સાથીદારને કેવી રીતે ખ્યાલ આવે કે તમારા પ્રેમમાં ઉત્કટતા છે?
પ્રેમ વ્યક્ત કરવા માટે માત્ર શબ્દો જ પૂરતાં નથી. ક્યારેક તેના માટે ચુંબન, આલિંગન આપવા-લેવા પણ આવશ્યક છે.
પ્રિયપાત્ર સમક્ષ પ્રણય વ્યક્ત કરવો છે, પણ શબ્દો સાથ નથી આપતાં, તો વાંધો નહીં. એમને એક પ્રેમાળ ચુંબન કરી લો. હા, પ્રેમ અભિવ્યક્ત કરવાનું સૌથી સરળ અને શ્રેષ્ઠ માધ્યમ છે, ચુંબન. ચુંબન દ્વારા તમે તમારા મનમાં સાથીદાર પ્રત્યે જેટલો પ્રેમ હોય તે અભિવ્યક્ત કરી શકો છો અને ચુંબનનો સ્પર્શ સાથીદારને પણ એ અનુભવ કરાવે છે કે તમે એને કેટલો પ્રેમ કરો છો. આ એક અનુભવ એવો છે, જે તમારા સાથીદારને મધુર સ્પર્શનો અહેસાસ કરાવે છે. ચુંબન એવું માધ્યમ છે જેના દ્વારા સાથીદાર વગર કહ્યે પણ ઘણું સમજી શકે છે.
ચુંબન અનેક રીતે કરવામાં આવે છે, પણ જો યોગ્ય રીતે અને સમય વર્તીને સાથીદારને આ મધુર સ્પર્શનો અનુભવ કરાવવામાં આવે તો તેની જે અસર થાય તેનું શાબ્દિક વર્ણન કરવાનું શક્ય નથી. આપણે ત્યાં સામાન્ય રીતે પ્રેમીજનો માત્ર હોઠ પર કરવામાં આવતાં ચુંબનને જ પ્રાધાન્ય આપે છે અને તેનાથી પણ આગળ વધે તો ક્યારેક ગળા કે ગરદન પર ચુંબન કરે છે. ચુંબન અનેક રીતે થાય છે અને તે દરેક વિવિધ નામથી ઓળખાય છે . આજે જાણીએ કે ચુંબન ક્યાં અને કેવી રીતે કરવાથી સાથીદાર પર કેવી અસર થશે.
ફ્લાઇંગ કિસ : તમે ક્યાંક સામાજિક પ્રસંગે કે પાર્ટીમાં ગયાં હો, ત્યારે સાથીદાર પ્રત્યે પ્રેમ અભિવ્યક્ત કરવાની ઇચ્છા જાગે તો તેને ફ્લાઇંગ કિસ આપી શકો છો. ફ્લાઇંગ કિસ આપવા થોડી વાર સાથીદાર સામે જોઇ રહો. એ તમારા નયનની ભાષા સમજી જાય ત્યારે કશું જ કર્યા વિના માત્ર તમારો હાથ તમારા હોઠ પર મૂકી પછી તે હાથ સાથીદાર તરફ ધરી ફૂંક મારો. જુઓ, સાથીના ચહેરા પર લાલિમા છવાઇ જશે.
હેન્ડ કિસ : હાથ પર ચુંબન કરવાની આ પ્રથા આમ તો વિદેશી લોકોમાં વધારે જોવા મળે છે. હવે તો આપણે ત્યાં પણ પાશ્વાત્ય સંસ્કૃતિનું પ્રાધાન્ય વધતું જઇ રહ્યું હોવાથી તમારો પ્રેમ અભિવ્યક્ત કરવા માટે પ્રિયજનનો હાથ હાથમાં લો. એકદમ કોમળતાથી એના હાથને સહેજ ઊંચો કરી તમારા હોઠનો અછડતો સ્પર્શ થવા દો. આવું ચુંબન પ્રણયની અભિવ્યક્તિને આનંદદાયક બનાવશે.
ફોરહેડ કિસ : તમે ફિલ્મોમાં જોયું હશે કે પ્રિયપાત્ર ઉદાસ હોય કે બે પ્રેમીઓ છુટા પડવાના હોય ત્યારે પ્રિયજનના કપાળ પર હળવું ચુંબન કરે છે. ક્યારેક ઓફિસે જતી વખતે કે સાથી સ્નાન કરીને નીકળે, ત્યારે એને કોમળતાથી નજીક ખેંચી તમારા હાથ એની કમર ફરતે વીંટાળી એને એકદમ લગોલગ લાવી દો. એ રીતે કે તમારા શ્વાસોચ્છવાસનો સ્પર્શ એના ચહેરાને થાય.
એનો ચહેરો નજીક લાવો અને એના કપાળ પર હળવું ચુંબન કરો. આમ ચુંબન કરવાથી તમને તો સાથીદારની નિકટતા અનુભવવા મળશે, તે સાથે એ તમારું સાનિધ્ય, સ્પર્શ અને પ્રેમભર્યું ચુંબન મેળવીને રોમાંચિત થઇ જશે. આના પ્રતિભાવરૂપે એ તમને પણ ચુંબન કે આલિંગન આપી દે તો નવાઇ નહીં.
Comments
Post a Comment