વેજીટેબલ સલાડ ડીપ
સામગ્રી ઃ મેયોનીઝ- ૧ વાટકી, ગાજરની સ્લાઇસ - ૧૨ નંગ, કાકડીની સ્લાઇસ- ૧૨ નંગ, મીઠું- મરી - પ્રમાણસર, મરચાની સ્લાઇસ - ૧૨ નંગ, બાફેલા નાના બટેટા- ૧૨ નંગ, ટમેટાની સ્લાઇસ- ૧૨ નંગ, લીલી દ્રાક્ષ- ૧૨ નંગ, સલાડ ભાજી- ૧ ઝૂડી, દૂધી ૧ નંગ.
રીત ઃ (૧) કાકડીને ધોઈને કાંટાથી ઉભા કાપા પાડો (લીસોટાની જેમ), પછી તેની સ્લાઇસ કરો તેથી કાંગરીવાળી સ્લાઇસ થશે. (૨) લીલી દ્રાક્ષ સિવાય બધા ઉપર મીઠું- મરી નાંખો, (૩) એક મોટી પ્લેટ લો. દૂધી નીચેથી પાંચ ઇંચ જેટલો પીસ કાપો, તેમાંથી ગર કાઢીને કપ બનાવો તેમાં મેયોનીઝ ભરીને પ્લેટમાં વચ્ચે મૂકો. (૪) પ્લેટમાં બાજુ પર અને વચ્ચે ટમેટાની સ્લાઇઝ ગોઠવો, તેના ઉપર કાંદાની સ્લાઇસ ગાજરની સ્લાઇસ, કાકડીની સ્લાઇસ મૂકો. (૫) બાફેલા બટેટાને ટુથપીક્સમાં ભરાવો તેના ઉપર કેપ્સીકમ અને મરચાની સ્લાઇસ તથા લીલી દ્રાક્ષ ભરાવો અને કાકડી પર ગોઠવો. (૬) સલાડની ભાજીમાં મીઠું- મરી નાખો અને આજુબાજુ ગોઠવો, (૭) સર્વ કરતી વખતે વચ્ચે ટુથ પીક્સ મૂકો જેથી મેયોનીઝમાં ડીપ કરીને (બોળીને) ખાવાના ઉપયોગમાં લઈ શકાય.*
સ્પ્રાઉટેડ બીન્સ સલાડ
સામગ્રી (૮ વ્યક્તિ) ઃ ફણગાવેલા ચણા ૨૦૦ ગ્રામ, ફણગાવેલા મગ- ૧૫૦ ગ્રામ, ટમેટા- ૩ નંગ, કાકડી - ૨૦૦ ગ્રામ, સીંગદાણા- ૧૦૦ ગ્રામ, લીલા કોપરાનું છીણ- ૧૦૦ ગ્રામ, લીંબુ - ૨ નંગ, ચાટનો મસાલો - ૨ ટી-સ્પૂન, મીઠું- પ્રમાણસર, દાડમના દાણા- ૧૦૦ ગ્રામ, કોથમીર સમારેલી ૧ ટે સ્પૂન, ગાજરના પીસ- પ્રમાણસર.
રીત ઃ (૧) ચણામાં વધારે ફણગા ફૂટે તે રીતે ફણગાવો તેને મીઠું નાખીને બાફી લો. સીંગદાણા પણ મીઠુ નાખીને બાફી લો અથવા સીંગના ઓળા લેવા. (૨) ટમેટા અને કાકડીના નાના પીસ કરો, તેમાં ચાટ મસાલો અને લીંબુનો રસ નાંખો. (૩) બાફેલા ચણા, ફણગાવેલા મગ, ટમેટા, કાકડીના પીસ, ગાજરના પીસ, સીંગદાણા, દાડમના દાણાં, અર્ધા ભાગનું કોપરાનું છીણ, લીંબુનો રસ, ચાટ મસાલો બઘું મિક્સ કરીને સુંદર બાઉલમાં કાઢો અથવા તડબૂચની બાસ્કેટ બનાવીને તેમાં નાંખો અથવા પપૈયાની બોર્ડર પર કાંગરી પાડીને તેમાં ભરો. (૪) તેમાં ઉપર કોથમીર, દાડમના દાણા અને કોપરાનું છીણ નાખીને સર્વ કરો. આ સલાડ વેજીટેબલ ફ્લેગની રીતે પણ ગોઠવી શકાય છે. (૫) આ સલાડ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે.
અરેબિયન સલાડ
સામગ્રી ઃ પલાળીને છડેલા ઘઉં (બરગૂલ) - ૧ વાટકી, ટમેટા- ૨૦૦ ગ્રામ, લીલા કાંદા- ૨ નંગ, લીંબુનો રસ- ૧ ટે. સ્પૂન, ફૂદીનો - ૧૦૦ ગ્રામ, તેલ, મીઠું- પ્રમાણસર, કોથમીર સમારેલી- ૧ વાટકી
રીત ઃ (૧) એક વાસણમાં ઘઉં ડૂબે તેટલું પાણી નાખીને ૧૦થી ૧૨ કલાક પલાળી રાખો, ફૂલી જાય પછી ચારણીમાં નીતારી લો, (૨) તેને ગરમ પાણીમાં બાફી લો અથવા એક વાસણમાં તેલ મૂકીને સાંતળી લો, ચડે પછી કોથમીર અડધી વાડકી મિક્સ કરો. (૩) ઘઉંમાં કાંદા, ફૂદીનો, ટમેટા, લીંબુનો રસ અને મીઠું મીક્સ કરો ઉપર કોથમીર નાખીને ઠંડુ થવા દો.
ઓસ્ટ્રેલિયન સલાડ
સામગ્રી (૪ વ્યક્તિ) ઃ પાસ્તા - અડધી વાટકી, ફણસી- ૫૦ ગ્રામ, બ્રોકલી- ૧૦૦ ગ્રામ, ટમેટા- ૨ નંગ, વટાણા- ૧૦૦ ગ્રામ, સફરજન- ૧ નંગ, ચીઝનું છીણ- ૧ ટે. સ્પૂન, ક્રીમ - ૨ ટે. સ્પૂન, મીઠું- મરી, તેલ- જરૂર પ્રમાણે, ગાજર- ૧૦૦ ગ્રામ, સંતરા- ૧ નંગ, સલાડ ઓઇલ- ૧ ટે. સ્પૂન.
રીત ઃ (૧) પાસ્તામાં મીઠું નાખીને બાફી લો, પછી તેલ લગાડી રાખો જેથી ચોંટે નહીં. (૨) ફણસીના લાંબા પીસ કરીને બાફી લો. વટાણા- મીઠું નાખીને બાફી લો. ગાજરને છોલીને લાંબી સ્લાઇસ કરો. સફરજનની ગોળ સ્લાઇસ કરો, સંતરાને છોલીને ગોળ સ્લાઇસ કરો. (૩) લાકડાની પ્લેટમાં વચ્ચે પાસ્તા ગોઠવો. આજુબાજુ ગાજરની સ્લાઇસ, સફરજનની સ્લાઇસ અને સંતરાની સ્લાઇસ વચ્ચે ગોઠવો તેના ઉપર એક એક ફણસી ગોઠવો. એક સાઇડ બાફેલા વટાણા ગોઠવો બધા ઉપર છીણેલું ચીઝ અને મીઠું- મરી નાખો. ઉપર બ્રોકોલીના ફૂલ અને ટમેટાની સ્લાઇઝ ગોઠવો. (૪) ક્રીમમાં સંતરાનો રસ, મીઠું- મરી નાખીને ડ્રેસંિગ બનાવી સલાડ પર નાખો અથવા સાથે સર્વ કરો.
Comments
Post a Comment