ભણેલા ગણેલા અને ઇન્ટલિજન્ટ ગણાતા લોકો જ જ્યારે ‘નજર ન લાગે’ એ માટેના કહેવાતા યંત્રો ખરીદવા માંડે ત્યારે?
‘મારી ચીન્ટી આઠ મહિનાની થઇ ત્યાં સુધી એને કોઇ નાની મોટી બીમારી નહોતી
નડી. પણ ગયા મહિને એવી માંદી પડી કે સહુના જીવ તાળવે ચોંટી ગયા. ડોક્ટર
કહે કે કોઇ ઇન્ફેકશન થઇ ગયેલું પણ આપણે એટલું ધ્યાન રાખતા હોઇએ ત્યાં
શેનું ઇન્ફેકશન? રાત સુધી તો હસતી રમતી હતી ને સવારે હોસ્પિટલમાં! રહી
રહીને મને યાદ આવ્યું કે એ સાંજે હું રોજની જેમ ચીન્ટીને લઇને ગાર્ડનમાં
ફરવા ગઇ, ત્યારે અમારા જૂના પડોશી મળી ગયા. એમની સાથે એક બાઇ હતી.
એણે ચીન્ટીને જોતાની સાથે સો ક્યુટ, સો બ્યુટિફૂલ એવું બોલીબોલીને બહુ
વહાલ કરેલું. એ જ રાતે ચીન્ટી બીમાર થઇ ગઇ. પાછળથી મને ખબર પડી કે પેલી
સ્ત્રીનો દીકરો સતત બીમાર રહે છે. એની જ નજર લાગી ગઇ મારી ચીન્ટીને! મારી
મમ્મી તો મને જ ચીઢાઇ કે જેવા તેવાના હાથમાં શું કામ છોકરીને આપે છે? લોકો
ભલે મોઢેથી વહાલ કરે પણ કોણ જાણે એમની નજરમાં શું હોય?’
પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી સુખી ઘરની ચોવીસ વર્ષીય
શહેરી સ્ત્રીનો આ કકળાટ છે. એને જુનવાણી કે વહેમીલી ગણીને અહીં અફસોસ નથી
કરવો. આવું કરીએ તો હાલતાં ને ચાલતાં રોજેરોજ અફસોસ કરવા પડે કારણ કે, આવા
વહેમીલા લોકોની સંખ્યા દિનબદિન વધતી ચાલી છે. નજર લાગી જવાની વાતો માત્ર
જુના જમાનાના લોકો નહોતા કરતા. અત્યારના મોડર્ન ગણાતા યુગમાં પણ આપણે એવા
જ છીએ.
બલકે વધુ ખરાબ થયા છીએ. બૂરી નજરથી બચવા માટે કે ઘરમાં ગુડ લક લાવવા માટે
જે ચીજવસ્તુઓ વેચાય છે. એમાં અત્યારે કરોડોનું ટર્નઓવર છે. અમારે ત્યાં જે
ભવ્ય શોપિંગ મોલ છે એમાં માત્ર ફેંગશૂઇને લગતી ચીજો વેચતી આખેઆખી શોપ છે,
અને ત્યાં કદી ગ્રાહકોની કમી નથી દેખાતી.
દાદીમાના વખતમાં બાળકને બૂરી નજરથી બચાવવા માટે માથે મેશનું ટપકું કે હાથે
કાળો દોરો બંધાતો હતો. ચીન્ટુની મમ્મીએ ટીવી પરની જાહેરખબર જોઇને એની
દીકરીને બચાવવા જે ‘મેજીક આઇ’ ખરીદી છે, એની કિંમત લગભગ ત્રણ હજાર છે. આ
જોયા બાદ એક દિવસ મેં સતત ત્રણ વાર કલાક ટીવી પર એક શોપિંગ ચેનલ ચાલુ રાખી
તો બૂરી નજરથી બચવા માટે ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે ટૂંકમાં દુનિયાનું બધું
સુખ મેળવવા માટે જે મણકા, તાવીજ, યંત્રો વેચાય છે એની ઢગલાબંધ જાહેરખબરો
જોઇ.
ટીવી અને ફિલ્મના જાણીતા કલાકારો આ જાદુઇ જડીબુટ્ટીઓને પ્રમોશન કરતા
દેખાય. કંપનીનો દાવો હતો કે એ પૈસા કમાવા માટે નહીં, પણ માત્ર લોકોનું
ભલું કરવા માટે આ જાદુઇ તાવીજ વેચે છે, એટલે જ કિંમત હતી માત્ર ચાર હજાર.
માત્ર ઉત્પાદન કિંમત. એક ભાઇએ લાગણીવશ અવાજે કહ્યું કે આ તાવીજ પહેર્યા
બાદ એમનો ખોટમાં ચાલતો બિઝનેસ હવે કરોડો રૂપિયાનો નફો કરવા લાગ્યો હતો.
બીજા ભાઇની દીકરીની સગાઇ તૂટી ગયેલી એ પાછી સંધાઇ ગયેલી. આ દાવાઓને સાચા
માની લઇને ઓર્ડર નોંધાવવા માટે હજારો લોકો દોડી જાય છે.
આ માર્કેટ હવે એટલી મોટી છે કે એમાં પણ ઓરિજિનલ અને ડુપ્લિકેટવાળા ઝઘડા
ચાલે છે. વધુ ભણેલા વધુ પૈસાવાળા, વધુ જ્ઞાની લોકો વધુ મોંઘી પણ ઓરિજિનલ
‘ગુડ લક’ આઇટમ ખરીદવાનો આગ્રહ રાખે છે. જુનવાણી લોક ભૂવા પાસે દાણા નખાવતા
હતા. એમના પર હસતા નવા લોકો ન્યુમરોલોજિસ્ટ કે ટેરો (તાહરો) કાર્ડ્ઝ રીડર
પાસે જઇને મોટી ફી ચૂકવે છે. મોડર્ન લિવિંગનો હિસ્સો ગણાતાં ન્યૂઝ પેપર્સ,
મેગેઝિન્સ, ટીવી, સેલફોન આવી મેજિક-માન્યતાઓ ફેલાવવામાં બહુ મોટી મદદ કરે
છે. અને શાણા ગણાતા લોકો ઉલ્લુ બની જાય પછી કોને કહેવા જાય?
પચાસેક વરસની એજ્યુકેટેડ ઇન્ટલિજન્ટ ગણાતી સ્ત્રીને પાંચેક વર્ષ પહેલાં
શુંયે સૂઝ્યું કે કોઇ ન્યૂમરોલોજિસ્ટની સલાહ પ્રમાણે એણે પોતાના નામનો
સ્પેલિંગ બદલ્યો, કુદરતનું કરવું કે પછીના સમયમાં એના અને ફેમિલીના માથે
એક પછી એક મુસીબત આવતી ગઇ. હેલ્થ, વેલ્થ બધુંયે બગડ્યું હજીયે ખાડામાંથી
નીકળવા માટે મથી રહ્યા છે. પણ તાજેતરમાં ઘણા લોકોની વચ્ચે સહજભાવે કોઇએ
પૂછ્યું કે નામનો સ્પેલિંગ બદલવાથી કોઇ ફાયદો થયો. તો પેલા બહેને સહેજ
અચકાઇને પછી હકાર ભણ્યો. એને કદાચ ભૂલ કબૂલતા શરમ આવતી હશે, પણ ખોટું
બોલીને સામેવાળાને તો એણે ખુદની જેમ જ ઊંધા રવાડે ચઢાવી દેવાનું કામ
કર્યું.
અર્ધશિક્ષિત, ગરીબ લોકો કોઇ તાંત્રિકની જાળમાં ફસાઇને છાપે ચઢે ત્યારે
ખુદને સુધરેલા ગણાવતા આવા લોકો જીભના ડચકારા બોલાવે છે. અને પછી વિદેશથી
સ્પેશિયલ વિઝિટ પર આવેલી ફેન્સી એસ્ટ્રોલોજરના મોંઘાદાટ સેમિનારમાં હાજરી
આપને ગર્વભેર બધાને કહે છે. સ્કૂલમાં ભણતા બાળકો ખોટા સ્પેલિંગ લખે તો
એનું આવી બને. પણ ટીચર રાતોરાત ખુદના નામનો સ્પેલિંગ બદલીને સાવ ઢંગધડા
વિનાનો કરી નાખે તો એને શું કહેવું? આવા ટીચરો આપણાં બાળકોને લોજિક ભણાવી
શકે?
એની વે, શ્રદ્ધા (રાધર અંધશ્રદ્ધા)નો વિષય છે. એમાં દલીલ ન હોય જેને જે
કરવું હોય તે કરે. પણ બીજાની માન્યતાની ટીકા કરવાથી દૂર રહે તો સારી વાત
છે. અને હા, ચીન્ટીની મમ્મીને સાંભળ્યા બાદ મને તો હવે એ જ ફિકર પેઠી છે
કે, કોઇના વખાણ કરવા કે નહીં? કોઇના બાળક કે બિઝનેસ વિશે સારું બોલવા જતા
ક્યાંક આપણા માથે ‘બૂરી નજર’નું લેબલ ન ચોંટી જાય!
Comments
Post a Comment