આપણા દેશમાં નાનીમોટી વ્યાધિ માટે ઘરેલું નુસખા ખાસ્સા પ્રચલિત છે. નાની-નાની માંદગીમાં તબીબ પાસે દોડી જવાને બદલે ‘દાદીમાના નુસખા’ના નામે જાણીતા ઇલાજ અપનાવીને ઘરમાં જ જે તે વ્યક્તિનો ઉપચાર કરી લેવામાં આવે છે. તેવી જ રીતે માનુનીઓ રસોડામાં રોજંિદા વપરાશમાં લેવાતી સામગ્રીમાંથી જ પોતાના સૌંદર્યને નિખારવાના નુસખા અજમાવી લે છે. પણ રખે માની લેતાં કે આ પરંપરા આપણા દેશમાં જ પ્રચલિત છે. દુનિયાભરના દેશોમાં ઘરેલું ઉપચાર પદ્ધતિ મોજૂદ છે.
યુક્રેનની જ વાત કરીએ તો આ પ્રદેશ ઠંડો હોવાથી અહીં લોકોને ગળામાં બહુ જલદી ચેપ લાગી જાય છે. આપણે જે રીતે ગળું ખરાબ હોય ત્યારે મીઠાવાળા નવશેકા પાણીના કોગળા કરીએ છીએ, તેવી રીતે યુક્રેનમાં લોકો સાધારણ ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી સફેદ વિનેગર નાખીને તેના કોગળા કરે છે. વિનેગરમાં રહેલા એસ્ટ્રિંજનથી ગળું સાફ થાય છે અને તેમાં રહેલા જીવાણુંઓ નાશ પામે છે. જ્યારે મધથી ગળામાં થયેલો સોજો ઉતરે છે.
પરસેવાની દુર્ગંધથી બચવા આજે આપણે ત્યાં ડિઓડરન્ટનો છૂટથી વપરાશ કરવામાં આવે છે. પરંતુ ઇટાલીની યુવતીઓ એક ચમચી બેકંિગ સોડાને પાણીમાં નાખીને આ પાણી પાંચ મિનિટ સુધી બગલમાં લગાવી રાખે છે. ત્યાર બાદ આ ભાગ સ્વચ્છ પાણી વડે ધોઈ નાખે છે. આ પ્રયોગથી બગલમાંથી આવતી પરસેવાની દુર્ગંધ દૂર થઈ જાય છે.
આપણે ત્યાં ગૃહિણીઓ રસોડાની બારીમાં કુંવારપાઠુના છોડનો કુંડો રાખે છે. રસોઈ કરતી વખતે દાઝી જવાય ત્યારે કુંવારપાઠુંનો રસ લગાવવાથી બળતરામાં તાત્કાલીક રાહત મળે છે અને ચેપ પણ લાગતો નથી. પરંતુ મેક્સિકોની સ્ત્રીઓ રસોડામાં દાઝે ત્યારે ટામેટાંને છૂંદીને તેની પેસ્ટ લગાવે છે. જો તેના પર પટ્ટી બાંધી દેવામાં આવે તો બહુ ઝડપથી રાહત મળે છે. ટામેટાંમાં રહેલા વિટામીન ‘એ’, ‘બી’ અને ફાઇટોન્યુટ્રિઅંટ્સ ઘા ભરવામાં સહાયક બને છે. આ સિવાય દાઝી ગયેલી ત્વચા પર દિવસભરમાં ગમે ત્યારે એક વખત મધ લગાવવાથી ચેપ લાગતો નથી. એક સંશોધન મુજબ મધ બીજા કોઈપણ એન્ટિબાયોટિક કરતાં વઘુ કારગત પુરવાર થાય છે.
ચહેરાના સૌંદર્ય માટે આપણે દૂધની મલાઈમાં મધ મેળવીને લગાવવાનું પસંદ કરીએ છીએ. આમ કરવાથી ચહેરાનું મોઇશ્ચરાઇઝર જળવાઈ રહે છે. ખાસ કરીને ત્વચા પર કરચલી પડવા લાગે ત્યારે ચંિતિત બનેલી માનુનીઓ આવા વિવિધ પ્રકારના નુસખા અજમાવવા લાગે છે. જોકે આફ્રિકન યુવતીઓ એવોકાડો, ઇંડાં અને મધનું મિશ્રણ કરીને બનાવેલો ફેસપેક ચહેરા પર લગાવે છે. ઇંડાંમાં પ્રચૂર માત્રામાં વિટામીન ‘એ’ અને રેટિનોલ હોય છે. આ તત્ત્વો ચહેરાની કરચલી ઘટાડવામાં અથવા કરચલી પડવાની પ્રક્રિયા ધીમી પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મધથી ત્વચામાં રહેલા જીવાણું નષ્ટ થાય છે. જ્યારે એવોકાડોથી ત્વચામાં ભીનાશ આવે છે. આ ફેસપેક લગાવતી વખતે ત્વચાનો પ્રકાર સમજી લેવો જરૂરી છે. તૈલીય ત્વચા ધરાવતી માનુનીઓ તેમાં ઇંડાંની સફેદી નાખે છે જ્યારે સૂકી ત્વચા ધરાવતી સ્ત્રીઓ ઇંડાંની પીળાશ ભેળવે છે.
પેટમાં દુખાવો થાય ત્યારે આપણે ઝટ દઈને ફુદીનહરા પી લઈએ છીએ. જ્યારે હંગેરીમાં પહેલાં કેમામાઇલ અને એક કલાકના અંતરે પિપરમંિટની ચા પીવાનો નુસખો અજમાવવામાં આવે છે. કેમામાઇલ આંતરડાનું ખેંચાણ ઓછું કરી તેને ઢીલાં પાડે છે, જ્યારે પિપરિમંટમાં રહેલું મેન્થોલ વેદનામાં રાહત આપે છે.
ૠતુ બદલાય ત્યારે શરદી થવી બહુ સામાન્ય બાબત છે. રશિયામાં આવી શરદી દૂર કરવા એક કળી લસણ અને એલોવેરા (કુંવારપાઠું)નું એક પાન કુટીને મિક્સ કરવામાં આવે છે. તેમાં અડધી ચમચી મધ નાખી તેને સારી રીતે ભેળવી લેવામાં આવે છે. આ મિશ્રણમાં રૂનું પૂમડું ડૂબાડી તેને સુંઘવાથી બંધ નાક ખુલે છે. લસણમાં જીવાણુઓથી લડવાની ક્ષમતા હોય છે. જ્યારે એલોવેરા નાસિકા છિદ્રોને ભીનાશ બક્ષે છે.
શિયાળામાંફાટી જતાં હોઠ પર આપણે ઘી લગાવીએ છીએ. જ્યારે મઘ્ય-પૂર્વના દેશોમાં રહેતી માનુનીઓ અધરને નરમ-મુલાયમ બનાવવા લીંબુના રસ, સાકર અને ગ્લિસરીનનું મિશ્રણ લગાવે છે. લીંબુમાં રહેલું વિટામીન ‘સી’ હોઠ ઉપરની શુષ્ક ત્વચા દૂર કરવામાં મદદ કરે છે. સાકર ફાટેલા હોઠને સાંધવાનું કામ કરે છે. જ્યારે ગ્લિસરીનથી ઓષ્ટમાં ભીનાશ વધવાથી તે મુલાયમ બને છે
Comments
Post a Comment