આપણી
કોઇ જરૂરિયાત વખતે ઓળખીતી કોઇ વ્યક્તિને વેળા-કવેળા આપણે કામ સોંપીએ,
પરંતુ પછી આપણું કામ થઇ ગયા બાદ એમને જાણ કરવાની દરકાર પણ ન કરીએ, એવું
કેવું?
ઘરમાંથી અચાનક ગુમ થઈ જતા લોકોનો રેકોર્ડ રાખવા અને તપાસ કરવા માટે મોટા
શહેરોના પોલીસ ડિપાર્ટમેન્ટમાં મિસિંગ પરસન્સ બ્યુરો હોય છે, ત્યાં જોઈને
કોઈવાર ગુમશુદા લોકોનું લિસ્ટ જોઈએ તો થાય કે અરરર, આટલા બધાં લોકો ક્યાં
કેવી રીતે ગુમ થઈ જતા હશે. એમનું અને ઘરવાળાનું શું થયું હશે?થોડા સમય
પહેલાં બ્યુરોમાં બેસીને મેં આવા જ પ્રકારની અરેરાટી કરી, તો ત્યાં બેઠેલા
પોલીસ ઓફિસરે કહ્યું કે આમાંથી કેટલાય જણ તો પાછા ઘેર પણ આવી ગયા હશે.
પોતાનું માણસ ગુમ થાય, ત્યારે લોકો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા દોડે છે, પણ
પછી ખોવાયેલા મળી જાય, કોઈ વાર જાતે ભાગેલા ઘેર પાછા આવી જાય તો કોઈ
પોલીસસ્ટેશને ફોન કરીને વધામણી નથી ખાતું.
બીજો તાજો પ્રસંગ: પૈસાવાળા ગણાય એવા પરિવારને ત્યાં ગૃહિણીની સોનાની બે
બંગડી ગુમ થઈ ગઈ. બહુ શોધાશોધ કરી પણ જડી નહીં. મેડમને પાકું યાદ હતું કે
બહારથી આવ્યા બાદ તેમણે બંગડી ઉતારીને બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ પર જ
મૂકેલી. છેવટે ઘરમાં છ મહિનાથી કામે લાગેલી બાઈ પર શંકા ગઈ. એની આકરી
પૂછપરછ કરી, સાહેબે તો બાઈના ઘરવાળાને પણ બોલાવીને દમ માર્યો. પોલીસમાં
ફરિયાદ કરવાની ધમકી આપી. પણ પેલી બાઈએ રડી કકળીને છેક સુધી પોતે નિર્દોષ
હોવાની વાત પકડી રાખી. છેવટે પેલા લોકોએ ‘પોલીસ ચોકીનાં ચક્કર કોણ મારે’
એવું કહીને વાત પકડી મૂકી, પણ પેલી બાઈને નોકરીમાંથી કાઢી મૂકી.
એ જ વિસ્તારના બીજા ત્રણ-ચાર ઘરમાં કામ કરતી બાઈને લાગ્યું કે એની આબરૂ
ધૂળધાણી થઈ ગઈ. આ પ્રસંગના પંદરેક દિવસ બાદ ઘરના કબાટમાંથી જ કપડાંની થપ્પી
વચ્ચેથી બંગડીઓ મળી આવી. બધાં રાજી થયાં, સાહેબે મેડમની બેદરકારી પર હળવો
રોષ દાખવ્યો, ‘બિચારી બાઈ પર શંકા કરી!’ આવો જરાક અફસોસ કરીને બધાં હસ્યાં,
પણ હરામ બરાબર, એમાંથી કોઈને એવો વિચાર સુધ્ધાં આવ્યો કે, પેલી બાઈને ઘેર
જઈને જાણ કરીએ, એની માફી માગીએ. પેલી ગરીબ સ્ત્રી ચોર હોવાનો ઢંઢેરો એમણે
ચારેતરફ પીટેલો, પણ પછી પોતાની જ ભૂલ હતી એ હકીકત એમણે ઘરમાં જ દબાવી
દેવાની કોશિશ કરી.
ત્રીજી ઘટના તો બહુ કોમન છે. આપણે મમ્મી, બહેન કે ભાભીને ફોન કરીને કહીએ,
‘મારી સફેદ સાડી નથી મળતી. તમારે ત્યાં રહી ગઈ/આવી ગઈ છે? જુઓને, મારે
પરમદિવસે એક પ્રાર્થના સભામાં જવાનું છે.’ સામેવાળાં ખંતીલાં હોય તો એનો
આખો કબાટ વીંખી નાખે અને છેવટે આપણને ફોન કરે કે, ‘મારે ત્યાં નથી.’ અને
ત્યારે આપણે કહીએ, ‘અરે, તમને ફોન કર્યા પછી તરત મળી ગઇ. મારી બેગમાં જ
હતી.’ઉપરની આ ત્રણેય ઘટના, પહેલી નજરે કદાચ અલગ અલગ લાગે, પણ પછી એમાં કોઈ
કોમન મુદ્દો દેખાય છે?તકલીફમાં આવીએ ત્યારે આપણે મદદ માટે ચારેકોર લોકોને
ધંધે લગાડી દઈએ છીએ, પણ સમસ્યાનો ઉકેલ આવી જાય, ત્યારે ઘણીવાર બીજાઓને જાણ
કરવાનું વીસરી જઈએ છીએ. સામેવાળાનો કેટલો સમય કે મહેનત બરબાદ થાય જેનો
વિચાર સુધ્ધાં નથી કરતાં.
મારા હસબન્ડની તબિયત સારી નથી. કોઈ સારો કાર્ડિયોલોજિસ્ટ હોય તો તપાસ કરીને
કહેજે ને; મારી દીકરીને ફલાણી જગ્યાએ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા માટે
ગેઝેટેડ ઓફિસરની સહી જોઈએ છે. તારી ઓળખાણવાળા ઓફિસરને પૂછી જોને; મારે
અમદાવાદ જવું છે, પણ ટ્રેનની ટિકિટ નથી મળતી, તું કંઈક ચક્કર
ચલાવને...પરિચિત તરફથી આવી વિનંતી આવે અને આપણે કામે લાગી જઈએ. ફેમિલી
ડોક્ટરને પૂછીને, સારા કોડિeયોલોજિસ્ટનાં નામઠામ, મળવાનો સમય શોધી કાઢીએ.
અરે આપણા ડોક્ટરને એમ પણ કહીએ કે પેલા સ્પેશિયલિસ્ટ સાથે વાત કરી રાખજોને!
અને પછી ફોન કરીએ, ત્યારે જવાબ મળે, ‘મારા કઝિનના એક ફ્રેન્ડને હાર્ટ અટેક
આવ્યો ત્યારે ડૉ. તાંબાવાલાએ બહુ સારી ટ્રીટમેન્ટ આપેલી. અમે તો સીધાં
ત્યાં જ પહોંચી ગયાં.’
આવું કંઈ બને ત્યારે સામેવાળાની સાથોસાથ પોતાના પર પણ ગુસ્સો આવે કે શું
કામ આવા લોકો માટે દોડાદોડી કરી? પરંતુ ન કરીએ તોયે ઉપાધિ! નસીબ વાંકાં હોય
તો સામેવાળાનું કામ ન થાય અને ‘કોઈ મારી મદદ નથી કરતું’વાળાં મહેણાં
સાંભળવા પડે. જોકે આપણે પણ ક્યારેક જાણે-અજાણે આવું કર્યું હશે! આપણા માટે
અમસ્તા જ સમય અને શક્તિ બરબાદ કરનારા લોકોને ન તો સોરી, કે ન તો થેન્ક યુ
કહ્યું હશે! એ બિચારા છેવટે સામેથી ફોન કરે ત્યારે કહ્યું હશે, ‘અરે, એ કામ
તો ક્યારનું થઇ ગયું. મારા એક ઓળખીતાએ...’
Comments
Post a Comment