પાણીના એક ઘૂંટડાથી મળ્યું સુખ
સોસાયટીમાં રહેવા આવ્યાને રચનાને હજી એકાદ મહિનો જ થયો હતો. આ સોસાયટી અને અહીંનુ વાતાવરણ તેના માટે નવું હતું. તેને આજુબાજુમાં રહેતી મહિલાઓ સાથે હજી એટલો પરિચય પણ થયો નહોતો. તે ફક્ત પાડોશમાં રહેતી મહિલાઓને ઓળખતી હતી. જેમના નામ માલી અને સુજ્ઞા હતાં. રચના, માલી અને સુજ્ઞા ત્રણેય જણાં ક્યારેક સાંજે સોસાયટીના બાંકડે બેસીને વાતો કરતાં અને ક્યારેક શાકભાજી લેવા પણ સાથે જતા. એક દિવસ ત્રણેય સોસાયટીના બાંકડે બેસીને વાતો કરતાં હતાં, ત્યાં જ રચનાના સામેના ઘરમાંથી મોટેથી અવાજ સંભળાવા લાગ્યો.
તેઓ ત્રણેય રચનાનાં ઘરના ઓટલા પર જઇને ઊભાં રહ્યાં. સામેના ઘરમાં રહેતી અવની અને એના પતિ પ્રકાશનો ઝઘડવાનો અવાજ આવતો હતો. ત્યાંથી પસાર થતા લોકો પણ અવાજ સાંભળીને એક બાજુ ઊભા રહીને તેમના સંવાદો સાંભળવાનો પ્રયત્ન કરતા હતા. ધીમે ધીમે અવાજ મોટો થવા લાગ્યો. અડધા કલાક સુધી બંનેનાં અવાજ સંભળાતાં રહ્યાં. પછી વાતાવરણ શાંત થઇ ગયું. થોડી વાર બાદ ઘરનું બારણું ખુલ્યું અને પ્રકાશ ઘરની બહાર નીકળી ગયો.
બીજા દિવસે રચના કપડાં સૂકવતી હતી ત્યારે અવની બહાર દેખાઇ અને તેને જોઇ રચનાએ હળવું સ્મિત કર્યું. અવનીએ પણ તેની સામે જોઇને હસી. આ રીતે બે-ત્રણ દિવસ ચાલ્યું. રચનાને થતું કે તેણે અવનીને મળવા જવું જોઇએ. તેને મનમાં અવની માટે સહાનુભૂતિ થવા લાગી. રચના રોજ અવની અને પ્રકાશ વચ્ચે થતાં ઝઘડા સાંભળતી. એક દિવસ રચનાએ હિંમત કરી અને બપોરના સમયે અવનીના ઘરે ગઇ. પ્રકાશ ઘરમાં હતો નહીં અને અવની કપડાંને ઇસ્ત્રી કરતી હતી.
રચનાને આવેલી જોઇ અવનીએ તેને આવકારી અને બેસવા માટે કહ્યું. રચના તેનું ઘર જોતી રહી. ખૂબ સ્વચ્છ અને સુંદર રીત ગોઠવેલું હતું. અવની કેટલી કામમાં ચોક્કસ છે અને ઘરને પણ ખૂબ સુંદર રીતે સજાવીને રાખે છે. અવનીનું કામ પતી જતાં તે રચનાની પાસે આવીને બેઠી. બંનેએ વાતની શરૂઆત કરી અને વાતવાતમાં રચનાએ તે લાવેલી બોટલ અવનીને આપતાં કહ્યું, ‘અવની, આ જાદુઇ પાણી છે. તારે જ્યારે પણ પ્રકાશભાઇ સાથે ઝઘડો થાય ત્યારે આમાંથી પાણીનો એક ઘૂંટડો તારા મોંમાં ભરી રાખજે. પછી તેનો ચમત્કાર તને આપોઆપ સમજાશે.
અવનીએ રચનાની વાતને સ્વીકારી અને થોડા દિવસ આવું કર્યું. પાંચ-છ દિવસમાં જ બંને વચ્ચે ઝઘડો થતો બંધ થઇ ગયો. પ્રકાશ અને અવનીનું દાંપત્યજીવન પહેલાંની જેમ ફરીથી આનંદિત બની ગયું. અઠવાડિયા પછી અવની સામે ચાલીને રચનાને ત્યાં આવી અને તેનો આભાર માન્યો. રચનાએ કહ્યું, ‘અવની, આ કોઇ જાદુઇ પાણી નથી. મેં તને એટલા માટે પાણીનો ઘૂંટડો મોંમાં ભરી રાખવા માટે કહ્યું હતું કે જ્યારે પ્રકાશભાઇ કંઇ બોલે ત્યારે તું સામે જવાબ ન આપે અને ચૂપ રહે તો તમારા બંને વચ્ચેનો ઝઘડો આગળ ન વધે.
ધીમે ધીમે તમને બંનેને પોતપોતાની ભૂલનો ખ્યાલ આવે જેથી ઝઘડાને અવકાશ જ ન રહે.’વડીલોએ સાચું જ કહ્યું છે કે, એક વ્યક્તિના ચૂપ રહેવાથી સો લોકો સુખી થઇ શકે છે. આવો, આપણે પણ આપણા સુખી જીવન માટે આ વાતને અમલમાં મૂકીએ.
Comments
Post a Comment