પ્રશ્ન : હું સોળ વર્ષની છું. મારી ત્વચાનો રંગ એકદમ શ્યામ થઇ ગયો છે. જોકે આનું કારણ હું રોજ તડકામાં રમું છું તે હોઇ શકે, પરંતુ રંગ ગોરો થાય એવો કોઇ ઉપાય ખરો?
ઉત્તર : તમે જ્યારે પણ તડકામાં નીકળો ત્યારે એસપીએફયુકત લોશન લગાવો. તેનાથી ત્વચા ટેન થતી અટકશે. જો તમારી ત્વચા ટેન થઇ ગઇ હોય તો ડી-ટેન લોશન લગાવવાનું રાખો. આ ઉપરાંત, ત્વચાને ટેન થતી બચાવવા માટે લેકટો-બ્લીચ પણ મળે છે. જો આ બધું કરવા ન ઇચ્છતાં હો, તો કાચા દૂધમાં રૂનું પૂમડું બોળી તે પંદર મિનિટ માટે ત્વચા પર લગાવી રાખો અને પછી સાફ કરી લો. થોડા દિવસમાં ત્વચાના રંગમાં ફરક જણાશે.
પ્રશ્ન : મારો રંગ ગોરો છે. હું સ્મોકી આઇ મેકઅપ કરવા ઇચ્છું છું. તે કેવી રીતે કરી શકાય?
ઉત્તર : ડાર્ક કલરના ઉપયોગથી સ્મોકી આઇ મેકઅપ કરવાનું સરળ છે. આવો આઇ મેકઅપ કરવા માટે પર્પલ, બ્રાઉન, બ્લ્યૂ અને ટ્રેડિશનલ બ્લેક કલરનો ઉપયોગ કરો. આઇલિડને કોઇ લાઇટ કલરથી કવર કરો અને પછી ડાર્ક કલર લગાવો. આંખોના આઉટર કોર્નર પર ડાર્ક કલર લગાવતાં અંદરની તરફ લઇ જાવ. તે પછી મસ્કારા લગાવી ફિનિશિંગ ટચ આપો.
પ્રશ્ન : મારી ઉંમર વીસ વર્ષ છે. છેલ્લા કેટલાક દિવસથી મને ચહેરા પર ખૂબ ખંજવાળ આવે છે. મેં બદામનું ક્રીમ લગાવી જોયું, પણ તે પછી ખંજવાળ તો આવે જ છે. મારે શું કરવું જોઇએ?
ઉત્તર : તમારી ત્વચા સંવેદનશીલ હોય અને તેથી ક્રીમને લીધે જ એલર્જી થતી હોય એવું શક્ય છે. તમે સૌપ્રથમ એ ક્રીમ લગાવવાનું બંધ કરી દો. એન્ટિએલર્જી ટેબલેટ લો. બહાર જતાં પહેલાં સનસ્ક્રીન લોશન લગાવો. ગુલાબજળમાં લીમડાની પેસ્ટ બનાવી તે ચહેરા પર લગાવો અને સૂકાઇ જાય એટલે પાણીથી ધોઇ લો.
પ્રશ્ન : મારી ત્વચા તૈલી છે. મારી પીઠ પર ફોલ્લીઓ પણ થઇ ગઇ છે. આનો કંઇ ઉપાય બતાવશો?
ઉત્તર : તૈલી ત્વચા હોય ત્યારે આ સમસ્યા પરેશાન કરે છે. તમે દિવસમાં બે વાર સ્નાન કરો અને લીમડાના પાન ઉકાળેલા હોય તેવા પાણીથી સ્નાન કરો. વાળમાં ખોડો થવાને લીધે પણ કેટલીક વાર પીઠ પર ફોલ્લીઓ થઇ જાય છે, માટે વાળમાં ખોડો ન થાય તેનું ધ્યાન રાખો. મુલતાની માટીમાં સુખડનો પાઉડર મિકસ કરી તેમાં થોડો કાકડીનો રસ ભેળવી પેક બનાવીને લગાવવાથી ફાયદો થશે.
પ્રશ્ન : હું ૨૭ વર્ષની છું. મારા વાળ ખૂબ જ પાતળા અને વાંકડિયા છે. મારા વાળ સીધા થાય એવો કોઇ ઉપાય બતાવશો.
ઉત્તર : તમે વાળમાં અઠવાડિયામાં બે વાર આમંડ ઓઇલથી મસાજ કરો. મસાજ કર્યા પછી હોટ ટોવેલ ટ્રીટમેન્ટ લો. પંદર-વીસ મિનિટ પછી એલોવેરા શેમ્પૂથી વાળ ધૂઓ. ભીના વાળ ઓળીને ખુલ્લા જ રહેવા દો. અઠવાડિયે એક વાર મેંદી લગાવો. આમ કરવાથી વાળ મહદંશે સીધા થઇ જશે.
પ્રશ્ન : મારા દાંત પીળાશ પડતા હોવાથી મને કોઇની સામે હાસ્ય કરવામાં સંકોચ થાય છે. આ પીળાશ કેવી રીતે દૂર થાય?
ઉત્તર : દાંતની પીળાશ દૂર કરવા માટે ખાવાના સોડામાં થોડું પાણી ભેળવી તેનાથી દાંત સાફ કરો. થોડા થોડા સમયે ડેન્ટિસ્ટ પાસે દાંત સાફ કરાવતાં રહો. ધીરે ધીરે પીળાશ ઓછી થઇ જશે.
Comments
Post a Comment