ચોમાસું એટલે મસાલેદાર ચા વત્તા ગરમાગરમ ભજિયાંની ઋતુ. ચોમાસું એટલે માંદગી અને ગંદકી પણ ખરી! અલબત્ત, કેટલીક બાબતો અંગે જાગૃત રહેશો તો ચોમાસું તમને માત્ર રસભીનાં કરશે, કનડશે નહીં...
વરસાદમાં ઈચ્છો કે ન ઈરછો છતાં કોઈક વાર ભીંજાવું જ પડે છે, ખાસ કરીને ધંધા-નોકરીવાળા અને એમાંય ખાસ કરીને ફિલ્ડ વર્ક કરતા લોકોને વરસાદમાં પણ બહાર નીકળ્યા વગર છૂટકો હોતો નથી. ઠેરઠેર કાદવ ભરેલાં ખાબોચિયાઓમાં જમા થયેલાં ગંદાં પાણીમાં જંતુઓનું પ્રમાણ સારું એવું હોય છે. સતત ભેજવાળું વાતાવરણ અને શરીર પર થતાં પરસેવાને લીધે પણ ત્વચા પર બેકટેરિયા ઉત્પન્ન થાય છે. શરીરની સ્વરછતા ન જળવાય તો ત્વચાના રોગ થાય છે. ખસ, રિંગ વોર્મ, એકિઝમા, ફંગલ ઈન્ફેકશન, આંખ આવવી જેવા ચેપી રોગનો ઉપદ્રવ આ સિઝનમાં વધે છે.
જીવાણુઓ ખાસ કરીને હાથ પગની આંગળીઓ વચ્ચે, નખમાં, બગલમાં કે ઘૂંટણ પાછળ પોતાનું સામ્રાજય ફેલાવે છે. ખંજવાળ આવવી, ત્વચા પર બળતરા થઈ લાલ ચકામા ઊપસવા, નખ ખરાબ થઈ જવા, પગના ચીરા વધુ પહોળા થવા જેવી ફરિયાદો સામાન્ય છે. સંધિવા તેમ જ ડાયાબિટીસ રહેતો હોય એવા દર્દીઓએ પણ વરસાદ દરમિયાન સારસંભાળ રાખવી ખૂબ જરૂર થઈ પડે છે, આવા વખતે ત્વચા ઉપરાંત પગ પણ ખાસ કાળજી માગી લે છે.
આટલું તો કરજો જ
- વરસાદમાં વાતાવરણ ભેજવાળું હોવાને લીધે સૂકવેલાં કપડાં હવાયેલાં કે થોડાં ભીના લાગતાં હોય છે. એટલે કોઈપણ કપડું પહેરતાં પહેલાં એટલું ચોક્કસ ઘ્યાન રાખો કે એ પૂરેપૂરું સૂકાયેલું હોવું જોઈએ. તડકો ન મળવાને લીધે કપડાં હવાયેલાં લાગતાં હોય તો ઈસ્ત્રી ફેરવીને જ કપડાં ઉપયોગમાં લો.
- એકબીજાના ટુવાલ, રૂમાલ કે કપડાંનો ઉપયોગ કરવાનું ટાળો.
- જાડા જીન્સ અને લાંબા કપડાં પહેરવાનું તો ચોક્કસ જ ટાળો.
- આ મોસમમાં વાતાવરણમાં ભેજ રહે છે, એટલે કોઈ પણ પ્રકારના ફંગલ ઈન્ફેકશનથી બચવા બહારથી આવી હૂંફાળા પાણીથી સ્નાન કરવું ઉત્તમ રહેશે.
- નહાવાનાં પાણીમાં થોડાં લીમડાનાં પાન નાખી, ઉકાળી સ્નાન કરવાથી લાભ થશે.
- શરીર તેમ જ ભીના પગને તરત સૂકાં કરી લો.
- વધી ગયેલા નખમાં મેલ કે કચરો ભરાઈ રહે છે. તેથી નખ વધવા જ ન દો.
- ઇન્ફેકશન ટાળવા બહાર નીકળતી વખતે કપૂર ઓગાળેલું સાદું કોપરેલ કે તલનું તેલ ત્વચા પર લગાડી શકાય.
- ખંજવાળ અને ચેપથી બચવા અડધો કપ સીસમના તેલમાં એક કે બે ચમચી લીમડાનું તેલ મેળવો. ગરમ પાણીથી સ્નાન કરતાં પહેલાં અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર આ મિશ્રણથી ત્વચા પર મસાજ કરો.
વર્કિંગ વૂમન અને કોલેજ ગલ્ર્સ માટે સિન્થેટિક ફેબ્રિક ઈન
- આમ તો કોઈ પણ મોસમમાં સ્કિનને સુટ થાય એવા કપડાં પહેરવાની સલાહ અપાતી હોય છે છતાં ઉનાળામાં જેમ કોટન અને સુતરાઉ કપડાંની અને શિયાળામાં ઊનનાં વસ્ત્રોની બોલબાલા હોય છે, તેમ વરસાદી મોસમમાં પોલિયેસ્ટર, શિફોન કે સિન્થેટિક ફેબ્રિક આગવું મહત્ત્વ ધરાવે છે.
- શરીરને ચોંટે નહીં એવા કપડાં પહેરો. પલળ્યા પછી તકલીફદાયી ન બને તેવાં કપડાં પર પસંદગી ઉતારો. શિફોન, પોલિયેસ્ટર, લાઈક્રા, નાયલોન જેવા ઝડપથી સૂકાઈ જાય તેવાં કપડાં પહેરો.
- વર્કિંગ વૂમન માટે આવા મટિરિયલમાંથી બનેલાં ચૂડીદાર ઉપરાંત નાયલોનનાં ટ્રાઉઝર અને શિફોન કે જયોર્જેટના ટયૂનિક તથા ટોપ્સ ઉત્તમ વિકલ્પ ગણાશે. તે વરસાદમાં ભીંજાય તો પણ ઝડપથી સૂકાઈ જાય છે.
- વળી આવા મટિરિયલમાંથી બનેલાં વસ્ત્રોમાં કરચલી પડતી ન હોવાથી ડ્રેસ ચોળાઈ જવાનો ભય નથી રહેતો.
- કોલેજ ગલ્ર્સ માટે કાર્ગોકે થ્રી ફોર્થ જિન્સ સાથે લેટેસ્ટ સ્ટાઈલના ટોપ્સ અને ટયૂનિક યોગ્ય રહેશે. ઈટાલિયન, ક્રેપ, સિલ્ક, જયોર્જેટના બનેલા આવા ટોપ્સ પલળ્યા પછી પણ ખરાબ નથી લાગતા.
- કોટન અથવા ડેનિમની ટાઈટ શોટર્સ, કાર્ગોકે કેપ્રીસ પણ પહેરી શકાય.
- વરસાદમાં આછા રંગનાં વસ્ત્રો પહેરવા સલાહભર્યું નથી.
- બને તો સફેદ રંગ બિલકુલ પહેરશો નહીં. હલકા રંગ પર તરત ડાઘ લાગી જાય છે. ગમે તેટલું સાચવવા છતાંય મેલાં પાણીના ખાબોચિયાંને લીધે કે વાહનોએ ઉડાડેલા છાંટાને લીધે કપડાં ગંદા થઈ જાય છે.
- સફેદ કે આછા રંગના કપડાં વરસાદમાં પલળવાને લીધે ટ્રાન્સપરન્ટ લાગે છે એટલે એવા કપડાં પહેરવાનું ટાળો.
- વરસાદી વાતાવરણમાં બ્રાઈટ અને સ્ટાઈલિશ લૂક ધરાવતા ડ્રેસ તમારી બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ છટામાં વધારો કરશે.
- વરસતા વરસાદમાં મોસમ જેમ ખીલી ઊઠે છે એમ વસ્ત્રો પહેરતી વખતે એના રંગો પર જરા ઘ્યાન આપશો તો તમે અને તમારો મૂડ પણ એ રંગો સાથે ખીલી ઊઠશે. પાણી ભરાયેલું હોય કે વરસાદ વરસતો હોય ત્યારે પેન્ટ વાળવાની કડાકૂટ કરવાને બદલે વરસાદને અનુરૂપ કપડાં પહેરી વરસાદમાં બિનધાસ્ત ટહેલવાની મજા ચૂકશો નહીં.
સૂરજ દેવતા વાદળો સાથે સંતાકૂકડી રમે ત્યારે
- ત્વચા અને વાળ પણ વરસાદમાં એટલી જ માવજત માગી લે છે. ભેજવાળા વાતાવરણમાં ત્વચા થોડી તૈલી બને છે એટલે કોઈ પણ પ્રકારના ક્રીમ વાપરવાનું ટાળો.
- આ ઋતુમાં મેડિકેટેડ સાબુનો જ ઉપયોગ કરો.
- ઓઈલ બેઝ્ડ મેકઅપ કરવાને બદલે વોટરપ્રૂફ મેકઅપ કરવો વધુ સારો વિકલ્પ ગણાશે.
- શક્ય હોય ત્યાં સુધી ફાઉન્ડેશન અને ફેસ પાવડરનો ઉપયોગ ટાળો.
- કોરા સિંદૂરને બદલે રેડીમેડ સ્ટિકરવાળા ચાંદલાનો ઉપયોગ કરો. ચોમાસામાં ભીનું કંકુ પણ ન લગાવો, કારણ કે પલળતાંની સાથે જ એના રેલા ઊતરવા માંડશે. એની જગ્યાએ નંગ કે કુંદનવાળી સુંદર ડિઝાઈનની બિંદી લગાવી શકો છો.
- ડાર્ક રંગની લિપસ્ટિકનો ઉપયોગ ક્યારેય ન કરશો, કારણ કે વરસાદમાં પલળી જતા એ તમારા ચહેરા પર ફેલાઈ જવાનો ભય રહેશે.
- આંખોને માટે કાજળના સ્થાન પર વોટરપ્રૂફ આઈ લાઈનર કે પેન્સિલનો ઉપયોગ કરો. બને તો વોટરપ્રૂફ મસ્કરાનો જ ઉપયોગ કરો.
- વરસાદમાં વાળ તૂટવાની સાથે જ એમાં ખોડો થવાની ફરિયાદ મોટા ભાગના લોકો કરતા હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવો હોય તો વાળને સારી રીતે ધોતાં પહેલા એમાં થોડી તેલમાલિશ એટલે કે ચંપી કરવી.
- વાળ ધોવાના કલાક પહેલા સાદાં કોપરેલ તેલ કે તમારા રુટીન હેર ઓઈલથી વાળમાં હળવે હાથે મસાજ કરો. આને લીધે વાળ મુલાયમ થશે અને વાળની બરછટતા દૂર થશે.
- વરસાદમાં તમે વાળને દુપટ્ટાથી કવર પણ કરી શકો છો.
- વરસાદમાં ભીના થયેલા વાળને બને તો તરત જ કોરા ટુવાલ વડે લૂછી કોરા કરજો, કારણ કે ભીના વાળમાં ખોડો, જૂ અથવા ફોલ્લીઓ થવાની શંકા રહે છે. વળી વાળની ઉપરનું હાઈડ્રોજન બોન્ડ નાજુક હોય છે અને એ પાણીના સંપર્કમાં આવતાં જ આસાનીથી તૂટી જાય છે.
- ભીના વાળમાં બ્રશ કે દાંતિયો ફેરવવો નુકસાનકારક છે એને લીધે વાળ બટકી જવાનો ભય છે.
- લાંબા સુંદર વાળને વરસાદમાં પલાળી ખરાબ કરવા કરતાં શોર્ટ હેરનો વિકલ્પ પણ યોગ્ય રહેશે, જો શક્ય હોય તો.
એક નજર આ યાદી પર પણ
- એકાદ પારદર્શક સ્ટાઈલિશ રેઈનકોટ કે ફેન્સી છત્રીની સાથે તમારી બેગમાં એક સ્ટોલ કે નાનો નેપકિન પણ જરૂરથી રાખજો.
- જીવથી ય વહાલા મોબાઈલ ફોનને બંધબેસતું વોટરપ્રૂફ કવર ખરીદવાનું રહી ગયું હોય તો હવે ઉતાવળ કરજો.
- તમારા ગેજેટ્સ જેવા કે વોચ, આઈપોડ, આઈફોન વગેરેને પ્લાસ્ટિક બેગમાં સાચવીને મૂકો અથવા એને માટે સ્પેશિયલ વોટરપ્રૂફ કવર ખરીદી લેજો.
- આ સિઝનમાં મોંઘાંદાટ ચંપલ-શૂઝ વાપરી એનો કરચરઘાણ વાળવાની ભૂલ ન કરશો.
- હિલવાળા જૂતાં હમણાંપૂરતાં પહેરવાના મુલવતી રાખજો, તે છતાં હિલ પહેરવી જ હોય તો પ્લેટફોર્મ હિલવાળા વરસાદ માટે ખાસ બનાવેલા ફૂટવેર પર પસંદગી ઉતારજો. અને હા, સોકસ પહેરવાની ભૂલ તો ક્યારેય ન કરશો.
- વરસાદમાં પહેરવા માટે ખાસ બનાવેલા રબર, પ્લાસ્ટિક કે પીવીસીનાં ચંપલ ખરીદજો.
- ફિલપ ફલોપ્સ, ફલોટર્સ જેવા અઢળક ડિઝાઈન અને રંગોવાળા જાતભાતના ફૂટવેર હાલમાં ટ્રેન્ડી છે.
- પર્સ પણ ચોમાસાને અનુરૂપ હોવું જોઈએ. પીવીસી કે પ્લાસ્ટિકમાંથી બનેલી અથવા તો વોટરપ્રૂફ હેન્ડ બેગની આકર્ષક રેન્જનો ફાયદો ઉઠાવજો.
- મેટલ કે વૂડન એકસેસરિઝને વરસતા વરસાદમાં ખરાબ થઈ જશે. એને બદલે પ્લાસ્ટિક કે એક્રેલિકના ફેશન એકસેસરીઝ વધુ સુંદર લાગશે.
બાળકો - વડીલોની સંભાળ શી રીતે લેશો?
- ચોમાસામાં બાળકોને કે મોટેરાઓને ખાવાપીવાના મામલામાં છુટ્ટોદોર ન આપશો.
- વરસાદી વાતાવરણમાં શરદી, ઉધરસ, મલેરિયા, ટાઈફોઈડ, કોલેરા જેવી જાતજાતની બીમારીનો ઉપદ્રવ વધી જાય છે. આની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધો પર પડે છે. તેથી ખાવાપીવાની બાબતે ઘ્યાન રાખવું જરૂરી છે.
- ચોમાસાંમાં સૌથી વધુ રોગ પાણીને લીધે થતા હોય છે. ફિલ્ર્ટડ હોવા છતાં પાણી ઉકાળીને પીવું જરૂરી છે.
- શાળામાં જતાં બાળકો તથા બહાર જતા વયસ્કોને આ ઉકાળેલું ઘરનું પાણી જ બોટલમાં ભરી આપો.
- રસ્તા પરનું ખાવાનું ટાળો અને કોઈ ઉપાય જ ન હોય અને બહારનું ખાવું પડે તેમ હોય તો ગરમ ખાવાનો આગ્રહ રાખો.
- બહારના કોઈ પણ પ્રકારનાં પીણાં, ફ્રૂટ જયૂસ, લીંબુ પાણી, ખુલ્લા સલાડ માટે નિષેધ ફરમાવો.
- સલાડ કે સલાડ ભરેલી સેન્ડવિચ પણ આ સિઝનમાં ટાળવી.
- નાસ્તાના ડબામાં વરાયટી રાખો, જેથી છોકરાઓને ખાવાની મજા પડે અને તેમને બહારનું ખાવાનું મન ન થાય.
- જાતજાતની દાળમાંથી બનાવેલા પૂડલા, ઢોકળાં, હાંડવો, દૂધી, કોબી કે મેથીનાં થેપલાં, કડક ભાખરી પર બનાવેલા પિત્ઝા અથવા રોક ટોસ્ટ, ઘરે બનાવેલી રોટલીની ફ્રેન્કી, વેજિટેબલ કટલેસ, ખમણ, વઘારેલી ઈડલી જેવા અનેક વિકલ્પ છે.
- હાંડવા, ઢોકળાં કે પૂડલામાં તમે ગાજર, ફણસી અને વટાણા પણ ઉમેરી શકો છો.
- વરસાદમાં મકાઈની પણ એટલી જ બોલબાલા રહે છે, એટલે મકાઈના દાણાનો પણ ઉપયોગ કરી શકાય છે.
- સૂકા નાસ્તામાં શેકેલા પૌંઆનો ચેવડો, પાપડ પૌંઆ, વધારેલા મમરા આપી શકાય છે. ચણા જોર ગરમ કે કાંદા ટામેટાંવાળી ચણાદાળ પણ બાળકોને ખૂબ ભાવે છે.
- વિટામિન અને મિનરલ્સથી ભરેલાં ઋતુ પ્રમાણેનાં ભરપૂર ફળ ખવડાવો. બને ત્યાં લગી ફળ સમારીને ડબામાં ન આપતાં તાજા સમારીને આપો.
- વરસાદમાં શરદી કે કફથી બચવા સૂંઠ અને સૂકામેવાનો ઉપયોગ પણ સારો છે. બાળક સીધેસીધું ડ્રાયફ્રૂટ ન ખાતું હોય તો રવા કે ઘઉંના લોટનો શીરો બનાવી તેમાં ડ્રાયફ્રૂટનો ભૂકો ભભરાવી શકાય છે. એ ઉપરાંત ડ્રાયફ્રૂટમાંથી કે તલમાંથી બનાવેલી ચિક્કી પણ ઉત્તમ છે.
ફર્નિચરની દેખરેખ
- ઘરનું ફર્નિચર, ખાસ કરીને લાકડાં અને આયર્નના ફર્નિચરને માટે સૌથી નુકસાનકારક ઋતુ ચોમાસું જ છે. તેથી ચોમાસામાં તેના પર વધુ ઘ્યાન આપવું જરૂરી છે.
- ભેજને કારણે લાકડાંના કબાટ, દરવાજા અને અન્ય સામાનમાંથી દુર્ગંધ આવવા લાગે છે. દુર્ગંધને દૂર કરવા માટે એક ડબામાં ચૂનો ભરીને મૂકી દઈ શકાય. ચૂનો ભેજ શોષી લે છે, એટલે એને લીધે દુર્ગંધ પણ ગાયબ થઈ જશે.
- વરસાદનાં પાણીને લીધે ખુરશીઓનો રંગ ખરાબ થઈ જાય તો તેના પર અળસીનું તેલ ઘસો. ચમક આવી જશે.
- લાકડાંના દરવાજા પર પોલીયૂથેન પોલિશ કે ઈનેમલ પેઈન્ટ કરાવો. તેનાથી વરસાદમાં લાકડું ફૂલશે નહીં.
ઘરગથ્થુ ઉપાય...
- એક તપેલીમાં લીધેલું પાણી પા તપેલી જેટલું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. ત્યાર પછી એને ઠારી માટલામાં ગાળી દો અને એ પાણીને જ પીવાના ઉપયોગમાં લો.
- શાકભાજી, ખાસ કરીને ભાજી ખૂબ જ સારી રીતે ધોઈને જ વપરાશમાં લેવી.
- સંધિવા અને આર્થરાઈટિસના દર્દીઓએ જમીન પર બેસવા કે સૂવાનું ટાળવું. ફર્શ પરની ઠંડકના સીધા સંપર્કમાં આવવાથી વાયુનો વધારો થાય છે અને દુખાવો વધી જાય છે.
- બને તો દિવસે સૂવાનું ટાળો, કારણ કે દિવસે સૂવાથી અપચો થવાની શક્યતા વધી જાય છે.
- આયુર્વેદ વરસાદમાં પંચકર્મ ટ્રીટમેન્ટ કરવાની સલાહ આપે છે.
- ચણા જેવડા આદુંના પાંચ-છ ટુકડા એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવા. અડધો કપ પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને એટલું જ દૂધ અને એક ચમચો સાકર નાખી સામાન્ય ચાની જેમ સવાર સાંજ પીવાથી કફ, શરદી, ઉધરસ, માથાનો તથા કમરનો દુખાવો મટે છે.
- કાળા મરી અને લીંડીપીપરનું ચૂર્ણ બે-બે ચમચી, ચાર ચમચી દાડમની છાલનું
ચૂર્ણ અને જવખાર એક ચમચો આ બધું ૧૫૦ ગ્રામ ગોળમાં મેળવી અડદના દાણા જેવડી નાની નાની ગોળી બનાવો. એને મરિરયાદિવટી કહે છે. આ ગોળી સવાર-બપોર-સાંજ બબ્બે ચૂસવાથી કફના રોગ મટે છે. એ ઉપરાંત સોપારી જેટલા ગોળ સાથે ૧/૪ ચમચી કાળા મરીનું ચૂર્ણ સવાર-સાંજ લેવાથી શરદી-સળેખમ મટે છે.
- સૂંઠ, મરી અને પીપરનું ચૂર્ણ નાખી બનાવેલો દૂધનો ઉકાળો પીવાથી પણ શરદી-સળેખમ મટે છે.
- ઘરે બનાવેલી સુખડી કે મગદળમાં થોડી સૂંઠ ઉમેરી બાળકના શરીરમાં ગરમાટો રાખી શકાય છે. સૂંઠની ઘી-ગોળવાળી નાની નાની ગોળીઓ પણ ઉત્તમ સાબિત થાય છે.
- બે ચમચી જેઠીમધ પાવડરમાં પા-પા ચમચી હળદર, સૂંઠ, લીંડીપીપર નાખી આ મિશ્રણ ડબીમાં ભરી દો. મધ કે હૂંફાળા પાણી સાથે ચપટીક આપવાથી ભેજવાળા વાતાવરણમાં શરદી કફમાં રાહત રહે છે.
Comments
Post a Comment