મહિલા સાથે કોઇ પ્રકારનો અન્યાય થતો હોય કે એને મદદની જરૂર હોય તો શું કરવું એ સમજાતું નથી. જોકે હવે એ સરળ બની રહેશે.
મહિલાઓના અધિકારો વિશેની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મહિલાઓ અંગેના કાયદાઓ,
મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થા અને મહિલાઓના સશક્તિકરણની વાત આવતી હોય
છે. ગત બે દાયકાથી મહિલાઓના અધિકાર વિશે જાગૃતિ લાવવાની એક ઝુંબેશ ચાલે છે
અને એના પરિણામે આપણે જોઇ રહ્યાં છીએ કે મહિલાઓ હવે પોતાના અધિકાર વિશે
જાગૃત થઇ ગઇ છે અને અધિકાર મેળવવા લડત પણ આપે છે.
મહિલા જાગૃતિ અભિયાનમાં મહિલાઓને સંવિધાને આપેલ સમાનતા, અધિકારો અને
મહિલાઓને મળેલા સ્પેશિયલ કાયદાઓની વાત થતી હોય છે. છેલ્લા બેથી અઢી
દાયકામાં મહિલાઓને પોતાના અધિકાર વિશે જાગૃત કરવા માટે કેન્દ્ર સરકારે અનેક
પ્રયત્નો કર્યા છે અને દેશભરમાં રાજ્ય સ્તરે અનેક યોજનાઓ બનાવી છે અને
જાગૃતિ અભિયાનના કાર્યક્રમોનું વ્યવસ્થિત આયોજન કરેલું છે.
બંધારણે તો મહિલાઓને ચોક્કસ અધિકારો આપ્યાં છે. જેમ કે, લિંગભેદ વિનાની
સમાનતા, જીવન ટકાવવા માટેના યોગ્ય સાધનોનો સમાન રીતે અધિકાર, સ્ત્રીનું
શોષણ થતું અટકાવવાનો અધિકાર, સ્ત્રીના ગૌરવનું રક્ષણ, સમાન વેતનનો અધિકાર,
જાહેર સેવામાં સ્ત્રીની સમાનતાનું રક્ષણ અને અંગત સ્વતંત્રતાનો અધિકાર.
આઝાદી પછીના છ દાયકામાં મહિલાઓ માટે અનેક કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા જેમાં
દહેજને લગતો કાયદો, ઘરેલુ હિંસાનો કાયદો અને કામના સ્થળે કરાતી જાતીય
સતામણી માટે માર્ગદિર્શકાનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત, મહિલાઓને સ્પર્શતા ફોજદારી કાયદા, લગ્ન અંગેના કાયદા, શ્રમિક
કાયદા અને કૌટુંબિક કાયદા પણ બનાવવામાં આવ્યા. આ બધા કાયદા આવવાથી એની
સાથેસાથે મહિલા જાગૃતિ અભિયાન ચલાવવાથી મહિલાઓમાં ઘણી જાગૃતિ આવી છે અને
તેઓ હવે તેમના અધિકાર માટે લડત આપવા પણ તૈયાર થઇ છે. પોતાને અથવા પોતાની
સાથેની કોઇ મહિલાને ક્યાંક અન્યાય થતો હોય એમ લાગે તો એ પોતાના અધિકાર
મેળવવા અને વિરોધ દર્શાવતી થઇ છે.
પ્રશ્ન એ છે કે મહિલાને સૌથી મોટી બે વાત નડતી હોય છે. મોટા ભાગની મહિલાઓને
જે પોતાના અધિકાર માટે કે પોતાની સુરક્ષા માટે કાયદાનો ઉપયોગ કરવા માંગતી
હોય કે ન્યાય મેળવવા માંગતી હોય તેને સૌપ્રથમ તો આર્થિક મુશ્કેલી નડે છે
અને તે પોતાના અધિકાર માટે લડવાની હિંમત હોવા છતાં આર્થિક મુશ્કેલીને લીધે
કેસ કરી શકતી નથી.
બીજી મહિલાઓ એવા પ્રકારના વર્ગમાં આવે છે કે જેમની પાસે પોતાના અધિકાર અને
સુરક્ષા મેળવવા માટેની હિંમત છે, આર્થિક રીતે સક્ષમ પણ છે પરંતુ તેને ક્યાં
જવું તેની મુંઝવણ હોય છે. આવી મુંઝવણના નિરાકરણ વિશે વિચારતાં વિચારતાં
છેવટે આજે ઘણા વર્ષો પછી એક ઉકેલ નીકળ્યો છે અને તે છે ‘હેલ્પલાઇન’. એક એવો
ટેલીફોન નંબર જે નિ:શુલ્ક છે એટલે કે કોઇ પણ ટેલીફોન પરથી આ નંબર લગાવવાથી
મહિલાને પોતાની મુંઝવણનો જવાબ મળી રહે છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં આવી એક
હેલ્પલાઇન ચાલુ કરવા માટે ‘અવાજપ્ત નામની સંસ્થાને પસંદ કરી છે. આ
સંસ્થામાં મહિલાઓને પહેલાં પણ કોઇ પ્રકારની સમસ્યા હોય તો તેનો ઉકેલ
લાવવામાં મદદ કરવામાં આવતી હતી. હવે આ સંસ્થામાં તેમની પાસે આ ટેલીફોન નંબર
પર આવતી મુંઝવણ અંગે જવાબ આપવા સક્ષમ મહિલા કાઉન્સેલર્સ રાખ્યાં છે.
જે આ હેલ્પલાઇન દ્વારા મહિલાને જરૂરી માહિતી અને સલાહ તરત જ પૂરા પાડશે.
કોઇ પણ મહિલાને કંઇ તકલીફ હોય, જેમ કે, તેની સાથે કોઇ દુવ્ર્યવહાર થતો હોય
કે એને કોઇ મારઝુડ કરતું હોય અથવા એને કંઇ હેરાનગતિ થતી હોય કે અન્ય કોઇ પણ
પ્રકારની સમસ્યા હોય તો એને મુંઝવણ થતી હોય છે કે તે ક્યાં જાય? એને એ નથી
સમજાતું કે તેણે પોલીસ પાસે જવું કે કોર્ટ પાસે અને બંને પાસે જવું હોય તો
કેવી રીતે જવું જોઇએ. અલબત્ત, મહિલાઓને મદદરૂપ થવા માટે મફત કાનૂની સલાહ
અને કેન્દ્રો છે, પરંતુ ત્યાં સુધી જવા માટે પણ ઘણી મહિલાઓને મુંઝવણ થતી
હોય છે.
આવી પરિસ્થિતિમાં જો મહિલા પાસે આ હેલ્પલાઇન નંબર હોય, તે આ નંબર લગાવે તો
સામેથી તરત જ એની મુંઝવણ અંગેનો જવાબ મળી શકે તેમ છે અને તેથી એનો ઉકેલ આવી
શકે તેમ છે. આ ટોલ-ફ્રી નંબર એટલે કે નિ:શુલ્ક નંબર દરેક મહિલાની જાણમાં
હોવો જોઇએ અને તે છે, ૧૮૦૦-૨૩૩-૨૨૨૨૨. આ નંબર લગાવવાથી મહિલાને તબીબી સહાય,
કાયદાકીય સહાય, પોલીસની મદદ અને બીજી તાત્કાલિક જણાતી સલાહ મળી શકે છે.
હેલ્પલાઇન આપેલી સંસ્થા પાસે આ સહાય પૂરી પાડવાનું વ્યવસ્થિત માળખું છે અને
શહેરની હોય કે ગામડાંની - દરેક મહિલાને આ હેલ્પલાઇન સંકટ સમયની સાંકળ જેવી
ઉપયોગી થઇ પડશે.
અત્યારના સામાજિક સંજોગો અને વાતાવરણ જોતાં આ હેલ્પલાઇનની સુવિધા અંગેેનો
પ્રચાર મહિલાઓમાં જેટલો વધારે થાય તેટલો જરૂરી છે અને એટલે જ વાચકોને
વિનંતી કે પોતે તો આ નંબર લખી જ લે, પરંતુ બીજી ઘણી મહિલાઓને આ નંબર વિશે
માહિતી પૂરી પાડે જેથી વધારે ને વધારે મહિલાઓ આ હેલ્પલાઇન નંબરની સુવિધાનો
લાભ લઇ શકે. આમ કરીને આપણે મહિલાઓ માટે ભયમુકત સમાજની રચના કરી શકીશું.
Comments
Post a Comment