સમી સાંજ અને સાથીદારનો સાથ...
પ્રેમ અને દાંપત્યમાં કલ્પના જેટલા રોમાંચક રંગ ભરી શકે છે, એટલી શક્તિશાળી બીજી કોઇ બાબત નથી. પ્રેમમાં પડનારી વ્યક્તિ યુવક હોય કે યુવતી, તમે જરા કલ્પના કરી જુઓ. સાથીદાર સાથે તમે કેવી રીતે વર્તશો, તમે રીસાશો તો એ કેવી રીતે મનાવશે, એને તમે કઇ રીતે મનાવશો, પ્રથમ સ્પર્શ કે ચુંબનની કલ્પના પણ તમને રોમાંચિત કરી દેશે. તમે કોઇના પ્રેમમાં હો તો એક વાર દિલ પર હાથ મૂકીને કહેજો કે તમને ક્યારેય એવું નથી થતું કે મારા સાથીદાર અમુક રીતે વર્તે?
સાથીદાર સાથે મળીને એક સાંજ વિતાવવાની હોય તો તમે શું કરશો?સૌપ્રથમ તો સાથીદારને જે રંગ સૌથી વધારે પ્રિય હોય તેવા રંગનો પોશાક પહેરવાનું યાદ આવશે. પ્રેમમાં લાલ રંગ ખૂબ મહત્વનો છે કારણ લાલ રંગ ઉત્તેજનાનો રંગ છે. લાલ પોશાકમાં સજીને આવેલા પ્રિયજનને જોઇ પ્રેમભાવ આપમેળે જાગૃત થઇ જાય છે. સુંદર મજાનો મેકઅપ અને તૈયાર થઇને તમે સાથીદાર સાથે કારમાં બેસી લોંગ ડ્રાઇવ પર નીકળો ત્યારે... હાઇવે પર કાર એની ગતિએ દોડી રહી હોય, ટ્રાફિક તો રહેવાનો જ પણ સાથીદાર સાથે હોય તો દુનિયાની શી પરવા કરવાની?
કારના એમપીથ્રી પ્લેયરમાંથી તમારા બંનેના પ્રિય ગઝલગાયકનો સ્વર ધીમે ધીમે કારમાં ગુંજી રહ્યો હોય અને ઢળતી સાંજના સૂર્યના કિરણો કારના કાચમાંથી પસાર થઇને સાથીદારની જુલ્ફોં સાથે છેડખાની કરી રહ્યાં હોય... એવા સમયે સાથીદારના હાથને હળવો સ્પર્શ કરી એની નિકટ જવાનો પ્રયત્ન કરો.
એના હાથ કે પગ પર તમારો હાથ હળવે હળવે ફેરવો. ભલે એમના હાથ સ્ટીયરિંગ વ્હીલ પર કેમ ન હોય? તમે તમારું માથું તો એના પર ટેકવી એમના તરફ મસ્ત નજર કરો અને પછી... આ રીતે લોંગ ડ્રાઇવનો આનંદ માણતાં કોંક્રિટના જંગલોથી દૂર કુદરતના સાનિધ્યમાં પહોંચી ગયાં. ત્યાં કોઇ એકાંત સ્થળે કાર એક તરફ ઊભી રાખો... ના, કંઇ કરવાની જરૂર નથી. તમે સાથીદાર સામે માદક નજરે જોઇ મધુર સ્મિત આપશો, તો પણ એ તમારા વણકહ્યા આમંત્રણનો અસ્વીકાર નહીં કરી શકે. એવા સમયે ખોટી આનાકાની કે ‘કોઇ જોઇ જશે’નો ભય મનમાંથી કાઢી નાખો.
‘પ્યાર કરનેવાલે કભી ડરતે નહીં’ એ વાક્ય યાદ કરી સાથ આપો. એના અધરનો અછડતો સ્પર્શ તમારા મનમાં દબાઇ રહેલા સ્પંદનોને પણ જાગૃત કરશે. તમારા તરફથી સાથીદારને સાથ આપો અને એ ચુંબનનો સ્પર્શ તમારા અધરની સાથે મન પર પણ કાયમ માટે અંકિત થઇ જશે. ચુંબન દરમિયાન સાથીદારને હળવે હાથે સ્પર્શ કરતાં રહો. એથી પ્રગાઢતા તેમ જ સાથીદારને પણ ખ્યાલ આવશે કે તમને પણ મજા આવી રહી છે. ક્યારેક તમારા તરફથી સાથીદારને ચુંબન કરો. એના હાથને તમારા અધરનો આછો સ્પર્શ પણ એમને નિકટ લાવવા માટે મજબૂર કરી દે છે. હા, એ સ્પર્શમાં માદકતા હોવી જોઇએ.
તમને કારમાં ભરાઇને બેસી રહેવાનું પસંદ ન હોય તો સાથીદાર સાથે કારના બોનેટ પર સાથીદારના આલિંગનમાં બંધાઇને ઢળતા સૂર્યના સૌંદર્યને માણી શકો. તમારે કંઇ જ કહેવાની કે કરવાની જરૂર નથી. તમે એના બાહુપાશમાં છો એટલે તમારી મૂક અનુમતિ સાથીદારને પ્રણયરસમાં તરબોળ કરી દેશે. એના આલિંગનમાં બંધાઇને તમે પણ પ્રેમની દુનિયામાં ખોવાઇ જાવ. આંખો બંધ કરી શરીરને સાવ ઢીલું છોડી દો. સાથીદાર પર નિર્ભર બની જાવ. એ તમને એવી રંગીન દુનિયામાં લઇ જશે, જેની તમે કલ્પના કરતાં હતાં.
આ રીતે એક સાંજ સંપૂર્ણપણે પ્રેમ અને પ્રિયજન માટે ફાળવી જુઓ. તમારી કલ્પનાની દુનિયા વાસ્તવિકતામાં પરિવર્તિત થયા વિના ન રહે તો કહેજો
Comments
Post a Comment