હૈતિના ટાપુ પણ મળી આવેલી મહિલા આધુનિક વિજ્ઞાન માટે પણ કોયડો બનીને રહી ગઈ
કેરેબિયન સમુદ્રમાં હૈતિ નામનો રમણીય અને સુંદર ટાપુ આવેલો છે. આ ટાપુ અનેક કારણોને લીધે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ટાપુ પર અનેક એવી વસ્તુ જોવા મળે છે અથવા બની રહી છે જે આજે પણ આધુનિક વિજ્ઞાન માટે પણ એક કોયડો બનીને રહી ગઈ છે. કહેવામાં આવે છે કે આ ટાપુ પર કોઈ જાદુઈ શક્તી છે, તેમજ ટાપુ પર આત્માઓ મનુષ્યના સ્વરૂપમાં ભટકતી જોવા મળે છે.
અમુક લોકો એવું માને છે કે હૈતિમાં આત્માઓની મદદ કરતા અમુક લોકો પાસે એવી શક્તિ છે જે મરેલા વ્યક્તિઓની આત્મા પરત બોલાવી શકે છે. આત્મા સાથે જોડાયેલો આવો જ એક બનાવ 24 ઓક્ટોબર, 1936ના રોજ બન્યો હતો. આ દિવસે કેપ હૈતિયન નજીક એક મહિલા જોવામાં આવી હતી. મહિલા ખૂબ વૃદ્ધ અને અશક્ત હતી. તેની ચામડી પર કરચલીઓ પડી ગઈ હતી. તેમજ તેનો દેખાવ પણ ખૂબ ભયંકર હતો. પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગતું હતં કે તે કોઈ આંખની બિમારીથી પીડાઈ રહી હતી. આ ઉપરાંત તે સૂર્ય તરફ નજર કરી શકતી ન હતી. તેની આંખોને સૂર્યથી બચાવવા માટે તે હંમેશા તેના પર કપડું ઢાંકી રાખતી હતી.
આવા દેખાવ સાથેની મહિલા ગામમાં આવ્યાનું સાંભળી ગામના લોકો તેને જોવા માટે ભેગા થઈ ગયા હતાં. જો કે ગામમા રહેતા એક પરિવારે શોધી કાઢ્યું હતું કે મહિલા તેના પરિવારની જ એક સભ્ય છે. જેનું મોત 1907માં થયું હતું. તેમજ તેનું નામ ફેલિસિયા ફેલીક્સ-મેન્ટર હતું.
ગામમાંથી મળી આવેલી મહિલાએ દાવો કર્યો હતો કે ગામમાં તેના પિતાનું એક ફાર્મ આવેલું છે. ફાર્મના માલિકે પણ તેને ઓળખી બતાવી હતી. એટલું જ નહીં મેન્ટરના પતિએ પણ તેને ઓળખી બતાવી હતી. ત્યાર બાદ તેના ખરાબ સ્વાસ્થ્યને કારણે તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ તેના વર્તન અંગે અભ્યાસ કર્યો હતો. ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે તે અચાનક કોઈ પણ કારણ વગર હસવા લાગતી હતી. આ ઉપરાંત તે ક્યારેક પોતાની જાત સાથે વાતો કરવા લાગતી હતી. તેણે પોતાની સાનભાન ગુમાવી દીધી હતી, તેમજ તેની આસપાસની દુનિયામાં શું થઈ રહ્યું છે તેનું તેને બિલકુલ ભાન ન હતું.
આ સમય દરમિયાન લેખિકા ઝોરા નીલ હર્સ્ટનના કાને આ વાત પડી હતી, તેમજ તેણે પોતાના પુસ્તક ટેલ માય હોર્સ માટે મેન્ટરનો ફોટોગ્રાફ ક્લિક કર્યો હતો. જો કે ડોક્ટર લુઈસ પી માર્સે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ મહિલા મેન્ટર હોવાની શક્યતા નથી. આ માટે તેણે બે કારણો રજૂ કર્યા હતાં. એક એવું હતું કે મેન્ટર લંગડાતી ચાલતી હતી. જ્યારે આ મહિલા એકદમ વ્યવસ્થિત ચાલતી હતી. આ ઉપરાંત ડોક્ટરે તેના પગનો એક્સ-રે કર્યો હતો. કારણ કે મેન્ટરના પગમાં ફ્રેક્ચર હતું, પરંતુ એક્સ-રેમાં તેને ફ્રેક્ચર હોય તેવું દેખાયું ન હતું.
એક રહસ્ય...
જો કે અનેક દાવા છતાં મહિલા કોણ હતી, ક્યાંથી આવી હતી તેમજ પોતાને 29 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલા તરીકે કેમ ઓળખાવતી હતી એ એક પ્રશ્ન બનીને રહ્યો છે
Comments
Post a Comment