
- લાદેનના મોત પછી પાકિસ્તાનની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી
- પાકિસ્તાનમાં લાદેનના મોતનો મોટાપાયે વિરોધ
- આઈએસઆઈના માથે પડી પસ્તાળ
વિશ્વમાં છેલ્લા બે સપ્તાહથી સમાચાર માધ્યમોમાં કોઈ છવાયું હોય તો તે છે
માત્ર અને માત્ર ઓસામા બિન લાદેન. લાદેન જીવતો હતો ત્યારે તેની જેટલી
ચર્ચા ન થઈ તેટલી ચર્ચા તેના મર્યા પછી થઈ રહી છે. એક તરફ લાદેના મોત પર
સવાલો ઉઠાવાઈ રહ્યા છે ત્યારે અમેરિકા પણ વારંવાર લાદેનને પતાવી દેવા હાથ
ધરાયેલા ઓપરેશનમાં ખરેખર શું થયું હતું તે અંગેના પોતાના નિવેદનો અનેકવાર
બદલી ચુક્યું છે. અમેરિકાના નેવી સીલ્સ કમાન્ડો દ્વારા ઓપરેશન ગેરોનીમોમાં
ખરેખર શું બન્યું હતું તે અંગે સાચી માહિતી ક્યારે મળશે તે કદાચ આવનારા
સમય પર જ નિર્ભર કરે છે.
નવાઈની વાત એ છે કે લાદેન છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનમાં રહી રહ્યો
હોવાનો અમેરિકા દાવો કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાન પોતે લાદેનની હાજરીથી
અજાણ હોવાનું રટણ કરી રહ્યું છે. એક વાતતો નક્કી છે કે અમેરિકાએ
પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારતા દુનિયાભરમાં પાકિસ્તાનની છબી ખરડાઈ છે.
વળી, પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપી રહ્યું હોવાનું ભારત દ્વારા
અવાર-નવાર અપાતું નિવેદન પણ સાચું પડ્યું છે.
અમેરિકા પણ પાકિસ્તાનમાંથી જ લાદેન મળી આવ્યા બાદ તેને આકરા સવાલો પુછીને
ખુલાસો માંગી રહ્યું છે. આ અંગે મળતા છેલ્લા અહેવાલો અનુસાર પાકિસ્તાનની
જાસુસી સંસ્થા આઈએસઆઈ પર પણ લાદેન પાકિસ્તાનમાંથી મળી આવતા બરાબરના માછલા
ધોવાયા છે અને તેના વડાની વિદાય લગભગ નિશ્ચિત છે. પાકિસ્તાનના લશ્કરે પણ
સંસદમાં આવીને ખુલાસો આપવો પડ્યો હતો (પાકિસ્તાનમાં આ ઘટના બીજીવાર જ થઈ
છે જ્યારે લશ્કરે સંસદમાં ખુલાસો આપવો પડ્યો હોય).
અમેરિકા પાકિસ્તાન પર બરાબર વરસી રહ્યું હતું ત્યારે ભારતના સૈન્ય
અધિકારીએ પણ પોતાના વોન્ટેડ આરોપીઓનો ખેલ ખતમ ભારત કરવા એબટાબાદવાળી કરી
શકે છે તેવું નિવેદન પણ આપ્યું હતું.
જોકે, પાકિસ્તાન તરફ આખુય વિશ્વ શંકાની નજરે જોતું હતું ત્યારે પાકિસ્તાને
કોઈ ખુલાસો આપવાને બદલે પોતાની જુની-પુરાણી સ્ટાઈલથી ફુંફાડા મારવાનું શરૂ
કરી દીધું હતું. પાકિસ્તાનના વિદેશમંત્રીએ ધમકી આપતા કહ્યુ હતુ કે
પાકિસ્તાન હવે પછી એબટાબાદ જેવી કોઈપણ કાર્યવાહીને પોતાના વજૂદ પરનો હુમલો
ગણીને તેનો આકરો જવાબ આપશે. આ વખતે તેમણે ભારતને પણ આડકતરી રીતે સંભળાવી
દીધુ હતુ કે જે લોકો એબટાબાદ પ્રકારની કાર્યવાહી કરવા ઈચ્છે છે તે ચેતી
જાય.
દરરોજ થઈ રહેલા નવા ખુલાસા
લાદેનને મર્યાના બે સપ્તાહ પછી પણ તેની મોતને તેમજ તેના પહેલાના જીવનને
લગતા નવાનવા ખુલાસા થઈ રહ્યા છે. અમેરિકાને લાદેનના એબટાબાદના ઘરમાંથી
ઢગલાબંધ સાહિત્ય પણ મળી આવ્યું હતું જેની અત્યારે અમેરિકા તપાસ ચલાવી
રહ્યું છે. અમેરિકાને તેમાંથી ધ્યાન પર આવ્યું હતું કે લાદેન ઓબામાને જ
ઉડાવી દેવાની ફિરાકમાં હતો. આ ઉપરાંત તે પોર્નફિલ્મો જોતો હોવાની માહિતી
પણ બહાર આવી હતી.
લાદેનની પત્નીની અમેરિકા દ્વારા પુછપરછ
લાદેન ઠાર મરાયો તે વખતે તેની સાથે તેની ત્રણ પત્નીઓ હાજર હતી. લાદેનની આ
પત્નીઓ હાલમાં તો પાકિસ્તાનની કસ્ટડીમાં છે અને છેલ્લા અહેવાલો અનુસાર
પાકિસ્તાને અમેરિકાને તેમની પુછપરછ કરવા પરવાનગી આપી દીધી છે અને અમેરિકાએ
આઈએસઆઈની હાજરીમાં તેમની પુછપરછ શરૂ પણ કરી દીધી છે.
અમેરિકાના ક્રેશ થયેલા હેલિકોપ્ટર પર ચીનની હતી નજર
ઓપરેશન ગેરોનીમોમાં અમેરિકાએ પોતાના અત્યાધુનિક સ્ટિલ્થ હેલીકોપ્ટર
ઉપયોગમાં લીધા હતા. આ હેલીકોપ્ટરની ટેકનોલોજી હાલમાં દુનિયાના બીજા કોઈપણ
દેશ પાસે નથી અને તે બીજા કોઈ દેશ પાસે જાય તે અમેરિકા ઈચ્છતું પણ નથી.
જોકે, ઓપરેશન ગેરોનીમો દરમિયાન અમેરિકાનું એક હેલીકોપ્ટર તૂટી પડતા તેના
માટે મુસીબત સર્જાઈ હતી. ચીન અમેરિકાના આ હેલીકોપ્ટરને જોવા માગતુ હોવાના
અહેવાલોએ ગયા સપ્તાહમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી.
ખુદ પ્રધાનમંત્રીએ સંસદમાં ખુલાસો આપવો પડ્યો
પાક.ના પ્રધાનમંત્રી ગીલાનીએ લાદેન પ્રકરણ અંગે સંસદમાં ખુલાસો આપવો પડ્યો
હતો. જોકે, આમાં લાદેન કઈ રીતે પાકિસ્તાનમાં આટલો સમય છુપાઈ રહ્યો અને
પાકિસ્તાનને તેની કઈ રીતે ખબર ન પડી તે અંગેની વાતો નહીં પરંતુ લાદેનને
ઉભો કરવામાં કોનો હાથ હતો તેની ચર્ચા વધારે કરાઈ હતી. તેમણે અમેરિકાએ
પાકિસ્તાન સાથે વિશ્વાસઘાત કર્યાનું પણ જણાવ્યુ હતુ. વળી, તેમણે
પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ સાથે અલગથી મિટિંગ કરી હતી.
પાક.ની મદદે આવ્યું ચીન
પાકિસ્તાન તરફ એકતરફ જ્યાં લાદેનને લઈને અનેક શંકાઓ ઉભી થઈ રહી હતી ત્યાં
તેનું વ્યુહાત્મક ભાગીદાર ચીન તેની પડખે આવીને ઉભું રહ્યું હતું. ચીને
કહ્યું હતું કે પાકિસ્તાન આખા વિશ્વમાં સૌથી વધુ આતંકવાદનો ભોગ બનેલો દેશ
છે અને વૈશ્વિક સમુદાયે તેની પડખે ઉભું રહેવું જોઈએ.
તાલિબાનોએ બદલો લેવાની શરૂઆત કરી
લાદેનના મોત પછી તેનો બદલો લેવાની અનેક ધમકીઓ આતંકવાદી સંગઠનોએ આપી હતી. આ
ધમકી સાચી પડી હોય તેમ પાકિસ્તાનના લાહોરની પાસે આવેલી એક લશ્કરી
અકાદમીમાં તાલિબાને બે આત્મઘાતી વિસ્ફોટ કરીને 80 ઉપર લોકોના જીવ લીધા
હતા. વળી, આ વિસ્ફોટ પણ એવા સમયે કરાયો હતો જ્યારે જવાનોની બેચ પોતાની
ટ્રેનિંગ પુરી કરી રજાઓ માણવા ઘરે જઈ રહી હતી. આ ઘટનામાં 65 જવાનોના મોત
થયા હતા.
Comments
Post a Comment