લગ્ન પહેલાં કે પછી, કસરત તમારી પ્રાથમિકતાઓમાં સામેલ હોવી જોઇએ. તમે સ્વસ્થ હશો, તો જ તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો.
નવયુવતી સાસરે આવે તે પછી નવું વાતાવરણ, અજાણ્યા લોકો અને ગમે ત્યારે જમવાનું - આ બધાંની અસર તેના સ્વાસ્થ્ય પર થાય છે. એની ફિટનેસ જળવાઇ ન રહેવાથી દિવસભર સુસ્તી અને કંટાળો રહે છે, ત્યારે ક્યાંય જવા-આવવાનું કે કોઇને હળવા-મળવાનું તો ગમે જ કેમ? પણ જો ઘરમાં જ થોડી કસરત કરી લે, તો ખાસ વાંધો નથી આવતો.
લગ્ન કરીને સાસરે આવ્યા પછી અજાણ્યા વાતાવરણ અને નવા સંબંધોમાં સાયુજ્ય સાધવાની ચિંતા દરેક યુવતીને હોય છે. નવા વાતાવરણમાં પોતાને અનુકૂળ બનાવવાના પ્રયત્નમાં એ ફિટનેસ પ્રત્યે સૌથી વધુ બેદરકારી સેવે છે. ખરેખર તો લગ્ન પછી ગમે ત્યારે જમવાનું, ભાવનાત્મક ચડાવ-ઉતાર અને અનિયમિત ઊંઘના કારણે સ્ફૂર્તિલા રહેવાનું ખાસ જરૂરી હોય છે. આ સમયે કસરત શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવાની સાથોસાથ સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ થતી હોવાથી મહત્વપૂર્ણ છે. ફિટ રહેવા માટે શું કરવું, તે જાણીએ...
ફિટનેસ મંત્ર
ફિટ રહેવાનો એક જ મંત્ર છે, સારું ભોજન કરવું અને રોજ કસરત કરવી. આ મંત્ર કાયમ યાદ રાખો.
એક્સરસાઇઝ ટિપ્સ
- તમે જિમમાં જઇને કસરત કરી શકો એમ ન હો, તો ઘરમાં જ વર્કઆઉટ કરો. હોમ એક્સરસાઇઝની કેટલીક વિડીયો સીડી લઇ આવો અને તે જોઇને એક્સરસાઇઝ કરો.
- એક્સરસાઇઝ તો કરવી જ પડશે... એવા વિચારો મનમાં ન લાવો. યાદ રાખો, તમારે એક્સરસાઇઝ તમને સારું અનુભવ થાય છે એટલા માટે કરવાની છે.
- ફિટ રહેવાના પ્રોગ્રામમાં એ બાબતોનો સમાવેશ કરો જેનું તમે નિયમિત રીતે કરી શકો છો. જેમ કે, રોજ સવારે અડધો કલાક નિયમિત રીતે ચાલવા જવું.
ઘરમાં કસરત
કસરત કરવા માટે એવો સમય ફાળવો કે તમને આરામ કરવાનો પૂરતો સમય મળી રહે અને ક્યારેય એક્સરસાઇઝ કરવાનો નિયમ ન તૂટે. માથાથી લઇને પગ સુધી એટલે કે આખા શરીરની એક્સરસાઇઝ તમને ફિટ રહેવામાં મદદરૂપ થશે. એક્સરસાઇઝ માટે જરૂરી સામાન - ૫૦૦ મિ.લી.ની બે બોટલ, એક ખુરશી, દીવાલ, ટુવાલ. ચાલો, શરૂ કરીએ કસરત.
પીઠ રહે સારી
એકદમ સીધા ઊભા રહો. નિતંબના ઉપરના ભાગને સહેજ આગલી બાજુએ વાળો. પાણીની એક-એક બોટલ બંને હાથમાં પકડો. કોણીને સહેજ નીચી કરી, ધીમે ધીમે ખભાના સાંધાને દબાવતાં હાથને ઉપરની તરફ લઇ જાવ. તે પછી નીચે લાવો.
- આ એક્સરસાઇઝ ૧૨થી ૧૬ વાર કરો.
- પીઠના વચ્ચેના ભાગ માટે લાભકારક.
ખભાનું સંચાલન
સીધા ઊભા રહો. હાથમાં પાણીની બોટલ પકડો. બંને ખભા ઊંચા કરો, જે રીતે ખભા ઊંચા કરો છો એ જ રીતે અને પછી સામાન્ય સ્થિતિમાં લાવો.
- આ એક્સરસાઇઝ ૧૨થી ૧૬ વાર કરો.
- પીઠના ઉપરના ભાગ માટે લાભકારક.
લેફ્ટ-રાઇટ, લેફ્ટ-રાઇટ
હાથમાં પાણીની બોટલ પકડી સીધાં ઊભા રહો. કમરના ઉપરના ભાગને જમણા હાથ તરફ વાળો. ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવો. આ રીતે ડાબી તરફ કરો.
- ૧૨થી ૧૬ વાર આ રીતે કરો.
- કમર માટે લાભકારક છે.
તાલબદ્ધ નાના ડગલાં
સીધા ઊભા રહો. જમણા પગને ઊંચો કરી કમર સુધી લાવો. બે સેકંડ આ સ્થિતિમાં રહી પછી ડાબા પગથી આ પ્રમાણે કરો.
- બંને પગથી આમ ૧૨થી ૧૬ વાર કરો.
- જાંઘના ઉપરના ભાગ માટે લાભકારક.
ખુરશી પર ઉઠબેસ
ખુરશીને તમારી પીઠ તરફ રાખી પગને આગલી તરફ લઇ જાવ. તેની કિનારીને મજબૂત રીતે પકડી, ગોઠણ એ રીતે વાળો કે તમને જમીન તરફ વળવામાં મુશ્કેલી ન પડે. શરીરને ઊંચું કરવા કોણી પર ભાર આપો.
- ૧૨થી ૧૬ વાર કરો.
- બાવડાં માટે લાભકારક.
આડા-ત્રાંસા
ગોઠણને વાળી જમીન પર સૂઇ જાવ. બંને હથેળીથી માથાના ભાગને પકડી ગળાને આધાર આપો. હડપચીને છાતીથી દૂર, સહેજ ઊંચી રાખો. શરીરને જમણી તરફ વાળીને ઊંચું કરો. આ રીતે ડાબી તરફ કરો.
- ૧૨થી ૧૬ વાર આ કસરત કરો.
- કમર માટે લાભકારક.
સિકસ પેક એબ્સ
સીધાં સૂઇ ગોઠણને ૯૦ ડિગ્રીએ વાળીને ઊંચા કરો. હડપચીને છાતી સાથે ટેકવો. માથાને હથેળીથી ટેકો આપી, એબ્સ (પેટના ઉપરના ભાગના સ્નાયુઓ) પર ભાર આવે એમ ઊંચા થાવ. પછી સીધા સૂઇ જાવ.
- ૧૨થી ૧૬ વાર કરો.
- એબ્સ માટે અસરકારક.
ટુવાલનો ઝુલો
શેતરંજી પર સૂઇ, ડાબો પગ ઊંચો કરી ટુવાલને પકડો. ટુવાલના છેડા પકડી પગ સીધા રાખો. આ ક્રિયા બીજા પગથી કરો.
- આ કસરત પગ માટે લાભકારક છે.
Comments
Post a Comment