દુનિયામાં
ઘણી જગ્યાએ ‘ફાસ્ટ ઈટિંગ’ની કોમ્પિટિશન યોજાય છે. જલદીથી જલદી વધુમાં વધુ
કોણ ખાઈ શકે, એની સ્પર્ધા જોવા માટે લોકો ટોળે વળે છે. જોકે સ્પર્ધકો જે
રીતે ખાય છે, ખરડાય છે એ જોયાં બાદ જોનારની ભૂખ થોડો સમય મરી જવાના
પૂરેપૂરા ચાન્સિસ ખરા. ક્યારેક મામલો વધુ વકરે એવી શક્યતા પણ નકારી ન
શકાય. અંગ્રેજીમાં હોરર સ્ટોરીઝ લખવામાં ભાગ્યે જ જેની તોલે કોઈ આવી શકે એ
સ્ટિફન કિંગે આ ફાસ્ટ ઈટિંગના સબ્જેકટ પર એક જરા જુદા પ્રકારની હોરર
સ્ટોરી લખી છે.
એમાં કંઈ આવું બને છે... એક નાના શહેરમાં રહેતો જાડિયોપાડિયો છોકરો
હંમેશાં બધાની મજાક, અપમાનનું ટાર્ગેટ બનતો રહે છે. બિચારો મનોમન સોસાયા
કરે પણ છેવટે ગામઆખા પર બદલો લેવાનો ચાન્સ એને મળી જાય જ્યારે ત્યાં યોજાય
એન્યુઅલ પાઈ-ઈટિંગ કોન્ટેસ્ટ! બીજા ખેરખાંઓની સાથે આ છોકરો બ્લ્યુ બેરી
પાઈ ખાવાની હરીફાઈમાં ઊતરે ત્યારે પહેલાં તો બધાં એના પર હસે, પણ કોઈને
ખબર ન હોય કે ટેસ્ટી પાઈ ખાતાં પહેલાં એ છોકરો ઘરેથી કંઈ ભળતુંસળતું
ખાઈપીને આવેલો (એરંડિયા જેવું કંઈ, ચોક્કસ યાદ નથી).
કોન્ટેસ્ટ અડધે પહોંચે, સ્પર્ધકો અકરાંતિયાની જેમ ખાઈ રહ્યા હોય ત્યાં
આપણો આ હીરો મોઢું ખોલે, અને ખાવાનું અંદર જવાને બદલે બુલેટ ટ્રેનની
સ્પીડે બહાર ફેંકાય. પછીનો સિનારિયો તમે કલ્પી શકો છો. ઓક, ઓક, યક, યક...
આખીયે કોન્ટેસ્ટ ધોવાઈ ગઈ, કહો કે ખરડાઈ ગઈ. ખાનારા-જોનારા બધાંએ છેવટે
ખાધું. પીધું ને ઓકી નાખ્યું. વાર્તા પૂરી.
તમે કદાચ કહેશો કે આ વળી કેવી વાર્તા, પણ દોસ્ત, એ તો તમે પૂરેપૂરી વાંચો
તો ખબર પડે કે મારો ફેવરિટ રાઈટર સ્ટિફન કિંગ ડઝનબંધ લોકો ઊલટી કરતા હોય એ
ઘટનાને પણ કેટલી ઈન્ટરેસ્ટિંગ-ફની બનાવી શકે. પણ આપણે અહીં ઓકવાની નહીં
ખાવાની વાત કરવી છે. ખબર છે કે, આ ટ્રેક ચેન્જ કરવાનું ઈઝી નહીં થાય. સો
ટેક અ બ્રેક, જરૂર લાગે તો એક આંટો મારીને, પાણી પીને (કે કોગળા કરીને)
આગળ વાંચજો. વી ગો બેક ટુ ફાસ્ટ ઈટિંગ!
હં, તો આવી સ્પર્ધાઓ જોઈને કે એના વિશે વાંચીને મને એવો પ્રશ્ન થાય છે કે
આમાં આપણા કેરળવાસી, મલયાલી બંધુ-ભગિનીઓ શું કામ ભાગ નહીં લેતા હોય? ફુલ
સ્પીડે સાંબાર-રાઈસ જમતાં મલયાલીને તમે ક્યારેય જોયા છે?
અફકોર્સ આ કલા કદાચ દક્ષિણ ભારતમાં વસતાં બીજાં તમીલ, તેલગુ વગેરે ભાઈ
બહેનોને પણ લાગુ પડતી હશે, પરંતુ હું તો જેમને જોયા એમની વાત કરીશ અને
છેલ્લા થોડા સમયથી હું મારા મલયાલમ ભાષી દેશબાંધવોને જોઈ રહી છું. ‘God's
own country' ગણાતા કેરળના લોકોને જોકે ખાતાં જોયા, એની પહેલાં બોલતાં
સાંભળેલા, અને ત્યારે પણ એવી જ આભી થઈ ગયેલી. આ લોકોની ભાષામાં અલ્પવિરામ,
પૂર્ણ વિરામ જેવી કોઈ ચીજ છે કે નહીં એવો પ્રશ્ન થયેલો? મારંમાર, શ્વાસ પણ
લીધા વિના બોલ્યે જાય.
સાંભળતાં સાંભળતાં આપણો શ્વાસ ચઢી જાય. મારી એક ગુજરાતી મિત્ર અહીં ફરવા
આવી ત્યારે એણે બસની આગલી સીટ પર આવા જ બ્રીધલેસ સંવાદ સાધી રહેલી
સ્ત્રીઓને થોડીવાર સાંભળ્યા બાદ આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, ‘આપણાં બાળકો
તો જન્મ્યાં બાદ ધીમેધીમે સાંભળીને, આપણી ભાષા બોલતાં શીખી જાય પણ આમનાં
છોકરાં કંઈ રીતે શીખતાં હશે?’
- પણ શીખે છે, ફાસ્ટ બોલતાં અને ફાસ્ટ ખાતાં પણ. હવે તમે કદાચ કહેશો કે
ફાસ્ટ જમવામાં વળી શું ધાડ મારવાની, એ તો આપણે પણ કરી શકીએ. તો સર, મેડમ,
આવું કહેનારા માટે એક દ્રશ્ય રજૂ કરવાનું.
ટેબલ પર તમારી સામે કેળનું પાન છે. એના પર સહુથી પહેલા ભાતનો ઢગલો,
લીંબુનું અથાણું, એવિયલ (શાક) જેવા સોલિડ પદાર્થ મુકાય. તમે બે હાથ મસળીને
તૈયાર થાઓ. પછી ઉત્સાહી અને અત્યંત બીઝી પિરસણિયાઓ હાથમાં સ્ટીલની બકેટ
અને ચમચા લઈને નીકળે અને પછી જે પીરસાય દાળ, સાંબાર, રસમ, એ બધું લિકિવડ
ફોર્મમાં. ઘરે, કેરળવાસીઓની ફેવરિટ સ્વીટ ડિશ, પાયસમ પણ ખાવું કે પીવું,
એવી મૂંઝવણ કરાવે.
નો વાટકા, નો ચમચા, ચલો સ્ટાર્ટ કરો! હાથથી ખાવાનું, સાંબાર અને પાયસમ
મિકસ ન થઈ જાય એ જોવાનું, અને મિકસ થઈ જાય તોયે કેળના પાનની બહાર ન રેલાઈ
જાય એનું ઘ્યાન રાખવાનું, અને ફેકશન ભલે મોટું હોય પણ નેપકિન નહીં અપાય,
એટલે ચહેરો ખરડાઈ ન જાય, એવી સાવધાની વર્તવાની અને યાદ રાખવાનું કે આસપાસ
બેઠેલા ફટાફટ જમી રહ્યા છે. તમે કેળના પાનની કિનારીઓ વાળવામાં રહ્યા તો
બીજા બધાં જમીને ઊભા થઈ જશે. ઈટ ઈઝ નોટ ઈઝી. હું સ્વાનુભવે કહું છું.
એકલદોકલ બેઠાં હોઈએ ત્યાં સુધી કદાચ વાંધો ન આવે, પણ કોઈ લગ્નમાં, મંદિરના
ઉત્સવમાં, આશ્રમમાં, જ્યારે આગળપાછળ મોટી પંગત પડી હોય ત્યારે જોવા જેવી
(રાધર ન જોવા જેવી) થાય. પણ પ્રેકિટસ મેકસ અ વુમન પરફેકટ!કોલ્લમથી
ત્રિવેન્દ્રમ જઈ રહેલી ટ્રેનમાં મને ઊંચી, હટ્ટીકટ્ટી, ગોરી, ગોલ્ડન વાળ
ધરાવતી ટેરેસા ડેન ડોલ્બી મળી. મૂળ સ્વાઝિલેન્ડની ટેરેસા, કેરળમાં ટુરિઝમ
ઈન્ડિયામાં ઈન્ટરનેશનલ માર્કેટિંગ ડિરેકટર છે અને છેલ્લાં દસ વરસથી
ત્રિવેન્દ્રમને ઘર બનાવીને રહે છે.
એ કહે છે હું વ્યાકરણશુદ્ધ મલયાલમ નથી બોલતી, પણ યેસ, ફાસ્ટ બોલવાની
પ્રેકિટસ થઈ ગઈ છે અને ફાસ્ટ ઈટિંગની પણ! કેરળવાસીઓની ઝડપે જમવામાં,
ટેરેસાના શરૂઆતના અનુભવ પણ મારા જેવા જ હતા. એ કહે છે, બીજી બધી વાતોમાં
તો હું ભલભલાને પહોંચી વળું, પણ આ લોકોની સાથે જમવા બેસું ત્યારે ગભરાઈ
જાઉં. અધૂરાંમાં પૂરું, લોકલ પબ્લિક સાથે હળીમળી જવાય, એટલે મેં શરૂઆતથી
સાડી પહેરવાનું નક્કી કરેલું. એ પણ કંઈ સહેલું નહોતું. એકવાર તો ટુરિઝમના
ઓફિશિયલ ફંકશનમાં સિલ્કની સાડીનો છેડો ડાબાને બદલે જમણે ખભે નાખીને,
લટકમટક કરતી પહોંચી ગઈ. બધાં મને જોયાં કરે. પહેલાં તો મને લાગ્યું કે
વિદેશી સ્ત્રીને સાડીમાં જોઈને સહુને નવાઈ લાગે છે પણ પ્રોગ્રામના અંતે
કોઈએ કહ્યું ત્યારે હકીકતનું ભાન થયું.
ટેરેસાના પગારનો ખાસ્સો એક હિસ્સો એની સાડીઓનાં ડ્રાય કલીનિંગમાં જતો હશે
કારણ કે એના જ શબ્દોમાં કહીએ તો શરૂઆતમાં હાથથી જમતી વખતે જેટલો સાંભાર -
પાયસમ એના મોઢામાં જતો હતો એનાથી વધુ એના ચહેરા અને કપડાં પર પહોંચતો હતો
પણ આજે દસ વરસની પ્રેકિટસ બાદ ટેરેસા ગૌરવભેર કહે છે કે કેળના પાન પર
અન્નનો દાણો ય ન બચે એવી રીતે એ જમી શકે છે. અરે, હવે તો એ વિદેશ જાય,
ત્યાં પણ કરી-રાઈસ જેવી વાનગી પીરસાય તો એ હાથથી ખાવાનું પસંદ કરે છે.
ટેરેસાની જેમ મને પણ હવે વાટકી કે ચમચી વિના પીરસાતી લિકિવડ વાનગીઓ જમવાની
આદત કોઠે પડતી જાય છે. જોકે એમાં પણ પાછી જુદીજુદી સ્ટાઈલ હોય છે.
ઘણા લોકો સાંબાર-ભાત મિકસ કરીને પછી એને રીતસર મુઠ્ઠીમાં ભરીને જમે છે. બટ
ધેટ ઈઝ અ બીટ ટુ મચ, આ લાગણી અમારાં બંનેની છે. આંગળીઓની ચમચી બનાવીએ
ત્યાં સુધી ઠીક છે. જોકે શું ઠીક કહેવાય, શું નહીં એ કોણ નક્કી કરે? આપણે
જેમને વેસ્ટર્નાઈઝ્ડ ઇન્ડિયન ગણીએ, એવી મારી એક મિત્રને ટ્રેડિશનલ સાઉથ
ઇન્ડિયન ઈટિંગ સ્ટાઈલથી ભારે ત્રાસ થાય છે. એના કહેવા પ્રમાણે આ લોકોને
સરખી રીતે જમતાં જ નથી આવડતું, પણ બીજી તરફ, અમારા ફેમિલીની એક છોકરી
કેરળના મલયાલીને પરણી છે.
એ ત્રિવેન્દ્રમમાં ટ્રેડિશનલ ફેમિલીમાં લગભગ વીસ વરસ રહ્યાં બાદ કહે છે,
‘કોઈને ઈડલી કે ઉત્તપમ ચમચીથી ખાતાં જોઉં તો મને ભારે ચીતરી ચઢે.’ બોલો,
હવે શું કહેવું? અફકોર્સ, ખાવાપીવાની બાબતમાં બહાર નીકળીએ ત્યારે હંમેશાં
સરપ્રાઈઝ માટે તૈયાર રહેવું. વાત છે વરકલાની! આમ તો દરિયાકિનારે આવેલું
વરકલા, વિદેશીઓ માટે પોપ્યુલર વેકેશન સ્પોટ છે, પણ ત્રિવેન્દ્રમથી પચાસેક
કિલોમીટર દૂર આવેલા વરકલામાં એક રસ્તો સહેજ ઉપરની તરફ જાય છે, અને બધાંયે
ઘોંઘાટ, ભીડભાડથી દૂર ત્યાં શ્રી નારાયણગુરુ સ્વામીનો શિવગિરિ મઠ છે.
કાનને જ નહીં, મનને પણ શાંતિ આપે એવી આ શાંત, રમણીય જગ્યા છે.
શિવગિરિની આખી વાત પછી કોઈવાર માંડીને કરશું, પણ આજનો ટોપિક છે, ઈટિંગ. તો
મઠની ભોજનશાળામાં બ્રેકફાસ્ટ વખતે કેળના પાન પર બે ઢોસા પીરસાયા, અને
પીરસનારે એના પર સીધો સાંબાર રેડયો ત્યારે મને કોઈ નવાઈ ન લાગી. ખાવાનું
બહાર ઢોળાય નહીં. મોઢું અને કપડાં ખરડાય નહીં એની શક્ય એટલી તકેદારી
રાખીને ખાઈ લીધું. પણ રાતે જમવા પહોંચી તો ટેબલ પર સ્ટીલની થાળી અને ચમચી
હાજર હતાં. અને સાથે કેળનું પાંદડું તો હતું જ. મને ખુશીને બદલે ટેન્શન થઈ
ગયું.
આ લોકો વળી હવે શું પીરસવાના હશે? સસ્પેન્સ ખૂલતાં વાર ન લાગી. હજી બેઠાં
ત્યાં તો પીરસનારા એમની સ્ટીલ બકેટ અને મોટા ચમચા લઈને નીકળ્યા. કેળના પાન
પર મગ અને અથાણું મુકાયાં અને થાળીમાં પીરસાયો ભાત, ભારોભાર પાણીની સાથે.
ટીવી પર ફિલ્મ સ્ટાર કાજોલ કોઈ સુપસ્ટાઈલ નુડલ્સની જાહેરખબરમાં કહે છે.
‘ખાકે પીઓ, પીકે ખાઓ.’ શિવગિરિમાં પણ ભાતની બાબતમાં એવો જ તાલ હતો. ત્યારે
ખબર પડી કે ચમચી શું કામ હતી. જોકે અમુક લોકો ‘પરંપરા કે પક્કે’ હોય છે.
ભાત તો એમણે હાથથી જ ખાધો, અને છેલ્લે થાળી મોઢે માંડીને પાણી પી ગયા.
ભાત પાણી સાથે શું કામ પીરસાયો, એનો જવાબ પણ મેં મારી રીતે શોધી કાઢ્યો.
અહીં જમી લીધા બાદ કેળનું પાન કચરાપેટીમાં નાખવાનું અને પોતપોતાની થાળી
કોઈ સાબુ-પાઉડર વિના માત્ર પાણીથી ધોઈ નાખવી, એવો રિવાજ છે. જે થાળીમાં
માત્ર પાણી સાથે ભાત પીરસાયો હોય એને સાફ કરવા માટે ખરેખર કોઈ સાબુની જરૂર
નહોતી. મેં તો રૂમ પર જઈને તરત મુંબઈ મારી બહેનને ફોન કર્યોઅને
શિવગિરિવાળા કેટલા સ્માર્ટ છે એની ચર્ચા કરી. જોકે ત્યારે ખબર નહોતી કે
હું કેટલી બેવકૂફ હતી.
બીજે દિવસે સવારે વળી કિચનમાં વોલન્ટિયર વર્ક કરતા એક ભાઈ સાથે મેં આ વાત
કરી તો એ ભડકી ગયા. કહે કે સ્વરછતાની બાબતમાં અહીં કોઈ બાંધછોડ નથી.
જમનારાએ માત્ર પાણીથી ધોયેલા વાસણને પછી મઠના સ્ટાફ દ્વારા સાબુથી બરાબર
સાફ કરાય છે. જમવામાં ભાત સાથે પીરસાયેલું પાણી તો માત્ર હેલ્થની જાળવણી
માટે હતું, બ્રાઉન રાઈસ જે પાણીમાં બફાય એ પીવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે
છે એવું જ્ઞાન એમણે મને આપ્યું. પાછા મુંબઈ ફોન કરીને આ સ્પષ્ટતા કરવી કે
નહીં, એ હજી મેં નક્કી નથી કર્યું. આપણે મૂરખ ઠર્યા એ કબૂલ કરવાનું બહુ
આસાન નથી હોતું પણ સહેજ હિંમત કરીને, આ પહેલાં કરી નાખેલી એક નાની ગરબડ
વિશે તમને કહી દઉં.
વરકલાની પહેલા થોડો સમય હું કન્યાકુમારીમાં હતી. ત્યાં ‘સ્પિરિરયૂઅલ
રિટ્રીટ’ તરીકે ઓળખાતી શિબિરમાં દેશનાં જુદાંજુદાં સ્થળેથી લોકો આવેલા.
મોટી ઉમરના લોકોને ભણાવવા હોય તો પહેલા એમને સારી રીતે જમાડવાનું જરૂરી છે
એ વાત શિબિરના આયોજકો જાણતા હતા. એટલે રોજ નવીનવી વાનગી પીરસાય. એક દિવસ
થાળીમાં વેજ પુલાવ મુકાયો. એની પાછળ બકેટ અને ચમચો લઈને નીકળેલી વ્યક્તિને
જોઈને, મારી બાજુમાં બેઠેલા મહારાષ્ટ્રીયન બહેને હરખ કર્યો, ‘અરે વાહ,
પુલાવની સાથે કઢી. હું પણ હરખાઈ. પીરસનારે વાટકીમાં - હા, ત્યાં વાટકી હતી
- એક ચમચો રેડયો.
તો મેં અને મારી પડોસણે પૂરી વાટકી ભરાવી, જેથી બીજીવાર માગવું ન પડે. પછી
ચાખ્યું ત્યારે ખબર પડી કે આ કઢી નહીં, કોપરાંની ચટણી હતી. લેતાં તો લેવાઈ
ગઈ, પણ પડતું ન મુકાય. તમે ક્યારેય એક મોટી વાટકી ભરીને કોપરાંની ચટણી
પીધી છે? અમે પીધી. અને જ્ઞાન મેળવ્યું કે અવિચારી અકરાંતિયાપણું ક્યારેક
જોખમી નીવડી શકે.જોકે આ ભરેલા પેટે મળેલું જ્ઞાન છે. ભવિષ્યમાં ખાલી પેટે
ફરી આવી કોઈ એટ્રેકિટવ આઈટમ જોઈને શું કરશું, એ તો કોણ જાણે?
અને હા છેલ્લે કલાઈમેકસ નહીં પણ એન્ટિકલાઈમેકસ લાગે એવી લાસ્ટ ઘટના - આજે
સવારે પોન્ડિચેરીની એક સાવ નાની, પણ વેરી વેરી પોપ્યુલર ઈટરી (કોઈ એને
રેસ્ટોરાં નથી કહેતું), નામે ગણેશમાં મેં એક બંગાળી બાબુને બે ચમચીની
મદદથી આલુ પરાઠા, નોટ જોકિંગ આલૂ પરાઠા ખાતા જોયા. તુલસી ઈસ સંસારમેં...
હાથથી સાંબાર ને પાયસમ ખાતા લોગ... ચમચીથી પરાઠા ખાતા લોગ... થોડીવાર
પહેલાં જ કહ્યું ને કે બહાર નીકળો ત્યારે સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ માટે તૈયાર
રહેવાનું!
Comments
Post a Comment