પંડિતજી, મારું નામ ઈશ્વરી છે. હું બાવીસ વર્ષની ગ્રેજ્યુએટ થયેલી યુવતી છું. હું એક પ્રાઈવેટ કંપનીમાં સર્વિસ કરું છું. આમ તો કંપનીમાં ત્રીસેક કર્મચારીઓ છે, પણ સૌને પોતપોતાના કામ સાથે નિસ્બત... ટાઈમ થાય એટલે ઘેર જવા ઉતાવળા બને. આ કર્મચારીગણમાં રાહુલ પણ સર્વિસ કરે છે... તે હેડકલાર્ક છે, પણ મારે એના હોદ્દા કે પગાર સાથે કોઈ જ નિસ્બત નથી... પણ પંડિતજી, મને નિસ્બત છે તેની માદક આંખો, ગમી જાય તેવી હાઈટબોડી અને સ્માર્ટનેસ સાથે... પ્રથમ દિવસે મેં તેને જોયો ત્યારથી જ તે મને ગમી ગયો હતો. મારી નજર સતત એનો પીછો કરતી હતી... ને મને લાગ્યું કે એ પણ મને તીરછી નજરે જોયા કરે છે. હું પણ કોઈ યુવાનને ગમી જાઉં એટલી રૂપાળી છું. છેવટે એ જ થયું, જે થવાનું હતું... અમે બંને એક મેકને ચાહવા લાગી ગયાં... સાંજે છુટ્યા પછી તે મને તેની બાઈક ઉપર બેસાડતો. ને હુંય તેને બેઉ હાથ વડે ભીંસી દઈને તેની પાછળ બેસી જતી. તે મને મારી સોસાયટી સુધી મૂકી જતો ને સવારે દસ વાગે તે મને ઘર નજીકના સ્ટેન્ડ પર લેવા પણ આવતો. અમે બિન્ધાસ્ત હરતાં-ફરતાં... એકાંતમાં પણ મળતાં. એકવાર તે મને તેના મિત્રને ત્યાં લઈ ગયો હતો. મિત્ર કોઈનો ફોન આવતાં બહાર જતો રહ્યો હતો. ને અમે બંનેએ કલાકો સુધી એકાંત માણ્યું હતું... તમારાથી નહિ છૂપાવું, પંડિતજી! તે દિવસે અમે તમામ મર્યાદાઓ તોડી નાખી હતી. થોડાક દિવસ તો સારું ચાલ્યું. પણ એક દિવસે રજા હોઈ હું મારા મામાને ત્યાં રિક્ષામાં જઈ રહી હતી ત્યારે મેં બાઈક પર જતા રાહુલને જોયો. પણ તે એકલો નહોતો. તેની પાછળ કોઈ રૂપાળી યુવતી તેને ભીંસાઈને બેઠી હતી, બીજા દિવસે મેં પૂછ્યું તો કહે ઃ ‘એ તો મારી સગી છે!’ એક દિવસે હું પેલા મિત્રને ત્યાં પહોંચી ગઈ. મને થોડીક શંકા પડી ગઈ હતી. ઘરનાં બારણાં માત્ર આડાં કરેલાં જ હતાં. મેં ધક્કો માર્યો ને એ સાથે જ બારણાં ખુલી ગયા. મેં જોયું તો કોઈ ત્રીજી જ યુવતી રાહુલને વીંટળાઈને બેઠી હતી ને રાહુલ એના વાળ રમાડી રહ્યો હતો. મેં ત્રાડ નાખી ઃ ‘રાહુલ! તારું અસલ સ્વરૂપ આ છે ?’ ‘હા, આ જ છે. તે અમને જોઈ જ લીધાં છે તો સાંભળી લે, હું આ રોમાના પ્રેમમાં છું. આ અમારો સાચો પ્રેમ છે.’ ‘ને હું ?’ ‘મારી જાસૂસી કરે છે ને? સાંભળ, તારી સાથેનો સંબંધ તો માત્ર કામચલાઉ જ હતો!’ ‘પણ તેં મને બરબાદ કરી એનું શું ?’ ‘તારી ઈચ્છાથી જ તું બરબાદ થઈ છે... હવે કર્યા કર્મ ભોગવ...’ બસ, હું ભારોભાર નફરત સાથે ત્યાંથી નીકળી ગઈ હતી મેં નોકરી પણ બદલી નાંખી છે. દોઢ વર્ષ થઈ ગયું છે આ વાતને એક દિવસે રસ્તામાં રાહુલ મને મળી ગયો હતો કહેઃ ‘ઈશ્વરી, મને માફ કરી દે. મેં તારું દિલ દુભવ્યું છે... રોમા તો માત્ર પૈસા માટે જ મારી સાથે પ્રેમનું નાટક કરતી હતી... પણ તારો પ્રેમ સાચો છે... ચાલ, આપણે નવેસરથી પ્રેમ પંથ પર ડગલાં માંડીએ.’ મેં એક શબ્દ પણ ન કહ્યો. ‘તું વિચાર કરીને જવાબ આપજે’ કહીને તે તો જતો રહ્યો, પણ હું મુંઝાઈ ગઈ છું, પંડિતજી! સાચું કહું, રાહુલને હું ભૂલી શકું તેમ નથી. હું તેને સાચો પ્રેમ કરી બેઠી છું મારે હવે શું કરવું ? તેને માફ કરી દેવો? તમે જ મને માર્ગ બતાવો, પંડિતજી! - ઈશ્વરી ઈશ્વરી, તને ભલે ખોટું લાગે પણ પ્રારંભમાં જ તને એક વાત કહી દઉં કે, જુવાનીના ઘેનમાં તું કંટક અને કુસુમની પરખ કરવાની ક્ષમતા ગુમાવી બેઠી છે! ઈશ્વરી, મારે તને કહેવું છે કે આમાં જેટલો દોષ રાહુલનો છે, એટલો જ દોષ તારો પણ છે. કોઈ યુવાન ગમી જાય, મનને ભાવી જાય એટલે તેના ચરણે બેશરમ બનીને સર્વસ્વ સમર્પિત કરતાં પહેલાં સો વાર વિચાર કરવો જોઈએ. પણ તું વિચાર કરી શકી નથી! કારણ? યૌવનના ધસમસતાં પ્રવાહ, બેકાબૂ બનેલા આવેગો અને દૈહિક આવેશોએ તને બક્ષેલું અંધત્વ... અલબત્ત, વૈચારિક અંધત્વ... ! અને એના કારણે તું વિચારવિહોણું મૂર્ખતાપૂર્ણ પગલું ભરી બેઠી છે. તારા શીલને તેં એક સ્ત્રીભૂખ્યા નરાધમ સમક્ષ લૂંટાવી દીઘું છે. અસ્મતની રક્ષા કાજે તો સ્ત્રી રણચંડી પણ બને છે. જ્યારે તું ? રાહુલે મિત્રના મેળાપીપણાથી તેના ઘરમાં બિછાવેલી જાળમાં ફસાઈ ગઈ! ફોન આવ્યો ને મિત્ર જતો રહ્યો - એ તો અગાઉથી નક્કી કરેલું નાટક જ હતું... પણ તું એટલી ભોળી અને સમજણનાં દ્વાર બંધ કરીને બેઠેલી છે કે તું રાહુલના એ નાટકને સમજી જ ન શકી! આને તું સાચો પ્રેમ કહે છે, ગાંડી? પ્રેમ નથી, આ તો તારું ગાંડપણ છે... તારું ભોળપણ છે. તારી મૂર્ખતા છે... જે કોઈ પણ કુંવારી યુવતી ક્યારેય ન કરે, એવું અવિચારી કર્મ તું કરી બેઠી છે! સાચી વાત તો એ છે કે રાહુલના દિલમાં પ્રેમ જેવી કોઈ ચીજ જ નથી. એ તો જુદાં જુદાં રૂપાળાં અને ખુશ્બુદાર ફૂલોનો રસ ચૂસવાનો શોખીન ભ્રમર છે... ને એની આ ભ્રમર વૃત્તિનો શિકાર તું બની ગઈ, ઈશ્વરી! તારો નંબર ક્યો હશે એ તો માત્ર રાહુલ જ જાણે! તેં રોમા સાથે પ્રેમનો ખેલ કરતા એ ચારિત્ર્યહીનને જોઈ લીધો ને એની નફ્ફટાઈ પછી તેં એને છોડી દીધો છતાં તું કહે છે કે હું તેને સાચો પ્રેમ કરું છું. ને તેને ભૂલી શકું તેમ નથી! તું હજીય સચ્ચાઈને પારખી શકી નથી અને ભ્રમણાનું જાળુ રચી રહી છે. બીજી વાર તને મળ્યો તે પણ તેના નાટકનો બીજો અંક જ છે બનાવટ કરી રહ્યો છે તે એના નકલી નાટકથી તું બચી જા, ઈશ્વરી! એ માફી માગે છે, એ નાટક છે એ મગરનાં આંસુ સારે છે, એ નાટક છે. એ પુનઃ પ્રેમ પંથે ડગલાં માંડવાનું કહે છે, એય નાટક છે. ફરી તું ફસાઈશ, ઈશ્વરી, તો તું ક્યારેય નહિ બચી શકે! ભૂલી તો સાચા પ્રેમીને ન શકાય! આ તો નાટકબાજ છે. આવાં તો અનેક નાટકો એણે કર્યા હશે. ને બીજી વાત સાંભળી લે, છોકરી! એણે તારો શીલ ભંગ કર્યો છે. ખેર, જે થવાનું હતું તે થઈ ગયું તે અનેક છોકરીઓના સંપર્કમાં આવ્યો હશે. એટલે કદાચ યૌન રોગનો ભોગ પણ બન્યો હોય! તું ગુપ્ત રીતે ડૉક્ટરી તપાસ કરાવી લેજે ને હવે પછી તારા દિલો-દિમાગમાંથી રાહુલનું નામ કાઢી નાખ. એને યાદ કરવાની વાત તારી મોટામાં મોટી મૂર્ખાઈ હશે... તું સાચો માર્ગ પકડી લે ને કોઈ યોગ્ય યુવાન સાથે મા-બાપને સાથે રાખીને પ્રભુતામાં પગલાં માંડી લે. પણ એક વાત યાદ રાખજે, છોકરી કે તારા પતિ સમક્ષ ભૂતકાળની આ અણગમતી ઘટનાને ક્યારેય પ્રગટ ન કરતી.
|
Comments
Post a Comment