ઓફિસમાં બેઠા બેઠા કંઇ ને કંઇ ખવાયા કરે અથવા તો ચા કે કોફી પીવાઇ જાય, ત્યારે ઘણી વાર વજન વધી જવાની સમસ્યા પરેશાન કરે છે. આવું ન થાય અને વજન નિયંત્રણમાં રહે એ માટે સ્વયં પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી બની જાય છે. જો થોડી કાળજી અને સાવચેતી રાખવામાં આવે તો વધેલું વજન ઘટાડીને શરીરને બેડોળ થતું અટકાવી શકાય છે.
ઓફિસમાં કેટલીક વાર ખાવા પર નિયંત્રણ રહેતું નથી અને વધારે ખાવાને લીધે વજન વધી જાય છે. તો શું કરવું કે વજન ન વધે?
શું તમારી ડ્રીમ જોબમાં તમારું બેડોળ શરીર આડખીલીરૂપ છે? તમે માનો છો કે વધુ પડતું સ્થૂળતાથી તમારી નોકરીમાં તકલીફ પડે છે? તો આ સ્થૂળતા દૂર કરવા શું કરશો? તમે ઓફિસમાં કામ કરતાં હો, ફીલ્ડવર્ક અથવા સ્કૂલમાં કે પછી હોસ્પિટલમાં-વજન ઊતારેલું રાખવું અને કામ કરવું એ એક અઘરું કામ છે. ઓફિસમાં વારંવાર ચોકલેટ ખવાઇ જાય. ક્યારેક લંચ કરવા જવું પડે. નજીકમાં પડેલા બિસ્કિટ ચા સાથે ખવાઇ જાય -તે વજનમાં સતત વધારો કર્યા જ કરે છે. ઉપરાંત વધુ પડતા કામ અને રોજેરોજ આવતી ચેલેન્જથી માનસિક થાક ઉતારવાનો સમય મળતો નથી. ઓફિસ અવર્સ દરમિયાન વજન ઊતારવા આટલું કરીએ.
ગ્રીન ટી પીઓ
ચાલુ ઓફિસે વારંવાર ચા -કોફી પીઓ છો? ચામાં આવતા મલાઇવાળા દૂધ અને ખાંડ વજન વધારી શકે છે માટે જ ગ્રીન ટી પીવાનું શરૂ કરો. રીસર્ચ જણાવે છે કે ગ્રીન ટી પીવાથી મેટાબોલિઝમ વધે છે અને તમે દિવસની ૭૮ કેલેરી વધુ બાળી શકો છો. ગ્રીન ટીના પેકેટ ઓફિસમાં રાખીને બનાવવાથી બીજી વસ્તુઓ જેમ કે બિસ્કિટ કે નાસ્તા પણ ઓછા લેવાય છે.
ઘરમાં મલાઇ વગરના દૂધનો ઉપયોગ કરો
રીસર્ચ જણાવે છે કે ડાયટમાં કેલ્શિયમવાળો ખોરાક ઉમેરવાથી વજન ઘટેલું રહે છે અને શરીર ફેટનો સંગ્રહ ઓછો કરે છે. માટે દૂધનો ઉપયોગ છુટથી કરી શકાય, પરંતુ આ દૂધ મલાઇ વગરનું હોવું જરૂરી છે.
વધુ ફાઇબર્સવાળો ખોરાક ખાવ
વધુ ફાઇબર્સવાળો ખોરાક ખાવાથી લાંબો સમય ભૂખ નથી લાગતી. માટે ખોરાકમાં સલાડ, સૂપ વગેરે અવશ્ય વપરાશ કરવો તેમ જ રેસાવાળા ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવો.
સવારના ભોજનમાં પ્રોટીન અવશ્ય લો
તમારા સવારના ભોજનમાં દાળ, કઠોળ વગેરેનો ઉપયોગ કરો. ટિફિનમાં બાફેલી દાળ અથવા કઠોળ અને સલાડનો ઉપયોગ કરો. જેનાથી લાંબો સમય પેટ ભરેલું રહે છે અને આખો દિવસ બિસ્કિટ, ચવાણું વગેરે ખાવાનું મન થતું નથી.
ધીમેથી જમો
ઓફિસમાં જમતી વખતે થોડો સમય પોતાના માટે ફાળવી અને ધીરે ધીરે જમો. મગજને ખોરાક પહોંચ્યાનો સંદેશો મળતાં ૨૦ મિનિટ થાય છે માટે ધીરે ખાવાથી તમે ખોરાકનો આનંદ પણ વધુ માણી શકશો અને જરૂર હશે તેટલું જ ખવાશે.
ખોરાકની નોંધ રાખો
તમારી જાત સાથે વફાદાર રહીને તમે જે ખાવ તેની દરરોજ નોંધ કરો. આમ કરવાથી તમેજાણી શકશો કે દિવસ દરમિયાન તમે કેટલું ખાવ છો.
ઠંડાં પીણાંથી દૂર રહો
વધુ પડતાં ફળોના રસ અને ઠંડા પીણાં પીવાની આદતથી દૂર રહો. આમાં વધુ પડતી કેલેરી રહેલી છે અને તેમાં ન્યુટ્રિશન એટલું મળતું નથી માટે દિવસ દરમિયાન પાણી, છાશ, નારિયેળ પાણી અથવા ગ્રીન ટીનો ઉપયોગ કરો.
દિવસની શરૂઆત બ્રેકફાસ્ટથી કરો
અવારનવાર અનેક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે જો દિવસની શરૂઆત નાસ્તાથી કરવામાં આવે તો દિવસ દરમિયાન ખોટી ભૂખ લાગતી નથી અને જરૂર વગરની વસ્તુઓ ખાવાનું મન થતું નથી. ઘણી વાર જો સવારનો નાસ્તો ન કરીએ તો દિવસ દરમિયાન નાસ્તાની બચાવેલી કેલેરી કરતાં વધુ કેલેરી લેવાઇ જાય છે.
ડાયટ ફુડ ચકાસીને લો
ફક્ત ડાયટ ફુડનું લેબલ મારવાથી તે ડાયટ ફુડ બનતું નથી. ઘણી વખત તેને સ્વાદિષ્ટ બનાવવા વધુ પડતું મીઠું અને ખાંડ તથા મોણ પણ વધુ નાખવામાં આવે છે. વળી ડાયટ ફુડ ખાવાના વિચારથી જ વ્યક્તિ વધુ ખાધા કરે છે. માટે ઘણી વાર ડાયટ ફુડ ખાવાથી ફાયદો થવાને બદલે નુકસાન થાય છે.
Comments
Post a Comment