થોડા દિવસમાં જ ઘરના વાતાવરણમાં શરણાઇના સૂર રેલાશે. નવવધૂના સ્વાગતની લગભગ તમામ તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. ત્યારે વરરાજાનું પણ એટલું જ મહત્વ છે અને આ બાબત સમજવાની એના માટે પણ જરૂરી છે.
દાંપત્યજીવન ખુશીની સાથે અનેક જવાબદારીઓ સાથે લાવે છે. આ વાત નવવધૂ તો સમજે છે, પણ વરરાજા માટેય કેટલીક બાબતો જાણવી જરૂરી છે. ખાસ કરીને, એના વિશે જે લગ્નની તૈયારી સાથે જોડાયેલી છે. અહીં અમે જણાવીએ છીએ કે વરરાજાએ એટલે કે તમારે શું કરવાનું છે.
- લગ્નની તમામ વ્યવસ્થાની જવાબદારી તો ઘરનાં વડીલોએ ઉપાડી લીધી હશે, છતાં કેટલાક કામ પૂરા કરવામાં તેમને સહાય કરો. આથી તેમને મદદ થશે.
- લગ્નમાં થનારા ખર્ચ અને તમારા બજેટ વિશે પરિવારની સાથોસાથ તમને પણ જાણકારી હોવી જોઇએ. ખર્ચ અને બજેટમાં સંતુલન જળવાઇ રહે તે માટે આ જરૂરી છે.
- તમે ઇચ્છતાં હો કે લગ્નના દિવસે નવવધૂની સાથોસાથ લોકો તમારી પણ પ્રશંસા કરે તો તમારી કાળજી લેવાની શરૂ કરી દો. જો અત્યાર સુધી વ્યસ્ત રહેવાને લીધે ફિટનેસ જળવાઇ ન હોય, તો પણ હજી મોડું નથી થયું.
- લગ્નના બે-ત્રણ દિવસ પહેલાં હેરકટ કરાવવાને બદલે અત્યારે જ હેરકટ કરાવી લો. આના લીધે તમને ખ્યાલ આવી જશે કે તમે કેવા દેખાશો.
૧૫ દિવસ પહેલાં
- નવવધૂને તો લગ્નની તમામ વિધિ અંગે પહેલાંથી જ જણાવી દેવામાં આવે છે, પણ મોટા ભાગે વરને લગ્નવિધિ બાબતે ખ્યાલ હોતો નથી. તમારા કોઇ નિકટતમ સ્વજન કે મિત્ર પાસેથી લગ્નની તમામ વિધિ વિશે જાણી લો જેથી કોઇ ભૂલ થવાની શક્યતા ન રહે.
- લગ્નના ખાસ વિધિ દરમિયાન જે પોશાક પહેરવાનો હોય તે પહેલાં પહેરીને ફિટિંગ બરાબર છે કે નહીં તે ચકાસી લો. તે સાથે તમામ એક્સેસરિ અને મેકઅપ પણ જોઇ લો. આને ફાઇનલ રિહર્સલ માનો.
- જો તમે સૂટ પહેરવાનાં હો, તો મેચિંગ ટાઇ, કફલિંકસ અને ટાઇપિન યાદ રાખજો. આ જ રીતે પરંપરાગત પરિધાન સાથે પણ મેચિંગ એક્સેસરિઝનો ખ્યાલ રાખવો.
છેલ્લા અઠવાડિયામાં...
- ઘરમાં મહેમાનો આવવા લાગ્યા છે. કાલ કે પરમ દિવસથી તો મેંદી, પીઠી ચોળવાની વગેરે વિધિ શરૂ થઇ જશે. આવા સમયે તમે સતત મોબાઇલ કાને ધરીને ફરતાં હો તે યોગ્ય નથી. મહેમાનોને સમય આપો અને તમામ રિવાજ તથા મજાક-મશ્કરીનો આનંદ માણો.
- જ્યારે જાન પ્રસ્થાન હોય તેના એક દિવસ પહેલાં જ ધ્યાનથી બધી વસ્તુનું પેકિંગ કરી લો. પોશાકની સાથે બીજી વસ્તુઓ જેવી કે શેવિંગ કિટ, પરફ્યૂમ વગેરે બેગમાં મૂકી દો. ઇચ્છો તો વસ્તુની પ્રાથમિકતા અનુસાર બે બેગ પણ તૈયાર કરી શકો છો. આ અંગે તમારા કોઇ મિત્ર કે સંબંધીને જણાવી દો જેથી જરૂર પડે ત્યારે એ તમને તમારી વસ્તુ તરત જ આપી શકે.
- લગ્નના બે દિવસ અગાઉ એક્સપર્ટની સલાહ લઇ બ્લીચ, ફેશિયલ વગેરે કરાવી લો.
- લગ્નની એક રાત પહેલાં પૂરતી ઊંઘ લો અને સંપૂર્ણ આરામ કરો, જેથી લગ્નના દિવસે તમે થાકેલાં ન દેખાવ.
- લગ્નની જુદી જુદી વિધિ દરમિયાન શુકનમાં જે રૂપિયા આપવાના હોય તેને વોલેટમાં અલગ રાખો. વોલેટમાં ન રાખવા હોય તો તેને કવરમાં પણ રાખી શકો છો.
- લગ્ન માટેની જરૂરી તમામ ખરીદી કરી લીધી, પણ નવવધૂ માટે કંઇ ભેટ લીધી કે નહીં... આવી ભૂલ ન કરતાં. યોગ્ય પસંદગી માટે એના ગમા-અણગમા વિશે વિચારી લો. તેમ છતાં જો કંઇ ન સૂઝે તો તમારી બહેન કે મિત્રની મદદ લઇ શકો છો.
લગ્ન સમયે...
સ્ટેજ પર ઊભેલા વરરાજા એટલે કે તમારા પર દરેકની નજર તો હોવાની જ. આવા સમયે લગ્ન અંગે વધારે પડતા ઉત્સાહિત હોવું કે બિલકુલ રસ ન દાખવવો - આ બંને સ્થિતિ યોગ્ય નથી. તમારા વર્તન અને હાવભાવ પર સંયમ રાખો. સ્મિતથી તમારો ચહેરો તો સુંદર લાગશે જ, સંયમિત અને શાલીનતાભર્યું વર્તન તમને જવાબદાર દર્શાવશે. તમારા વર્તન કે હાવભાવથી કોઇને ખ્યાલ ન આવવો જોઇએ કે લગ્ન દરમિયાન તમે વધારે પડતા ઉત્સાહિત છો કે કોઇ કારણસર નારાજ છો.
- સંયમિતની સાથોસાથ મર્યાદિત અને સૌમ્ય વર્તનની આશા પણ તમારી પાસેથી રાખવામાં આવે છે. મજાક-મસ્તીભર્યા વાતાવરણમાં કોઇ એકનો પક્ષ ન લેતાં તટસ્થતાથી વર્તવામાં જ સમજદારી છે. સંબંધીઓની મજાકમશ્કરીનો જવાબ મધુર સ્મિત સહ આપો અને વર કે વધૂ કોઇ પણ એક પક્ષ માટે પક્ષપાતી વલણ ન અપનાવો.
Comments
Post a Comment