વેપારના ક્ષેત્રમાં આ દસકાએ વિશ્વને વીસમી સદીના ત્રીજા દાયકાની મંદીને યાદ કરાવી દીધી. ગણી ગણાય નહીં એટલી કંપનીઓ કાચી પડી અને લાખો લોકો બેકાર થયા. પરંતુ ભારત તેમાંથી સાંગોપાંગ ઉગરી ગયું. એટલું જ નહીં દેશના ઉદ્યોગો વિકસ્યા અને ગુજરાત તો ઉદ્યોગો માટે કલ્પવૃક્ષ સમાન બની રહ્યું છે. નેનો કારનો પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યો અને રતન ટાટાની ‘ગુજરાતમાં રોકાણ ન કરનાર બેવકુફ’ છે, તેવી સલાહે ઉદ્યોગોને આકર્ષાયા.
૦૧- શેરબજારમાં તેજી આસમાને
ભારતીય શેરબજાર માટે નવા મિલેનિયમનો પ્રથમ દસકો ઐતિહાસિક બની ગયો. ૨૦૦૧ના પ્રારંભમાં કોઇને કલ્પના નહોતી કે આગામી વર્ષોમાં દેશની ઈકોનોમીનું બેરોમિટર ગણાતો સેન્સેક્સ ૨૧,૦૦૦ની સપાટી કુદાવીને ૨૧,૨૦૮ની વિક્રમી સપાટીને સ્પર્શશે. ૮મી જાન્યુઆરી ૨૦૦૮નો દિવસ ભારતીય શેરબજારના ઈતિહાસનો સૌથી યાદગાર દિવસ બની ગયો.
નાના રોકાણકારોથી લઈને વિદેશી રોકાણકારોના ધાડાં ને ધાડાં શેરબજાર તરફ ઉમટી પડ્યા હતા. તેજીના એ દિવસોમાં શેરબજારમાં કામકાજ પણ વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. હર્ષદ મહેતાની તેજીના દિવસો પાછા લોકોને યાદ આવી ગયા હતા. આ ગાળામાં વિશ્વનાં શેરબજારોમાં પણ વિક્રમી તેજી જોવાઈ હતી. ભારતીય ઇકોનોમી અને શેરબજારની વિશ્વના અન્ય દેશોની સરખામણીએ મંદીમાં મજબૂત કામગીરી રહેતા વિદેશી રોકાણ પ્રવાહનો પણ નવો વિક્રમ સર્જાયો છે.
૦૨- ધીરૂભાઈ અંબાણીની વિદાય
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઈ અંબાણીની જુલાઈ ૨૦૦૨માં ચિરવિદાયની સાથે ભારતીય કોર્પોરેટ જગતથી લઈ રોકાણકારો સુધી જબરજસ્ત ખોટ પડી. તેમની વિદાયથી રોકાણકારોમાં શૂન્યાવકાશ સર્જાઈ ગયો હતો. ભારતીય ઉદ્યોગે એક દીર્ઘદ્રષ્ટા ખોયા હતા.
માત્ર ૫૮,૦૦૦ ઇન્વેસ્ટરોના સમૂહ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનાર આ ગ્રૂપ અત્યારે દેશનું સૌથી મોટું રોકાણકાર સમૂહ ધરાવતું જુથ બન્યું છે અને તેનો શ્રેય નિ:સંદેહ તેઓને જાય છે. દેશમાં ઇન્વેસ્ટર કલ્ચર ઊભું કરવામાં તેઓનું સૌથી મોટું યોગદાન હતું. તેઓએ ૧૯૫૦માં બિઝનેસની સફર શરૂ કરી હતી અને દેશે વૈશ્વિકરણની નીતિ અપનાવ્યા પછી વિશ્વભરમાં ભારતીય ઉદ્યોગનો ડંકો વગાડ્યો હતો. એશિયાના ટોચના ૫૦ બિઝનેસમેન અને ફોબ્ર્સની યાદીમાં સ્થાન પામ્યા હતા. યુવાનો માટે તેમણે આદર્શ પૂરો પાડ્યો.
૦૩-‘લાખેણી કાર’ નેનોએ ખેંચ્યું વિશ્વભરનું ધ્યાન
રતન ટાટાની ડ્રીમ કાર નેનોએ માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં તેનું આકર્ષણ જમાવ્યું હતું. માત્ર એક લાખમાં કાર? એ વિચાર સાથે શરૂ થયેલી નેનોની સફર ગુજરાતમાં તેનો એકમ સ્થાપીને હકીકત બની ત્યારે વિશ્વના ટોચના ઓટો ઉત્પાદક દેશો જેવા કે જાપાન, જર્મની, અમેરિકા તાજુબ થઇ ગયા હતા. ટાટા મોટર્સે નેનો કારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સાથે વિશ્વની લકઝુરિયસ કારની ક્ષેણીમાં આવતી જગુઆર- લેન્ડરોવરને હસ્તગત કરતાં ભારતીય ઓટો કંપનીઓ પણ વિશ્વમાં દરેક સેગમેન્ટમાં પડકાર ઝીલી શકે તેમ છે તેનો પરચો આપી દીધો. નેનોની સાથે ગુજરાતમાં પણ ઇકોનોમિક રિવોલ્યુશન આવ્યું છે અને આજે નેનો એકમ માટે જમીન આપનારા વિદેશી કારમાં ફરતા થઈ ગયા છે. જો કે સળગી ઉઠવાના બનાવોને લીધે પાછલા સમયમાં નેનોના ઘટેલા વેચાણે ચિંતા ઉપજાવી છે.
૦૪-અમેરિકાની મંદીનું ધૂણતું ભૂત
અમેરિકાની રિયલ એસ્ટેટની મંદી. આ નામ સાંભળતાં માત્ર અમેરિકનો જ નહીં, વિશ્વના અનેક દેશો ધ્રૂજી ઉઠે છે. અમેરિકાની મંદીમાંથી ભારત ભલે ઝડપથી બહાર આવી ગયું પણ યુરોપના અનેક દેશો આજે પણ નાદારીની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ૨૦૦૮માં લેહમેન બ્રધર્સના ઉઠમણાની સાથે વિશ્વભરમાં ફાઈનાન્સિયલ ક્રાઇસિસ ફરી વળી હતી.
અમેરિકામાં ૧૯૩૦માં આવેલી કારમી મંદીને આ કટોકટીએ યાદ કરાવી દીધી હતી. અમેરિકામાં આ મંદીને કારણે ઓછામાં ઓછી ૫૦૦થી વધુ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કને તાળાં મારવાની નોબત આવી હતી. વિશ્વના મોટા દેશોને ખર્વો ડોલરની સહાય જાહેર કરવી પડી. આની કળમાંથી બેઠા થવા અમેરિકા અને યુરોપના દેશો હજી પણ પ્રયાસ કરી રહ્યા છે.
૦૫- સ્ટોક માર્કેટમાં કભી બુલ કભી બેઅર
કોલ ઈન્ડિયાએ ભારતીય શેરબજારમાં સૌથી મોટું જાહેર ભરણું કરીને R ૧૫,૦૦૦ કરોડ ઊભા કરવાનો વિક્રમ સર્જ્યો. સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ ક્રાર્યક્રમને પ્રોત્સાહન મળ્યું.
અનિલ અંબાણીની રિલાયન્સ પાવરે આઇપીઓના ઈતિહાસમાં સૌથી મોટી ફેન્સી ઊભી કરી. જો કે પછી મંદીને લીધે શેરનો ભાવ ઓફર જેટલો પણ ન થઇ શક્યો.
શેરબજારમાં ચાર વખત કામકાજ બંધ કરવું પડ્યું. સૌથી મોટો ઉછાળો ૧૮ મે, ૨૦૦૯એ ૨,૧૧૧ પોઇન્ટનો અને સૌથી મોટો કડાકો ૧૭ ઓકટો, ૨૦૦૭એ ૧,૭૪૩ પોઇન્ટનો નોંધાયો.
શેરબજારનું કોર્પોરેટાઈઝેશન થયું. આ સાથે દેશનાં શેરબજારો કંપનીમાં રૂપાંતર થયાં. જો સેબીની લીલી ઝંડી મળી જશે તો બીએસઈ આઈપીઓ પણ લાવશે.
આઈપીઓ-ડિમેટ કૌભાંડ ૨૦૦૬માં સપાટી પર આવ્યું અને તેનું એપિસેન્ટર ગુજરાત હતું. નાના રોકાણકારોના શેરો રૂપલ પંચાલ અને લેભાગુ ટોળકીએ પચાવી પાડ્યા હતા.
વર્ષો જુની બદલા સિસ્ટમની વિદાય સાથે વધુ આધુનિક સ્વરૂપે ડેરિવેટીવ્ઝના નામે બજારમાં ટ્રેડિંગ સુવિધા આવી. ફ્યુચર અને ઓપ્શનના નામે થતાં આ કામ શેરબજારના કામકાજમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે અને તેને કારણે એનએસઈ બીએસઈ કરતાં આગળ નીકળી ગયું છે.
સત્યમ્ કૌભાંડે સૌને ધ્રુજાવ્યા. આર. રાજુના કૌભાંડે તેના શેર જ નહીં સમગ્ર બજારને મંદીનો આંચકો આપ્યો. સત્યમને ટેક-મહિન્દ્રાએ ટેકઓવર કરી લીધી.
૨૦૦૮ની મંદીમાં R ૫૨ હજાર કરોડ પાછા ખેંચનાર એફઆઈઆઈએ ૨૦૧૦માં R ૧.૪૦ લાખ કરોડનું રોકાણ ભારતીય શેરબજારમાં ઠાલવી દીધું.
૦૬- કોમોડિટીઝ: ઉત્પાદન વધ્યું પણ ગરીબો ભૂખ્યા
ફૂગાવો ૧૭ ટકા થયો અને મોંઘવારીએ માઝા મૂકી.
કોમોડિટીઝનાં પાંચ એક્સચેન્જ કાર્યરત થયા અને ૨૦૧૦માં R ૧૧૦ લાખ કરોડનું વિક્રમી કામકાજ થયું.
ક્રૂડ બેરલ દીઠ ૧૪૭ ડોલર થયું અને ઘટીને વધવાનું ચાલુ છે.
કાંદા અને ખાંડના ભાવોએ અવારનવાર સરકારની ઊંઘ હરામ કરી, સરકારને કૃષિ વાયદા સસ્પેન્ડ કરવા પડ્યા.
સરકારે અનાજનું રેકોર્ડ ઉત્પાદન હાંસલ કર્યું હોવા છતાં ભાવ સરકારની પકડની બહાર રહ્યા અને લાખો ટન અનાજ સડતું રહ્યું.
૦૭- સોનું ત્રણ ગણું અને ચાંદી ૧૦ ગણી વધી
સદીના પ્રથમ દસ વર્ષમાં સોનાએ ભારતીયોને વધુ આકર્ષાયા અને વિદેશની પાછળ સ્થાનિકમાં પણ ભાવ કૂદકેને ભૂસકે વધ્યા. ૨૦૧૦માં સોનાના ભાવ R ૨૧,૨૦૦ અને ચાંદીના ભાવ R ૪૬,૦૦૦ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. પ્રારંભમાં સોનું ૧૦ ગ્રામ R ૭૫૦૦ અને ચાંદી R ૪૩૦૦ મૂકાતા તેમાં દસ વર્ષમાં અનુક્રમે ત્રણ અને દસ ગણું રિટર્ન જોવાયું છે. અમેરિકાની ક્રાઇસિસ પછી સોનું સૌથી સુરક્ષિત રોકાણ ગણાયું અને તેજીની ચિનગારીને આગ ચંપાઈ. વિશ્વના દેશોએ જંગી રાહતના પેકેજ ઓફર કરતાં તેને પગલે આવેલી રિકવરીમાં ઓધૌગિક માગ વધતા સોના કરતાં વધુ ઝડપે તેના ભાવ વધી ગયા છે.
૦૮-ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસનો દસકો
રિલાયન્સ રિફાઈનરીનું ઉત્પાદન શરૂ થતાં વિશ્વના પેટ્રોલિયમ નકશા પર ગુજરાતનું સ્થાન મજબૂત બન્યું. નરેન્દ્ર મોદી પ્રેરિત વાયબ્રન્ટ ગુજરાતની ઇન્વેસ્ટમેન્ટ પોલિસીએ ગુજરાતને દેશભરમાં મૂડીરોકાણ અને ઓધૌગિક પ્રગતિનું રોલમોડલ બનાવ્યું.
રાજ્યમાં કપાસનું સતત વિક્રમી ઉત્પાદન થયું, પરંતુ સતત કમોસમી વરસાદે ભાવોમાં પણ વિક્રમો તોડ્યા.
ગૌતમ અદાણી ગ્રૂપનો રાજ્ય અને દેશમાં દબદબો વધ્યો. એનર્જી, પોર્ટ ઉપરાંત રિયલ એસ્ટેટમાં પણ પ્રવેશ્યા.
રાજ્યમાં વેટનું અમલીકરણ થયું. અને ઓકટ્રોય નાબૂદ થઇ.
કેતન પારેખના કૌભાંડમાં ફડચામાં જનારી માધવપુરા બેન્કને પગલે અસંખ્ય કો-ઓપરેટિવ બેન્કો પર અવિશ્વાસનો ઓછાયો ફરી વળતા થયેલાં ઉઠમણાં.
૦૯-વિશ્વ ક્ષેત્રે નાદારી અને હસ્તાંતરણનો દાયકો
અમેરિકાની લેહમેન બ્રધર્સ કાચી પડતા વૈશ્વિક ઇકોનોમી ડામાડોળ થઇ અને સંખ્યાબંધ ઇન્વેસ્ટમેન્ટ બેન્કો કાચી પડી.
વિશ્વની ટોચની એનર્જી ઉત્પાદક કંપની એનરોને દેવાળું ફૂંક્યું.
ઓટો જાયન્ટ જનરલ મોટર્સ પણ મંદીમાં સપડાઇ અને નાદારી નોંધાવવાનો વારો આવ્યો.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આંતકવાદી હુમલા બાદ અમેરિકન શેરબજાર બંધ કરવાની બનેલી સૌપ્રથમ ઘટના.
બીએચપી અને બિલિટોનનું ૧૪૭ અબજ ડોલરમાં મર્જર થયું. વિશ્વનું તે સૌથી મોટું મર્જર હતું.
વિશ્વનો સૌથી મોટો ૭૫ અબજ ડોલરનો આઇપીઓ બ્રાઝિલની રોયલ ડચ પેટ્રોલિયમે બહાર પાડ્યો.
વિદેશી કંપનીઓના ટોચના હોદ્દા પર ભારતીય જેવા કે પેપ્સીકોમાં ઈન્દ્રા નૂયી અને સિટી ગ્રૂપમાં વિક્રમ પંડિત બિરાજમાન થયા.
યુરોનો યુરોપના દેશોમાં શરૂ થયેલો સત્તાવાર વ્યવહાર અને યુરોપનું કોમન ચલણ બન્યું. યુરોના વધેલા પ્રભાવે ડોલરિયા દેશોને પણ ચિંતા કરાવી દીધી.
આર્સેલર જેવી કંપનીઓ હસ્તગત કરીને ભારતીય મૂળના લક્ષ્મી મિત્તલ ‘સ્ટીલ ટાયકૂન’ બન્યા.
૧૦-ભારતમાં મોબાઇલક્રાંતિ અને એસટીડીની વિદાય
એક જમાનામાં ઘરે ફોન હોવો પણ લકઝરી ગણાતી હતી, જ્યારે આજે અડધા ઉપરાંત ભારતીયોના પેટમાં રોટલો હોય કે ન હોય, એમના હાથમાં મોબાઈલ ફોન જરૂર હોય છે. ગઇ સદીના આખરી વર્ષોમાં પગરણ માંડેલા મોબાઇલ ફોને ભારતમાં અકલ્પનીય ક્રાંતિ સર્જી. સરકારે પણ મોબાઇલ કંપનીઓને લાયસન્સ આપીને આ ક્રાંતિને વધુ વેગવંતી બનાવી. આજે દેશનાં વિવિધ સર્કલ્સમાં ડઝનેક જેટલી કંપનીઓ કાર્યરત છે.
મોબાઇલ કંપનીઓ વચ્ચેની સ્પર્ધા એટલી તીવ્ર થઇ ગઇ છે કે ત્રીસેક પૈસામાં એક મિનિટ દેશભરમાં વાત થઇ શકે છે. બીજી તરફ લેન્ડલાઇનના વળતાં પાણી થયાં. બીએસએનએલે પણ એસટીડીના યુગને વિધિવત્ રીતે વિદાય કર્યો. જો કે હજી ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડની તપાસ ચાલે છે અને થ્રી-જી આવી રહ્યું છે.
ફોબ્ર્સની યાદીમાં ગુજરાતી ઉદ્યોગપતિઓ
મુકેશ-અનિલ અંબાણી-૨૯ ને ૧૩.૭ અબજ ડોલર
અઝીમ પ્રેમજી-૧૭ અબજ ડોલર
ગૌતમ અદાણી- ૪.૮ અબજ ડોલર
છુટા પડેલા અંબાણીભાઇઓનો ગેસનો વિવાદ ગાજ્યો અને ઉકેલાયો.
ટુ-જી કૌભાંડે ટાટા સહિત ટેલિકોમ કંપનીઓ અને ટોચના પત્રકારોને પણ શંકામાં મૂક્યા.
તાતા ગ્રૂપે કોરસ, જગુઆર, બ્રિટિશ સોલ્ટ જેવી કંપનીઓને હસ્તગત કરીને છાકો પાડ્યો.
આર કોમ અને એરટેલને એમટીએન સાથે નિષ્ફળતા મળી, તો એરટેલે આફ્રિકાની ઝૈનને હસ્તગત કરી.
ફાર્મા ઉદ્યોગમાં રેનબકસી અને જપાનની દાયચી વચ્ચે ૪.૫ અબજ ડોલરનો ટેકઓવરનો સૌથી મોટો સોદો.
અમેરિકાની આડોડાઈ વચ્ચે પણ ભારત આઉટસોર્સિંગમાં વિશ્વમાં પ્રથમ નંબરે રહ્યું.
બજાજ ઓટોનું વિભાજન.
૩-જી ઓકશનમાં સરકારને R ૧.૩૭ લાખ કરોડ મળ્યા.
Comments
Post a Comment