લોકઅદાલતમાં કેસનો નિકાલ પક્ષકારોની સંમતિથી થતો હોઇ, પક્ષકારોને તેમનાં સંતોષ મુજબનો અને ઝડપી ન્યાય મળે છે. પરિણામે એવું થાય છે કે પક્ષકારોની વચ્ચે જે વૈમનસ્ય હોય છે તે દૂર થાય છે અને સારા સંબંધો પુન:સ્થાપિત થાય છે.
કાનૂની સેવા અને સહાય સમાજનાં નબળા વર્ગને વિના મૂલ્યે મળે તે માટે કાનૂની સેવા સત્તામંડળ લોક અદાલતનું આયોજન કરે છે. સમાધાનપૂર્વક કેસોનો નિકાલ થાય તે માટે લોકઅદાલત યોજવામાં આવે છે. લોકઅદાલત યોજવાનું નક્કી થાય ત્યારે અગાઉથી જાહેરાત કરવામાં આવે છે અને જે પક્ષકારોને પોતાનો કેસ લોકઅદાલત સમક્ષ મૂકી અને કેસનો ઝડપી નિકાલ લાવવો હોય સાથે સાથે સમાધાન પણ કરવું હોય તો પક્ષકારો એકબીજાની સંમતિથી તેમનો કેસ લોકઅદાલતમાં મુકાવી શકે છે. પક્ષકારોની સંમતિથી તેમના કેસો લોકઅદાલતમાં મૂકવામાં આવે ત્યારે પક્ષકારોને આ બાબતની જાણ લેખિત નોટિસથી કરવામાં આવે છે અને લોકઅદાલતની તારીખે, સમયે અને સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવે છે.
આવા પક્ષકારો લોકઅદાલતમાં હાજર થાય ત્યારે, તેમનો કેસ સમાધાન પંચ પાસે રજુ થાય છે અને પક્ષકારોને સમજાવીને તેઓની તકરારનો નિકાલ લાવવા પ્રયત્ન થાય છે. તકરારનું નિરાકરણ થાય તો તે મુજબ લેખિત સમાધાન નોંધવામાં આવે છે. આ સમાધાન સંબંધકર્તા ન્યાયાધીશશ્રી સમક્ષ રજુ થાય છે અને તેના ઉપર કાયદા મુજબનાં આદેશ ફરમાવવામાં આવે છે અને તે રીતે કાયદા મુજબ કેસનો નિકાલ થાય છે. આ નિકાલ આખરી હોય છે. લોકઅદાલતમાં કેસ મૂકવાથી પક્ષકારોને અદાલતમાં આવવા-જવાનો, સાક્ષીઓ લાવવાનો ખર્ચ થતો નથી તેમ જ આગળની કોર્ટોમાં જવા માટે અપીલનો ખર્ચ થતો નથી.
લોકઅદાલતમાં કેસનો નિકાલ પક્ષકારોની સંમતિથી થતો હોઇ, પક્ષકારોને તેમનાં સંતોષ મુજબનો અને ઝડપી ન્યાય મળે છે. પરિણામે એવું થાય છે કે પક્ષકારોની વચ્ચે જે વૈમનસ્ય હોય છે તે દૂર થાય છે અને સારા સંબંધો પુન:સ્થાપિત થાય છે. આમ જોઇએ તો સમાધાનરૂપી વલણ અપનાવવાથી પરિવાર, પડોશ અને સમાજમાં સારું વાતાવરણ બની રહે છે. એ જાણવું ખાસ જરૂરી છે કે લોકઅદાલતમાં ફેંસલો થતાં કેસોમાં ભરેલી કોર્ટ ફી પક્ષકારોને નિયમાનુસાર પરત કરવામાં આવે છે.
આપણા દેશમાં લોક ઉપયોગી કાયદા ઘણાં છે, પરંતુ તેની માહિતીના અભાવે લોકો કાયદાથી મળતા હકોનો ઉપયોગ જ કરી શકતા નથી. આ બધા કાયદાઓની માહિતી મળી રહે તે માટે જુદી જુદી જગ્યાએ કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ શિબિરોમાં લોકોને ઉપયોગી એવા કાયદાની સમજણ સરળ ભાષામાં આપવામાં આવે છે. ઘણી સામાજિક સંસ્થાઓ કાનૂની શિબિરો યોજતી હોય છે અને જાગૃતિનાં કાર્યક્રમો યોજી કાનૂની સહાય કેવી રીતે મેળવી શકાય તેની માહિતી સામાન્ય જનતા સુધી પહોંચાડે છે.
ઘણી કોલેજો પણ આવા કાનૂની શિક્ષણ શિબિરો યોજે છે અને કાયદાના નિષ્ણાતને બોલાવી વિવિધ કાયદા અંગે લોકોને માહિતગાર કરે છે. કાનૂની શિક્ષણ શિબિર અને લોકઅદાલત ક્યારે અને ક્યાં યોજાય છે તે જાણવા માટે જે તે કોર્ટમાં જ્યાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસ આવેલી હોય ત્યાં તપાસ કરી શકાય.
લોકઅદાલતની પ્રવૃત્તિને વેગ મળે, સામાન્ય માણસ સરળતાથી અને ઝડપી ન્યાય મેળવી શકે તે માટે દરેક ન્યાયતંત્રની કચેરીમાં, સરકારી ઓફિસોમાં અને જાહેર સ્થળે લોકઅદાલતની પ્રવૃત્તિ અને કાનૂની સહાય વિશે માહિતી આપતાં ચોપાનિયા લગાવાય છે જેથી જનતા આનો લાભ લઇ શકે. આ યોજનાનો સૌને લાભ મળે તે માટેની મોટી ઝુંબેશ સેવા સત્તામંડળે ઉપાડેલ છે.
Comments
Post a Comment