઘડી શકશે. કેટલા બધા ફાયદા. કેટલી બધી તકો. અમીર-ગરીબની ભેદરેખા ભૂંસવાનો કેવો સરસ મોકો.
પણ, સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આદર્શ વિચારને તેના લેટર એન્ડ સ્પિરિટમાં અમલમાં લાવવો મુશ્કેલ હોય છે. ઊંટે કાઢયાં ઢેકાં તો માણસે કર્યા કાઠા જેવો ઘાટ હંમેશાં થાય છે. કાયદો બને તેની સાથે જ તેનાં છીંડાં શોધી કઢાય છે અથવા બનાવી દેવાય છે. ખાનગી શાળા સંચાલકોને તો આ નિર્ણય પોતાના ધંધા પરની સીધી તરાપ જેવો જ લાગે એ સ્વાભાવિક છે, પણ સુપ્રીમ કોર્ટે તેમના વાંધા ફગાવી દીધા છે એટલે તેમણે મને-કમને તેને લાગુ તો કરવો જ રહ્યો.
૨૦૧૩ના વર્ષથી તેનો અમલ થવો જરૂરી છે, પણ હજી તો રાજ્ય સરકારો પણ તેના માટે તૈયાર નથી. સૌથી મહત્વનો અને પ્રથમ મુદ્દો, જે ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો ગરીબ વિદ્યાર્થીઓ માટે ખાલી રાખવા અંગેનો છે તે એ છે કે એક સામાન્ય વિદ્યાર્થી પાસેથી જેટલી ફી શાળાને મળે છે એટલી ફી સરકાર તેમને ચૂકવશે ખરી? ના. સરકારો જે વિચારણા કરી રહી છે તેના પરથી એવું લાગે છે કે શાળાઓને બહુ જ નોમિનલ રકમ મળશે. એટલે ખાનગી શાળાઓનો નફો ઘટશે અથવા તેઓ ઘટેલો નફો અન્ય સામાન્ય વિદ્યાર્થીઓ માટેની ફી વધારીને કરશે.
૨૦૦૯માં કપિલ સિબ્બલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પસાર થયો ત્યારે કહ્યું હતું કે, ‘દેશભરમાં હજી વધુ પાંચ લાખ શિક્ષકોની જરૂર છે.’ સરકાર પાંચ લાખ શિક્ષકો વધારી શકે તેમ નથી. અગાઉ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકાર અબજો રૂપિયા ખર્ચી ચૂકી છે છતાં કોઇ મોટો ફાયદો થયો નથી. આવી યોજનાઓ ભ્રષ્ટાચાર માટેની એક તક બનીને રહી જાય છે. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉત્તરોત્તર કથળતું જાય છે. તેને સુધારવા માટેનાં ગંભીર પગલાં સરકારો લેતી નથી અથવા તેમને કશી પડી નથી. નગરપાલિકાઓ અને પાલિકાઓ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વર્ષે ઘટાડો થતો રહે છે.
કોઇ મા-બાપ, જો આર્થિક મજબૂરી ન હોય તો પોતાના સંતાનને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણાવવા માટે તૈયાર નથી હોતાં. ગ્રાન્ટેડ શાળાના અમુક આદર્શ શિક્ષકોને બાદ કરતાં બાકીના બધા શિક્ષકો બાળકોને ભણાવવામાં રસ લેતા નથી કારણકે તેમને નોકરી જવાની ચિંતા હોતી નથી. તેઓ પોતાનાં જ્ઞાનને અપડેટ કરતા નથી. તેમની આવડત પણ ઘણા કિસ્સામાં શંકાસ્પદ હોય છે. શાળાઓમાં સુવિધા કરતાં અસુવિધાની ભરમાર હોય છે.
કોઇ યોજના હેઠળ કમ્પ્યુટર્સ મળી પણ જાય તો તેમનો યોગ્ય ઉપયોગ થતો નથી. કમ્પ્યુટરાઇÍડ બ્લેક બોર્ડ કે ટેબલેટ કે લેપટોપથી ભણાવવાની તો વાત જ નથી આવતી. નોન-ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્ધામાં ટકી રહેવાનું હોય છે અને નફો કમાવાનો હોય છે એટલે તેઓ ગુણવત્તા પર ભાર મૂકે છે, શિક્ષકો પણ ટકોરા મારીને પસંદ કરે છે. એ વાત અલગ છે કે ખાનગી શાળાઓમાં ભણાવનાર શિક્ષકોને બહુ જ ઓછું વળતર મળે છે. તેમનું આર્થિક શોષણ થાય છે અને ક્યારેક યોગ્ય કવોલિફિકેશન નહીં ધરાવનાર શિક્ષકોની પણ સેવા લેવામાં આવે છે.
બીજો મહત્વનો મુદ્દો સમાનતાનો છે. ગરીબ બાળકને ખાનગી શાળામાં પ્રવેશ મળી પણ જશે તો પણ, અન્ય ચીજો, પ્રોજેક્ટ્સ, પિકનિકસ વગેરે પાછળ થતો ખર્ચ કરવામાં તેમને મુશ્કેલી પડશે. દરેક વાચકના પરિવારમાંથી છથી ચૌદ વર્ષની ઉંમરનું કોઇને કોઇ બાળક ખાનગી શાળામાં ભણતું હશે અને તેમને જાણ હશે કે હજારોની શાળા ફી જેટલો જ ખર્ચ વર્ષભરમાં અન્ય ચીજો પાછળ થઇ જાય છે. ખાનગી શાળાઓમાં સમાનતા માટે યુનિફોર્મ રખાય છે, બર્થ-ડે વગેરે પ્રસંગોએ વિદ્યાર્થીઓ એકબીજાને ચોકલેટ સિવાય કોઇ ગિફ્ટ આપી શકતા નથી, કોઇ કીમતી વસ્તુ લઇ જઇ શકતા નથી, ઘરેણાં પહેરી શકતા નથી, વગેરે વગેરે.
આ નિયમો અમીર-ગરીબની ખાઇ વધે નહીં, કોઇ બાળક લઘુતાગ્રંથિથી, હીનત્વની ભાવનાથી ન પીડાય નહીં તે માટે હોય છે, પણ ધનિક મા-બાપનાં બાળકોનાં કમ્પાસ બોક્સ, પેન, પેન્સિલ્સ, કલર્સ વગેરે હજારોની કિંમતનાં હોઇ શકે છે. જે શાળાઓ લાખો રૂપિયાની ફી લે છે તે બાળકો માટે વિદેશની એજ્યુકેશનલ ટુર્સ ગોઠવે છે જેનો ખર્ચ એક-બે લાખ રૂપિયા હોય છે. ગરીબ બાળક આવી ટુરમાં જઇ શકે નહીં એટલે અસમાનતા તો પેદા થાય જ.
અમીર બાળક પાંચસો રૂપિયા કે હજાર રૂપિયાની કિંમતના નાસ્તા બોક્સમાંથી પાસ્તા કે પિત્ઝા ખાય અને ગરીબ બાળક સવારે માએ ઉતાવળે બનાવીને ડબ્બામાં ભરી આપેલો હાંડવો કે ખાંડવી ખાય ત્યારે લઘુતાગ્રંથિ તો આવે જ છે. આજે પણ રાઇટ ટુ એજ્યુકેશનના અમલ પહેલાં પણ આ પરિસ્થિતિ શાળાઓમાં છે જ, જે અમલ પછી વધી શકે છે અને ફી ઉપરાંતનો ખર્ચ કોણ ભોગવશે? સરકારે જ ભોગવવો જોઇએ. સરકાર જો કાયદાને લેટર એન્ડ સ્પિરિટમાં અમલમાં મૂકવા માગતી હોય તો તેમણે બાળકના એક-એક પાઇના ખર્ચને ભોગવવો જોઇએ. માત્ર અડધી-પડધી ફી ભરી દેવાથી કશું થવાનું નથી. બાળકો સાથે મનોવૈજ્ઞાનિક રમત થવાનું જોખમ ઊભું થાય એવી પણ સંભાવના છે.
છથી ચૌદ વર્ષના ઉંમર જુથને જ ફાયદો શા માટે છે એ ત્રીજો મહત્વનો મુદ્દો છે. ગરીબ માણસે લોઅર કેજી, હાયર કેજી બાળકને પોતાના ખર્ચે ભણાવવું પડે પછી તેને ખાનગી શાળા કે સરકારી શાળામાં તેને મફત ભણવા મળે અથવા લોઅર અને હાયર કેજીમાં તેને ખાનગી શાળામાં અત્યંત ઊંચી ફી ભરીને ભણાવવું પડે અને તે પછી તેને મફત શિક્ષણ મળે. જો પહેલાં ઊંચી ફી ભરીને બાળકને ખાનગી શાળામાં કેજીમાં ભણાવે તો તેને આર્થિક રીતે નબળા ગણાવવામાં અડચણ આવી શકે.
અને, ચૌદ વર્ષની ઉંમર પછી બાળકને ભણાવવાના ખર્ચનું શું? ચૌદ વર્ષની ઉંમરે લગભગ બાળક નવમા ધોરણમાં હોય. એટલે દસમા ધોરણથી તેણે એકદમ ઊંચી ફી ચૂકવવી કે પછી ઓછી ફી વાળી સરકારી શાળામાં જતું રહેવું? તે બાળકની કારકિર્દીના મહત્વના પડાવ જેવા દસમા વર્ષે જ તેણે આકરો નિર્ણય લેવો પડે. સરકારે રાઇટ ટુ એજ્યુકેશનને ઉંમર સાથે જોડીને ગૂંચવણ વધારી છે. બેઝિક સ્કૂલિંગ સુધી ફરજિયાત મફત શિક્ષણ ગરીબ વિદ્યાર્થીઓને મળી રહે તેવી જોગવાઇ હોવી જોઇએ.
ખાનગી શાળાઓ ૨૫ ટકા ગરીબ વિદ્યાર્થીઓ, જે તેમના માથે પડ્યા છે, ધરાર બેસાડી દેવામાં આવ્યા છે. તેમની સાથે સમાન જ વ્યવહાર કરશે એવું માની લેવું પણ થોડું વધુ પડતું છે. કદાચ એવું પણ બને કે ગરીબ બાળકોનો કલાસ અલગ રહે, તેમના શિક્ષકો અલગ રહે અથવા તેમને સંપૂર્ણ સુવિધાઓ ન મળે. શાળાઓમાં પણ વેલ્યુ એડેડ સર્વિસીઝ પ્રારંભ થાય એવું બની શકે છે. એવું પણ બની શકે કે શાળા પોતાના જ વિદ્યાર્થીઓમાંથી ૨૫ ટકા વિદ્યાર્થીઓને ગરીબ ગણાવી દે અને ચોપડાઓ પર બતાવી દે કે તેઓ ૨૫ ટકા ગરીબ બાળકોને ભણાવી રહી છે.
આવું ન થાય તે માટેનું ફૂલપ્રૂફ મિકેનિઝમ કાયદામાં દર્શાવાયું નથી. રાજ્ય સરાકરો ક્યા પ્રકારની વ્યવસ્થા ગોઠવે છે તે પણ જોવાનું રહે છે. ઘણી રાજ્ય સરકારોનો અભિગમ જોતાં તેઓ પણ ફૂલપ્રૂફ મિકેનિઝમ ન બનાવે એવી સંભાવના રહે જ છે. શહેરી વિસ્તારોમાં ૫૪ ટકા બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે તેવા આંકડા ૨૦૧૦માં જાહેર થયા હતા અને તેમાં દર વર્ષે ત્રણ ટકાનો વધારો થતો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
જે રીતે સરકારી શાળાઓમાં વર્ગો ઘટી રહ્યા છે અથવા સરકારી શાળાઓ બંધ કરવાની નોબત આવી રહી છે તે જોતાં એ સ્પષ્ટ થઇ જાય છે કે, પ્રવાહ ખાનગી શાળાઓ તરફ ધોધમાર વહી રહ્યો છે. અને ગુજરાતમાં તો આ પ્રવાહ રાતે ન વધે એટલો દિવસે અને દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે. નાનાં નગરોમાં અને મોટાં ગામડાંમાં પણ ખાનગી શાળાઓની સંખ્યા સતત વધતી રહે છે. પછાત ગણાતા વિસ્તારોમાં ખાનગી શાળાઓની સંખ્યા વિકસિત વિસ્તારો કરતાં પણ વધુ ગતિથી વધી રહી છે. ગુજરાત વિકાસના માર્ગ પર છે તે આ ઘટનાક્રમથી પણ સાબિત થાય છે.આ સ્થિતિમાં ૨૫ ટકા વિદ્યાર્થીઓને સરકારી અને ખાનગી શાળાઓમાં ફરજિયાત મફત શિક્ષણ આપવાનો નિર્ણય આવકારદાયક છે છતાં, તેને લાગુ કરતી વખતે ઘણી મહેનત કરવી પડશે. ઉપર દર્શાવેલા તમામ મુદ્દાઓના ઉકેલ પણ વિચારી લેવા પડશે.
સરકાર શાળાઓને બાળકોની ફી પેટે નાણાં આપે તેના કરતાં જે ગરીબ બાળકને ૨૫ ટકામાં સમાવવામાં આવે તેને નિશ્વિત રકમના એજ્યુકેશન કૂપન આપવામાં આવે તો પણ વ્યવસ્થા થોડી વધુ સરળ બની શકે. આર્થિક રીતે નબળાં મા-બાપ ખરેખર મફત શિક્ષણ નથી ઇચ્છતાં હોતાં, તેઓ કવોલિટી એજ્યુકેશન ઇચ્છતાં હોય છે. સરકારે કવોલિટી એજ્યુકેશન આપતી શાળાઓની સંખ્યા પછાત વિસ્તારોમાં વધારવી જોઇએ અને હાલની ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ સુધારવી જોઇએ. આવું કરવામાં આવે તો શાળાની કુલ સ્ટ્રેન્થના ૨૫ ટકા બાળકોને જ નહીં, આર્થિક રીતે નબળાં તમામ બાળકોને તેનો ફાયદો થઇ શકે.
એમ. સી. ચાગલા શિક્ષણ પ્રધાન હતા ત્યારે, ૧૯૬૪માં દેશના શિક્ષણ વિશે તેમણે કહ્યું હતું કે, ‘આપણા બંધારણના ઘડવૈયાઓ માત્ર એવું નહોતા ઇચ્છતા કે આપણે શાળાની ઇમારત ઊભી કરીને તેમાં વિદ્યાર્થીઓ મૂકી દઇએ, તેમને તાલીમ વગરના શિક્ષકો આપીએ, તેમને ભૂલ ભરેલાં પાઠ્યપુસ્તકો આપીએ, રમતનાં મેદાનો ન આપીએ અને પછી કહી દઇએ કે અમે તો બંધારણની ૪૫મી કલમનો અમલ કરી દીધો છે અને પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે... બંધારણના ઘડવૈયાઓએ તો એવું ઇચ્છ્યું હતું કે શાળાઓમાં છથી ચૌદ વર્ષની વયનાં તમામ બાળકોને સાચું શિક્ષણ આપવામાં આવે.’ આજે ૪૮ વર્ષ પછી પણ એમ. સી. ચાગલા એટલા જ સાચા અને એટલા જ પ્રસ્તુત છે. આપણે આશા રાખીએ કે સરકારી રાહે ચાલતા આ દેશમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ પૂરી નિષ્ઠાથી અને નવી પેઢીને સમાન તક મળે, સમાનતા મળે.
Comments
Post a Comment