તમારે ઇન્ટરનેટ પર ‘યથાશક્તિ ફાળો’ આપવાના સંજોગો ઊભા થાય છે કે નહીં એનો ઘણો આધાર તમે સોશિયલ નેટવર્કિંગમાં કેટલા એક્ટિવ છો એના પર છે. ફેસબુક કે ગૂગલ પ્લસ ઉપરાંત બીજાના બ્લોગની મુલાકાત લઈને તેમાં કંઈક કમેન્ટ આપો કે તમારા વિચારો ઉમેરો તો એ પણ તમારો ફાળો જ ગણાય. આવો ફાળો આપતી વખતે બીજા લોકોએ ગુજરાતીમાં લખેલાં લખાણ જોઈને તમને પણ ઇન્ટરનેટ પર ગુજરાતીમાં લખવાનું મન થઈ જાય છે?
તો આના ઘણા બધા - અને સહેલા - ઉપાય છે. હવે ઘણા બધા મિત્રો ગૂગલ ટ્રાન્સલિટરેશન (www.google.com/transliterate)થી તો વાકેફ હશે જ. આ સર્વિસમાં તમે ઇંગ્લિશમાં એક શબ્દ લખો (જેમ કે GUJARAT) અને સ્પેસ બાર પ્રેસ કરો એટલે તરત તમારું લખાણ ગુજરાતીમાં ‘ગુજરાત’ બની જાય! થોડી પ્રેક્ટિસ કરો એટલે આ રીતે ગુજરાતીમાં લખવાની સરસ ફાવટ આવી જાય. હવે મોટા ભાગે લોકો અહીં કંઈક લખીને પછી લખાણ કોપી કરે અને પછી ફેસબુક કે બ્લોગ વગેરે જ્યાં ગુજરાતીમાં લખાણ મૂકવું હોય ત્યાં પેસ્ટ કરે એટલે કામ પૂરું થાય. આ રીત સહેલી છે, પણ સીધી નથી. ખાસ કરીને જ્યારે તમે કોઈ સાથે ચેટિંગ કરતા હો ત્યારે તો ફટાફટ ઘણું બધું લખવાનું હોય. એમાં બીજા વેબપેજમાં જઈને ત્યાં કશુંક લખો, કોપી કરો, વળી મૂળ ચેટિંગની વિન્ડોમાં આવો, પેસ્ટ કરો... એટલી વારમાં તો વાત ક્યાંય આગળ વધી ગઈ હોય.
આનો એક સરસ ઉપાય રાજકોટના વાચકમિત્ર જયકિશન લાઠીગરાએ મોકલ્યો છે. આ ઉપાય છે બુકમાર્કલેટનો ઉપયોગ કરવાનો. આ શબ્દ પર અટક્યા? બુકમાર્ક તમે કદાચ જાણતા હશો - ઇન્ટરનેટમાં તમે જે સાઇટ વારંવાર જોતા હો તેની લિંક તમે તમારા બ્રાઉઝરમાં કે ગૂગલ બુકમાર્ક જેવી સગવડમાં બુકમાર્ક તરીકે સાચવી શકો છો. પછી તમે બ્રાઉઝરમાં બુકમાર્કનો ટૂલબાર ઓપન રાખો તો સૌથી ઉપર એડ્રેસબારની નીચે જ તમારી ફેવરિટ સાઇટ્સની લિંક નાના નાના બટન સ્વરૂપે સચવાઈ રહે. બસ, ક્લિક કરો અને આગળ વધો!
બુકમાર્કલેટ આ જ સિદ્ધાંત પર કામ કરે છે, પણ સાદી સાઇટની લિંક નથી હોતી. એ બીજી સાઇટ પર મળતી સર્વિસની લિંક હોય છે. એટલે કે, ગૂગલ ટ્રાન્સલિટરેશનની સાઇટ પર જઈને તમે તેની સર્વિસમાં જે કામ કરો છો તેનો લાભ તમને બીજા વેબપેજ પર પણ મળી શકે, જો આ બુકમાર્કલેટની સગવડનો તમે લાભ લો તો.
જો તમે પણ બીજાના બ્લોગ કે ફેસબુકમાં સરળતાથી ગુજરાતીમાં લખવા માગતા હો તો આ પેજ (http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help.html) પર પહોંચો. અહીંથી તમે તમારા બ્રાઉઝર અનુસાર ગુજરાતી, હિન્દી કે બીજી ઉપલબ્ધ ભાષાની બુકમાર્કલેટ તમારા બ્રાઉઝરમાં ઉમેરી શકો છો. આઇઇ કે ફાયરફોકસ હોય તો તમારે તમારી ભાષાની લિંક પર રાઇટ ક્લિક કરીને તેને ‘સેવ એઝ બુકમાર્ક’ કહેવાનું છે.
એટલું યાદ રાખજો કે તમારા બુકમાર્ક ટૂલબારના મુખ્ય ફોલ્ડરમાં જ આ લિંક સેવ કરવાની છે, જેથી એ સતત નજર સમક્ષ રહે. પછી કોઇ પણ સાઇટ કે સર્વિસના ટેક્સ્ટ બોક્સમાં કર્સર મૂકીને તમે તમારી નવી બુકમાર્કલેટ પર ક્લિક કરશો એટલે ગૂગલની ટ્રાન્સલિટરેશન સર્વિસ એ વેબપેજ માટે ઇનેબલ થશે અને એ ટેક્સ્ટ બોક્સમાં પહેલાં ‘અ’ દેખાશે. હવે ઇંગ્લિશમાં જે કંઈ લખશો એ ગુજરાતી થવા લાગશે! પછી એ ‘અ’ નીકળી જશે. ફક્ત ફેસબુકના સર્ચબોક્સમાં આ ફેસિલિટી ચાલી નથી (તમારે ચાલે તો જરૂર જણાવશો!).
ગૂગલના બુકમાર્કલેટ સિવાય, ઓફલાઇન યુઝ માટે ગૂગલ આઇએમઆઇ ડાઉનલોડ કરી શકો છો. ગુજરાતી ડેવલપર વિશાલ મોણપરાએ સજેઁલ પ્રમુખ ટાઇપપેડ પણ આ કામ સરસ રીતે કરે છે. લિપિકાર કે ક્વિલપેડ નામની સર્વિસનો પણ તમે લાભ લઈ શકો છો. તમને ફાયરફોકસ કે ક્રોમમાં એડઓન્સ ઉમેરવાની ફાવટ હોય તો આ બધી સર્વિસ પણ સરસ છે અને મફત જ છે.
બુકમાર્કલેટવાળો આઇડિયા ગમ્યો હોય તો એ પણ જાણી લો કે આ સગવડ ફક્ત ગુજરાતી લખવા પૂરતી સીમિત નથી. બુકમાર્કલેટ ઇન્ટરનેટ પરની બીજી ઘણી બધી સર્વિસીઝ, તેના વેબપેજ પર ગયા વિના, તમે જે વેબપેજ પર હો ત્યાં જ ઉપલબ્ધ કરી આપે છે.
આ સાઇટ (marklets.com) પર તમે આવી અનેક બુકમાર્કલેટ બ્રાઉઝ કરી શકો છો. બુકમાર્કલેટ આમ તો એક નાનકડો પ્રોગ્રામ કે કોડ છે, પરંતુ એની અસર તમે જે વેબપેજ પર હો તેના પૂરતી મર્યાદિત હોય છે, એટલે તેનો ઉપયોગ કરવો સલામત છે. ફક્ત, આર્થિક લેવડદેવડ કરવાની હોય અને તેને લગતી તમારી અંગત માહિતી આપવાની હોય તેવા પેજ પર બુકમાર્કલેટનો ઉપયોગ ટાળજો.
Comments
Post a Comment