પ્રશ્ન: મારી ઉંમર હાલમાં ૭૭ વર્ષની છે. સારી રીતે હાલી-ચાલી શકું એટલું સારું સ્વાસ્થ્ય છે. પણ મને કેટલાય વર્ષોથી શિયાળામાં ઠંડી વઘુ પડે ત્યારે બન્ને હાથે અને પગ પર (સાથળના મૂળથી તે છેક પગના પંજા સુધી) પુષ્કળ વલૂર એટલે કે ખણ આવે છે અને ક્યાંક ક્યાંક ખણવાથી ટશિયા ફૂટી નીકળે તેવું પણ થાય છે. આ બીમારી ફક્ત શિયાળાની ઠંડી પૂરતી જ હોય છે. પછી આખું વરસ આવી કોઈ તકલીફ રહેતી નથી. સવારે નાહ્યા પછી દરરોજ હાથે પગે વેસેલાઈન લગાવું છું જેથી ચામડી કોરી ન રહે.
ઉત્તર: દર શિયાળામાં તમારે સરસવ તેલ, મહા મરિચ્યાદિ તેલ અથવા તો ચર્મ રોગહર તેલ લગાવીને માલિશ કરવી. માલિશ કર્યા પછી થોડીવાર તડકામાં બેસવું અથવા તો માલિશના એકાદ કલાક બાદ લીમડાના પાન નાખીને ઉકાળેલા પાણીથી સ્નાન કરી લેવું.
એક શિયાળાથી બીજો શિયાળો આવે ત્યાં સુધી ઔષધો આ પ્રમાણે લેવા.
(૧) પંચતિલકઘૃત ગૂગળ બે બે ગોલી સવાર સાંજ ભૂકો કરીને પાણી સાથે લેવી.
(૨) કિશોર ગૂગળ, આરોગ્ય વર્ધિની તથા ગંધક-રસાયન ટીકડી બે બે સવાર સાંજ પાણી સાથે લેવી.
(૩) ચાર ચમચી ખદિરાદિષ્ટમાં ચાર ચમચી મંજિષ્ઠાદિક્વાથ (પ્રવાહી) મેળવી, એટલું જ સામે પાણી ઉમેરી જમ્યા બાદ પીવું.
(૪) રોજ રાતે સૂતી વખતે જે ભાગમાં ખૂજલી આવતી હોય ત્યાં મહામરિચ્યાદિ તેલ અથવા કચ્છુ રાક્ષસ તેલ લગાવવું. ચામડીની રૂક્ષતા ધીમે ધીમે ઓછી થતી જશે અને ખૂજલી પણ ઘટશે. સવારે લીમડાના પાન નાખીને ઉકાળેલા પાણીથી સ્નાન કરવું.
(૫) રોજ સવારે એકથી બે ચમચી જેટલું પંચતિક્તઘૃત (ઘી) હળદરવાળા ગરમ દૂધમાં મેળવી પી જવું.
પરેજીમાં * દહીં, ગોળ, કેળાં, શિખંડ, આઈસક્રીમ જેવા પદાર્થો ન લેવા. હાંડવો, ઢોકળા, ખમણ, ઇડલી, ઢોંસા, ઉત્તપમ કે દહીંવડા જેવા ખાટાં કે આથો આવીને તૈયાર થતાં હોય તેવા પદાર્થો ન લેવા.
* લૂખો, ઠંડો (શીતલ) તથા વાસી (ટાઢો) ખોરાક ન ખાવો.
* રોજં ખોરાકમાં ગાયનું ઘી ખાસ લેવું. લસણ, મેથી, તલનું તેલ, ફુદીનો, લીલી હળદર, આદું તથા ફુદીનો તમારા માટે પથ્ય છે.
પ્રશ્ન : આ શિયાળામાં અમે હરિદ્વાર-ૠષિકેશ જવાના છીએ. ઉંમર ૫૭ વર્ષ છે. ત્યાંની ઠંડી હાડ ઘુ્રજાવે તેવી કાતિલ હોય છે તો તેનો સામનો આયુર્વેદિક દવા
ઉત્તર: ખોરાકમાં આદુ, લીલા મરીનું અથાણું, મોગરી, મૂળા, રીંગણનું ભડથું, સરગવો, તલનું તેલ અને લસણ જેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવો. રોજ સવારે ત્રિકટૂ ત્રિકટૂ (સૂંઠ, મરી, પીપરનું ચૂર્ણ) નાખીને ગરમ ગરમ દૂધનો ઉકાળો પીવો. ત્રિકટૂ ચૂર્ણ મધમાં મેળવીને ચાટી શકાય.
ઔષધોમાં નારદીય લક્ષ્મી વિલાસ રસ, વ્યોષાદિ વટી, સિતોપલાદિ ચૂર્ણ વગેરે લઈ શકાય.ચાર ચમચી દ્રાક્ષાસવમાં ચાર ચમચી દશમૂલારિષ્ટ મેળવી એટલું જ સામે પાણી ઉમેરી જમ્યા બાદ પી જવું. રોજ સવારે સમય મળે તો સરસિયા તેલની માલિશ કરી ગરમ પાણીથી સ્નાન કરવું. સીધો ઠંડો પવન ન લાગે તેનું ઘ્યાન રાખવું. જરૂર પ્રમાણે ગરમ મફલર, ટોપી, સ્વેટર, જરસી, શાલ વગેરેનો ઉપયોગ કરવો.
પ્રશ્ન :મારી ઉંમર ૪૨ વર્ષ છે.
(૧) મારા આખા શરીર ઉપર સોજા રહે છે. તેને કારણે શરીર ખૂબ ભારે ભારે લાગે છે. સવારે ઊઠું ત્યારે ચાલવામાં પણ તકલીફ પડે છે. પગની ધુંટીના ભાગમાં સોજો એટલો રહે છે કે ધૂંટી જ નથી દેખાતી. ચેકઅપ કરાવ્યું તેમાં હિમોગ્લોબિન ૧૨ આવ્યું છે. કીડનીનું ચેકઅપ પણ કરાવ્યું. કોઈ તકલીફ નથી.
(૨) ડાબા હાથમાં અને પગે ખાલી ચડે છે. નસનું ખેંચાણ પણ કોઈ કોઈ વખત થાય છે. આ તકલીફ માટે એલોપથીની દવા ઘણી કરી છતાં ફેર પડતો નથી. તેથી આપની પાસે આ સમસ્યાનું નિવારણ ઇચ્છું છું.
ઉત્તર: પત્રમાં લખેલી આપની તકલીફને ઘ્યાનમાં રાખી ઉપચાર આ પ્રમાણે સૂચવું છું ઃ
(૧) આરોગ્ય વર્ધિની બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે
(૨) પુનર્નવાદિ કવાથ અને મહારાસ્નાદિ ક્વાથનો ભૂકો સરખા ભાગે મેળવી તેમાંથી ૨૫ ગ્રામ જેટલો ભૂકો ૪૦૦ મિ.લિ. (લગભગ બે ગ્લાસ) પાણીમાં પલાળી ધીમા તાપે ઉકાળવો. એકાદ કપ જેટલું પ્રવાહી બચે ત્યારે ઉતારી ઠરે ત્યારે એમાં બે ગ્રામ સૂંઠનું ચૂર્ણ અને અડધો ગ્રામ જેટલું ગળો સત્વ ઉમેરી પી જવું.
(૩) પુનર્નવા મંડુર, ચંિચા ભલ્લાતવટી, આમવાતારિ રસ તથા વાત વિઘ્વંસન રસની બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી.
પરેજીમાં - દહીં, શિખંડ, છાશ, લીંબુ, ટમેટા, જમરૂખ જેવા ખાટા તમામ ફળ તથા આથો લાવીને તૈયાર થતા હોય તેવા ખાદ્ય પદાર્થો જેમકે હાંડવો, ઢોકળા, ખમણ, ઇડલી, ઢોંસા, ઉત્તપમ અને દહીંવડા જેવા પદાર્થો બિલકુલ બંધ કરી દેવા. મીઠું (નમક) પણ બિલકુલ ઓછું જ લેવું. આરામ કરી શકાય પણ દિવસે ઉંઘવું યોગ્ય નથી.
પ્રશ્ન : મારી ચાર વર્ષની બેબી છે. એ આઠમે મહિને આવેલી (પ્રિમેચ્યોર છે) ખૂબ જ નબળી લાગે છે. એને ઝાડો ખૂબ જ કઠણ થાય છે. આંખમાંથી પાણી નીકળી જાય એટલું જોર કરવું પડે છે. તો કોઈ કાયમી ન થઈ જાય તેવી દવા બતાવવા વિનંતી.
ઉત્તર : કબજિયાત થાય એવો ખોરાક ન આપવો. મેંદામાંથી બનતા બિસ્કીટ, વઘુ પડતા ફાસ્ટ ફૂડ, લૂખો સૂકો ખોરાક પણ કબજિયાત કરી શકે છે. દાડમ અને વઘુ પડતા સફરજનથી પણ કબજિયાત થઈ શકે. તેને પ્રવાહી ખોરાક ખાસ આપવો. દૂધમાં એકાદ ચમચી ગાયનું ઘી નાખીને પાવાથી પણ પેટ સાફ આવી શકે છે. દહીં અને વઘુ પડતી છાશથી પણ કબજિયાત થઈ શકે છે. કબજિયાત રહેતી હોય તેવા બાળકને પપૈયું અને દ્રાક્ષ ખાસ આપવા. દસેક દાણા કાળી દ્રાક્ષને ચાવી જવાથી સવારે પેટ સાફ આવે છે. ઔષધોમાં -
(૧) કષ્ટ સાથે અને કઠણ ઝાડો થતો હોય તેવા બાળકને દૂધ સાથે એકાદ ચમચી દીવેલ આપી શકાય. મધ અને દીવેલ મેળવીને પણ ચટાડી શકાય.
(૨) ગરમાળાનો તાજો ગોળ અને કાળી દ્રાક્ષ મેળવી ઉકાળો કરી તેમાંથી બે ત્રણ ચમચી જેટલું પ્રવાહી સવાર સાંજ પાઈ શકાય.
(૩) હીમેજને સાફ કરી તેમાંથી બે ત્રણ દાણા લઈ થોડા પાણીમાં પલાળી રાખવા. પોચી થઈ જાય ત્યારે ચોળી પાણી ગાળી લેવું. સવારે અથવા રાત્રે બે થી ચાર ચમચી જેટલું આ પાણી પાવામાં આવે તો પણ પેટ સાફ આવવા લાગે છે.
(૪) અશ્વકંચુકી નામની ગોળી બજારમાંથી લાવી એકથી બે ગોળી પલાળીને પાવાથી પણ પેટ સાફ આવે છે.
(૫) નિષ્ણાત ચિકિત્સક પાસે વિધિવત્ ‘બસ્તિ ચિકિત્સા’ કરાવી લેવાથી પણ કબજિયાત મૂળમાંથી જશે.
(૬) જેમાં રેસા હોય તેવો ખોરાક અથવા પત્ર શાક એટલે કે ભાજી પણ પેટ સાફ લાવવામાં મદદ કરે છે. બાળકને પાલખની ભાજીનો સૂપ પાવાથી પણ કબજિયાત ઘટી શકે છે.
પ્રશ્ન : મારી ઉંમર હાલ ૩૫ વર્ષ છે. મને છેલ્લા ત્રણ વર્ષથી શરીરમાં ‘વા’ થઈ ગયેલ છે. શરીરના બધા જ અંગોમાં દુખાવો થાય છે, જે દુખાવો ફર્યા કરતો હોય છે. પગથી માથા સુધી દુખાવો ફરે છે. આ માટેના યોગ્ય આયુર્વેદિક ઉપચાર
ઉત્તર :દુખાવો થવાનું મુખ્ય કારણ વાયુ છે. આથી વાયુને વધારે કે પ્રકુપિત કરે તેવા આહાર વિહાર બંધ કરી વાયુનું શમન કરે એવા આહાર-વિહાર વધારવા.
વાલ, વટાણા, ચોળા, પાપડી, ગુવાર, વટાકા, શક્કરિયા, ચણા, વાલોળ કે કોદરી જેવા પદાર્થો બંધ અથવા તો ઓછાં કરી લસણ, સરગવો, મેથી, તલનું તેલ, અડદ, અજમો, સુવા કે હંિગ જેવા વાયુનું શમન કરનારા પદાર્થો વિશેષ લેવા. ઝાડો, પેશાબ, ભૂખ, તરસ, વાછૂટ, છીંક કે એવા કુદરતી વેગોને રોકી રાખવાથી પણ વાયુ વધે છે.
ઔષધો તમે આ પ્રમાણે શરૂ કરી શકો છોઃ
(૧) વાત વિઘ્વંસન રસ, મહા યોગરાજ ગૂગળ તથા મહારાસ્નાદિ ધનવટી બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવી.
(૨) ચાર ચમચી દશમૂલ કવાથ તથા ચાર ચમચી રાસ્નાસપ્તક કવાથમાં એટલું જ પાણી મેળવી સવાર સાંજ પીવું.
(૩) મહા નારાયણ તેલ અથવા તો મહા વિષ ગર્ભ તેલથી દુખતા ભાગ પર માલિશ કરી શેક કરવો. તમે તો લાઠી જેવા ગામમાં રહો છો આથી ત્યાં નગોડના પાન, સરગવાના પાન અને એરંડાના પાન મળે તો એ પાનને છૂંદી એમાંથી અડધા પાન ઉકળતા પાણીની તપેલીમાં નાખી ઉપર સ્ટીલની ચારણી ઢાંકી દેવી અને બાકીના પાનમાંથી બે પોટલી બનાવી વરાળ નીકળતી હોય તેના પર મૂકી માલિશ કરેલા દુખતા ભાગ પર શેક કરવો.
* શરીર થાકી જાય એટલો શ્રમ ન કરવો અને થાક લાગે ત્યારે થોડીવાર આરામ કરી લેવો.
પ્રશ્ન : હું એક ૩૪ વર્ષની અપરિણિત મહિલા છું. મને બાર વર્ષથી પેટનો દુખાવો છે. અને સતત ચાલુ જ રહે છે. રાત દિવસ બે મિનિટ માટે પણ બંધ નથી રહેતો. મારાથી સીઘું, ઊંઘું, એક સાઈડ પર પણ સુવાતું નથી. ડોક્ટરને બતાવ્યું, તેનું કહેવું છે કે આંતરડામાં સોજો છે. ઘણી દવા કરાવી પણ કોઈ સુધારો નથી. મને દવા ખૂબ ભારે પડે છે અને પીઉં તો ચક્કર આવે છે.
મારાથી વધારે ખવાતું નથી. આખો દિવસ પેટ ભારે લાગે છે. દિવસ દરમિયાન એક ગ્લાસ જેટલું પાણી પણ નથી પીવાતું. અઠવાડિયામાં બે વાર જ સંડાસ થાય છે અને કબજિયાત રહે છે. મૂળમાંથી રોગ મટાડે એવી દવા
ઉત્તર :તમને બાર વર્ષ જૂનો પેટનો દુખાવો છે અને સતત ચાલુ રહે છે તો સારવાર આ પ્રમાણે સૂચવું છું.
(૧) શૂલ વજ્રિણી વટી બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે
(૨) મહા શંખવટી બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે
(૩) શિવાક્ષાર પાચન ચૂર્ણ એક ચમચી રોજ રાત્રે પાણી સાથે લેવી.
(૪) નજીકના કોઈ ચિકિત્સકને મળી ‘બસ્તિ’ ચિકિત્સા કરાવવાથી કદાચ ઝડપી પરિણામ મળે. બસ્તિમાં પણ ઘણા પ્રકાર હોય છે એટલે તમારા માટે જે યોગ્ય હોય તે કરવામાં આવે તો જ લાભ થાય.
શીયાળાની ખંજવાળ
ReplyDelete