ઐતિહાસિક રૂદ્રમહાલય, પ્રાચીન બિંદુ સરોવર અને વ્હોરા સમાજનાં કલાત્મક મકાનો વિશ્વમાં પ્રસિદ્ધ છે
વારસો જાળવવા સિદ્ધપુર સ્મૃતિ ટ્રસ્ટની રચના કરાઇ
ઐતિહાસિક રૂદ્રમહાલય, પ્રાચીન બિંદુ સરોવર અને વ્હોરા સમાજના કલાત્મક મકાનોથી વિશ્વમાં માતૃગયા તીર્થ તેમજ હેરિટેજ શહેર તરીકે વિખ્યાત સિદ્ધપુર શહેરનો વારસો જાળવવા વારસાપ્રેમીઓ જાગૃત બન્યા છે અને આ સંદર્ભે સિદ્ધપુર સ્મૃતિ ટ્રસ્ટની રચના કરાઇ છે. જેના ઉપક્રમે સોમવારે હેરિટેજ વોકનું આયોજન કરાયું હતું.
સવાર ૯ કલાકે જૂના ટાવર ઝાંપલીપોળથી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આગેવાનોએ હેરિટેજ વોક કર્યું હતું. જે ઝાંપલીપોળ, જૂની વોરવાડ, અલવાનો ચકલો, રૂદ્રમહાલય, નિશાળ ચકલા થઇને બિંદુ સરોવર ખાતે પૂર્ણ થઇ હતી. સાંસદ દિલીપભાઇ પંડ્યા અને કલેક્ટર જે.જી. હિંગરાજિયાની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. ડાયરેકટર સેન્ટર ફોર હેરિટેજ મેનેજમેન્ટ દેવાશિષ નાયક તેમજ ગુજરાત સરકારના હેરિટેજ આર્કિટેકટ આશિષ કાપડીયા દ્વારા શહેરના મકાનો, મંદિરો તેમજ વિવિધ ઇમારતોનું પ્રદર્શન યોજાયું હતું.
આવનાર સમયમાં નગરનો વારસો કઇ રીતે જળવાઇ રહે તેના માટે ક્યાં પગલાં ભરવા જોઇએ તેની વિગતવાર ચર્ચા વિચારણા કરાઇ હતી. અસગર શાહપુરવાલા, બોમ્બેના સોલિસીટર યતશિ પંડ્યા, ભુવનેશ્વરી મખારીયા દ્વારા ટ્રસ્ટની રચના થકી સિદ્ધપુરના વિકાસનું આયોજન રજૂ કરાયું હતું. સાંસદ દિલીપભાઇ પંડ્યાએ સરકાર તેમજ કેન્દ્ર તરફથી બનતી તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી.
અગ્રણી અસગર શારપુરાવાળાએ જણાવ્યું હતું કે, આ રજિસ્ટર્ડ ટ્રસ્ટ દ્વારા સિદ્ધપુર તેમજ તેની આસપાસના વિસ્તારને વિકસાવવાનું કામ ઝડપથી કરવામાં આવશે.
મૂળ સિદ્ધપુરના હાલ મુંબઇ ખાતે સોલીસીટર યતિશ પંડ્યા, ભુવનેશ્વરી મખારીયા, શલુય શાસ્ત્રી, ભૂપેન્દ્ર જોષી દ્વારા આગામી સમયમાં સિદ્ધપુરના બદલાવની ચર્ચા કરાઇ હતી. પાલિકા પ્રમુખ ભરતભાઇ મોદીએ પાલિકા દ્વારા રોડ, ડ્રેનેજ, પાણી, લાઇટની તમામ મદદ કરવા ખાત્રી આપી હતી. પ્રવાસન મંત્રી સિદ્ધપુરના હોવાથી વિશ્વફલક પર હેરિટેજ શહેર તરીકે વિકસાવવા માટે હેરિટેજ મેનેજમેન્ટ, ટુરિઝમ મેનેજમેન્ટ અંગે ઉપસ્થિત આગેવાનોનાં સૂચન લેવાયાં હતાં.
મિટિંગમાં ઇસ્માઇલ બ્લ્યૂ, યુસુફભાઇ ઘીવાળા, જુહુભાઇ મનસુરી, રમીલાબેન ગાંધી, મામલતદાર જોષી, યુનુસભાઇ મામુવાળા, મહંમદભાઇ મદ્રાસવાળા ઉપસ્થિત રહ્યા હતા.
શહેરનાં હેરિટેજનાં બે પુસ્તક પ્રસિદ્ધ થયાં
સિદ્ધપુર શહેરનાં મંદિરો, ઇમારતો તેમજ વ્હોરા સમાજના ૧૦૦ વર્ષ કરતાં જૂના મકાનોને દર્શાવતાં બે પુસ્તક આર્કિટેકટ જાયંબભાઇ કાઝીએ અગાઉ પ્રસિદ્ધ કર્યા હતાં. જે સાંસદ દિલીપભાઇ પંડ્યા અને કલેક્ટર હિંગરાજિયાને અર્પણ કરાયાં હતાં. જે બે પુસ્તકમાં સિદ્ધપુરની બેનમૂન ફોટોગ્રાફી પ્રકાશિત કરાઇ છે.
સરકાર દ્વારા રૂ.રપ લાખની ગ્રાન્ટ ફાળવાઇ
કલેક્ટર જે.જી. હિંગરાજિયાએ સિદ્ધપુર આવતા તમામ ટુરિસ્ટને ગાઇડ, પાકિઁગ, રહેવા- જમવા તેમજ ઊંટગાડી કે ઘોડાગાડી દ્વારા શહેરનું ભ્રમણ કરીને આપણો ઐતિહાસિક વારસો જોઇ શકે તે દિશામાં યોજના બની રહી છે. તે અંતર્ગત R રપ લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે અને સિદ્ધપુર, પાટણ, મોઢેરા અને વડનગરનો ઈતિહાસ જણાવી શકે તેવા ગાઇડ પણ તૈયાર થઇ રહ્યાં છે તેમ જણાવ્યું હતું.
Comments
Post a Comment