પેટ્રોલના વિકલ્પ તરીકે અપનાવાયેલા ગેસ (વાયુ) ઈંધણના ભાવ પણ વધતા જાય છે. થોડાક જ દાયકાઓ પહેલાં વાહનો માટે ગેસ અયોગ્ય માનવામાં આવતો હતો. અત્યારે એ સામાન્ય થઇ ગયો છે. પૃથ્વીના પેટાળમાં રહેલા કુદરતી વાયુમાં મહદંશે મિથેન (એક કાર્બન અને ચાર હાઇડ્રોજન પરમાણુઓનું સંયોજન) હોય છે. ખાતર બનાવવા માટે તેનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યારે તે વાહનો માટે પ્રચલિત બન્યો ત્યારે તેના વિશે વિગતવાર ચર્ચા થતી હતી. આજે તેનું પુન:અવલોકન કરી લઇએ.
વાયુમંડળ વાતાવરણ રૂપે ધરતી ઉપર જકડાયેલું રહે છે, પરંતુ પ્રસ્તુત લેખમાં વાયુઓ કે કુદરતી વાયુ એટલે ઈંધણ તરીકે ઉપયોગમાં આવતા વાયુની વાત કરી છે. આ પ્રકારના વાયુ કાં તો જૈવિક રીતે કાં તો ગરમીને લીધે પેદા થાય છે. કળણ કે ભેજવાળા વાતાવરણમાં જૈવિક કચરાના સડવાથી ઉત્પન્ન થતા વાયુમાં મિથેન હોય છે. ગોબર ગેસ આ કક્ષામાં આવે છે. આ પ્રક્રિયા મોટે ભાગે પૃથ્વીની સપાટી ઉપર થતી હોય છે.
જ્યારે સદીઓથી ધરતીના પેટાળમાં ધરબાયેલા જૈવિક અવશેષો પર ઊંચા તાપમાન અને દબાણની અસર થતાં મિથેનયુકત વાયુ ઉત્પન્ન થાય છે, જેનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય. શારકામ કરી મેળવાતા કુદરતી વાયુને ઈંધણ તરીકે વાપરતાં પહેલાં તેમાંથી મિથેન સિવાયના અન્ય ઘટકો દૂર કરવામાં આવે છે. આ શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન પ્રોપેન, ઇથેન, બ્યુટેન, સલ્ફર, અંગારવાયુ, જળબાષ્પ અને ક્યારેક હિલિયમ કે નાઇટ્રોજન જેવા ઘટકો ઉપપેદાશ રૂપે મળે છે.
જોકે ઓગણીસમી સદીમાં તો ઈંધણ વાયુ કુદરતી તેલ (પેટ્રોલ, ડીઝલ વગેરે) મેળવવા માટે કરાતા શારકામ વખતની ઉપપેદાશ જ હતી. હા, તેલના કૂવા સિવાય તે કોલસાની ખાણ નજીક પણ મળી આવે છે. તેલના કૂવાની નજીક જ તેનો કોઇ વપરાશ ન હોવાથી તેનો નિકાલ કરવો કે બીજે મોકલવો એ માથાનો દુખાવો હતો. એ સમયે તેને ત્યાં જ બાળી નાખી નિકાલ કરવામાં આવતો હતો.અત્યારે આ વાયુ ઉપપેદાશને ફરી પાછો ધરતીમાં ભંડારી દેવામાં આવે છે જેથી અન્ય તેલના કૂવાઓમાં દબાણ વધે અને ઝડપથી તેલ બહાર આવે.
આ ઉપરાંત ભંડારેલો ગેસ ભવિષ્યમાં ઉપયોગી થાય. આ સમસ્યાના નિવારણ માટે એક અન્ય ઉપાય પણ અજમાવાયો છે. તે છે વપરાશકાર સુધી ગેસનું પાઇપલાઇન દ્વારા વહન કરવું, પરંતુ એક જર્મન કંપનીએ વિકસાવેલી પદ્ધતિથી ગેસનું પ્રવાહીમાં રૂપાંતર શક્ય બન્યું અને સાથોસાથ તેનું વહન પણ સરળ અને કફિાયત થયું. મોટા ભાગની કંપનીઓ પ્રવાહી ગેસનું ઉત્પાદન કરવા લાગી છે. આંકડાઓ મુજબ વિશ્વમાં ગયા વર્ષે પ્રતિ દિન એક્સો ચાલીસ હજાર બેરલ પ્રવાહી ગેસ બન્યો હતો.
રશિયામાં અન્ય દેશો કરતાં વિપુલ પ્રમાણમાં ગેસ ભંડાર છે, જ્યારે વાપરવામાં પાકિસ્તાન અગ્રેસર છે. એક ધારણા મુજબ ભવિષ્યમાં વાહનવ્યવહાર ઉપરાંત વીજ ઉત્પાદન અને બળતણ માટે વ્યાપક ઉપયોગ થશે. વરાળ અને ગેસ ટબૉઇનના સંયુક્ત ઉપયોગથી વીજ ઉત્પાદનની કાર્યક્ષમતા વધે છે. જ્યારે પર્યાવરણની સુરક્ષાની વાતો આવે ત્યારે પેટ્રોલ કે કોલસા કરતાં તે ત્રીસથી પિસ્તાલીસ ટકા ઓછો અંગારવાયુ પેદા કરે છે. ઈંધણ વાયુ ધરતીના પેટાળમાંથી ઉલેચવા ઉપરાંત બીજી કેટલીક પદ્ધતિઓથી પણ મેળવી શકાય છે.
આપણે જેને ઓળખીએ છીએ તે સીએનજી (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અશિ્મય ઈંધણ છે. તે હવા કરતાં હલકો હોવાથી સલામત છે અને પર્યાવરણ માટે પણ ઓછો હાનિકારક સિદ્ધ થયો છે. કુદરતી રીતે મળતા વાયુને સાફ કરી તેનું કદ દબાણ દ્વારા નવ્વાણું ટકા ઘટાડી નાખવામાં આવે છે. દબાવેલા (કમ્પ્રેસ્ડ) વાયુનો સંગ્રહ કરવા માટે કે વહન કરવા માટે નળાકાર ટાંકી વપરાય છે. સીએનજીનું ટાંકીમાં દબાણ ૨૦૦-૨૪૮ બાર (દબાણ માપવાનું એકમ) જેટલું હોય છે.
એક સરખામણી કરીએ તો વાતાવરણનું સામાન્ય દબાણ લગભગ એક બાર જેટલું હોય છે. ગેસનો ઓકટેન નંબર પેટ્રોલ કરતાં વધુ (૧૨૦-૧૩૦) હોવાથી જ્યારે પેટ્રોલ પર ચાલતાં વાહનોને (આમ તો વાહનનું એન્જિન) ગેસ પર ચલાવીએ ત્યારે એન્જિનની શક્તિ દસથી પંદર ટકા ઘટી જાય છે. પેટ્રોલ એન્જિન સમકક્ષ શક્તિ મેળવવા માટે ગેસ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો વધુ હોવો જોઇએ. હા, ગેસમાં બેન્ઝીન ન હોવાથી સ્પાર્ક પ્લગ લાંબા ચાલે છે.
રશિયા એંસીના દાયકાથી ગેસ પર ચાલતું વિમાન વિકસાવી રહ્યું હતું. હવે તેને સફળતા મળી છે. આ ટેક્નોલોજી અમલમાં આવતાં વિમાનનો ઈંધણ ખર્ચ સાઠ ટકા ઘટી જશે. જેટ એન્જિનમાં વપરાતા કેરોસીન (વિમાનના ઈંધણને કેરોસીન કહેવાય છે) કરતાં ઈંધણ ગેસ વધુ શક્તિશાળી હોવાથી એન્જિન ઓછું ગરમ થશે જેથી તેની કાર્યક્ષમતા વધશે. જેમ જેમ ગેસના વહન અને સંગ્રહ કરવાની પદ્ધતિ સરળ, સસ્તી અને સલામત થતી જશે તેમ તેમ તેના ઉપયોગની ક્ષિતિજ વિસ્તરતી જશે. ઉપયોગનો વ્યાપ વધતો જશે.
શોર્ટ સર્કિટ: એક સમયે વાહનમાં ગેસનું ઈંધણ ગેરકાયદે હતું અને હવે એની ઉચ્ચ સ્તરે ભલામણ કરવામાં આવે છે, સમય બડા બલવાન!
Comments
Post a Comment