જેમ જેમ ક્રિકેટનો મહાસંગ્રામ નજીક આવતો જાય છે તેમ તેમ સિનિયર અને નિવૃત્ત થઈ ગયેલા ખેલાડીઓને 1983ના વર્લ્ડકપની યાદ તાજી થાય છે. કપિલ દેવના ધૂરંધરોએ તે સમયની ખૂંખાર વેસ્ટ ઈન્ડિઝની ટીમને પછડાટ આપીને વર્લ્ડકપ જીત્યો હતો. ત્યાર પછી ભારત તેને બીજી વખત જીતી શક્યું નથી. પરંતુ આ વખતે લોકોને આશા છે કે ધોનીના ધૂરંધરો ઈતિહાસનું પુનરાવર્તન કરશે.
તે ટીમના વિકેટ કીપર સૈયદ કિરમાણીએ પણ ઈતિહાસની તે ઘટનાની યાદોને તાજી કરી હતી. ધોનીની ટીમ સાથે પોતાની ટીમની તુલના કરતા કિરમાણીએ કહ્યું છે કે અમારી ટીમ ઘણી નબળી હતી અને અમારા ઉપર અંડરડોગનું લેબલ લાગેલું હતું પરંતુ ધોની બ્રિગેડ ઘણી મજબૂત ટીમ છે.
તો પછી તે સમયની અંડરડોગ ટીમે કેવી રીતે વર્લ્ડકપ જીત્યો તેની વાત કરતા કિરણાણીએ કહ્યું હતું કે અમે ક્યારેય નહોતું વિચાર્યુ કે અમે વર્લ્ડકપ જીતીશું. સ્પર્ધામાં અમારી ટીમ સૌથી બિનઅનુભવી ટીમ હતી. અમે ફક્ત નોક-આઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થવાનું લક્ષ્ય ધરાવતા હતા. તે સમયે અમારા મનમાં તે જ વાત હતી. હકિકતમાં તે સમયે અમે નોક-આઉટ રાઉન્ડમાં પહોંચીશું તેનો પણ લોકોને વિશ્વાસ નહોતો.
પરંતુ જ્યારે અમે પ્રથમ મેચમાં જ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 34 રને પરાજય આપ્યો ત્યારે અમારો આત્મવિશ્વાસ ગજબનો વધી ગયો હતો. તે મેચ પછી અમે વિચાર્યુ કે જો અમે પ્રથમ મેચમાં જ વેસ્ટ ઈન્ડિઝને હરાવી શકીએ છીએ તો પછી અમારે ભૂતકાળને શા માટે યાદ કરવાનો?, તેમ તેમણે કહ્યું હતું.
1983માં ભારતીય ટીમ તેના હકારાત્મક વિચારસરણી, સાતત્યતા અને એક બીજાનો ઉત્સાહ વધારવાના કારણે સફળ થઈ હતી તેમ તેમણે ઉમેર્યુ હતું. કિરમાણીએ કહ્યું હતું કે અમે જે કોઈ પણ ટીમ સામે રમતા હતા ત્યારે વિરોધી ટીમ વિચારતી હતી કે અમે નબળી ટીમ છીએ અને તેઓ અમને સરળતાથી લેતા હતા. પરંતુ તેઓ ખોટી ધારણમાં જીવતા હતા. જ્યારે અમે તેમની સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ત્યારે તેમને હકિકતનું ભાન થતું હતું.
83ના વર્લ્ડકપમાં ઝીમ્બાબ્વે સામેની મેચ કે જેમાં સુકાની કપિલ દેવે અણનમ 175 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી તે મેચને યાદ કરતા કિરમાણીએ કહ્યું હતું કે તેમાં મેં કપિલ દેવને મારો સાથ આપ્યો હતો.
તે વર્લ્ડકપની સૌથી મહત્વની મેચ ઝીમ્બાબ્વે સામેની હતી કે જેમાં 17 રન પર અમારી પાંચ વિકેટ પડી ગઈ હતી અને કપિલ દેવે એકલા હાથે ભારતને મુશ્કેલીમાંથી ઉગાર્યુ હતું. 140 રન પર ભારતે તેની આઠમી વિકેટ ગુમાવી હતી અને ત્યારે હું કપિલ સાથે જોડાયો હતો. ત્યારે કપિલ 50 રન પાર પહોંચ્યા હતા અને 60 ઓવરની તે મેચમાં 30-35 ઓવર બાકી હતી.
હું મારી સ્વાભાવિક શૈલીમાં જ મેદાનમાં ઉતર્યો હતો, ત્યારે મેં મારૂ ધ્યાન કેન્દ્રીત જ રાખ્યું હતું. મેં મારૂ સ્થાન લીધુ અને કપિલ પાસે જઈને તેને કહ્યું કે ચિંતા ના કર, તુ ફક્ત તારી સ્વાભાવિક રમત જ રમ, અને હું બીજા છેડે તને પૂરેપૂરો સાથ આપીશ અને તને વધારેમાં વધારે સ્ટ્રાઈક આપીશ. હું ફક્ત એક જ રન દોડીશ અને બાકીના બોલનો સામનો કરવા તને આપીશ.
ત્યાંથી કપિલ દેવે તેની આક્રમક ઈનિંગ્સને આગળ વધારી હતી અને મેં મારી જીંદગીની સૌથી સ્ફોટક ઈનિંગ્સ જોઈ હતી. મેં સતત તેનો ઉત્સાહ વધાર્યો હતો અને 60 ઓવર સુધી અમે બન્ને અણનમ રહ્યા હતા. ત્યારે કપિલે 175 રન કર્યા હતા અને મેં 23 કે 30 રન બનાવ્યા હતા, તેમ કિરણાણીએ જણાવ્યું હતું.
જો કે કિરમાણીએ તેમ મેચમાં અણનમ 24 રન નોંધાવ્યા હતા તથા કપિલ સાથે મળીને નવમી વિકેટ માટે 126 રનની ભાગીદારી નોંધાવી હતી. 60 ઓવરના અંતે ભારતે 8 વિકેટે 266 રન બનાવ્યા હતા. જો કે તેના જવાબમાં ઝીમ્બાબ્વેની ટીમ 57 ઓવરમાં 235 રને ઓલ-આઉટ થઈ ગઈ હતી અને ભારત 31 રને તે મેચ જીતી ગયું હતું.
પછી તો સેમિફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો અને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે અંતે બે વખતના વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમને પરાજય આપીને ભારતે ઈતિહાસ રચ્યો હતો. તે મારી કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણો હતો, તેમ કહીને કિરમાણીએ પોતાની વાત પૂરી કરી હતી.
Comments
Post a Comment