સંતાનસુખથી વંચિત દંપતીઓ માટે સંતાનસુખ પ્રાપ્તિના ઉપાયો...
(૧) ગર્ભાધાન માટે અનુકૂળ સમય-સૌ પ્રથમ ગર્ભાધાન માટે અનુકૂળ સમયની પસંદગી કરવી જોઇએ. વૈદિક કાળમાં ગર્ભાધાનની શુદ્ધ ભાવનાથી સમાગમ કરવામાં આવતો હતો.
(૨) પુત્ર કે પુત્રી સંતાન-ઋતુકાળની રાત્રિઓ દરમિયાન બેકી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રી જન્મે છે તેવો ભગવાન મનુનો મત છે. સમાગમ સમયે લગ્ન-ગુરુ-સૂર્ય-ચંદ્ર એકી રાશિ અને એકી નવમાંશમાં હોય તો પુત્ર જન્મે છે અને બેકી રાશિ અને બેકી નવમાંશ હોય તો પુત્રી જન્મે છે તેમ કેટલાક જ્યોતિષાચાર્યોનો મત છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પુરુષના વાય અને સ્ત્રીના એક્સ રંગસૂત્રનું સંયોજન થતાં પુત્ર જન્મે છે અને પુરુષના એક્સ અને સ્ત્રીના એક્સ રંગસૂત્રનું મિલન થાય તો પુત્રી જન્મે છે.
(૩) બાળક ક્યારે જન્મે?- સમાગમ સમયે સિંહ-કન્યા-તુલા-વૃશ્વિક-કુંભ અને મીન પૈકી કોઇ પણ લગ્ન ચાલતું હોય તો બાળકનો જન્મ રાત્રે થાય અને મેષ-વૃષભ-મિથુન-કર્ક-ધન અને મકર લગ્ન પૈકી કોઇ પણ લગ્ન ચાલતું હોય તેવા સમયે સમાગમ કરેલ હોય તો બાળકનો જન્મ દિવસે થાય તેમ કેટલાક જ્યોતિષાચાર્યોનું માનવું છે.
(૪) ગર્ભાધારણના નિયમો કોને લાગુ પડે?-ગર્ભાધારણના યોગોના ઉપરોકત નિયમો સંતાન ઉત્પન્ન કરવાની શારીરિક ક્ષમતા ધરાવતાં દંપતીને જ લાગુ પડે છે.
(૫) સંતાનસુખ અવરોધના ઉપાયો-સર્વપ્રથમ કુંડલીનું ગહન અધ્યયન કરી કયા ગ્રહના કારણે-કયા યોગને કારણે સંતાનસુખમાં અવરોધ ઊભો થાય છે તે નક્કી કરવું. મહર્ષિ પરાશર કહે છે તે મુજબ ઔષધ ચિકિત્સા, રત્ન ચિકિત્સા અને મંત્ર ચિકિત્સા એવા ત્રણ પ્રકારના પ્રયત્નો દ્વારા સંતાનની પ્રાપ્તિ થઇ શકે છે.
આ સિવાય સંતાનસુખની પ્રાપ્તિના ઉપાયો નીચે મુજબ છે:
(અ) જે ગ્રહના કારણે સંતાનસુખમાં અવરોધ પેદા થયો હોય તે ગ્રહની શાંતિવિધિ કરાવવી અને તે ગ્રહના જાપ કરવા. સંતાનસુખ અવરોધક ગ્રહ બુધ-શુક્ર કે ચંદ્ર હોય તો શિવ અભિષેક કરવો. શિવપૂજન કરવું. સંતાનસુખ અવરોધક ગ્રહ ગુરુ હોય તો મંત્ર-યંત્ર અને ઔષધિ ઉપચાર કરવો. સંતાનસુખ અવરોધક ગ્રહ શનિ-મંગળ-સૂર્ય-રાહુ કે કેતુ હોય તો કુળદેવતા કે કુળદેવીની પૂજા કરવી.
(આ) સર્પદોષના કારણે સંતાનસુખ ન મળતું હોય તો તેની નિવૃત્તિ માટે ગ્રહશાંતિ પ્રયોગ અને પુત્રેષ્ટિ યજ્ઞનું આયોજન કરવું.
(ઇ) રુદ્રાભિષેક અને લક્ષચંડી યજ્ઞથી પણ સંતાન થાય છે.
(ઈ) સંતાનસુખ માટે સંતાન ગોપાલ મંત્ર ઘણો જ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. આ મંત્ર નીચે મુજબ છે:
ઓમ ર્શ્રી હ્રીં કલીં ગ્લૌ...દેવકીસુતગોવિન્દ વાસુદેવ જગત્પતેદેહિ મેતનયં કૃષ્ણ ત્વામહં શરણાગત:ઉપરોકત મંત્રના ત્રણ લાખ જાપ કરવા.
સંતાનસુખ માટે અન્ય સંતાન ગોપાલમંત્ર નીચે મુજબ છે:
ઓમ નમો ભગવતે જગત્પ્રસૂતયે નમ:ઉપરોકત મંત્રના એક લાખ જાપ પછી દશાંશ હવન કરવો.
વાસુપુત્ર શ્રીકૃષ્ણ મંત્ર પણ સંતાનસુખ ને આપનારો છે.
ઓમ કલીં ગોપાલવેષધરાય વાસુદેવાય હુંફટ્સ્વાહા
ઉપરોકત મંત્રના એક લાખ જાપ પછી દશાંશ હવન કરવો.
(ઉ) એક સંતાન થયા પછી ગર્ભધારણ ન થાય તેવી કાકવંધ્યા સ્ત્રી માટે નીચેનો મંત્ર લાભપ્રદ છે:
ઓમ નમ: શક્તિરુપાય મમગૃહે પુત્રં કુરુ કુરુ સ્વાહા
ઉપરોકત મંત્રના પ્રતિદિન ૧૦૮ જાપ કરવા. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે જાપ કરવા તથા પુષ્ય નક્ષત્ર અને રવિવારના યોગ હોય ત્યારે અશ્વગંધાનું મૂળ લાવીને તેનું ચૂર્ણ બનાવી ભેંસના દૂધમાં ૧થી દોઢ તોલો ભેળવીને સંતાન ઇચ્છુક સ્ત્રીએ દરરોજ પીવું.
(ઊ) વિષ્ણુસહસ્ર નામના પાઠથી પણ સંતાનસુખ મળે છે :
(એ) વિઘ્નહર્તા ગણેશના ‘સંકટનાશન સ્તક્ષેત્ર’, ‘વિઘ્નહરસ્તક્ષેત્ર’, ‘ગણેશ અથર્વશીર્ષમ્’નો પાઠ, સંકટ ચતુર્થીના દિવસે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરીને, કરવાથી સંતાનસુખ મળે છે.
(ઐ) ભગવાન શ્રીકૃષ્ણના ગોવિંદ-દામોદર-સ્તક્ષેત્ર ‘કરાર વિંદેન પદારવિંદ’નું પારાયણ કરવાથી સંતાન પ્રાપ્ત થાય છે.
(ઓ) વાલ્મીકિ રામાયણના બાલકાંડના સર્ગ ૧૫-૧૬ અને ૧૮નો પાઠ કરવાથી ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય.
(ઔ) ‘નવચંડી યજ્ઞ’થી સંતાનસુખ મળે છે.
(અં) પતિ-પત્ની બંનેએ ચાંદીમાં ચાર રતીનું મોતી તથા સોનામાં ચાર રતીનું પોખરાજ ધારણ કરવું.
(અ:) અન્યના આશીર્વાદ અને અનુગ્રહથી સંતાનસુખ મળે છે તેથી બીજાના આશીર્વાદ અને કૃપા આપણને મળે તેવાં દાન-પુણ્યાદિ કાર્યો કરવાં. સંતાનસુખ ઇચ્છુક દંપતીઓમાંથી તેમની કુંડળીને અનુરૂપ ઉપાય શ્રદ્ધાપૂર્વક અપનાવે તો સંતાનસુખ અવશ્ય મળે.
Comments
Post a Comment