ચાર દાયકાથી લોકપાલ બિલ સંસદમાં પાસ કરવાની કવાયત ચાલે છે, પરંતુ પાસ થઈ શક્યું નથી.
લોકપાલ બિલ
જન લોકપાલ બિલ (સિટિઝન ઓમ્બડ્સમેન બિલ) એ ભ્રષ્ટાચાર સામે લડવાનું અમોઘ શસ્ત્ર છે, જો તેમાં રહેલી જોગવાઈઓ અસરકારક હોય અને તેનો કડક રીતે અમલ થાય તો અને તો જ. અણ્ણા હઝારેના આંદોલનને લીધે આજે લોકપાલ બિલ ઘરે ઘરે ચર્ચાતો શબ્દ થઈ ગયો છે, પણ એવું નથી કે તે અણ્ણા હઝારેના ભેજાની નીપજ છે. વાસ્તવમાં છેલ્લા ચાર દાયકાથી લોકપાલ બિલ સંસદમાં પાસ કરવાની કવાયત ચાલે છે, પરંતુ પાસ થઈ શક્યું નથી. હાલ ચાલી રહેલા લોકસભાના ચોમાસુ સત્રમાં સરકારે બિલ રજુ તો કર્યું છે, જોઇએ, પાસ થાય છે કે નહીં.
હવે સવાલ એ છે કે સરકારે જે લોકપાલ બિલ રજુ કર્યું છે તેની સાથે અણ્ણાની ટીમ (સિવિલ સોસાયટી) સંમત નથી, તેઓ તેમણે જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તે સંસદમાં પાસ કરાવવા માગે છે, જે સરકારને મંજુર નથી. આમ સરકાર અને અણ્ણાની ટીમ વચ્ચે મડાગાંઠ પડી છે. ચાલો જોઈએ કે બંનેના બિલમાં શું તફાવત છે.
- સરકારના લોકપાલ બિલમાં વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સામે પગલાં લેવાની જોગવાઈ નથી, જ્યારે અણ્ણાની ટીમ એ બંનેને પણ લોકપાલ બિલમાં સામેલ કરાય તેમ ઈચ્છે છે.
- લોકપાલને ભ્રષ્ટાચારની ફરિયાદ મળે તો કોઈની સામે સુઓમોટો દાખલ કરવાનો અધિકાર નથી. એ માટે લોકસભાના સ્પીકર કે રાજ્યસભાના ચેરમેનની તેમણે મંજુરી લેવી પડે. જ્યારે અણ્ણાના બિલમાં એવું નથી. તેમાં પબ્લિક દ્વારા કરપ્શનની ફરિયાદ મળ્યા પછી કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. લોકપાલ જાતે જ સુઓમોટો દાખલ કરી શકે છે.
- લોકપાલ એ માત્ર સલાહકાર સમિતિ તરીકે કામ કરે. તેમને કોઈની સામે પગલાં લેવાની સીધી સત્તા ન મળે, જ્યારે અણ્ણાના બિલમાં લોકપાલને ભ્રષ્ટાચાર અંગે દોષિત વ્યક્તિ સામે પગલાં લેવાની સત્તા છે.
- લોકપાલને પોલીસ જેવી કોઈ સત્તા નથી. તે કોઈની સામે એફઆઈઆર દાખલ ન કરી શકે, જ્યારે અણ્ણાના બિલમાં લોકપાલને તેવી સત્તાઓ આપવામાં આવી છે.
- લોકપાલ અને સીબીઆઈ બંને અલગ સંસ્થા તરીકે જ કામ કરશે, જ્યારે અણ્ણાના બિલમાં લોકપાલ અને સીબીઆઈની એન્ટિ કરપ્શન વિંગ સાથે મળીને કામ કરે તેવી જોગવાઈ છે.
- ભ્રષ્ટાચારીને ઓછામાં ઓછી છ મહિના અને વધુમાં વધુ સાત વર્ષની સજાની જોગવાઈ છે, જ્યારે અણ્ણાના બિલમાં ઓછામાં ઓછી ૫ વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઈ છે.
લોકપાલ અને લોકાયુક્ત
લોકપાલ એ કેન્દ્રિય લેવલે ભ્રષ્ટાચાર સામે પગલાં લઈ શકશે, જ્યારે લોકાયુક્ત એ રાજ્ય લેવલે ભ્રષ્ટાચાર સામે પગલાં લઈ શકશે. જો કે તેઓ કેવી રીતે કાર્યવાહી કરશે તે અંગેની વિધિ અને કોણ લોકપાલ કે લોકાયુક્ત બની શકે તે અંગે સરકાર અને અન્ના બંનેના બિલમાં વિરોધાભાસ જોવા મળે છે. એટલે બેમાંથી જે બિલ પાસ થાય કે ન થાય તેના પરથી તેમની સત્તાઓ શું હશે તે નક્કી થઈ શકશે.
રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ
૨૦૦૫થી આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ) અસ્તિત્વમાં આવેલો છે. આ કાયદા હેઠળ ભારતના દરેક નાગરિકને સરકાર પાસે સરકારી ખાતાંના વહીવટ અંગેની માહિતી માગવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદાને લીધે દરેક સરકારી વિભાગે પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસરની નિમણૂક કરવી ફરજિયાત છે. જે વ્યક્તિને માહિતી જોઈતી હોય તેમણે તેમની અરજી પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસરને પહોંચાડવાની રહે છે અને તે અધિકારીએ ૩૦ દિવસની અંદર તેનો જવાબ આપવો ફરજિયાત છે. ભ્રષ્ટાચાર સામે લડવાનું આ શસ્ત્ર દિનપ્રતિદિન ધારદાર થતું જાય છે. એટલે જ તો આરટીઆઈ એક્ટિવસ્ટિની હત્યા થવાના બનાવો પણ બનવા લાગ્યા છે.
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન
૧૯૬૪થી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કાર્યરત છે, જેનું મુખ્ય કામ સરકારી ખાતાંમાં ચાલતો ભ્રષ્ટાચાર અટકાવવાનું છે. આ સંસ્થા કોઈ ઈન્વેસ્ટિગેશન નથી કરતી, પણ તે કામ સીબીઆઈ દ્વારા કરાય છે. બીજું કે જે તે સરકારી અધિકારી સામે તપાસ કરવા માટે તેમણે સરકારની પરવાનગી લેવી પડે છે. ઘણીવાર આ પરવાનગી મેળવવામાં જ ઘણો સમય વીતી જતો હોય છે.
Comments
Post a Comment