લગ્નવિધિ દરમિયાન સપ્તપદીના શ્લોક બોલતાં યુગલો ખરેખર તેનો અર્થ સમજે છે ખરાં? મોટા ભાગનાંને તેના હાર્દનો ખ્યાલ નથી હોતો.
ચારે તરફ લગ્નની સિઝન ચાલે છે. દરરોજ એક લગ્નમાં જવાનું નિમંત્રણ આપણા ઘરે આવીને પડ્યું હોય છે. જેવું લગ્નનું સ્ટેટ્સ એવા કપડાં, દાગીના, એવો ચાંદલો... પરણી રહેલા આ યુગલો ‘લગ્ન’ શબ્દનો અર્થ સમજી શકે છે ખરા? મજાની વાત એ છે કે આમાંના મોટા ભાગના યુગલોને લગ્નવિધિ કે લગ્ન સમયે લેવાતા શપથ સાથે કોઇ નિસ્બત નથી. ક્યા કપડાં પહેરવામાં આવશે અથવા ક્યા ડિઝાઈનરને ટ્રુઝો માટે બુક કરવા એ વિશે કલાકો વેડફવામાં આવે છે, કેટરરનું મેનુ પસંદ કરવા માટે ઘરના આઠ જણા સમય કાઢે છે, સોનીને ત્યાં દસ દુકાને ફરીને જાતજાતની ખરીદી કરાય છે, ડેકોરેટર સાથે કે કંકોતરીની ડિઝાઈનો નક્કી કરવા માટે કેટલીયે મિટિંગ્ઝ કરાય છે, પરંતુ જે કારણે આ બધું કરાય છે એનું મૂળ હાર્દ કે સમજ મેળવવા માટે ૧૫ મિનિટ કાઢવાની પણ આ યુગલને ફુરસદ નથી હોતી!
આપણા દેશમાં બે પ્રકારના લગ્નો થાય છે. માતાપિતાએ પસંદ કરીને કરાવેલા ‘અરેન્જ મેરેજપ્ત અને જાતે જીવનસાથી પસંદ કરીને ગોઠવાયેલા ‘લવ મેરેજપ્ત. આ બંને લગ્નોમાં સૌથી અગત્યની બાબત એ છે કે જિંદગીના ૨૨-૨૫-૨૮ વર્ષ તમારી પોતાની રીતે જીવ્યા પછી તમે એક એવી વ્યક્તિ પસંદ કરો છો જેની સાથે આજ પછી તમે જીવનના બધા જ સુખદુ:ખ, બધા જ પ્રસંગો અને બધી જ બાબતો જીવવાનું નક્કી કરો છો. આ પ્રસંગનું મહત્વ ઉજવણી તરીકે છે, પરંતુ એથીયે વધારે મહત્વ એ છે કે તમે તમારી બાકીની જિંદગી કોઇ એક વ્યક્તિ સાથે જીવવાનો નિર્ણય કરો છો. આ નિર્ણય અઘરો છે. સાથેસાથે તેનું મહત્વ એ રીતે પણ જોવું જોઇએ કે તમે જે જિંદગી જીવવાના છો એ જિંદગીમાં હવે એક વ્યક્તિ તમારી જવાબદારી લે છે અને તમે તમારી જવાબદારી એને સોંપવા તૈયાર થયા છો. મોટા ભાગના યુગલો આ પ્રસંગ અને એના મહત્વને સમજવામાં ઊણા ઊતરે છે. દેખાડાની હરીફાઇમાં માતાપિતા આ પ્રસંગનું મહત્વ સમજાવવાનું ભૂલી જાય છે.
લગ્નવિધિના શ્લોક બોલાતાં હોય ત્યારે આવેલા લોકો ભોજન અને પબ્લિક રિલેશનમાં પોતાનો સમય પસાર કરે છે. વર-કન્યા પણ બ્રાહ્નણે બોલાવેલા શબ્દો ઝાઝું સમજયા-વિચાર્યા વિના બોલી નાખે છે. સાથે જીવવાના આ શપથ માણસની જિંદગીના પહેલા રુદન જેટલા જ મહત્વના છે. લગ્નની દરેક વિધિનું આગવું મહત્વ છે, સંકેત છે. સહજીવનની જવાબદારીનો અગત્યનો ભાગ હોય છે આ વિધિ! કન્યાનું પાણગિ્રહણ હોય કે કન્યાદાનનો વિધિ, હસ્તમેળાપ હોય કે સપ્તપદીના શ્લોક... દરેક બાબત જીવનના મૂલ્યો સાથે જોડાયેલી છે.સપ્તપદીના સાત શ્લોકો બહુ જ સુંદર વાત કહે છે.॥ ઓમ્ ॥ ઇષ એકપદી ભવ ॥ (ઇશ્વરની કૃપાથી સૌભાગ્ય શક્તિ મળે.) ॥ ઓમ્ ॥ ઉજેઁ દ્રિપદી ભવ ॥ (ઇશ્વરની કૃપાથી એકબીજા વડે બળવાન થઇએ.) ॥ ઓમ્ ॥ રાયસ્પોષાય ત્રિપદી ભવ ॥ (ઇશ્વરની કૃપાથી ધનધાન્યનું પોષણ કરીએ.) ॥ ઓમ્ ॥ માયોભવ્યાય ચતુષ્પદી ભવ ॥ (ઇશ્વરની કૃપાથી અમે એકબીજાને સુખી કરીએ.) ॥ ઓમ્ ॥ પશુભ્ય: મશ્વપદી ભવ ॥ (ઇશ્વરની કૃપાથી સાથે મળીને અમે પશુ-પ્રજા પાલન કરીએ.) ॥ ઓમ્ ॥ ઋતુભ્ય: ષટ્પદી ભવ ॥ (ઇશ્વરની કૃપાથી ઋતુઋતુમાં સુખ ભોગવીએ.) ॥ ઓમ્ ॥ સખ્યાય સપ્તપદી ભવ ॥ (ઇશ્વરની કૃપાથી મૈત્રી સાધીને એકબીજાને અનુસરીએ.)આ સાત મંત્રો ઇશ્વરની કૃપાથી એકબીજાને ગમતાં રહેવાની વાત છે. કોઇ પણ વ્યક્તિને જીવવા માટે શું જોઇએ? ધનધાન્ય, સંપત્તિ, સંતાન, બળ અને સૌથી અગત્યની બાબત જે સાતમાં મંત્રમાં કહેવાઇ છે તે - મૈત્રી. સામાન્ય રીતે પત્ની વિશે મજાક કરતા કે પોતે પત્નીથી ડરે છે એવું બતાવતા કેટલા પતિદેવો આ મૈત્રીને સમજી શકે છે? સામે પક્ષે એવી કેટલી પત્નીઓ છે જે પોતાના પતિના ગમા-અણગમાને સમજે-સ્વીકારે છે.ડબલ્યુ જે. ટર્નનનું એક વાક્ય વિચલિત કરી મૂકે એવું છે, ‘મેરેજ ઇઝ બટ રનિંગ હાઉસ શેરિંગ ફૂડ એન્ડ કંપની વ્હોટ હેઝ ધીસ ટુ ડુ વિથ લવ ઓર ધ બોડીઝ બ્યૂટિ?’ (લગ્ન એટલે શું? ઘર ચલાવવું, સાથે જમવું અને સાથે શ્વાસ લેતાં રહેવું, પ્રેમ, રોમેન્સ કે શરીરના સૌંદર્ય જેવા અદ્ભુત આનંદ સાથે સામાજિક લગ્નને શી લેવાદેવા હોઇ શકે?) જ્યારે બનૉડ શોએ કહ્યું છે કે, ‘મેરેજ ઇઝ ઘાસ્ટલી પબ્લિક કન્ફેશન ઓફ સ્ટિ^કટલી પર્સનલ ઇન્ટેન્શન.’ (અંગત ઇચ્છાઓ અને જરૂરિયાતો સંતોષવા માટેનું એક તદ્દન બેશરમ જાહેર એકરારનામું એટલે લગ્ન.)
બે વ્યક્તિ લગ્ન કરે છે ત્યારે એક કલ્પના હોય છે સાથે જીવવાની, ઘર વસાવવાની, સંતાનોને જન્મ આપી ઉછેરવાની, સાથે ઘરડા થવાની. દરેક લગ્ન લાંબો સમય સાથે રહેવા માટે જ સ્વીકારવામાં આવતું હોય છે. કોઇ પણ સંબંધને - લગ્ન સિવાયના સંબંધને પણ સાદી માવજતની જરૂરિયાત હોય છે, પરંતુ લગ્ન એવો વિશિષ્ટ સંબંધ છે જે માવજતના અભાવે ભાંગી પડતો હોય છે. આ માવજતની કોઇ વ્યાખ્યા નથી. લગ્નને ‘આદર્શ’ બનાવવા માટેની કોઇ ફોમ્યુંલા નથી. જે સંબંધ તમારે જીવવાનો છે એ સંબંધ કઇ રીતે જીવવાથી શાંતિ અને સુખ મળે એ દિશા કોઇ બતાવી શકે, પરંતુ એ દિશામાં પગ ઉપાડીને જવાનુંં તો તમારે પોતે જ રહે છે.
Comments
Post a Comment