પ્રશ્ન: મારાં મમ્મીને ખૂબ વધારે પ્રમાણમાં ડાયાબિટીસ હતો, જ્યારે પપ્પાને બોર્ડરલાઇન પર ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે. શું મને ડાયાબિટીસ હોઇ શકે? આ માટે મારે શું ધ્યાન રાખવું જોઇએ?
અમૃતા ત્રિવેદી
ઉત્તર: ડાયાબિટીસ બે પ્રકારનો હોય છે.
ટાઇપ: ૧ ડાયાબિટીસ (ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ) જે નાની ઉંમરમાં થાય છે અને વધુ જોખમી હોય છે. તેમાં ઇન્સ્યુલિન ઇન્જેકશનની જરૂર પડે છે.
ટાઇપ: ૨ ડાયાબિટીસ: (નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ) જેની માત્રા ઓછી હોય છે તે મોટી ઉંમરે થાય છે અને તેને દવા, ગોળીથી કન્ટ્રોલ કરી શકાય છે. રીસર્ચ જણાવે છે કે ડાયાબિટીસમાં જીનેટીકસ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે માતા-પિતાને જો ડાયાબિટીસ હોય તો બાળકોને તે આવી શકે છે. ડાયાબિટીસ આવી રીતે વારસામાં મળી શકે છે. રીસર્ચ જણાવે છે કે જો માતાને ટાઇપ-૧ ડાયાબિટીસ હોય તો તે તમને આવવાની શક્યતા ઓછી છે પરંતુ પિતાને તે હોય તો તે તમને આવવાનું જોખમ વધી શકે છે.
માતા-પિતા પાસેથી વારસામાં ડાયાબિટીસની સાથોસાથ ખોરાકની ખોટી આદતો પણ આપણે બાળપણથી જ મેળવીએ છીએ. જો તેમને મીઠાઇનો શોખ હોય તો નાનપણથી તમે પણ શોખીન જ હશો. તેના કારણે પણ શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઊચું રહે અને તમને ડાયાબિટીસ થઇ શકે છે.
માટે જ તમારે તમારા વજનનું ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. તમારી હાઇટ પ્રમાણે જે વજન હોવું જોઇએ તે મેન્ટેઇન કરવાનો પ્રયત્ન કરો. ડોક્ટરની સલાહ મુજબ બ્લડ ટેસ્ટ કરાવતાં રહો. જો તમે તમારું વજન કન્ટ્રોલમાં રાખશો અને રેગ્યુલર કસરત કરતાં રહેશો તો જ તમે ડાયાબિટીસથી દૂર રહી શકશો.
પ્રશ્ન: મારો દીકરો આઠ વર્ષનો છે. તેના યોગ્ય વિકાસ માટે કેવો ખોરાક આપવો?
- મોના પરમાર
ઉત્તર: તમારા દીકરાનો અત્યારે ગ્રોથનો પિરિયડ ચાલી રહ્યો છે. વળી આ ઉંમરે સ્કૂલમાં પણ દોડાદોડી કરવા માટે વધુ કેલરીની જરૂર પડતી હોય છે. અત્યારે એને સ્કૂલમાં ડબ્બામાં પણ વધુ પોષકતત્વોવાળો ખોરાક જરૂરી છે. ખાસ તો વધુ પ્રોટીનવાળો ખોરાક આપવાનો પ્રયત્ન કરો.
ઘણી વખત બાળકને આપણે છે રોજિંદી વસ્તુઓ બનાવીએ છીએ તે ખાવી ગમતી નથી ત્યારે તેની પસંદનો ખોરાક બનાવવાનું રાખો. સાંજનું જમવાનું તેને પૂછીને બનાવો. બાળક રોજિંદા શાકભાજી ખાતું ના હોય તો તેને જુદી રીતે બનાવો.
જેમ કે દાળમાં બાફીને તેને ક્રશ કરીને દાલફ્રાય બનાવો અથવા સાંજના સમયે કટલેટ્સ બનાવો. ઘઉંની બ્રેડમાં તેને મૂકીને બર્ગર બનાવી શકાય. તેને દાળ ના ભાવે તો બીન્સ અને રાજમા બનાવી પંજાબી શાક બનાવી દો. આમ તમારા બાળકનું સ્વાસ્થ્ય તમારા હાથમાં જ છે. તેને અઠવાડિયામાં એકાદ વખત બહારનું ખાવા દો, વધુ નહીં.
તેને સમજાવો કે જો વારંવાર બહારનું ખાવામાં આવે તો આગળ જતાં સ્વાસ્થ્ય બગડે. તેની હાઇટ વધે તે માટે દરરોજ કેલ્સિયમવાળો ખોરાક જેમ કે કેળું, દૂધ વગેરે આપો. અભ્યાસની સાથે દરરોજ ૨૦ થી ૩૦ મિનિટ સાઇકલ ચલાવે અથવા કોઇ પણ રમત જેમ કે વોલીબોલ, સ્વિમિંગ વગેરે જરૂરથી કરાવો જેથી તેનો વિકાસ સારી રીતે થશે.
પ્રશ્ન: હું ૪૩ વર્ષની છું. ડાયેટિંગ કરવા છતાં વજન ઓછું થતું નથી. એ માટે મારે શું કરવું?
- સત્યા કોચર
ઉત્તર: હવે તમે ડાયેટિંગને બદલે હેલ્ધી ઇટિંગ શરૂ કરો. વધુ પડતું વજન એ અપોષણને કારણે આવે છે. તમારા શરીરને જોઇતા બધા જ પોષકતત્વો ખાવ, ઉપવાસ અઠવાડિયામાં એકાદ વખતથી વધુ વખત ના કરો.
સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું જમણ બરાબર કરો. રોજિંદા ખોરાકમાં ઓછા તેલવાળું અને ઘી વાળું ખાવાનું ખાવ. વજન આપોઆપ ઉતરવા માંડશે.
Comments
Post a Comment