પ્રશ્ન :હું મારા માતાપિતાની એકમાત્ર દીકરી છું. મારી ઇચ્છા લગ્ન કરવાની નથી. જ્યારે મારા માતાપિતા ઇચ્છે છે કે મારા લગ્ન થઇ જાય કેમ કે તેઓ નહીં હોય ત્યારે મારું કોણ? મારે એમને કેવી રીતે સમજાવવા?
ઉત્તર :માતાપિતા કાયમ સંતાનનું ભવિષ્ય સુખમય બને એવું ઇચ્છતાં હોય છે. આથી તેઓ તમારા ભવિષ્યનો વિચાર કરી તમારા લગ્ન કરાવવાનો આગ્રહ રાખે છે. તમે તેમને શાંતિથી સમજાવો કે તમારી લગ્ન કરવાની ઇચ્છા નથી અને આજની છોકરીઓ એટલી સક્ષમ તો હોય જ છે કે એકલી રહીને પણ પોતાની રીતે શાંતિથી સુખી જીવન જીવી શકે.
પ્રશ્ન :હું મારા પરિવારમાં સૌથી નાની છું. ઘરમાં આર્થિક રીતે થોડી તકલીફ છે. મારી નોકરી કરવાની ઇચ્છા છે, પણ મારા બે ભાઇઓ મને એ માટે ના કહે છે. મારે શું કરવું? હું મારા પરિવારને મદદરૂપ થવા માગું છું.
ઉત્તર :તમારો વિચાર સારો છે, પણ જો ભાઇઓ નોકરી કરવાની ના કહેતાં હોય તો તમે ઘરમાં બેસીને પણ એવું કોઇ કામ કરી શકો જેના લીધે પરિવારને મદદરૂપ થઇ શકો. જેમ કે, આસપાસના બાળકોનું ટ્યૂશન કરો, બ્યૂટિપાર્લરઘરમાં શરૂ કરી શકો. તમને ભરતગૂંથણનો શોખ હોય તો એ કામ પણ કરી શકો છો. એવું જરૂરી નથી કે નોકરી એ જ એકમાત્ર વિકલ્પ છે, તમારા પરિવારને મદદરૂપ થવાનો.
પ્રશ્ન :હું બાવીસ વર્ષની યુવતી છું. મારા પપ્પા ઘણી વાર ગુસ્સામાં આવીને મારી મમ્મીને મારઝુડ કરતાં હોય છે. તેમનું આવું જીવન જોયા પછી મને લગ્ન કરવાની ઇચ્છા નથી થતી. જ્યારે ઘરમાં મારા લગ્નની વાતો ચાલે છે. મારે શું કરવું?
ઉત્તર :તમારા પિતાના વર્તનને લીધે તમારા મનમાં ડર ઘર કરી ગયો છે, પણ દરેક પુરુષ પત્નીને મારઝુડ કરે જ એવું નથી હોતું. વળી, દરેક વખતે દોષ પુરુષનો જ હોય એવું માની લેવાની પણ જરૂર નથી. તમે મનમાંથી ડર કાઢી નાખીને તમારા માતાપિતા જે પાત્ર પસંદ કરે તેની સાથે લગ્ન કરો. સૌ સારા વાનાં થશે.
પ્રશ્ન :હું એક યુવાનને મારો સારો મિત્ર માનતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મને એના વર્તનમાં કંઇ ફરક આવેલો જણાય છે. કદાચ એ મિત્રતાથી વિશેષ મારી સાથે સંબંધ રાખવા માગે છે. મને એ પસંદ નથી. શું હું એની સાથે મૈત્રી રાખું?
ઉત્તર :તમને જો એ યુવાન સાથે વધારે પડતી લાગણી હોય તો ચોક્કસ સંબંધ રાખી શકો છો, પરંતુ જો તમને મૈત્રીથી વિશેષ સંબંધ રાખવાની ઇચ્છા ન હોય અને એનું વર્તન ન ગમતું હોય તો બહેતર છે કે આ સંબંધને આગળ વધતો અટકાવી દો.
પ્રશ્ન :મારી ઓફિસમાં અવારનવાર ફંકશનનું આયોજન કરવામાં આવે છે. તેમાં મારે પણ હાજર રહેવાનું હોય છે. જોકે હું આવા ફંકશનમાં હાજર રહું તે મારા માતાપિતાને પસંદ નથી. મારે શું કરવું?
ઉત્તર :તમારા માતાપિતા એમની રીતે વિચારે તે યોગ્ય છે. યુવાન દીકરી મોડી રાતે ઘરે આવે તે બાબત માતાપિતા માટે ચિંતાજનક હોય છે. તમે તેમને સમજાવો કે આવા ફંકશનમાં હાજરી આપવાનું તમારા માટે જરૂરી છે કેમ કે તે તમારી ફરજનો એક ભાગ છે. તેઓ તમને પછી ના નહીં કહે.
પ્રશ્ન :મારા પતિને છેલ્લા થોડા મહિનાથી કેટલાક એવા મિત્રો મળી ગયા છે કે તેઓ અવળા માર્ગે ચડી ગયા છે. મેં તેમને સમજાવવાની કોશિશ કરી, પણ તેઓ નારાજ થઇ જાય છે. મારે શું કરવું?
ઉત્તર :તમારા પતિની કુટેવો છોડાવવા તમે એમને સમજાવી જોયા. એમને એક તક આપી જુઓ. તેમ છતાં જો એ સમજવા તૈયાર ન હોય તો તમારા ઘરમાં કોઇ વડીલ હોય તેમને વાત કરો. તેઓ કહેશે તો કદાચ એ સમજે અને પોતાની કુટેવ છોડી દે એવું બને.
Comments
Post a Comment