આપણું અમદાવાદ,
નામ બોલતાં પહેલાં એનો વિચાર કરીએ એટલે કંઇ કેટલીય પોતીકી છબિઓ મનની આંખો સામે તરવરી ઊઠે અને એટલી વ્હાલી લાગે કે ગર્વ સિવાય બીજી કોઈ લાગણી માટેનો અવકાશ પણ ન બચે. આવું અનોખું અને રંગીલું અમદાવાદ ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ ૬૦૦ વર્ષ પૂરા કરશે.
૧૪૧૧માં અહેમદશાહ બાદશાહે વસાવેલા આ શહેરનો ઈતિહાસ તો ૧૧મી સદીના આવરણોમાંથી પણ મળી રહે છે, પણ આ શહેર અને તેમાં વસતા લોકોએ ક્યારેય પાછું વાળીને જોયું નથી એમ આપણે પણ આ ગૌરવવંતા ઈતિહાસ પર સોનેરી ભવિષ્યના નિર્માણનું સપનું જ સેવીશું.
અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિસ્તરણ બાદ સુપર્બ બન્યું
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ૬૦થી ૭૦ ટકા પ્રોજેક્ટ કાર્યરત
છેલ્લાં પાંચ વર્ષમાં અમદાવાદમાં શું પરિવર્તન આવ્યું છે? અમદાવાદમાં બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) સફળતાપૂર્વક ચાલે છે અને હવે તજ્જ્ઞો કહે છે કે ખાસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો અભ્યાસ કરવા કોલંબિયાના બગોટામાં જવાની જરૂર નથી. અમદાવાદનું મોડેલ શ્રેષ્ઠ છે. અમદાવાદમાં ફ્લાયઓવર અને અંડરપાસ બન્યા, રસ્તા પહોળા થયા એ બાબતો ઊડીને આંખે વળગે છે. અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિસ્તરણ બાદ સુપર્બ બની ચૂક્યું છે.
રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટી ગયુ છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને નોંધપાત્ર સફળતા મળી છે. આવનારાં દશ વર્ષમાં અમદાવાદની સ્કાયલાઇન સિંગાપોર અને મલેશિયાને ટક્કર મારે એ હદે સુધરી જશે. સુકાઇને ભટ્ઠ થઇ ગયેલી સાબરમતી નર્મદાના નીરને કારણે સજળ થઇ છે એટલું જ નહીં આસપાસના વિસ્તારમાં ભૂગર્ભના જળસ્તર ઊંચા આવ્યાં છે.
છેલ્લાં પાંચ વર્ષમાં સીએનજીના કારણે અમદાવાદમાં ઘાસતેલિયા રિક્ષાઓ ફરતી બંધ થઇ છે અને પર્યાવરણ સુધર્યું છે. અમદાવાદ શહેરમાં ડ્રેનેજની લાઇનો ઠેરઠેર નખાઇ ચૂકી છે. આ શહેરમાં ૯૦ ટકા ડ્રેનેજ કનેક્શન અને ૧૦૦ ટકા પીવાના પાણીની વ્યવસ્થા સુલભ થઇ છે. એક જમાનામાં પૂર્વ અમદાવાદમાં ખાળકૂવાઓ ભરાતા અને ખારીકટ કેનાલમાં ઠલવાતા હતા. આજે ખારીકટ કેનાલનું બ્યુટિફિકેશન થઇ ગયું છે. ખાળકૂવાઓ ઈતિહાસ બની ગયા છે અને પરિણામે પૂર્વ અમદાવાદમાં હાઉસિંગ એક્ટિવિટિઝ વધી છે.
દશ લાખથી એક કરોડ રૂપિયાના ફ્લેટ્સ પૂર્વ વિસ્તારમાં વેચાઇ રહ્યા છે કારણ કે આ વિસ્તારનો સર્વાગી વિકાસ થઇ રહ્યો છે. અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું ગજબનું કામ થયું છે. જે અન્ય શહેરો માટે રોલમોડેલ બન્યું છે. અમદાવાદમાં સ્લમ ક્લિયરન્સ અને સ્લમ નેટવર્કિંગના ક્ષેત્રે નેત્રદીપક કામગીરી થઇ છે. ઝૂંપડાઓનું પુન:સ્થાપન અન્ય શહેરોની તુલનામાં બહેતરીન ઢબે થયુ છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થાઓએ ૨૦ માપદંડોના આધારે કાઢેલા ક્યાસ બાદ અમદાવાદને સંતુલિત અને સર્વગ્રાહી વિકાસ માટે શ્રેષ્ઠ ઠરાવ્યું છે. ઇ ગર્વનન્સમાં અમદાવાદ રોલમોડેલ સિદ્ધ થયું છે. શહેરી ગરીબ લોકોને અપાતી સવલતોમાં અમદાવાદ આજે અમલીકરણની દ્રષ્ટિએ પ્રથમ નંબર છે. ફાઇનાન્સિયલ ડિસિપ્લિનમાં અમદાવાદ સમગ્ર દેશમાં અવ્વલ છે. કર વસૂલાત અને ખર્ચના આંકડાની પળોજણમાં ન પડીએ પરંતુ એક ઉદાહરણ પર્યાપ્ત છે.
ર૦૦૫માં અમદાવાદ કોર્પોરેશને ૧૮૦ કરોડના પ્રોજેક્ટ કર્યા હતા. ૨૦૦૯માં ૨૦૦૦ કરોડના! ચાર વર્ષમાં દશ ગણો ખર્ચ વિકાસના કામમાં થાય એ વાત શું સૂચવે છે? ૨૦૦૭ અને ૨૦૦૯માં થયેલા વાઇબ્રન્ટ ગુજરાતને કારણે અમદાવાદમાં દોઢ લાખ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે. આ મૂડીરોકાણને પગલે કમસેકમ દશ લાખ જેટલી રોજગારીની નવી તકો સર્જાઇ છે.
વાઇબ્રન્ટને સફળ બનાવવા મોદી સરકારે જમીનની નીતિ, ઔદ્યોગિક નીતિ, મૂડીરોકાણની નીતિ, આઇટી પોલિસી પારદર્શક બનાવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ૬૦થી ૭૦ ટકા પ્રોજેક્ટ ચાલુ થઇ ચૂક્યા છે, કાં તો ટેઇક ઓફફ્ થયાના સ્ટેજ પર છે.
આજથી બે વર્ષ પહેલાં સાણંદથી અમદાવાદ ટામેટા ભરેલી લારી લઇને આવનારા યુવાનો હવે વહેલી સવારે ટ્રકો ભરીને માલ જમાલપુરની થોકબંધ બજારમાં ઠાલવે છે અને સાંજે પરિવારને લક્ઝુરિયસ કારમાં ફેરવે છે. સાણંદમાં રેકોર્ડ ટાઇમમાં નેનો પ્રોજેક્ટ કાર્યરત થઇ ગયો છે અને આસપાસના વિસ્તારમાં ઓટોમોબાઇલ બૂમ ઠેરઠેર દેખાય છે.
Comments
Post a Comment