પ્રશ્ન : મારા વાળનો રંગ કાળો તો છે જ, પણ મારે તે વધારે કાળા દેખાય એવું કરવું છે. તો એ માટે શું કરી શકાય?
ઉત્તર :તમે જો હેરડાઇ કે હેરકલરનો ઉપયોગ કરતાં હો, તો જે શેડ વાપરતાં હો તેનાથી એક શેડ વધારે ઘેરો શેડ લો. આ ઉપરાંત, ડાઇ કે કલર કરેલા વાળમાં તેલ નાખવાથી તે વધારે કાળા લાગશે.
પ્રશ્ન : મારા ચહેરા પર વાળ છે. તે દૂર કરવા માટે કોઇએ મને લીંબુના રસમાં મધ મેળવીને લગાવવાનું જણાવ્યું. શું તેનાથી વાળ દૂર થાય ખરા? આનો કોઇ બીજો ઉપાય જણાવશો?
ઉત્તર :ચહેરા પરના વાળને દૂર કરવા માટે લીંબુના રસમાં મધ ભેળવીને ન લગાવાય. તે માટે તમે ચણાના લોટમાં ચપટી હળદર નાખી તેમાં થોડું દૂધ કે દહીં ભેળવીને ચહેરા પર લગાવો. તે સૂકાઇ જવા આવે એટલે ઠંડા કે ગરમ પાણીથી હળવા હાથે ઘસીને ધૂઓ. ધીરે ધીરે ચહેરા પરના વાળ દૂર થઇ જશે.
પ્રશ્ન : મારા લગ્નને અઠવાડિયાની વાર છે. મારે મેંદીનો કલર એકદમ ઘેરો આવે તે માટે શું કરવું જોઇએ?
ઉત્તર :અત્યારે બજારમાં બ્લેક મેંદી મળે છે, પરંતુ તેમાં કેમિકલ્સનો ઉપયોગ થતો હોવાની શક્યતાને નકારી શકાય નહીં અને એથી ક્યારેક ત્વચાને એલર્જી પણ થઇ શકે. તમે જ્યારે મેંદી લગાવો ત્યારે થોડી થોડી વારે તેના પર લીંબુ અને ખાંડનો રસ લગાવતાં રહો. મેંદી સુકાઇ જાય એટલે તેને ધોઇ નાખવાને બદલે લોખંડની વસ્તુથી ઘસીને કાઢો અને વિકસ અથવા નીલગિરીનું તેલ લગાવો. મેંદીનો રંગ ઘેરો આવશે અને વધારે દિવસ રહેશે.
પ્રશ્ન : મારી ત્વચા શુષ્ક અને ઘઉંવર્ણી છે. મારે મેકઅપ કરતી વખતે કેવા શેડના ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઇએ તે જણાવશો?
ઉત્તર :સામાન્ય રીતે રેડિઅન્સ ધરાવતું ફાઉન્ડેશન તમારી ત્વચાના રંગ સાથે મેળ ખાશે. જોકે ફાઉન્ડેશનનો શેડ ચહેરાની ત્વચાને બદલે તમારા હાથની ત્વચા પર સહેજ લગાવી તે તમારા સ્કિનટોન સાથે મેળ ખાય છે કે નહીં તે જોઇ લો. જે શેડથી ત્વચા વધારે સારી દેખાતી હોય તે સારો લાગશે. મેકઅપ કરતાં પહેલાં ચહેરા પર મોઇશ્વરાઇઝર લગાવો.
પ્રશ્ન : મારી ઉંમર બાવીસ વર્ષ છે. મારી ત્વચા એકદમ નિસ્તેજ અને શુષ્ક થઇ ગઇ છે. ત્વચા કોમળ અને સુંવાળી લાગે તે માટે શું કરવું જોઇએ?
ઉત્તર :તમે દિવસમાં બે વાર માઇલ્ડ ફેસવોશથી ચહેરો ધોવાનું રાખો. જો મેકઅપ કરતાં હો, તો રાતે મેકઅપ સાફ કરીને પછી જ સૂઓ. પૂરતી ઊંઘ લો. અઠવાડિયા-દસ દિવસે તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ કોઇ સારા ફ્રૂટસ્ક્રબથી ચહેરો સ્ક્રબ કરો જેથી મૃત ત્વચા દૂર થઇ જાય. દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવાનું રાખો.
પ્રશ્ન : મારા વાળ એકદમ શુષ્ક અને બરછટ થઇ ગયાં છે. વાળ સાવ લુખ્ખા લાગે છે. વાળની ચમક અને તેને મુલાયમ બનાવવા શું કરવું?
ઉત્તર :તમે અઠવાડિયામાં બે વાર વાળને શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર કરવાનું રાખો. વાળમાં દીવેલ નાખી અડધો કલાક રહેવા દઇ પછી ધૂઓ. વાળ ધોયા પછી બ્લોડ્રાય અથવા સ્ટ્રેટનિંગ ક્યારેય ન કરતાં તેને કુદરતી રીતે જ કોરા થવા દો. ધીરે ધીરે વાળ સુંવાળા અને મુલાયમ બનશે.
પ્રશ્ન : હું પરિણીતા છું અને મને ચાંદલો કરવાનો ખૂબ જ શોખ છે. અત્યાર સુધી હંુ વિવિધ ડિઝાઈનના ચાંદલા લગાવતી હતી, પણ થોડા સમયથી ચાંદલો લગાવું છું ત્યાં એલર્જી થઇ ગઇ છે. જેથી ખંજવાળ આવે છે. મેં ક્રીમ લગાવી જોયાં, પણ કંઇ ફરક નથી પડતો. મારે શું કરવું?
ઉત્તર :તમે થોડા દિવસ માટે સ્ટિકરવાળા ચાંદલા લગાવવાનું છોડી દો. જ્યાં એલર્જી થઇ હોય ત્યાં ડોક્ટરને બતાવી તે જણાવે એ ક્રીમ લગાવો અને જે એન્ટિબાયોટિક્સ લખી આપે તે લો. હંમેશાં સ્ટિકરવાળા ચાંદલા સારી કંપનીના જ વાપરો. તે મોંઘા આવે છે, પણ આવી એલર્જી થવાની શક્યતા ઓછી રહે છે.
Comments
Post a Comment