બાળકના ઉછેરમાં મા-બાપને જુદાં જુદાં તબક્કે જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બધામાં સૌથી મુશ્કેલ તબક્કો ટીન-એજ બાળકોને સંભાળવા છે. બાળક નાનું હોય ત્યારે તેને ધમકાવી, પટાવી અને ડરાવીને પણ મનાવી શકાય છે. બાળકને કોઇ વસ્તુનું પ્રલોભન આપીને, રમકડું કે ચોકલેટ અપાવીને મનાવી લેવામાં આવે. ક્યારેક હાથ ઉપાડીને બાળકને ચૂપ કરી દેવામાં આવે. ક્યારેક તેની સાથે સમજાવટ કરીને, બેચાર ઘડી નહીં બોલીને પણ મનાવી લેવામાં આવે અને ગાડું ગબડી જાય.
બાળકને ભણાવવું હોય તો તેની પાછળ લાગીને પણ ભણાવી શકાય, પરંતુ બાળક વધારે સમજતું થાય, ટીનએજમાં પ્રવેશ કરે એટલે કે તેર વર્ષ પછીનો જે ગાળો છે તે સૌથી વધારે મુશ્કેલ છે. આ ઉંમરનાં બાળકોનાં મા-બાપ સાથે વાતો કરીએ તો લાગે કે બધાંનાં પ્રશ્નો સમાન છે. ફકત ભાષા કે પ્રશ્નોની માત્રામાં ફરક છે અને ખરેખર ઉકેલ કોઇની પાસે નથી. સામાન્ય રીતે જે પ્રશ્નો હોય છે તેમાં મુખ્યત્વે કહ્યું સાંભળતાં નથી.
હેલીની ઉંમર ૧૪ વર્ષ છે અને નવમા ધોરણમાં ભણે છે. તેની મમ્મીની ફરિયાદ છે કે હેલી આજકાલ કહ્યું સાંભળતી જ નથી તેને કંઇ પણ કહેવામાં આવે તો મનમાં હોય તો કરે નહીં તો પોતાની મસ્તીમાં ફર્યા કરે. ઘરમાં કંઇ આઘુંપાછું ન કરે, વસ્તુ વ્યવસ્થિત જગ્યાએ મૂકે નહીં. હેલીની મમ્મીને ચિંતા છે કે દીકરીની જાત છે ગમે તેટલું ભણશે પણ રસોઇ બનાવતાં તો શીખવું પડશે. આજે માંડ ચા બનાવતાં કે મેગી બનાવતાં આવડે છે અને બીજું શીખવાનું કહીએ તો તરત ના પાડી દે છે.
તેના પપ્પાને પણ હવે તો લાગવા માંડ્યું છે કે હેલી સાંભળતી નથી. જો હેલી પાસે કંઇ કરાવવું હોય એ તેની બહેનપણીને કહીએ તો તે કામ સારી રીતે થઇ જાય પણ હેલીને ખબર ન પડવી જોઇએ કે આ વાત આવી રીતે બની રહી છે. મા-બાપનું કહેવું છે કે બાળક તેના મિત્રોનું માને છે. તે આ સમયે તેના મિત્રોની વધારે નજીક છે. તે બધી વાતોમાં તેમનું અનુકરણ કરે છે. તેના માટે શું સારું તે સમજણ જો અમે આપીએ તો તેને ન ગમે, પણ જો તેના મિત્રો કહે તો ગમે. તેમને લાગે છે કે મિત્રો જ તેમની લાગણીને સમજે છે.
સામાન્ય રીતે બાળક નવમા ધોરણમાં આવે ત્યારે મિત્રોની વધારે નજીક આવે છે અને મા-બાપ ઘણું કરવા છતાં મિત્ર બની શકતાં નથી . મા-બાપ આ સંજોગોમાં શરૂઆતથી એવું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરે કે બાળક એવા મિત્રોની સોબતમાં રહે કે જે સારા રોલ મોડલ બની શકે. મા-બાપે બીજા બાળકોના મા-બાપ સાથે સંબંધ રાખવો, વારંવાર ગ્રૂપમાં ભેગા થવું કારણ કે બંનેને એકબીજાની જરૂર પડવાની છે અને તેથી બાળકના વર્તનમાં કોઇ ફેરફાર થતા હોય તો તેના ઉપર ધ્યાન રાખી શકાય.
*બાળકને મોબાઇલ ક્યારે અપાવવો?
જેમણે મોબાઇલ અપાવ્યો છે તેઓ એમ કહે છે કે ટ્યૂશનમાં બાળક જાય ત્યારે સંપર્ક કરી શકાય. ઘણી વાર બાળકની માગણીની જોરદાર દલીલનો સામનો ન કરી શક્યા હોય, ક્યારેક બાળકને પૂરતો સમય નહીં આપવાના કારણસર પોતાનો અપરાધભાવ દૂર કરવા પણ મોબાઇલ અપાવે છે. આ મોબાઇલ એક છોકરા પાસે આવ્યો હોય, તે પછી બધા જ છોકરાના મા-બાપ માટે એક વધુ મોરચો મંડાય છે
અને તેનો સામનો કરતા દમ નીકળી જાય છે. બાળકને મોબાઇલની ખરેખર કોઇ જરૂર નથી પરંતુ દેખાદેખીથી તે શરૂ થાય છે. જો ટ્યૂશન કલાસીસ અને સ્કૂલવાળા ભેગા થઇને મોબાઇલ લાવવા પર પ્રતિબંધ મૂકે તે યોગ્ય છે. જેથી મા-બાપને ઓછી તકલીફ પડે. એસએમએસ, એમએમએસ, ગેમ કે મ્યુઝિક ડાઉનલોડ કરવાં આ બધા શબ્દો સામે આજનાં બાળકો વધારે ભણેલા અને મા-બાપ અભણ સાબિત થાય છે.
Comments
Post a Comment