પતિ ના પાડે ત્યારે.......
પ્રશ્ન : મારા પતિએ ઘણા વખતથી મારી સાથે સંબંધ બાંધ્યો નથી. મને સંબંધ બાંધવાની તીવ્ર ઇચ્છા થઇ છે. શું કરવું?
ઉત્તર : તમારી ઇચ્છા વિશે તમારા પતિને જણાવો. તમે એ નથી જણાવ્યું કે તમારા પતિએ શા માટે સંબંધ બાંધવાનું છોડી દીધું છે. આ બાબતે તમારા પતિ સાથે ચર્ચા કરો અને શાંતિથી ઉકેલ લાવો.
પ્રશ્ન : મારી ખાસ બહેનપણી મારા ભાઇને પ્રેમ કરે છે. જ્યારે મારો ભાઇ બીજી યુવતીને ચાહે છે. મારે મારી બહેનપણીને કેવી રીતે સમજાવવી?
ઉત્તર : તમારો ભાઇ બીજી યુવતીને પ્રેમ કરતો હોય તો એને પ્રેમ કરીને તમારી બહેનપણીને કંઇ લાભ નથી થવાનો. તમે તમારી બહેનપણીને સાચી વાત જણાવી દો.
પ્રશ્ન : મને ઘણા સમયથી એક યુવાન ગમે છે. જોકે મેં એની સમક્ષ મારી લાગણી વ્યક્ત નથી કરી, પણ મને લાગે છે કે એ અન્ય કોઇને ચાહે છે. મારે શું કરવું?
ઉત્તર : તમે જેને ચાહો છો એના વિશે તમારા ગ્રૂપમાં તમારી વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય તેને તપાસ કરવા કહો. જો એ યુવાન બીજી કોઇને ચાહતો હોય તો એકતરફી લાગણી ધરાવવાનો કોઇ અર્થ નથી.
પ્રશ્ન : મારી બહેન એક યુવાનને પ્રેમ કરે છે. એ અમારી જ્ઞાતિનો નથી તેમ જ નોકરી પણ નથી કરતો. જ્યારે મારી બહેન એની સાથે જ લગ્ન કરવાની જિદ કરે છે. એને કેવી રીતે સમજાવું?
ઉત્તર : તમે તમારા માતાપિતા સાથે આ અંગે વાત કરી તેમને સાથે રાખી બહેનને સમજાવવાનો પ્રયત્ન કરો. જો તેમ છતાં એ પોતાની જિદ ન છોડે તો પછી એને એના નસીબ પર છોડી દો કેમ કે ભાઇ તરીકે તમે તો તમારી જવાબદારી અદા કરી દીધી છે.
પ્રશ્ન : હું પહેલાં જ્યાં નોકરી કરતી હતી, ત્યાં મને એક યુવાન ગમતો હતો. એને પણ હું પસંદ હતી. હવે હું બીજી જગ્યાએ નોકરી કરું છું, પણ એને ભૂલી શકતી નથી. ઘરમાં મારા લગ્નની વાત ચાલે છે. શું કરું?
ઉત્તર : તમને જો ખાતરી હોય કે એ યુવાન પણ તમને પસંદ કરતો હતો, તો તમે તમારી જુની ઓફિસે જઇ એની સાથે વાત કરો. જો એ તમને પસંદ કરતો હોય અને તમારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો ઘરમાં વડીલોને તમારી પસંદગી વિશે જાણ કરો. તમારા પ્રિયપાત્ર સાથે લગ્ન કરી શકશો.
પ્રશ્ન : મારી સાથે એક વાર મારા પાડોશીએ જબરદસ્તી કરી હતી. હવે એ મને વારંવાર સંબંધ બાંધવા માટે કહે છે. મને એ ગમતું નથી. શું કરું?
ઉત્તર : એ માણસે તમારી સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો છે તે વિશે તમારા પરિવારને જણાવી દો. તેઓ જાણતાં હશે તો એ માણસ તમને પરેશાન નહીં કરે.
પ્રશ્ન : હું જ્યાં નોકરી કરું છું, ત્યાં એક યુવાન વારંવાર મને માનસિક રીતે પરેશાન કરે છે. હું એને અવગણું છું, પણ એ સમજતો નથી. મારે શું કરવું?
ઉત્તર : કેટલાક માણસો એવા સ્વભાવના હોય છે કે તેમને તમે ગમે એટલા અવગણો તો પણ તેઓ સમજતાં નથી. તમે જોકે સારું કરો છો કે તેને વધારે મહત્વ નથી આપતાં. ધીરે ધીરે એ સમજી જશે.
પ્રશ્ન : મને એક યુવતી ખૂબ ગમે છે. મારે એની સમક્ષ મારી લાગણી વ્યક્ત કરવી છે. કેવી રીતે કરું?
ઉત્તર : તમે જો સાથે નોકરી કરતાં હો, તો એ યુવતીને મેસેજ મોકલીને અથવા તમારા કોઇ કોમન ફ્રેન્ડને વાત કરી એ યુવતીને તમારી લાગણીથી અવગત કરી શકો છો.
પ્રશ્ન : મારે એક યુવાન સાથે બે વર્ષ સુધી પ્રેમસંબંધ હતો. એ અચાનક મને છોડી ગયો ત્યારથી મને પ્રેમ શબ્દ પ્રત્યે નફરત થઇ ગઇ છે. હું એને ભૂલવા શું કરું?
ઉત્તર : તમારે એવા પ્રેમીને યાદ કરવાની શી જરૂર જે તમારા બે વર્ષના પ્રેમસંબંધ દરમિયાન પણ તમારી લાગણી ન સમજી શક્યો? એને ભૂલવા માટે થોડા સમય માટે તમે ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત થઇ જાવ.
પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મારે આગળ અભ્યાસ કરવો છે, પણ પરિવારમાં બધા મને લગ્ન કરી લેવા માટે કહે છે. મને સમજાતું નથી શું કરવું?
ઉત્તર : તમારે ઘરમાં વડીલ હોય તેમને તમારી ઇચ્છા જણાવીને કહો કે તમારે હજી આગળ અભ્યાસ કરવો છે. તેઓ ચોક્કસ તમારી અભ્યાસવાંછના સમજશે અને લગ્નની વાત થોડા સમય સુધી નહીં કરે.
પ્રશ્ન : મને છેલ્લા ઘણા સમયથી માસિક અનિયમિત આવે છે. મારી ઉંમર પચીસ વર્ષ છે. મને ખૂબ ચિંતા થાય છે. શું આની મારા લગ્નજીવન પર અસર થાય?
ઉત્તર : તમે બને એટલી ઝડપથી કોઇ ગાયનેકોલોજિસ્ટની સલાહ લો. જો તમે અપરિણીત હો, તો ચિંતા નથી. છતાં યોગ્ય સલાહ અને દવા લેવી વધારે હિતાવહ છે.
Comments
Post a Comment