સવાલ:
હું અમેરિકાનો ગ્રીન કાર્ડ હોલ્ડર છું અને ભારતમાં તારીખ ૧-૧૦-૨૦૧૧થી
રહું છું, તો અહીં ક્યાં સુધી રહી શકું?-પરેશ પટેલ, અમદાવાદ
જવાબ: અમેરિકાના સિટિઝન થવું હોય તો માર્ચ, ૨૦૧૨માં જ પરત જવું જોઇએ. જો
હજુ પાંચ વર્ષ પછી સિટિઝન થવું હોય તો તમે ભારતમાં સપ્ટેમ્બર, ૨૦૧૨ સુધી
રોકાઇ શકો છો.
સવાલ: હું ગ્રીનકાર્ડ ધરાવું છું અને આઠ માસથી ઇન્ડિયામાં છું. મને એક
એજન્ટ એવું કહે છે કે બે વર્ષની રિ-એન્ટ્રી પરમિટ અહીંથી મળી શકે. તો મારે
શું કરવું જોઇએ?-નર્મદાબહેન પટેલ, વડોદરા
જવાબ: એજન્ટને કદાચ પૂરી માહિતી નહીં હોય કે રિ-એન્ટ્રી પરમિટ લેવા સારુ
અમેરિકામાં જ રૂબરૂ તેના સેન્ટરમાં ફિંગરપ્રિન્ટ આપવા પડે, તો જ રિ-એન્ટ્રી
પરમિટ મળે. અહીંથી રિ-એન્ટ્રી પરમિટ મળે નહીં.
સવાલ: મેં જુદા જુદા ત્રણ એજન્ટ મારફતે અમેરિકાના વિઝિટર વિઝા બી-૧, બી-૨
માટે તેમની પાસે ફોર્મ ડી.એસ. ૧૬૦ ભરાવી, ફી ભરી ઇન્ટરવ્યૂની તારીખ મેળવી,
ત્રણ વખત ઇન્ટરવ્યૂ આપ્યા હતા. છતાં ત્રણેય વખત એક જ મિનિટમાં ઇન્ટરવ્યૂ
પતાવી દીધો, જેમાં એક જ સવાલ પૂછી ત્રણેય વખત સોરી તમને વિઝા આપતો નથી,
કહીને પાસપોર્ટ મને પાછો આપ્યો. હવે ચોથી વાર ટ્રાય કરું ?
-રમેશ પટેલ, અમદાવાદ
જવાબ: આ કોલમમાં હું વારંવાર ચેતવું છું કે અમેરિકાના ટુરિસ્ટ/વિઝિટર
વિઝાનું ફોર્મ ભરવાની જ ખૂબી છે. જે વ્યક્તિ અમેરિકાના કાયદા તથા મેથડ અને
પ્રોસજિર જાણતી જ ના હોય તે તમને શું સલાહ આપે? બીજું, ઘણાને ખબર જ નથી કે આ
વિઝા માટેનાં ફોર્મ ડી.એસ. ૧૬૦ના અમુક સવાલ તથા કોલમના જવાબો વ્યવસ્થિત
કાયદેસરના હોવા જોઇએ, કારણ તમારું ફોર્મ મુંબઇ કોન્સ્યુલેટમાં થોડા દિવસો
પહેલાં જતું હોઇ તમારો ઇન્ટરવ્યૂ લેનાર તે ફોર્મ બહુ જ ઝીણવટપૂર્વક તથા
ચોકસાઇથી વાંચી, તપાસી તેનો આંશિક નિર્ણય-વિઝા આપવો કે ના આપવો તે-નક્કી
કરી લે છે. પછી તમારો ઇન્ટરવ્યૂ, જે એક મિનિટથી ૧૦ મિનિટની અંદર પૂરો થઇ
જાય છે, તેમાં તમે ગમે તેટલા તથા ખૂબ જ અગત્યના પુરાવારૂપે સ્પોન્સરલેટર,
વેલ્યુએશન સર્ટિફિકેટ, ટેક્સ રિટર્ન વગેરે બતાવવા માગો તો તે જોવાની બિલકુલ
દરકાર કરતા નથી કે જોતા જ નથી. આ કારણે તમે જાતે જ ફોર્મ ભરી તેમાં તમને
સમજ ના પડતી હોય તેવા ફોર્મના સવાલ મને ફોન ઉપર પૂછી જાતે ઓનલાઇન એપ્લાય
કરવાથી ઘણા પૈસા બચશે, તેમજ તમારો કોન્સ્યુલેટમાં રેકર્ડ બગડતો કે ખરડાતો
બચી જશે.
સવાલ: મારી પાસે કેનેડાનું પી.આર. છે અને આઠ મહિનાથી ઇન્ડિયામાં છું. હું છ
માસની અંદર કેનેડા પાછો ગયો નથી, તેથી શું મારું પી.આર. કેન્સલ થાય ખરું
?-ભરત જોષી, સુરત
જવાબ: ના, કેન્સલ થાય નહીં. તમે બિન્ધાસ્ત કેનેડા તમારા પી.આર. ઉપર પાછા
જઇ શકો છો. તેમ છતાં તમારે વધુ માહિતીની જરૂર હોય તો મને ફોન કરી જાણી શકો
છો.
સવાલ: મારી સિસ્ટર અમેરિકાની સિટિઝન થયા પછી મારાં પેરેન્ટ્સની પિટિશન ફાઇલ કરે તો તેમાં મારું નામ દાખલ કરી શકે? -નીલ પટેલ, અમદાવાદ
જવાબ: ના, તમારાં પેરેન્ટ્સની કેટેગરી જુદી છે, જેમાં વિઝા કોલ માટે
વેઇટિંગ પિરિયડ નથી. જ્યારે તમારી કેટેગરી યુ.એસ. સિટિઝન બ્રધર્સ એન્ડ
સિસ્ટર્સની એફ-૪ની કેટેગરીમાં ફાઇલ કરવું પડે, જેમાં હાલની સ્થિતિ જોતાં ૧૦
વર્ષનું વેઇટિંગ છે.
સવાલ: હું એક્સ-રે ટેક્નિશિયન તરીકે ચાર વર્ષથી ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના
સી.એચ.સી. હેલ્થ સેન્ટરમાં કામ કરું છું. હું કેનેડાના ફેડરલ સ્કિલ્ડ
વર્કર કેટેગરીમાં કેનેડા માઇગ્રેટ થવા માગું છું, જેના માટે મેં ઘણા
એજન્ટ્સ, કન્સલ્ટન્ટ્સને પૂછ્યું કે મારું સર્ટિફિકેટ વેલીડ ગણાય કે કેમ,
તો બધા હા પાડે છે કે નોકરી માટે તે ચાલે. આ કેટેગરીમાં વિઝા કેટલા સમયમાં
મળે? મારી નોકરી જોતાં મારે કેનેડા જવું જોઇએ?-સોહમ ભાવસાર, વડોદરા
જવાબ: તમારો પૂરો રેઝ્યુમે અથૉત્ બાયોડેટા મોકલી આપ્યા પછી જ સ્પષ્ટ
અભિપ્રાય આપી શકાય. જેમ કે તમારો પગાર, ભવિષ્યમાં નોકરીમાં બઢતી વગેરે. આ
કેટેગરીમાં ઓછામાં ઓછો એક વર્ષ જેવો સમય લાગે છે. હા, સર્ટિફિકેટ લેટેસ્ટ
જોઇએ.
સવાલ: મારાં માતુશ્રી બ્રિટિશ સિટિઝન છે, તો મારા મધરની સિટીઝનશિપ દ્વારા
બ્રિટિશ સિટિઝન થઇ શકું? હું પાંચ વર્ષ યુ.કે.માં સ્ટુડન્ટ વિઝા ઉપર તથા
વર્ક પરમિટ દ્વારા રહ્યો છું.-એક વાચક, મુંબઇ
જવાબ: તમારા તથા તમારાં માતુશ્રીના બધા જ પેપર્સનો પૂરો સ્ટડી કર્યા પછી
નિર્ણય લઇ શકાય, જેમાં તમારાં માતુશ્રી બ્રિટિશ સિટિઝન ક્યારે થયાં વગેરે
રૂબરૂ અથવા મને ફોન ઉપર વિગતો જણાવશો તો નક્કર જવાબ આપી શકાય.
સવાલ: મારી એફ-૪ની પિટિશન જુલાઇ, ૨૦૦૦ની છે, પરંતુ અમારા પછીનાંને વિઝા મળી
ગયા તેમ છતાં અમારો વિઝા કોલ આવ્યો નથી. શું અમારી પિટિશન કેન્સલ કે
ડિસમિસ થઇ ગઇ હશે?-દીપક અમીન, વડોદરા
જવાબ: હા, શક્ય છે, કારણ હાલમાં ઓક્ટોબર, ૨૦૦૦ની પિટિશનના વિઝા કોલ આવી
ગયા અને ઘણાને વિઝા મળી પણ ગયા. બીજું એ કારણ તે પણ હોઇ શકે તમે કે તમારા
પિટિશનરે પૂરતાં પેપર્સ કે કવેરીના જવાબ આપ્યા ન હોય તેને લીધે ડિલે થયું
હોય. મને તમારા કેસનો બી.એમ.બી.નંબર મોકલી આપો તો હું તપાસ કરી તમને જણાવી
શકું.
Comments
Post a Comment