“ઓ જૂલી! ઓ શીલા! ઓ રાનો! જમાલો!”- નમકહલાલ
અમિતાભની જિંદગીમાં આવેલી એ પહેલી છોકરી કોણ હતી?
હું
અને મારા મિત્રો જ્યારે મેડિકલ કૉલેજમાં ભણતા હતાં, ત્યારે ભાગ્યે જ એવું
કોઈ અઠવાડિયું ખાલી ગયું હશે, જે દરમ્યાન અમે અમિતાભ બચ્ચનની એકપણ ફિલ્મ
જોઈ નહીં હોય.
સાચો સુપરસ્ટાર કોને કહેવાય તે સમજવા માટે તમારે
સિત્તેરનાં દાયકાનાં ફિલ્મરસિક પ્રેક્ષક બનવું પડે. ઝંઝીર, દીવાર, અભિમાન,
મિલી, શોલે, મુકદ્દર કા સિકંદર, પરવરિશ, હેરાફેરી અને અમર અકબર ઍન્થોની
જેવી અનેક ફિલ્મો મારી કલ્પનામાં ખડી થઈ જાય છે. પ્રેક્ષકોથી ઊભરાતા
થીયેટર્સ, વિશાળ કદનાં હોર્ડિંગ્ઝ, અમિતાભ બચ્ચનનાં પોસ્ટર્સ, હાઉસફૂલનાં
પાટીયા, ટૉકીઝની આસપાસમાં સંભળાતી ટિકિટોનાં કાળાબજારની ગુસપુસ( દો કો
બીસ... દો કો બીસ...)અને પછી જ્યારે ટિકિટ હાથમાં આવે ત્યારે ઈડરિયો ગઢ
જીત્યા હોઈએ તેવો આનંદ થાય એ બધું યાદ આવી જાય છે. આવું એક-એક ફિલ્મ માટે
પચાસ-પચાસ અઠવાડિયાઓ લગી ચાલ્યા કરે. ગોલ્ડન જ્યુબિલી અને સિલ્વર
જ્યુબિલીની વ્યાખ્યાઓ ત્યારે સ્પષ્ટ બની જતી હતી.
પછી રાત્રે એક
વાગ્યે પિક્ચર જોઈને પગે ચાલતાં હૉસ્ટેલમાં આવવાનું અને કપડાં બદલીની
પથારીમાં ઓશિકાને સહારે બેઠા-બેઠા મોડી રાત સુધી અભ્યાસનાં થોથાં
વાંચવાનાં!
આમ કરવા પાછળનું કારણ માનસશાસ્ત્રીય હતું. એક તો
શિક્ષકનો પુત્ર એટલે ફિલ્મ જોઈને આવ્યા બદલ ભારોભાર અપરાધની લાગણી થયાં
કરતી એમાં વળી દિમાગમાંથી ઠપકો સંભળાતો કે- ‘બાપનાં પૈસે અહીં ડૉક્ટર બનવા
માટે આવ્યા છો કે સિનેમા જોવા માટે?’
આ માનસિક ઉચાટનાં નિવારણ માટે
હું વાંચવા બેસી જતો ત્રણ કલાક ફિલ્મ પાછળ વેડફાયા હોય તેનું સાટુ વાળવા
માટે બીજા ત્રણ કલાક એનેટોમી અને ફિઝિયોલોજીનાં દળદાર થોથામાં ડૂબી જતો.
આવી અસંખ્ય રાત્રિઓ અમિતાભનાં કારણે મારે ઊંઘ્યા વગરની વિતાવવી પડી છે.
ઘણીવાર
મને એક પ્રશ્ન સતાવે છે: ખુદ અમિતાભ બચ્ચન ભણવામાં કેવા હતાં? એમના
વિદ્યાર્થીકાળમાં તેઓ હોશિયાર હતાં, ઠોઠ હતાં, મહેનતું હતાં કે આળસુ હતાં?
અમિતાભ ભણવામાં કેવા?
અમિતાભ
આરંભથી અંત સુધી ભણવામાં અત્યંત નબળા હતાં. એમનો નાનો ભાઈ બંટી પણ નબળો જ
હતો, પણ મોટાભાઈ કરતાં એ થોડોક સારો હતો. બચ્ચન બંધુઓના ખાસ મિત્રો એટલે કે
ગાંધી બંધુઓ તો એમનાં કરતાંયે ઠોઠ હતાં. રાજીવ, સંજય, અમિતાભ અને અજિતાભ આ
ચારેય જણાનાં માર્ક્સનો સરવાળો કરવામાં આવે તો માંડ કોઈક હોશિયાર
વિદ્યાર્થીઓનાં માર્ક્સની તોલે આવે!
એકવાર પરિક્ષાનાં પરિણામ પછીનાં
પત્રમાં અમિતાભે પિતાને ઉદ્દેશીને પત્રમાં લખ્યું હતું, “મેં કોશિશ તો કરી
હતી, ડેડ! બરાબર મન લગાવીને પરિક્ષા આપી હતી. લખ્યા પછી ફરીથી બધું વાંચી
પણ ગયો હતો. તો પણ પરિણામ સારું ન આવ્યું. અમારા ક્લાસમાં મારાથી વધુ
હોશિયાર વિદ્યાર્થીઓ છે.”
જિંદગીમાં કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વ્યક્તિની કદિયે ઈર્ષા ન કરતો
બાબુજીની
જગ્યાએ બીજો કોઈ બાપ હોત તો નબળા પરિણામ માટે એણે દીકરાને કેટલોય ઠપકો
આપ્યો હોત?! પણ કવિ બચ્ચનજીએ દીકરાને ‘ડફોળ’ કે ‘ગધેડો’ કહેવાને બદલે
દુનિયાનું શાશ્વત સત્ય સમજાવતો જવાબ લખી મોકલ્યો, “બેટા, જગતમાં શ્રેષ્ઠને જ
સન્માન મળે છે એટલું યાદ રાખજે. જિંદગીમાં કોઈપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ
વ્યક્તિની કદિયે ઈર્ષા ન કરતો તુ જાતે પ્રથમ નંબરે આવવાનો પ્રયત્ન કરજે.”
શેરવુડમાં
છેલ્લા વરસે ખૂબ મહેનત કરી ત્યારે અમિતનો સેકન્ડ ક્લાસ આવ્યો. કુંવર
દિલ્હી પાછા આવી ગયાં. તેજી અને હરિવંશરાય સમજી ચૂક્યા હતાં ભાઈ સાહેબને
આર્ટ્સ કૉલેજમાં પ્રવેશ મળે તેમ છે પણ અમિતની ઈચ્છા સાયન્સ શાખામાં પ્રવેશ
લેવાની હતી. મોટા થઈને એને સાયન્ટીસ્ટ બનવું હતું.
દિલ્હીમાં તો
એકપણ કૉલેજને આ યુવાનની અંદર જગદીશચંદ્ર બૉઝ કે સર સી.વી.રામનનો ચહેરો
કળાયો નહીં. કોઈએ અમિતને એડમિશન ન આપ્યું. ન છુટકે એણે ચંદીગઢની ગવર્નમેન્ટ
કૉલેજમાં પ્રવેશ લઈ લેવો પડ્યો. ‘કૌન બનેગા કરોડપતિ’નો એક એપિસોડમાં
ચંડીગઢથી આવેલી એક સ્પર્ધક યુવતીની સાથે વાત કરતાં-કરતાં બચ્ચન સાહેબ એ
દિવસોની યાદમાં સરી પડ્યાં હતાં. અને બોલી ઊઢ્યાં હતાં, “અરે ભ’ઈ! હમ ભી તો
ચંડીગઢકી સરકારી કૉલેજમાં પઢાઈ કર ચૂકે હૈ! હાલાંકી હમ વહાં જ્યાદા મહિનો
કે લિયે નહીં રૂકે થે, જૈસે હી મૌકા મિલા હમને દિલ્હીકી કિરોડીમલ કૉલેજમેં
દાખિલા લે લિયા થા.”
ક્યારે કિરોડીમલનો વિદ્યાર્થી ખરા અર્થમાં કરોડપતિ બની ગયો
દિલ્હીની
કિરોડીમલ કૉલેજમાં આજે તો નવ્વાણું ટકાએ પ્રવેશ માટેની પ્રથમ યાદી અટકેલી
છે; પણ એ સમયે આ કૉલેજની પ્રતિષ્ઠા આજના જેવી ઊંચી ન હતી. (બિફોર અમિતાભ
અને આફ્ટર અમિતાભનો ફરક પણ હોઈ શકે ને!)
અમિતની ઈચ્છા સેન્ટ સ્ટીફન્સમાં એડમિશન લેવાની હતી; પણ સેકન્ડ ક્લાસ લાવનાર વિદ્યાર્થીને માટે ત્યાં કોઈ સ્થાન જ ન હતું.
કિરોડીમલમાં
ન જવા પાછળનું સૌથી છૂપું અને સૌથી વધુ મહત્વનું કારણ એ હતું કે ત્યાં કોઈ
છોકરી ભણતી ન હતી. એ ફક્ત છોકરાઓ માટેની જ કોલેજ હતી.
અમિતાભ
યુવાનીમાં મારા-તમારા જેવો જ એક ‘નોર્મલ’ યુવાન હોવાથી આ બાબતથી એ
દુઃખી-દુઃખી થઈ ગયાં હતાં.હમણાં કિરોડીમલ કૉલેજ દ્વારા પૂરા બચ્ચન ફેમિલીને
સન્માનવાનો એક સમારંભ યોજવામાં આવ્યો હતો, ત્યારે જયાજી અને ઐશ્વર્યાની
હાજરીમાં બિગ-બીએ વર્તમાન વિદ્યાર્થીઓ સમક્ષ આ વાત જાહેરમાં કબૂલી પણ હતી.
એમના ખાસ અંદાજમાં આ રીતે: “અરે ભૈયા! હમ તો પરેશાન થે હસીનોં કો દેખને કે
લિયે હમેં ઘંટો તક મિરાંડા કૉલેક કે ગેટ કે પાસ ખડા રહેના પડતા થા!”
દિલ્હીની
મિરાંડા કૉલેજ માત્ર છોકરીઓ માટેની કૉલેજ હતી. ત્યાં ભણતી છોકરીઓ પણ
‘નોર્મલ’ હતી, એટલે કિરોડીમલનાં વિદ્યાર્થીઓને નિરાશ નહોતુ થવું પડતું.
એક
દિવસ અમિતાભનું ઊભા પગનું તપ ફળ્યું. મિરાંડા કૉલેજમાં વાર્ષિકોત્સવ હતો.
એમાં એક નાટક ભજવવાનું નક્કી કરવામાં આવ્યું. પણ છોકરીઓ એ વાત ઊપર અટકીને
ઊભી રહી ગઈ કે નાટકનાં પુરૂષપાત્ર માટે છોકરો ક્યાંથી લાવવો!
છોકરીઓ
સારો અભિનય કરી શકે તેવા છોકરાની ખોજમાં નીકળી પડી. બહુ દૂર સુધી લાંબા ન
થવું પડ્યું. ભવિષ્યનો ‘સ્ટાર ઑફ ધી મિલેનિયમ’ કૉલેજનાં ઝાંપા પાસે જ ઊભેલો
હતો અને ધ્રુવની જેમ એક પગ ઉપર ઊભો રહીને તપ કરી રહ્યો હતો.
એ નાટક
અમિતાભને બધી જ રીતે ફળ્યું. એનો અભિનય તો વખાણાયો જ પરંતુ એ નિમિત્તે
ઘણીબધી ખૂબસૂરત કૉલેજ કન્યાઓ સાથે એની દોસ્તી જામી ગઈ. કિરોડીમલનો
વિદ્યાર્થી હવે ખરા અર્થમાં કરોડપતિ બની ગયો.
અમિતાભને સ્ત્રીઓ સાથે રહેવું ગમે
અમિતાભને
સ્ત્રીઓની સાથે રહેવું ગમે છે. પહેલાં પણ ગમતુ હતું, આજે પણ ગમે છે ભલે એ
સ્ત્રી ગમે તે રૂપમાં હોય! બચપણમાં મા હતી, જુવાનીમાં પત્ની હતી ( અત્યારે
પણ છે) અને છેલ્લા ચાર વર્ષથી પુત્રવધુ છે. ઐશ્વર્યા જાહેરમાં અભિષેક
કરતાંયે બિગ-બી સાથે વધુ ખુશ જોવા મળે છે.
અમિતાભની જિંદગીમાં આવેલી
સૌ પ્રથમ છોકરીનું નામ સુનિલા હતું. ત્યારે અમિત હજુ કિશોરાવસ્થામાં હતો. આ
અલ્હાબાદની વાત છે. અમિતનો એક ગાઢ મિત્ર હતો; નરેશ ક્રિશ્ચિયન. સુનિલા
નરેશની બહેન હતી. એ ખૂબસૂરત હતી. અમિત એનાં ઘરે જતો ત્યારે સુનિલા એના માટે
પિયાનો વગાડતી હતી. આ સંબંધ ભીનાશ ધારણ કરે એ પહેલા જ સુનિલાનું મૃત્યુ
થયું.
અમિતાભે શેરવુડમાં ભણવા જવાનું પસંદ કર્યું એનું કારણ નરેશ
હતો. નરેશ ત્યાં ભણતો હતો. એ દરમ્યાન જ નરેશને ગંભીર પ્રકારનો ટાયફોઈડ તાવ
લાગુ પડ્યો અને એ પણ મૃત્યુ પામ્યો. લાંબા અરસા સુધી અમિતજીનાં હૃદય પરથી આ
ભાઈ-બહેનનાં મત્યુનો આઘાત ભૂંસાયો નહીં. આજે પણ ક્યારેક ક્યારેક અમિતજી
સુનિલાને યાદ કરી બેસે છે.
શેરવુડમાં પણ અમિતજીનો રોમેન્ટિક મિજાજ
છૂપો ન રહી શક્યો. ત્યાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ હોસ્ટેલની
વ્યવસ્થા હતી. અમિતજી ઘણીવાર રાતનાં સમયે ગર્લ્સ હોસ્ટેલની દિવાલ કૂદીને
એમની ગર્લફ્રેન્ડને મળવા માટે પહોંચી જતા હતાં. એકવાર ચોકીદારના હાથે
રંગેહાથ ઝડપાઈ પણ ગયા હતાં. પછી દિલ્હીની મિરાંડા કૉલેજનું નાટક આવ્યું અને
હસીનાઓની ઝુલ્ફોની છાંયનો એક નવો દૌર શરૂ થયો.
હજુ કોલકાતાની નોકરી
અને બંગાળી છોકરીઓની સાથેની જાહોજલાલી આવવાનો થોડીક વાર હતી. ત્યાં તો
માયા, જ્યોતી, રમોલા, વિનીદાસ જેવી કંઈક ખૂબસૂરત સ્ત્રીમિત્રો આ રંગીલા
જુવાનની રાહ જોતી બેઠી હતી.
પછી મુંબઈમાં જયા નામની એક સુંદર,
પ્રતિભાશાળી અભિનેત્રી એને જોઈને આવું બબડવાની હતી, “એ ભલે દેખાવમાં લાંબો
અને પાતળો હોય, પણ એની આંખોમાં સાગર જેટલું ઊંડાણ છે.”
અને પછી
દિલ્હીનાં એરપોર્ટ ઉપર એક દિવસ એનો જૂનો મિત્ર અમિતજીને મળી જવાનો હતો અને
અમિતની સાથે અદબભેર ઊભેલી એક સાઉથ ઈન્ડિયન સુંદરીની તરફ ઈશારો કરીને
પૂછવાનો હતો, “હાય, અમિત! આ કોણ છે? ઓળખાણ તો કરાવ!”
અને જવાબમાં શરમાયેલો અમિતાભ કહેવાનો હતો, “રેખા.”
આ
બધા તો થોડાક જ નામો છે. ખુદ અમિતાભે કહ્યું છે કે એણે જિંદગીમાં એક જ
યુવતીને સામે ચાલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ના, મિત્રો એ છોકરીનું
નામ જયા હતું, ન રેખા હતું.
એ નામ જાણવાની તમારી તાલાવેલી હું સમજી
શકું છું, પણ આ કાળમીંઢ પર્વત જેવા અભિનેતાના હૃદયનો એ ભીનો ખૂણો અત્યારે
જેમનો તેમ જ રહેવા દઈએ. ઉતાવળે આંબા ન પાકે
અત્યારે તો ફિલ્મ
નમકહલાલનું એક દૃશ્ય યાદ આવે છે. એમાં દદુ બનતા ઓમ પ્રકાશ બંધ બારણાની એક
તરફ છે અને બીજી તરફ એમનો પૌત્ર અમિતાભ વંઠેલા છોકરાની ભૂમિકા અદા કરી
રહ્યો છે. હાથમાં શરાબની બોટલ અને સાથમાં એક કરતાં વધારે સુંદરીઓ! લથડીયા
ખાતાં-ખાતાં અભિનયનો આ શહેનશાહ ગીત લલકારે છે:થોડી સી જો પી લી હૈ, તો ચોરી
તો નહીં કી હૈ,ઑ જૂલી! ઓ શીલા! ઑ રાનો! જમાલો!કોઈ હમેં રોકો! કોઈ તો
બચાલો!કહીં હમ ગીરનાં પડે...!
અમિતજી નસીબ લઈને જન્મ્યા છે. પડદા
ઉપર અને પડદા બહાર એમના માથા પર સંજોગોની ધૂપ ક્યારેય વરસી નથી
રૂપસુંદરીઓના કાળી ઝુલ્ફોના વાદળોનો છાંયડો એમને સતત, સદૈવ મળતો રહ્યો છે.
Comments
Post a Comment