ઘણી વાર નાનપણથી જ શારીરિક બંધારણ એ પ્રકારનું હોય છે કે શરીરના અમુક ભાગ પર ચરબી જમા થવા લાગે છે. કસરત દ્વારા આને ઘટાડી શકાય છે.
પ્રશ્ન : મારી ઉંમર ૪૯ વર્ષની છે. મને હમણાંથી કંઇ પણ ખાઉં તો ખોરાકમાં મીઠું ચડિયાતું હોય એવું ખાવાની ઇચ્છા થાય છે. શું આ બીમારીનું લક્ષણ હોઇ શકે?
ઉત્તર : તમને મીઠું ખાવાનું મન થવાનાં ઘણાં કારણો હોઇ શકે - તે માનસિક હોઇ શકે અથવા શારીરિક. ઘણી વખત માનસિક રીતે અસ્વસ્થ હો, ત્યારે પણ અમુક પ્રકારનો ખોરાક વધુ ખાવો ગમે. ઘણાને ગળ્યું ખાવાનું પણ મન થતું હોય છે. ઘણી વખત અમુક પ્રકારની ખામી હોય ત્યારે તેને પૂરી કરવા માટે શરીર કોમ્પેનસેટ કરવા માટે તેને ક્રેવ કરતું હોય છે. તમારી ઉંમર પ્રમાણે અત્યારે તમારે જો મેનોપોઝનો સમય ચાલતો હોય તો હોર્મોનલ ઇમ્બેલેન્સ હોવાનું જ છે. જ્યારે હોર્મોન્સ ઇમ્બેલેન્સ હોય ત્યારે પણ મીઠાનું ક્રેવિંગ વધી જાય છે. આપણે એ તો જાણીએ જ છીએ કે વધુ પડતું મીઠું આ ઉંમરે લેવાથી નુકસાન થઇ શકે છે. માટે જ તમારે ખોરાકમાં મીઠું સાવ ઓછું લેવાની જરૂર નથી. રોટલી, ભાખરી, ભાત વગેરે તો મીઠા વગર ખાઇ જ શકાય છે, પરંતુ તમે ખોરાકમાં માપસરનું મીઠું નાખી અને બીજા મસાલા જેમ કે, લીંબુ, કોથમીર, ઓરિગાનો (સૂકા હબ્ર્સ), રોઝમેરી વગેરે નાખી શકો છો. આ ઉપરાંત, વધુ આદું, લસણ નાખી શકો છો. તેનાથી તમારે મીઠું માપસરનું ખવાશે અને સ્વાદ પણ આપશે.
પ્રશ્ન : મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારા શરીરનો કમરથી ઉપરનો ભાગ સપ્રમાણ છે અને પેટ તથા નિતંબનો ભાગ વધારે છે. તો મારું શરીર સપ્રમાણ કરવા શું કરી શકાય?
ઉત્તર : બહેન, ગુજરાતી બહેનોમાં લગભગ દર દસમાંથી સાત બહેનોને આ પ્રોબ્લેમ રહે છે. શરીરમાં ચરબીના થર જામવાની જગ્યા નાની ઉંમરે જ થઇ જતી હોય છે. જો તમારું વજન વધુ હોય તો સમતોલ આહાર અને કસરતની મદદથી વજન ઉતારવાનો પ્રયત્ન કરો. જ્યારે વજન ઉતરશે ત્યારે પેટ અને નિતંબનો ભાગ પણ સપ્રમાણ થશે તો ખરા, પરંતુ શરીર હંમેશાં ઓવરઓલ જ ઉતરતું હોય છે એટલે કે તમારા નિતંબનો ભાગ બે થી ત્રણ ઇંચ ઓછો થશે. તો તમારા ઉપરના ભાગમાં દોઢ થી એક ઇંચ પણ ઓછા તો થશે જ. માટે જે બેઝિક બંધારણ હોય તે તો રહે જ છે. ફકત તેમાં ઇંચ આપણે ઓછા કરી શકીએ. ઘણી વખત પેટની કસરત, ચાલવા જવાની કસરત કરવાથી પેટ અને નિતંબનો ભાગ ઓછો કરી શકાય છે, પરંતુ સમતોલ આહાર કસરત સાથે જરૂરી છે.
પ્રશ્ન : હું ૩૨ વર્ષની છું અને નોકરી કરું છું. મને રાત થતાં અતશિય થાક લાગે છે. આવું કેમ થાય છે? મારે કેવો ખોરાક લેવો જોઇએ?
ઉત્તર : ઘણી વખત નોકરી કરતી સ્ત્રીઓ પોતાનું ધ્યાન રાખી શકતી હોતી નથી. તમારું શરીર તો આખો દિવસ થાકેલું જ રહેતું હોય. તેનો અનુભવ તમને સાંજના સમયે જ થાય કારણ કે એ સમયે જ તો તમે તમારી જાત માટે થોડા નવરા પડૉ. ઘણી વખત આયર્નની ઊણપ સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે અને તેની ઊણપ હોય ત્યારે પણ થાક ખૂબ લાગતો હોય છે. માટે તમે બ્લડ ટેસ્ટ કરાવી લેશો. આયર્નની ઊણપ ન રહે તે માટે ખજુર, અંજીર, રિંગણાં, લીલાં શાકભાજી, પાલક વગેરેનો ખોરાકમાં સમાવેશ કરો. ઓફિસે જતાં પહેલાં સવારે નાસ્તો કરીને જ જશો. ઉપરાંત, બને તો બપોરનું ભોજન લઇને જ જવાનું રાખો. બપોરના સમયે બહારના નાસ્તા જેવા કે, વડાપાઉં, દાબેલી વગેરે જંકફૂડ ખાવા કરતાં ફળ, મોળી સીંગ, ડ્રાયફ્રૂટ વગેરે ખાવાનું રાખો. આનાથી પેટ ભરાશે અને સાંજના સમયે થાક પણ ઓછો લાગશે.
Comments
Post a Comment