આજકાલ જે રીતે બાળકો ગુમ થવાનાં કિસ્સા સાંભળવા મળે છે, તેના લીધે ઘણી વાર પ્રશ્ન થાય કે આપણા બાળકો કેટલાં સુરક્ષિત છે?
વાલીએ પોતાનાં બાળકોને સમજાવવું જોઇએ કે તેઓ ગમે ત્યાં જાય, તો તેમને જાણ કરીને જાય. એટલું જ નહીં, બાળકને એક ઓળખપત્ર પણ આપી રાખવું જોઇએ જેથી કોઇને મળે તો તેને ઘરે મોકલી શકે.
‘બચપન બચાવો આંદોલન’ નામની એક સંસ્થાએ તાજેતરમાં દેશમાં ગુમ થતાં બાળકો ઉપર એક અભ્યાસ કરી ચોંકાવનારી વિગતો બહાર પાડી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના ૩૯૨ જિલ્લામાં કરવામાં આવેલો આ અભ્યાસ બતાવે છે કે જાન્યુઆરી ૨૦૦૮થી જાન્યુઆરી ૨૦૧૦ સુધીના સમયગાળામાં લગભગ ૧,૧૭,૪૮૦ બાળકો ગુમ થયાં છે. એવી જ રીતે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પણ જણાવ્યું છે કે ૨૦૦૪થી ૨૦૦૫ દરમિયાન ૪૪,૦૦૦ બાળકો દર વર્ષે ગુમ થાય છે. જેમાંથી ચોથા ભાગનાં મળી આવતાં નથી. તાજેતરમાં આપણે જોયું કે એક નાની બાળકી ઘરમાંથી કોઇ પ્રસંગમાં ગઇ અને ત્યાંથી ગુમ થઇ ગઇ.
બાળકીની શોધ હજુ પણ ચાલુ છે. પ્રશ્ન એ છે કે આપણા બાળકો કેટલાં સુરક્ષિત છે અને એમની સુરક્ષા માટે કોણ જવાબદાર છે?બાળકોની કાળજી અને રક્ષણ લેવાની પ્રાથમિક જવાબદારી તેના પરિવારની છે અને વિશેષ જવાબદારી સરકારની આવે છે. જેને સંવિધાનમાં ખાસ કહેવામાં આવ્યું છે કે રાજ્યે બાળકોની સુરક્ષાની વ્યવસ્થા કરવી એ તેની ફરજ છે. બાળક તો પોતાનું ધ્યાન રાખી શકે તેટલું સમજદાર હોતું નથી અને એટલે જ બાળકનું ધ્યાન રાખવાની જવાબદારી મા-બાપ, પરિવાર, શાળા, પોલીસ અને સમાજની થઇ પડે છે.
ગુમ થયેલ બાળકને શોધવા પોલીસ અને મીડિયા એટલે કે છાપાંવાળા, મેગેઝિનવાળા અને ટેલિવિઝનવાળા ચોક્કસ મદદરૂપ થાય છે, પરંતુ ઘણી વાર અથાગ પ્રયત્ન કરવા છતાં ગુમ થયેલ બાળક મળી આવતું નથી. ઉપર જણાવેલ સંસ્થાએ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એમાં એવું પણ નીકળ્યું છે કે બાળકોનું અપહરણ કરીને તેમને બીજા રાજ્યોમાં લઇ જઇને મજૂરી અથવા ભીખ મગાવવાના કાર્યમાં અથવા શારીરિક શોષણના ભોગ બનાવાય છે. ઘણી વાર બાળકોને રીતસરનું અપહરણ કરીને પરદેશ પણ મોકલી દેવામાં આવતાં હોય છે. આ બધાં બાળકોને તકલીફમાંથી ઉગારવાના પ્રયત્નો નિષ્ફળ નીવડે છે અને એટલે જ માતા-પિતા અને શાળા સંચાલકોએ ધ્યાનમાં રાખવા જેવી થોડી વાત બાળકોને ગુમ થતાં અટકાવી શકે છે.
સૌથી પહેલું તો મા-બાપે તેમનાં બાળકોને પોતાની નજરથી દૂર કરવા ન જોઇએ એટલે કે તેમના ઉપર સતત નજર રાખવી જોઇએ. તેને ઘરમાં, ગાડીમાં, બજારમાં અથવા કોઇ પણ પ્રસંગે ગયા હોય તો ત્યાં તેને એકલું મૂકવું ન જોઇએ. પોતાના બાળકને સુરક્ષિત રહેવા માટે હંમેશાં કહેતાં રહેવું જોઇએ. પોતાના બાળકનો લેટેસ્ટ ફોટોગ્રાફ હોવો જોઇએ અને તેનું વજન, ઊંચાઇ, આંખનો કલર અને શરીર પર કોઇ ઓળખચહિ્ન હોય તેની જાણકારી હોવી જોઇએ. બાળકના મિત્રના સરનામાં, તેના મા-બાપનાં નામ અને બાળક જ્યાં જ્યાં જતું હોય ત્યાંના ફોન નંબર હોવા બહુ જ જરૂરી છે.
બાળકને પણ હંમેશાં તેની જોડે એક ઓળખપત્ર જેવું આપી રાખવું જોઇએ. જેમાં એની બધી જ વિગતો હોય અને બાળકને સતત કહેતાં રહેવું જોઇએ કે અજાણી વ્યક્તિ જોડે ક્યારેય વાત ન કરે કે અજાણી વ્યક્તિ પાસેથી તે ગમે તે વસ્તુ આપે તો ન લે. બાળકને એટલું પણ શીખવવું જોઇએ કે હંમેશાં ગ્રૂપમાં જ રહે, એકલું ન રહે અને જો કોઇ અજાણી વ્યક્તિ નજીક આવે કે હાથ પકડે તો ગભરાયા વગર જોરશોરથી બૂમાબૂમ કરવી જોઇએ જેથી આજુબાજુની વ્યક્તિ મદદ માટે દોડી આવે. આ રહી સામાન્ય વાતો પણ અચૂક સુરક્ષા પૂરી પાડે તેવી વાતો છે.
સૌથી અગત્યની વાત એ છે કે જેવું તમને લાગે કે તમારું બાળક મળતું નથી તો તાત્કાલિક એક પણ મિનિટ બગાડ્યા વગર ટી.વી./મીડિયામાં તેનો ફોટો આપી દો અને છાપાંમાં પણ તાત્કાલિક ફોટો આપી દો જેથી કોઇ જુએ તો તમને જાણ કરે. સાથેસાથે પોલીસ સ્ટેશને મિસિંગ રિપોર્ટ લખાવો અથવા એફ.આઇ.આર. લખાવવાનો આગ્રહ રાખો જેથી પોલીસ ત્વરિત ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી શકે. બાળક ગુમ થવાના કિસ્સામાં સમયસર વર્તવું એ બહુ જ મોટી વાત છે કારણ કે ત્રણ-ચાર કલાકના ફેરમાં પણ બાળક ક્યાંયનું ક્યાંય પહોંચી જાય છે.
શાળાના સંચાલકોએ પોતાને ત્યાં આવતાં બાળકોની પૂરેપૂરી માહિતી રાખવી જોઇએ અને શાળાની આસપાસ અજાણી વ્યક્તિઓને જોતાં તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઇએ, શાળાના ચોકીદારો વ્યવસ્થિત હોવા જોઇએ અને જ્યારે પણ બાળક શાળામાં ન આવે તો શાળાના સંચાલકે કે શિક્ષકે બાળકના મા-બાપનો સંપર્ક કરી ખાતરી કરી લેવી જોઇએ કે બાળક ઘરે સુરક્ષિત છે. આ અંગે સંલગ્ન પાસાં અંગે આવતા અંકે વાત કરીશું.
Comments
Post a Comment