ઇશ્વર આપણી વચ્ચે જ છે. નીચે છે, ઉપર નથી. નીચે આપણી વચ્ચે છે એનો સ્વીકાર એટલે ઇશ્વરનો સાક્ષાત્કાર. જો વિનમ્રતા કેળવાય તો પ્રભુનું રાજ્ય આપણી અંદર જ મળી આવે છે.
Seek you first the kingdom of God and all else shall be added unto you. - Jesus (સૌપ્રથમ તમે ઇશ્વરનું રાજ્ય શોધી લો પછી બાકીનું બધું જ તમને પ્રાપ્ત થઇ જશે.)
ઇશ્વરનું સામ્રાજ્ય શોધવું એટલે ઇશ્વરની નિકટ જવું. પણ આ નિકટતા કેવી રીતે શક્ય બને? તે માટે વિનમ્રતા કેળવવી તે જ એક માત્ર રસ્તો છે. વિનમ્રતા એ સદ્ગુણોનો ધોરીમાર્ગ છે. વિનમ્રતાની પાછળ બધા જ સદ્ગુણો ચાલ્યા આવે છે. પણ પૂર્ણપણે વિનમ્ર બનવું તે અત્યંત કષ્ટસાધ્ય છે. થોડો પણ અહંકાર રહી જાય તો પણ એ નકામું. ઘણીવાર અહંકાર વિનમ્રતાની આંગળી પકડી આવે છે, છદ્મવેશે. કોઇકની સાથે સહૃદયતાથી વર્તીએ અથવા તો કોઇનો સ્વીકાર કરીએ ત્યારે નાનકડી તિરાડમાંથી હવા પ્રવેશી જાય તેમ અહંકાર માણસમાં ભરાઇ જતો હોય છે. પ્રગટ અહંકાર કરતાં આ છદ્મ અહંકાર વધુ ખતરનાક હોય છે. એ મનુષ્યના આત્માને ખોખલો કરતો રહે છે.
શુદ્ધ વિનમ્રતા કેળવવા માટે માણસે પોતાને સાવ મિટાવી દઇ શૂન્યમાં ઓગળી જવું પડે છે. શૂન્યમાં ઓગળી જવું એટલે પોતાનું વિસ્મરણ. ઓશો રજનીશે કહ્યું છે કે, પોતાની જાતનું સ્મરણ એટલે ઇશ્વરનું વિસ્મરણ અને પોતાની જાતનું વિસ્મરણ એટલે પ્રભુનું સ્મરણ. જે વ્યક્તિ શૂન્યમાં ઓગળી જઇ શકે છે તે નહીં હોવા છતાંય હોય છે- પાણીમાં ઓગળેલી સાકરની જેમ. પાણીમાં ઓગળેલી સાકર દેખાતી નથી પણ સ્વાદરૂપે એ પાણીમાં હોય જ છે.
એક રાજા કોઇ સંત પાસે ગયો. એણે સંતને કહ્યું, ‘તમે સિદ્ધપુરુષ છો. મને ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવો.’ સંતે કહ્યું, ‘એ માટે તારે તારા રાજ્યમાં સૌથી દરિદ્ર, નિ:સહાય અને પીડિતો છે તેમની વચ્ચે જઇ રહેવું પડે.’
રાજાએ સંતની વાત કબૂલ રાખી. એ દરિદ્ર, નિ:સહાય અને પીડિતો વચ્ચે રહેવા લાગ્યો. જ્યાં સુધી એને પોતે રાજા છે તેનું સ્મરણ રહ્યું ત્યાં સુધી એને આશંકા પજવતી રહી. પણ જે ક્ષણે એ સૌની પીડાને અનુભવતા ભૂલી ગયો કે પોતે રાજા છે ત્યારે એની અને દરિદ્ર-પીડિત લોકો વચ્ચેનો પડદો ઊઠી ગયો. એ ક્ષણે ચમત્કાર થયો. પીડિતો અને ભૂખ્યા લોકોમાં એને ભગવાન દેખાવા લાગ્યા. એ આંસુઓને ન રોકી શક્યો.
રાજા અગાઉ પણ રડ્યો હતો- અનેકવાર. પણ ત્યારે એ પોતાના માટે રડ્યો હતો. અન્ય માટે નહીં. અન્યની પીડા પોતાની બની જાય ત્યારે આંખમાંથી આંસુ છલકાય છે તે વિનમ્રતાની આત્યંતિક પરિણતી છે, જે આધ્યાત્મિક અનુભૂતિ બની રહે છે. વિનમ્રતા સાચા રૂદનની ગંગક્ષેત્રી છે. રામકૃષ્ણ કાલી સામે બેસી આર્તસ્વરે રૂદન કરતા, ‘મા! મા!’ વિનમ્રતા રડવાનું શીખવે છે. આજે માણસ સાચું રડવાનું ભૂલી ગયો છે. વિનમ્રતા સહજપણે કળીમાંથી ફૂલની જેમ ઊઘડે છે ત્યારે સુગંધનો વિસ્તાર ઇશ્વર ભણી દોરી જાય છે.
ઇશ્વર અહીં-આપણી વચ્ચે જ છે. નીચે છે, ઉપર નથી. નીચે આપણી વચ્ચે છે એનો સ્વીકાર એટલે ઇશ્વરનો સાક્ષાત્કાર. જ્યોર્જ બનૉર્ડ શોએ આ સંદર્ભમાં એમના નાટક Man & Superman માં એક સંવાદમાં લખ્યું છે, ‘જેનો ભગવાન ઉપર આકાશમાં છે તેનાથી સાવધ રહો.’
પ્રભુનું રાજ્ય શોધવાથી મળે નહીં. જો વિનમ્રતા કેળવાય તો એ આપણી અંદર જ મળી આવે છે. ક્રાઇસ્ટનું એક બીજું વાક્ય છે, ‘The kingdom of God Cometh not with observation, it is within you’. આ લેખના મથાળે મૂકેલા અવતરણની સાથે આ છેવટે મૂકેલું અવતરણ અનુસંધાન કરી આપે છે. પણ એક વાત સાવ સાચી કે Withinની પ્રાપ્તિ માટે Without થવું જ પડે.
Comments
Post a Comment