પરીક્ષામાં કોઈ ચમત્કારો થતા જ નથી. એટલે પૂજા-પાઠ, દેવદર્શન તમારામાં શ્રદ્ધા પ્રગટાવી શકે, પણ તેનાથી તમારા પેપરમાં કે પરિણામમાં કોઈ ચમત્કાર સર્જાય તેવું હરગિજ ન માનતા.
મારા પ્રિય અને નવયુવાન પરીક્ષાર્થી મિત્રો,
આગામી તા. ૫મી માર્ચથી શરૂ થઈ રહેલી ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકેન્ડરી સ્કૂલની પરીક્ષામાં તમે સૌ ઉમેદવાર છો. આ પ્રસંગે તમને શુભેચ્છા પાઠવવા માટે તથા આ નિમિત્તે તમારી સાથે કશુંક વહેંચવા માટે આ ખુલ્લો પત્ર આપ સૌને પાઠવું છું. તમારામાંથી જે મિત્ર અભ્યાક્રમનાં પુસ્તકો સિવાયનાં પુસ્તકો વાંચવાના આદિ હશે કે પરિપક્વતાના પ્રદેશમાં પ્રવેશી ચૂક્યા હશે તે સર્વેને (કદાચ) મેં ઉપર કરેલું સંબોધન વાગશે! ‘અમને વિદ્યાર્થીને બદલે પરીક્ષાર્થી કેમ કહ્યા?’ આવો પ્રશ્ન જો તમને થાય તો તેને હું આ યુગનું આશ્ચર્ય અને મારું સદ્ભાગ્ય ગણીશ. આશ્ચર્ય એ માટે કે અભિવ્યક્તિમાં પ્રગટતી વેદના સમજવાની સંવેદના આપણે હવે ગુમાવતા જઈએ છીએ. સદ્ભાગ્ય એ માટે કે સંબોધન કટાક્ષથી નહીં, નરી વેદનાથી પ્રયોજ્યું છે.
ઉપર કરેલા સંબોધન અંગે થોડી વધારે સ્પષ્ટતા પણ કરું. થયું છે એવું કે અમે સૌએ (એટલે કે તમારા સર્વે પુરોગામીઓએ) તમને ‘વિદ્યાર્થી’ બનાવવાને બદલે માત્ર ‘પરીક્ષાર્થી’ બનાવવાનું જ કામ કર્યું છે. આ સિલસિલો આઝાદી અગાઉના અંગ્રેજકાળથી ચાલતો આવ્યો છે. ૧૯૪૭ પહેલાં આપણી પર રાજ કરતા અંગ્રેજોને એવું લાગેલું કે ભારતની સંસ્કાર પરંપરાના ઊંડાં મૂળ ઉખાડી નહીં શકાય. આ માટે શિક્ષણમાં ‘સંસ્કૃત’ના સ્થાને ‘અંગ્રેજી’ લાવવું પડશે અને મૌખિક જ્ઞાનની પરંપરાના સ્થાને લેખિત પરીક્ષા લાવવી પડશે.
આ માટે ઈંગ્લેન્ડથી થોમસ મેકોલે નામના એક અંગ્રેજને ખાસ ભારતમાં મોકલાયા. તેમણે વિચાર્યું કે આપણે તો ‘લહિયા’ કે ‘કારકુનો’ જોઈએ છે, જે આપણી જરૂરિયાત અનુસાર લખ્યા કરે. એટલે પછી આપણી આ શિક્ષણ પદ્ધતિમાં તમે હવે જે આપવાના છો તેવી પરીક્ષા પદ્ધતિનો પ્રવેશ થયો. અગાઉ તો બોર્ડની પરીક્ષા માત્ર એક જ હતી. હવે તે પણ બે કરી દેવામાં આવી. એટલે આજની શિક્ષણ પરંપરામાં તમે સૌ એકંદરે વિદ્યાર્થી મટીને પરીક્ષાર્થી બની રહ્યા છો.
તેમાં વાંક થોમસ મેકોલેએ લાદેલી શિક્ષણ પદ્ધતિનો યોગ્ય વિકલ્પ નથી શોધાયો તેનો છે. કો’ક નાનાભાઈ ભટ્ટ, કૃષ્ણશંકર શાસ્ત્રી, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા જેવા લોકોએ આ અંગે પ્રયત્નો કર્યા છે, પણ સફળતાપૂજક સમાજે તે સ્વીકાર્યા નથી. આપણા મુર્ધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરીની પ્રથમ લખાયેલી કથાત્રયીના પહેલા ચરણ ‘પૂર્વરાગ’નો નાયક ચંદ્રહાસ સ્નાતક થઈને મૌખિક કસોટી આપવા જાય છે. ત્યારે થતો સંવાદ ધ્યાન દઈને વાંચો: પરીક્ષક: ‘આપે અભ્યાસ ક્યાં સુધી કર્યો છે?’
વાર્તાનાયક: ‘અભ્યાસ તો કશોય કર્યો નથી. માત્ર બી.એ. સુધીની પરીક્ષાઓ આપી છે.’
જોયું દોસ્તો, ૧૯૬૨માં લખાયેલી આ નવલકથામાં જે વેદના સર્જક અનુભવે છે. તેવી જ આ લખનારની વેદના છે! આને આપણે વેદનાનું સાતત્ય કહીશું? ખેર, જવા દો, સંબોધન માટે મારે ઘણું કહેવું પડ્યું. અલબત્ત, તેનો રંજ નથી, કારણ કે વર્તમાનના ઘડતરમાં ઈતિહાસબોધ હંમેશાં ઉપયોગી નિવડે છે.તા. ૫મી માર્ચથી શરૂ થતી પરીક્ષાઓ માટે તમને સૌને ભરપૂર શુભેચ્છા પાઠવું છું. માત્ર પરીક્ષા પૂરતી જ નહીં, આખાય જીવનમાં સાથે રહી શકે તેવી વાતો તમને કહેવી છે.
શિક્ષણની આ પરીક્ષાની તૈયારીમાં તમે જે કંઈ કર્યું હશે એ બધું જ તમને ભવિષ્યની જીવનની પરીક્ષામાં પણ ઉપયોગી થશે. દા.ત. તમે વાંચ્યું હશે, લખ્યું હશે, યાદ રાખ્યું હશે, ગોખ્યું હશે, અભ્યાસક્રમનું પુનરાવર્તન કર્યું હશે. ન સમજાયું હોય તે અંગે શિક્ષક કે માતાપિતાને પૂછ્યું હશે. આ બધી પ્રક્રિયા દ્વારા મળેલી પરોક્ષ તાલીમ તમને જીવનમાં આવતા પ્રશ્નોનો સામનો કરવા ઉપયોગી થશે. જેમ કે લખવાની તાલીમ તમને ભવિષ્યમાં કોઈપણ વ્યવસાયમાં ચોક્કસતા બક્ષશે. એટલે આ પરીક્ષાની તમે કરેલી પૂર્વતૈયારી ક્યારેય એળે નથી જવાની.
પરીક્ષા આપવા જાવ ત્યારે એક ક્રિકેટરની અદાથી જજો. તમે જોયું હશે કે ક્રિકેટના મેદાનમાં દાવ લેવા ઊતરતો બેટ્સમેન કે ફિલ્ડિંગ કરવા જતા ખેલાડીઓ હળવે હૈયે જ જતા હોય છે. તેમને ખબર નથી હોતી કે તેમના કેટલા રન થશે, તેમને કેટલી વિકેટો મળશે કે તેઓ કેટલા કેચ પકડશે? તેઓ તો પોતાનું શ્રેષ્ઠ કૌવત બતાવવાના મિજાજ સાથે જ મેદાનમાં ઊતરે છે. તમે પણ એમ જ કરજો. પરફોર્મન્સ મહત્વનું છે, પરિણામ નહીં.
પરીક્ષા એ આખરે છે શું? વેપારી જેમ દિવસને અંતે હિસાબ કરીને આવક-જાવકનું સરવૈયું કાઢે છે તે રીતે જ રીતે તમે સૌ પણ વર્ષ દરમિયાન તમે કેટલી મહેનતનો હિસાબ આ પરીક્ષા દ્વારા કરો છો. તેમાંથી પરિણામરૂપી સરવૈયું નીકળે છે. આમાં મોટી વાત એ છે કે હિસાબ કરતી વખતે વેપારી નફા-ખોટની ચિંતા નથી કરતો. તેમ તમારે પણ પરીક્ષા આપતી વખતે પરિણામની ચિંતા નથી કરવાની.
પરીક્ષામાં કોઈ ચમત્કારો થતા જ નથી. એટલે, પૂજા-પાઠ, દેવદર્શન તમારામાં શ્રદ્ધા પ્રગટાવી શકે, પણ તેનાથી તમારા પેપરમાં કે પરિણામમાં ચમત્કાર સર્જાય તેવું હરગિજ ન માનતા. પસ્તાશો.
અને અંતમાં દોસ્તો, આપણે રસ્તા ઉપર જતા હોઈએ છીએ ત્યારે સ્પીડબ્રેકર આવતા જ હોય છે. ત્યાં આપણે કામચલાઉ વાહન ધીમું પાડીએ છીએ. પછી પાછા વાનને મૂળ ગતિમાં લાવી દઈએ છીએ. એટલે કદાચ આ પરીક્ષામાં કોઈ પેપર નબળું જાય તો તેની ચિંતા કર્યા વગર બીજા પેપરની તૈયારીમાં શ્રદ્ધાથી મચી પડજો. એકાદ નબળું ગયેલું પેપર એ સ્પીડબ્રેકર છે! તમારી મૂળ ગતિ તે કાયમ માટે અટકાવી ન શકે!તમારી આગામી પરીક્ષામાંથી તમે સૌ સુવર્ણ સાબિત થઈને નીકળો તેવી ભરપૂર શુભેચ્છા.
Comments
Post a Comment