આલેખનું
મથાળું કદાચ કોઈને વિચિત્ર લાગશે કારણ કે તેમાં એક અંતનિર્હિત વિરોધાભાસ
છે. ધીરુભાઈ અંબાણી અને મહાત્મા ગાંધીમાં જે એક સામાન્ય બાબત છે તે એ કે
બંને જ્ઞાતિએ મોઢ વણિક અને બંનેનો જન્મ ગુજરાતના સૌરાષ્ટ્રમાં કદાચ આ
સામાન્ય સમાનતા જ બંનેની સરખામણી કરવા આગળ પ્રેરે છે કે કઈ રીતે બંનેના
‘જીવનની સાદાઈ’ અને ‘ઉચ્ચ વિચારો’નું સામ્ય યોગાનુયોગ અને પૂરક છે.
કોઈ પણ એ બાબતનો ઇનકાર નહીં કરી શકે કે ધીરુભાઈ અને ગાંધીજી બંને એવા
પ્રખર ભારતીય હતા કે જેમના પગ હંમેશાં આપણી ધરત પર જડાયેલા રહેતા. બંને
ભારતીયોનો ઉદ્વાર ઇચ્છતા હતા- એક સામાજિક અને રાજકીય (આર્થિક ઉપાર્જન
માટેના ઓજાર તરીકે અદ્ભુત ચરખા સાથે), અને બીજાએ દેશમાં આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિના લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું. બંનેએ પોતાની ‘નેટ પ્રેક્ટિસ’ વિદેશમાં કરી અને તરત માદરે વતન આવી ગયા.
બંનેને સ્વપ્નો હતા- પોતાના લોકો માટે- પોતાના દેશ ભારત માટે. બંનેને
પોતાના દેશના લોકોની શક્તિમાં અપાર શ્રદ્ધા હતી. ગાંધીજીએ યુવાનોના માનસપટ
ઉપર એ સમયમાં જે અસર કરી હતી તે ધીરુભાઈના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે.
જૂનાગઢમાં શાળાના અભ્યાસ દરમિયાન તેમણે એક ચળવળવાદી વિદ્યાર્થી હતા કે
જેમણે આઝાદીના ચળવિળયાઓની મદદ માટે વિદ્યાર્થી સેના કાર્યરત કરી હતી. આ
સેના એક વખત પોલીસે ખોટી રીતે પકડેલા સ્વતંત્રતા સેનાનીઓને છોડાવી લાવી
હતી.
ગાંધીજીએ કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આફ્રિકામાં વકીલાત કરી અને ત્યાં
રહેતા ભારતીયો માટે સફળતાપૂર્વક મોટી નાગરિક ચળવળની આગેવાની લઈ પરત ફર્યા.
ધીરુભાઈ પણ આઝાદીના સમય આસપાસ મેટ્રિક ભણી યમન (ત્યારનું એડન) ગયા, ત્યાં
એક દાયકા સુધી કામ કર્યું અને ભારત પાછા ફરી નવી શરૂઆત કરી.
મહાત્માજીએ મારા સ્વપ્નનું ભારતમાં કહ્યું છે કે : ‘ભારતની દરેક વસ્તુ મને
આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત
પાસે છે.’ ગાંધીજીએ જે કહ્યું તે મુજબ ધીરુભાઈએ કર્યું અને જીવ્યા.ઉચ્ચ
મહત્વાકાંક્ષાઓ અને આંખોમાં સ્વપ્નો આંજી ધીરુભાઈ અંબાણી એડનથી ભારત પરત
ફર્યા. તેમણે આર્થિક મૂલ્યવૃદ્ધિ માટે હરણફાળ ભરી. લોકોની જરૂરિયાત પૂરી
કરે તેવા નાવીન્યસભર ઉત્પાદનો લોકો સુધી પહોંચતા કર્યા. તેમણે તેમની વિશાળ
પરિયોજનાઓમાં હજારો કામદારોને રોજગારી આપી.
આઝાદીકાળના પ્રભાતે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ‘હિન્દુસ્તાન તેની
કોટિ કોટિ પ્રજાની આર્થિક સ્થિતિ સુધારી શકશે એવી મારી શ્રદ્ધા જેટલી
કદાપિ નહોતી તેટલી આજે ઉજ્જવળ છે.’ ભારત ’૯૦ના દશકમાં આર્થિક ઉદારીકરણના
પ્રભાતે પહોંચ્યું ત્યાં સુધીમાં ધીરુભાઈએ ભારતીય અર્થતંત્રમાં પોતાની
મહત્તા અને પ્રદાન સિદ્ધ કરી દીધાં હતા. ગાંધીજી ઉદ્યોગોના વિરોધી નહોતા.
તે મક્કમ રીતે માનતા હતા કે ચોક્કસ ચાવીરૂપ ઉદ્યોગો જરૂરી છે. ધીરુભાઈએ
તેમના પ્રોજેક્ટો અને ફેક્ટરીઓમાં સમગ્ર દેશમાંથી હજારો લોકોને નોકરીઓ
આપી. તેમની દરેક પ્રોજેક્ટ સાઇટ જોતજોતમાં લઘુભારત બની જતી. આડકતરી
રોજગારી કે જેનું તેમણે સર્જન કર્યું તે કોઈ પણ સરખામણીએ વિશાળ છે.
ગાંધીજીએ કહ્યું હતું કે : ‘મારું જીવન એ જ મારો સંદેશ છે,’ ધીરુભાઈનું જીવન પણ એ પ્રમાણે જ છે- નવી પેઢીના ઉદ્યોગ સાહસિકો માટે.
Comments
Post a Comment