-અમદાવાદ અને ગાંધીનગર માટે વિશાળ મેટ્રોપોલિટન ઓથોરિટી બનાવાશે-ટ્વીન સિટીમાં ટ્રાફિક નિયમન માટે ખાસ સવલતો, પહોળા રસ્તા, વાહનવ્યવહાર વ્યવસ્થા ઊભી કરાશે
અમેરિકાના
ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીના ધોરણે અમદાવાદ-ગાંધીનગર સહિત ૧૦ જેટલાં
શહેરોને ટ્વીન સિટી (જોડકાં શહેર) તરીકે વિકસાવવાનો રાજ્ય સરકારે નિર્ણય
કર્યો છે. આ ટ્વીન સિટીમાં જડબેસલાક ટ્રાફિક નિયમન ઉપરાંત વાહનવ્યવહારની
ખાસ વ્યવસ્થા ઊભી કરાશે અને રસ્તાઓ પહોળા કરાશે. આ શહેરોમાં વર્લ્ડકલાસ
માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. સરકારે અમદાવાદ-ગાંધીનગર માટે વિશાળ
મેટ્રોપોલિટન ઓથોરિટી બનાવવાનું પણ નક્કી કર્યું છે. રાજ્ય સરકારે તેના
બજેટમાં આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.
મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગર ખાતે જિલ્લા સેવાસદન, ગુજરાત
જિઓઇન્ફર્મેટિક રિસર્ચ એકેડેમી, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ
ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. તેમણે
અમદાવાદ-ગાંધીનગરને વર્લ્ડકલાસ ટ્વીન સિટી તરીકે નિર્મિત કરવાની જાહેરાત
કરી હતી. અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાં નર્મદાનાં પાણી ભરીને તેને જીવંત
કરવામાં આવી છે, તે રીતે હવે ગાંધીનગર સુધી સાબરમતીનું પાણી ભરવામાં આવશે
અને તેનાથી વિકાસનાં દૂરોગામી પરિણામો મેળવાશે.
મુખ્યમંત્રીએ
ગાંધીનગરને દુનિયાની અજોડ સૂર્યનગરી બનાવવાની નેમ વ્યક્ત કરીને કહ્યું
હતું કે, અહીં કોઈ પણ નાગરિક સૂર્યશક્તિના સંચયથી પોતાના મકાનની ઉપર
સિસ્ટમ વસાવીને વીજળી પેદા કરી શકશે અને તે વીજળી સરકારને વેચી પણ શકશે.
સત્તાવાર
માહિતી પ્રમાણે અત્યાર સુધી ગુજરાતમાં માત્ર અમદાવાદ, વડોદરા, સુરત અને
રાજકોટ શહેરનો જ મુખ્યત્વે ઔધ્યોગિક સહિતનાં તમામ ક્ષેત્રોનો વિકાસ થયો
હતો અને ગુજરાતનાં અન્ય શહેરો કે ગામડાંઓની મોટા ભાગની વસતી પણ આ શહેરોમાં
જ આવીને રોજીરોટી મેળવતી હતી તથા ધંધા-રોજગારના સંબંધો રાખતી હતી, પરંતુ
હવે રાજ્યના તમામ જિલ્લાઓનાં એક-કે બે શહેરોને મહત્વનાં શહેર તરીકે
વિકસાવવાના આયોજનના ભાગરૂપે જે નવા ઉદ્યોગો આવે છે તેને માટે જમીન સહિતની
અન્ય માળખાકીય સવલતો પણ આ શહેરોમાં મળે તે રીતે માર્ગદર્શન અપાય છે અને
આવાં અન્ય શહેરોમાં મોટા ઉદ્યોગો સ્થપાય અને તેનો વિકાસ થાય તેવા પ્રયત્નો
શરૂ કરી દેવાયા છે.
હવે રાજ્ય સરકારે અમદાવાદ-ગાંધીનગરમાં વસતી
વધતાં અને અહીં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા સરકારે બીઆરટીએસ ઉપરાંત મેટ્રો
રેલ શરૂ કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે, જેના માટે ‘મેટ્રોલિંક
એક્સપ્રેસ ફોર ગાંધીનગર-અમદાવાદ (મેગા) નામની એક નવી કંપનીની સ્થાપના કરી
છે અને આ માટે ૫૦ કરોડના ભંડોળની ફાળવણી કરી છે. તેની સાથે હવે અન્ય પાંચ
શહેરોને મિશન સિટી તરીકે વિકસાવવા બજેટમાં ૫૬૪ કરોડ જેટલી ધરખમ રકમની પણ
ફાળવણી કરવામાં આવી છે.
Comments
Post a Comment